ધુળેટીનો રંગ – આખરે એક માતાનું હૃદય પીગળ્યું અને બાળકો સાથે ઉજવી ધૂળેટી, દક્ષા રમેશની કલમે…

રાકેશ તેના બંને બાળકોને લઈને બજારેથી ઘરે આવતો હતો. રસ્તામાં દુકાનો અને લારીઓમાં જુદા જુદા રંગો અને પિચકારીઓ વેચાતા હતા. કેમ ન વેચાય ? કારણ કે હોળી ને ધૂળેટી નો તહેવાર હતો. ધાણી, દાળીયા, ખજુર, હરડા ,…. આ બધાની ધૂમ હતી બજારોમાં ! રસ્તે જતા સૌ કોઈના હાથમાં જાતજાતની વસ્તુઓ, રંગો,, પિચકારી હતી કે પછી ફુગાના પેકેટ હતા. નહિતર અબીલ ગુલાલ તો ખરા જ !! આવુ બધું જોઈ જોઈને ચાર વર્ષની રીંકી બોલી, ” પપ્પા !! મને ફુગ્ગા લઇ દો !! પપ્પા મને રંગો લઈ દો !! પપ્પા !! પપ્પા !! જુઓ પેલી પિચકારી કેવી સરસ છે !! એતો મને અપાવો જ…!!”રાકેશ એ કશું જ ન અપાવ્યું . નાનકડી રીંકીએ તો રીતસરનો કજિયો શરૂ કર્યો. પણ, છ વર્ષનો ચિન્ટુ તેને સમજાવવા લાગ્યો, ” જો આપણે કાંઈ નથી લેવું ! હું ક્યારેય રંગો પિચકારી નથી લેતો. ફુગ્ગા પણ નથી લેવડાવતો, પણ રડતી રડતી રીંકી કહે , ” ના.. ના.. તું ન લે તો કાંઈ નય !! મારે તો લેવા જ છે !! એં…. એં…” રાકેશ હવે બોલ્યો, ” આપણે કાંઈ નથી લેવું ! ચુપ થઇ જા !! ત્યારે રીંકી કહે, ” જુઓ, જુઓ, બધાય લે છે !! મારે લેવા, રંગો લેવા, ફુગ્ગા પિચકારી લેવા…. !!” ચિંન્ટુ કહે, ” જો મેં ય ક્યારેય નથી લીધી પિચકારી !! નથી લીધા ફુગ્ગા !! આપણાથી નો લેવાય આ બધું !!” રીંકી કહે, ” કેમ ?? શુ કામે ના લીધા ??” શું કામ આપણાથી ના લેવાય ?? ” ત્યારે તો ચિંન્ટુ પણ મુંજાયો. તે પણ રાકેશ ની સામે જોઇને બોલ્યો, ” મને ય ખબર નથી ! પપ્પાને પૂછી જો !!”
રીંકી કહે , ‘ ઓ, પપ્પા કયો ને !! આપણાથી કેમ આવું બધું ના લેવાય !! પપ્પા પપ્પા કહોને શા માટે આવું ના લેવાય ??” રાકેશ હવે આડું જોઈ ગયો. તે કશું જ ન બોલ્યો અને ઘર આવ્યું ત્યાં સુધી રિંકી રડતી રહી. ઘર આવ્યું, તેઓ ત્રણેય અંદર આવ્યા રાકેશ જોઈ રહ્યો.. તેની પત્ની વર્ષા નો ચહેરો તો પહેલથી ઉતરેલો જ હતો. રીંકીનું રડવાનું ચાલુ જ હતું. રાકેશે તેને છાની રાખવાના વ્યર્થ પ્રયાસ કર્યા !! પણ તે કશું સાંભળતી જ નહોતી. નાનકડા ચિન્ટુને પણ કાંઇ સમજાતું નહોતું કે “વાર-તહેવારે, મેળામાં કે પછી અમસ્તા પણ અમને ભાઈ બેન ને, અમે જે માગીએ તે પપ્પા અપાવે છે, હોંશે હોંશે ખરીદી કરાવે છે, પણ હર વખતે હોળી-ધૂળેટીના સમયે ઘરમાં આ શું થાય છે ?? આવો સુનકાર કેમ વ્યાપી જાય છે ??….”
રાકેશે ઘણીવાર, એની પત્ની વર્ષાને સમજાવવા પ્રયત્ન કર્યો કે કુદરત પાસે કોઈનું કશું ચાલતું નથી અને વાસ્તવિકતા જે છે તેને સ્વીકારીને, બધું ભૂલીને જીવવું જોઈએ, રાકેશને પણ એટલી તો ખબર હતી કે કોઈ પણ સ્ત્રી પોતાનો પ્રથમ પ્રેમ ભૂલી શકતી નથી તેવી જ રીતે પહેલું બાળક પણ તેને ખૂબ ખૂબ વ્હાલુ હોય છે ! રાકેશ અને વર્ષા ના લગ્ન પછી, બીજા જ વર્ષે તેમને ત્યાં પીન્ટુનો જન્મ થયો હતો.પતિ-પત્ની બંને તેને ખૂબ લાડ લડાવતા અને પિન્ટુની પરવરીશમાં ગાંડા ઘેલા થતાં હતાં. પિન્ટુ એક વર્ષનો થતાં, સગા, સંબંધીઓ અને મિત્રોને બોલાવી ખૂબ જ ધામધૂમથી પીન્ટુ નો બર્થ ડે ઉજવ્યો હતો. વર્ષા તો પીન્ટુ પાછળ દોડાદોડ થતી રહેતી. રાકેશ ઘરે પાછો ફરે ત્યારે વર્ષાની વાતોમાં, કેન્દ્ર સ્થાને પીન્ટુ જ હોય !! ” આજે પીન્ટુએ આમ કર્યું, અને આજે પીન્ટુએ તેમ કર્યું !! પીન્ટુ ક્યારે સૂતો !! પીન્ટુ ક્યારે ઉઠ્યો…!! પિન્ટુ.. આમ..પિન્ટુ તેમ…!”
વર્ષા તો પીન્ટુ પાછળ પ્રેમથી ઘેલી જ બની ગઈ હતી. રાકેશ પણ બંનેને જોઇને ખુશખુશ હતો. પીન્ટુ દોઢેક વર્ષનો થયો જ્યારે અને એ હોળીનો તહેવાર આવ્યો હતો. તે દિવસે તેને થોડો તાવ આવતો. તેઓ સામાન્ય ડોક્ટરની દવા લઈ આવ્યા હતા. બીજા દિવસે ધૂળેટી હોવાથી રાકેશના મિત્રો અને સોસાયટીના લોકો બધા રંગે રમતા હતા. આગ્રહ કરીને રાકેશ અને વર્ષાને પણ ઘરમાંથી બહાર બોલાવી ગયા. પછી તો બધા રંગે એટલા રમ્યા… ખૂબ મજા કરી !! તે વખતે, વર્ષા અને રાકેશે વારાફરતી પીન્ટુને તેડેલો રાખ્યો હતો. તે પણ થોડો ઘણો તો ભીંજાઈ ગયો હતો અને તેથી જ તો બંને જણ થોડીવારમાં રમીને ઘરની અંદર પણ આવી ગયા હતા. રાકેશ અને વર્ષા રંગોથી તરબતર થઈને રંગબેરંગી થઈ ગયા હતા. ગોરો ગોરો પિન્ટુ પણ ગુલાબી લીલો, લાલ,જાંબુડી કલરથી મજાનો શોભતો હતો. તેને વર્ષાએ ઝડપથી નવડાવી, સાફ કરી, કોરો કરીને કપડાં પહેરાવી, ઢાંકી,ઢબૂરીને સુવડાવ્યો. પોતે પણ નાઇ ધોઇને ફ્રેશ થયા.પરંતુ …., પીન્ટુ ને તો તાવ વધતો ચાલ્યો !! તહેવારનો દિવસ હોવાથી એ દિવસે દવાખાના ખુલ્લા ન હતા. બંને ખૂબ મૂંઝાણા સોસાયટીના લોકોએ અને રાકેશના મિત્રોને જાણ થઈ કે પીન્ટુ બીમાર પડી ગયો છે. બધા પીન્ટુ ની ખબર પૂછવા વારાફરતી આવતા રહ્યા. પીન્ટુ નો તાવ ખુબ વધી ગયો હતો અને તેને આચકી આવવા લાગી.. એ જ સમયે, રાકેશના એક મિત્રએ, તેના ઓળખીતા ડોક્ટરને વિનંતી કરી અને ઘરે બોલાવી લાવ્યા પણ ડોક્ટર આવીને સારવાર આપે, તે પહેલા જ પીન્ટુ, પ્રભુને પ્યારો થઈ ગયો ! ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો . બધા લોકો હેરાન થઈ ગયા. તહેવારનો આનંદ જતો રહ્યો. બધાને ખૂબ દુઃખ થયું. રાકેશ ઉપર તો પહાડ તૂટી પડયો અને વર્ષા તો આ બનાવ પછી સાવ દિગ્મૂઢ થઈ ગઈ હતી તેને આ આઘાતની કળ કેમેય કરીને વળતી નહોતી. પછી તો, ધુળેટી આવે તે પહેલા જ વર્ષા ગમગીન થઈ જતી, રડતી અને પીન્ટુ ને માટે ઝુર્યા કરતી !
“દુઃખનું ઓસડ દહાડા ” એ ન્યાયે રાકેશ અને વર્ષા ધીમે ધીમે સ્વસ્થ થયા. પછી તો તેના સંસાર બાગમાં, બીજા બે ફૂલ પણ ખીલ્યા. પહેલા ચિંન્ટુ અને પછી આ રીંકી !! તેઓને ઉછેરવામાં પતિપત્ની પરોવાઈ ગયા. છતાંય, જ્યારે પણ હોળી અને ધુળેટી આવતા ત્યારે.. ! ત્યારે હોળીનો દિવસ આવે એ પહેલા જ વર્ષા ખૂબ દુઃખી થઈ જતી અને ઘણા દિવસ સુધી ઘરમાં ગમગીની છવાઈ જતી.
સોસાયટીના લોકો હોળીનો તહેવાર ઉજવતા પણ વર્ષા અને રાકેશ તેઓની સાથે સામેલ ન થતા. હોળીના ફાગ ગાતા નાચતા રાજસ્થાની લોકો નીકળતા તો પણ વર્ષા નારાજ અને દુઃખી થઈ ને, ઘરના બારી-બારણા બંધ કરી દેતી. નાસમજ ચિન્ટુને એટલી સમજ આવી ગઈ હતી કે ઘરમાં વાર-તહેવાર બધા જ ધામધૂમથી ઉજવાય છે ! પણ હોળીના તહેવાર વખતે ઘરમાં , કશુંક, ગમે નહીં તેવું, ઘરનું વાતાવરણ ઉદાસ બની જતું.
તેના નાના-નાના દોસ્તો અગાઉથી રંગો પિચકારી લેતા એકબીજાને બતાવતા પણ ખરા ! એકવાર તેણે આ બધી વસ્તુઓ ખરીદવા માટે ઘરમાં માંગણી કરી ત્યારે વર્ષાએ, ચિંન્ટુ ને એવો ધમકાવેલો, કે પછીથી તે ચૂપ થઈ ગયો.. અને ક્યારેય તે, પિચકારી, ફુગ્ગા કે રંગોની માંગણી કરતો નહીં. બધા એકબીજાને “”હેપી હોલી”” ની શુભેચ્છાઓ આપતાં , પરંતુ આ ઘરની હોલી ક્યારેય હેપ્પી ના બની.નાનકડી રીંકી આજે રડતી રડતી સુઈ ગઈ હતી હતી. તે ઊંઘમાં ય હીબકાં ભરતી હતી. આ જોઈને રાકેશ ઊભો થઈ વર્ષા પાસે આવી બોલ્યો, ” જો વર્ષા, હવે કેટલા વર્ષો સુધી, તું આમ હર હોળી-ધુળેટી આવું રાખીશ ! ” વર્ષા તેના સામે દુઃખી નજરે જોઈ રહી. તેને સમજાવતા રાકેશે કહ્યું, ” વર્ષા જનાર તો ગયો ! પણ, આ માસુમ નો વિચાર કર ! જો આ બે ય બાળકો !! બધાને હોળી ના દર્શને જતા, પ્રસાદી ખાતા જુએ, બધા આનંદ મસ્તી કરે તે જોતા રહે, અને હીજરાયા કરે !! ધુળેટીના રંગો બધા રમે , અબીલ-ગલાલ કંકુની છોળો ઊડે ! લાલ પીળા રંગથી નાય ને નવડાવે !! આ બંનેને શા માટે રંગોથી અળગા રાખે છે ?? આ નિર્દોષ ભુલકાઓનો શો વાંક છે ?? રમવા દે એમને !! એમની હોલીને પણ હેપી હોલી થવા દે !!” ” ના, ના !!, ” વર્ષા બોલી, ” મારાથી એ નહીં બને ! હું મારા પીન્ટુના મોતને ભૂલી જાવ ?? એ શક્ય જ નથી !! હવે તમે કશું જ ન બોલતા !!
અને…વર્ષા રડી પડી. રાકેશ સમજી ગયો કે આ દુઃખી માં કોઈનું માનશે નહીં. છતાં પણ, જતાં-જતાં તેનાથી રહેવાયું નહી અને તે બોલ્યો, ” આને કોણ સમજાવે ?? કે જે ગયું તેને યાદ કરી કરીને, અને જે પાસે છે તેને દુઃખી શા માટે કરવા અને શા માટે રડાવવા ?? શા માટે..??” રાકેશ જતો રહ્યો. વર્ષાએ રડતા રડતા સાંજની રસોઈ બનાવી. રાકેશ રીંકીને જમાડવા ઉઠાડી. પણ તે ઉઠતાની સાથે રડવા લાગી. ગમેતેમ ફોસલાવે, પટાવે, પણ તે પિચકારી ને રંગો નું લીધું વેન, ભૂલતી ન હતી ! રાકેશ ખૂબ પરેશાન થઈ ગયો. રીંકીને ચૂપ કરવા માટે ખૂબ મથામણ કરી છતાં તેનો કજીયો બંધ ન કર્યો અને મોટેથી ભેકડો તાણ્યો… !! રાકેશના મગજ ઉપર કાબુ છટક્યો અને રિન્કીને એક થપ્પડ લગાવી દીધી તે વધારે જોરથી રડવા લાગી … વર્ષા પણ રડી.. ચિન્ટુ પણ રડી પડ્યો !!

રાકેશની આંખોમાં આંસુની ધાર થઈ !! આ જોઈ રડતાં બન્ને બાળકો તેની પાસે આવીને કહેવા લાગ્યા, ” પપ્પા, પપ્પા, હવે અમે કોઈ દિવસ રંગો નહીં માગીએ ! પણ પપ્પા !!, તમે ન રડો નય !! અમારે કાંઈ નથી જોઈતું બસ !!” બન્ને વહાલસોયા છોકરાવ ને લઇ રાકેશ બેડરૂમમાં ગયો અને તેમને છાતીસરસા ચાંપીને સૂતો… એ ત્રણે ને થોડી વાર બાદ ઊંઘ આવી ગઈ ! આગળના રૂમ માં વર્ષા પિન્ટુની યાદમાં રડવાનું ખંખેરીને, ઊભી થઈ અને બધાને જમવા બોલાવવા બેડરૂમમાં આવી. જુએ છે તો બંને બાળકો રાકેશ ને વળગી ને સુઈ ગયા હતા. રાકેશને પણ ઊંઘ આવી ગઈ હતી. તે પણ જમી નહીં અને આડી પડી. પણ તેને ઊંઘ આવતી હતી નહોતી. તેના કાનમાં પડઘા પડતા હતા…સવારથી જ રિંકી, ” મમ્મી, મમ્મી, દાળીયા ખજુર લેવા છે, પપ્પા, પપ્પા, રંગો ફુગ્ગા લેવા છે !! ” નો માસૂમ કાકલૂદી ભર્યો અવાજ, ચિંન્ટુ નો મૂરઝાયેલો ચહેરો !! રિંકી ના કજિયા !! રાકેશની સમજાવટ !! આ બધું રહી રહી ને તેની નજર સમક્ષ તરવરતું હતું. તે… છેક મોડી રાતે તેણે મનોમન કંઈક ગાંઠ વાળી અને પછી તેને ઉંઘ આવી. સવારે, વર્ષા જરા મોડેથી ઉઠી, રાકેશ ચીંટુ અને રિંકી ઉઠી ગયા હતા. ચિંટુ અને રિન્કીને નવડાવીને રાકેશે પણ નાહી લીધું હતું. એ ત્રણેય ઘરમાં ભગવાનના મંદિર પાસે પ્રાર્થના કરતા હતા. ત્યાં બાજુમાં રહેલા પીન્ટુ ના ફોટાને જૂનો હાર કાઢીને નવો તાજા ખીલેલા ફૂલોનો હાર પહેરાવ્યો હતો. રાકેશે બંને બાળકોને કહ્યું, “આજે હું નવા કાર્ટૂનની પિક્ચરની CD લઈ આવ્યો છું આપણે તે જોઇશું. ” અને બંને બાળકોએ ડાહ્યાડમરા બનીને “હા ” પાડી દીધી.
વર્ષાએ પણ ફ્રેશ થઈને, બધાને ચા, દૂધ નાસ્તો આપ્યા. પછી તે પાછળ વરંડામાં ગઈ. તો ત્યાં. વર્ષોથી રહેલું કેસૂડાંનું ઝાડ !! તેની સામે જાણે કે અપલક નજરે જોઈ રહ્યું હતું. તેના ઉપર કેસુડાના ફૂલો લૂમેઝૂમે હતા પણ દર વખતની જેમ આ વખતે ધુળેટી એ પણ આ કેસુડો વર્ષા સામે જાણે કે અફસોસ વ્યક્ત કરતો ને આશ્વાસન આપતો લાગ્યો. વર્ષા એની પાસે ગઈ, કેસુડાના થડ ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગી. તેને આખા શરીરે ઝણઝણાટી થઈ આવી. પવનની એક જોરદાર લહેરખી આવી અને કેસુડાના ફૂલો વર્ષા ની આસપાસ ખરી પડયા અને કેસુડા એ પ્રેમનો વરસાદ વર્ષા ઉપર વેર્યો ખરી પડેલા કેસૂડાં ના ઝૂમખાં વર્ષાએ એકઠા કર્યા. તેને પાણીમાં મિશ્ર કરીને વર્ષાએ રંગ બનાવ્યો. તેમાં તેણે પૂજાની થાળી માંથી લાવીને અબીલ ગુલાલ પણ ભેળવ્યા …અને,તેણે રાકેશ, ચિંન્ટુ અને રીંકી ને સાદ પાડીને, બધાને ઘરની બહાર બોલાવ્યા. તે ત્રણેય તો આવીને જોઈ રહ્યા … કે આ શુ ?? રંગ ?? લાલ, ગુલાબી કેસરી… ??? ત્યાં તો .. “હેપ્પી હોલી” કહેતાક ને વર્ષાએ પહેલા રિન્કીને, ચિંન્ટુ ને અને પછી રાકેશને રંગ ઉડાડ્યા !! રિંકી તો આનંદથી નાચી ઉઠી. વર્ષા એ દોડીને આવી, ચિન્ટુના બન્ને ગાલ લાલ લાલ લાલ કરી દીધા. ચિંન્ટુ એ મમ્મી સામે જોઈ પૂછ્યું, મમ્મી, આપણે રંગ રંગ રમાય ?? રંગ ભરીને, વર્ષા બોલી ઉઠી, હા દીકરા રમાય જ , કેમ ન રમાય ?? ચિન્ટુ રંગે રમવા લાગ્યો ખુશ થઇને નાચવા લાગ્યો !! રાકેશ પણ ખુશ થઈ ગયો. ચારેજણા રંગથી ભીના થયા. રાકેશ પાસે આવી, વર્ષાએ કહ્યું , “હેપી હોલી !! ” અને પછી તો રાકેશ એને છોડે !! બન્નેએ એકબીજાને પ્રેમથી રંગી નાખ્યા. બધા ખુશ થયા અને રંગબેરંગી ફૂલોનો હાર ચઢાવેલા ફોટામાં રહેલ પીન્ટુ નો ચહેરો ખીલી ઉઠ્યો ! એ પણ જાણે કે ન કહેતો હોય, ” હેપ્પી હોલી !!”
લેખક : દક્ષા રમેશ “લાગણી” જૂનાગઢ.