દેશપ્રેમ માટે આવી કુરબાની તમે પહેલા ક્યાંય નહિ જોઈ હોય, અદ્ભુત વાર્તા…

“અબ્બુજાન, અમ્મીનો ફોન છે.. તમારી સાથે જરૂરી કામ છે. વાત કરી લો!” ઈર્શાદ ખાનનાં મોં પર સહેજ ગુસ્સો છવાઈ ગયો. તેના દીકરા તિયાઝે એ ગુસ્સો જોયો છતાંય તેમના હાથમાં ફોન પકડાવીને બહાર ચાલ્યો ગયો. “બોલો બેગમ.. ફરમાવો. તમને મના કરી છે ને હું મારા કાર્યક્રમમાં હોય ત્યારે આમ મને ખલેલ ન કરવી.. એવું શું તમારું કામ આવી ગયું હતું કે એક દિન ઇન્તઝાર ના કરી શકો. કાલ તો આ વક્ત હું તમારી કરીબ હોત ને..!”


“જી જનાબ.. પરંતુ વાત જરા કઠિન છે.. તમારે ફોરન ઘર આવવું પડશે.. ઓમૈરા બેટી ઘરમાં નથી.. અને ચીઠી છોડીને ગઈ છે..” ગભરાતા ગભરાતા સાદિયાબેગમે પોતાના ખાલીદને કહ્યું. “શું લખ્યું છે એમણે ચીઠીમાં?” “જી.. આપ ઘરે આવીને વાંચી લેજો. ફોન પર આપને કહીશ તો ખફા થશો..” “તો શું હું ઘરે આવીને તમારા પર એતબાર કરવાનો છું? ખયાલ રાખજો અગર તમારી શાહઝાદીએ મને ના પસંદ પડે એવું કર્યું હશે તો એમનું કત્લ કરતા હું જરા પણ નહીં ખચકાવ..” સાદિયા બેગમે ચુપચાપ આ વાત સાંભળી લીધી અને આટલું કહીને ઈર્શાદ ખાને ફોન મૂકી દીધો..

ઈર્શાદ ખાન ગુજરાતીઓમાં બહુ જાણીતું નામ.. આમ તો દેશ-વિદેશ પણ તે કાર્યક્રમો કરવા જાય પરંતુ ગુજરાતી પ્રજા તો એમની ગઝલો અને શાયરીની ચાહક હતી. તેમના કાર્યક્રમ માટે લોકો બે-ત્રણ મહિના પહેલાથી જ બુકિંગ કરાવી લેતા.. એમની સાથે એમનો દીકરો તિયાઝ પણ કાર્યક્રમોમાં જતો.. તેમની ગઝલોનો તે પણ દીવાનો હતો.. હવે તો તેઓ અમદાવાદ રહેતા પણ આમ આઝાદી વખતે તેમના વડવાઓ કચ્છમાં રહેલા.. ત્યાંથી પાકિસ્તાન જવાનું છોડીને તેઓ ભારત જ વસેલા.. ગઝલો તેઓ પહેલેથી સુંદર લખતા અને અવાજ પણ લાજવાબ હતો..


બચપનથી જ તેમને નામના મળવા લાગી હતી અને ત્રીસેક વર્ષ પહેલા તેઓ અમદાવાદ આવીને વસેલા. ઈર્શાદ ખાનને એક દીકરી પણ હતી.. બેહદ ખુબસુરત. જન્નતની હુર પણ તેની પાસે ઝાંખી લાગે. ઓમૈરા કોલેજના ત્રીજા વર્ષમાં ભણતી.. ઈર્શાદ ખાને તેમના મિત્ર સૈયદ સાહબ સાથે ઓમૈરાની શાદી નક્કી કરી લીધી હતી. ઓમૈરાથી અઢાર વર્ષ મોટા અને એક છોકરાના બાપ એવા સૈયદ સાહબની જાહોજલાલીની કોઈ સીમા નહોતી. દુબઈ, કરાંચી ને ઈરાક-ઈરાનમાં પણ તેમની પેહચાન હતી.. ભારતના પ્રધાનમંત્રી પણ સૈયદ સાહબને મળવાની ના કહી નહોતા શકતા.

ઓમૈરાને આ લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી.. પોતાની કોલેજમાં ભણતા, પ્રોફેસરના દીકરા રામ સાથે તેને પ્રેમ હતો.. પરંતુ તે બંનેનું કોઈ ભવિષ્ય નથી એ વાત તે સુપેરે જાણતી હતી.. બે-ત્રણ વખત ઈર્શાદ ખાન રામને ઓમૈરા સાથે જોઈ ગયેલા ત્યારે તેમણે પ્રેમથી એ દોસ્તી તોડવાનું ફરમાન પોતાની શાહજાદીને કરી દીધેલું, છતાય ઓમૈરા કદાચ આજે એની સાથે ભાગી હોવાની શક્યતા હતી..


“અબ્બુ, આદીલ સાહેબ બુલાવે છે..” તિયાઝે અંદર આવીને સામાન બાંધી રહેલા ઈર્શાદ ખાનને કહ્યું. ઈર્શાદ ખાન આમ તો અમદાવાદ રહેતા પરંતુ મુંબઈમાં દસ દિવસના કાર્યક્રમો હોવાથી છેલ્લા પંદર દિવસથી અહીં જ હતા.. આજે આ છેલ્લો કાર્યક્રમ પૂરો કરીને કાલ સવારની ફ્લાઈટમાં એ નીકળી જવાના હતા.. આદીલ સાહેબ તેમના મુંબઈના કાર્યક્રમોના ઓર્ગેનાઈઝર હતાં. દરેક વખતે મુંબઈ આવવાનું થાય ત્યારે આદિલ સાહેબને મળવાનું અચૂક થતું અને તે જ કાર્યક્રમો નક્કી કરતા.

“એમને કહી દે તિયાઝ કે જરૂરી કામ છે. અમદાવાદ જવું પડે છે.. હું દિલગીર છું..” “પણ એ તમારી સાથે જ વાત કરશે એવું કહે છે..” ઈર્શાદ ખાનને આ સાંભળીને વધુ ગુસ્સો આવ્યો.. તે આદિલ સાહેબ પાસે પહોચ્યા ને બોલ્યા, “મને મારું કામ નહીં સમજાવો.. મારા ઘણા ફેન છે તમારા નથી આદીલ સાહેબ.. તમને કોઈ ઓળખતું પણ ના હોત જો હું નાં હોત.. મારે જરૂરી કામ ના હોત તો હું ના જાત તેની ખબર છે ને તમને???” સવાલને વહેતો મૂકી આદીલ સાહેબનું મોં ખુલ્લું રહેવા દઈને ઈર્શાદ ખાન બહાર ચાલ્યા ગયા..


“સામાન પેક કરો લો બેટે.. હમણાં જ આપણે જઈ રહ્યા છે.. ફ્લાઈટ બુક કરી દીધી છે અમદાવાદની..!!!” તિયાઝ તેના અબ્બુને જોઇને ફટાફટ સામાન બાંધવા લાગ્યો.. સવારે અગિયાર વાગ્યે નીકળેલા તેઓ બે વાગ્યે તેમના ઘરે અમદાવાદ પહોંચ્યા.. ઘરે પહોંચતા જ ગુસ્સામાં રહેલા ઈર્શાદ ખાને દરવાજાને ધક્કો માર્યો.. બંધ દરવાજો જોઇને વધુ ગુસ્સો આવ્યો તેમને.. જોરજોરથી તેઓ દરવાજાને ખખડાવવા લાગ્યા.. તિયાઝ એકતરફ ચુપચાપ ઉભો હતો..

“દરવાજા ખોલો બેગમ..” સાદિયા બેગમે જેવો દરવાજો ખોલ્યો કે દરવાજો ખખડાવી રહેલા ઈર્શાદ ખાન સીધા તેમની પર જઈ પડ્યાં.. ગુસ્સામાં તો હતા જ સાદિયા બેગમને જોઈ તેમને વધુ ગુસ્સો આવ્યો અને એક થપ્પડ મારી દીધી તેમને.. પછી બોલ્યા, “બતાવો મને એ ચીઠી.. જલ્દી કરો..” ગુસ્સામાં થરથરતા ઈર્શાદ ખાન બોલી રહ્યા હતા કે અચાનક અંદરથી અવાજ આવ્યો,

‘મેરે દેશ કે ગુન્હેગાર, તેરી દુઆઓ મેં ભી જુઠા ધરમ બસ રહા થા, તેરે ગુનાહો કા આજ ફેસલા હોને વાલા હૈ, કરમ તેરા કેહ રહા થા !” ઓમૈરાના અવાજમાં પોતાની આ શાયરી-ગઝલ સાંભળી ઈર્શાદ ખાન સહેજ ચોંકી ગયા.. સાદિયા બેગમ આગળ આવ્યા અને ઈર્શાદ ખાનને હચમચાવીને બોલ્યા, “કેમ જનાબ.. હિન્દુસ્તાન તો આપણો દેશ છે. આપણું સબકુછ છે.. મુલક છે આપણો આ હિન્દુસ્તાન… આ અમદાવાદના લોકોએ તમને કેટલો પ્યાર અને કેટલી દુઆઓ આપી છે.. અને તમે એમની સાથે ધોખો કરી રહ્યા છો જનાબ..!!”


આ સાંભળતા જ ઈર્શાદ ખાનના ચહેરાના હાવભાવ ફરી ગયા.. પોતાની વાત આગળ વધારતા સાદિયા બેગમ બોલ્યા, “જનાબ.. આપણી આઝાદીનો દિન પંદર અગસ્ત છે.. ચૌદ અગસ્ત નહીં.. જે મુલકમાં તમને કોઈ પહેચાનતું પણ નથી એ મુલક માટે, ખોટા ધર્મ માટે તમે આજે જે કરવા જઈ રહ્યા છો એ ખોટું છે..” ઈર્શાદ ખાન સમજી ગયા કે તે હવે પુરેપુરા પકડાઈ ગયા છે.. હવે કંઈ છુપાવવાનો મતલબ નથી..

“બેગમ.. તમને બહુ પ્યાર છે, મહોબ્બત છે ને તમારા આ દેશથી તો રાખો.. પણ મારો મુલક પાકિસ્તાન જ છે અને રહેશે.. મારો પ્યાર એ જ બધા છે જે પાકિસ્તાનમાં રહે છે.. હિન્દુસ્તાનના કાફીરોથી મને કંઈ મતલબ નથી.. મને સૈયદ સાહેબે કહ્યું હતું કે જો હું આ આતંકવાદી હુમલો કરાવીશ તો મને પાકિસ્તાનના મારા ભાઈજાન પ્યારથી અપનાવશે.. અત્યારે તેમને મારા માટે પ્યાર નથી.. પણ એક વખત આ હુમલો થશે પછી આપણને બધાને એ લોકો મોહબ્બત કરશે.. ઓમૈરા બેટી સૈયદ સાહબ તને તો આખા પાકિસ્તાનની શાહજાદી બનાવીને રાખશે.. આજે ચૌદ અગસ્ત છે.. ને આજે સાંજે જ ચાર વાગ્યે આ હુમલો થશે.. આપણી આઝાદીના દિવસે જ આ હિન્દુસ્તાનના કાફીરો દુનિયામાંથી આઝાદ થઇ જશે..”


ઈર્શાદ ખાન આગળ કંઈ બોલે એ પહેલા જ ઓમૈરાએ પાછળથી આવીને તેમને પકડી લીધા. ને તરત જ તિયાઝ અને સાદિયા બેગમે પણ આવીને એમને બાંધી લીધા.. “બેગમ, હું તમારો શૌહર છું. આ તમે શું કરી રહ્યા છો? એક પરાયા દેશ અને કાફીરો માટે તમે મને નુકશાન કરશો?” “નુકશાન નહીં જનાબ.. જો આપે મને બધી હકીકત ના કહી તો જાનથી પણ મારી દઈશ..” “હા.. હા.. હા.. તમને ક્યારેય માલુમ નહીં પડે કે કેવી રીતે આ બ્લાસ્ટ થશે..” સાદિયા બેગમના મોં પર સહેજ ચિંતા છવાઈ ગઈ.. ત્યાં જ તિયાઝ બોલ્યો,

“અમ્મી, અબ્બુ જયારે સિગ્નલ આપશે ત્યારે જ આ બ્લાસ્ટ થશે.. મેં મુંબઈમાં તેમને આદીલ સાહેબ સાથે વાત કરતા સાંભળ્યા હતા. આદિલ સાહેબ પણ આ આંતકવાદી ટુકડીમાં શામિલ છે. અબ્બુ આ દરેક શાયરી-ગઝલના કાર્યક્રમોમાં તેમના બધા માલિકો સાથે અને ખાસ તો સૈયદ સાહબ સાથે મિટીંગ કરે છે. આ કાર્યક્રમ ખાસ તે બધાને મળવા માટે જ અબ્બુ રાખે છે.. આ વખતે બધી જવાબદારી અબ્બુ પર દુબઈના દાદાએ નાખી છે એટલે અબ્બુ જ આ મિશનના લીડર છે, જો અબ્બુ નહીં હોય તો કદાચ…”


ને આગળની વાત તિયાઝે અધુરી મૂકી દીધી પણ સાદિયા બેગમ સમજી ગયા કે એ શું કહેવા માગે છે.. ઈર્શાદ ખાનના ચહેરા પર ક્રોધ છવાઈ ગયો હતો. દુરથી તેઓ પોતાની બેગમ, દીકરો અને દીકરી પર થુંક્યા.. સાદિયા બેગમ બે ઘડી મૂંઝવણમાં ફસાઈ ગયા. અચાનક જ તેમનો ફોન રણક્યો. “હેલો રાધા ભાભી જય શ્રી કૃષ્ણ. ઠીક છો?” “હા સાદીયાબાનું.. સલામ.. આજે અમારા ઘરે લોટા તેડ્યા છે.. આપની શાહજાદીને જમવા મોકલજો.. અને આપ પણ આવજો.. સાથે મળીને ગરબા ખેલીશું.. તમને સરસ અમારા ગરબા બોલતા શીખવાડીશ..”

“જરૂર જરૂર..” “ચાલો તો મળીએ સાંજે.. ખુદા હાફીઝ..” “જય શ્રી કૃષ્ણ” સાદિયા બેગમને પોતાની મૂંઝવણનો જવાબ આ ફોનમાંથી જ મળી ગયો. જે દેશ અને દેશના લોકોએ આટલું માન, સમ્માન અને પ્રેમ આપ્યો તે કોઈને પણ નુકશાન ના પહોચે એ જોવાની જવાબદારી તેમની હતી..


આટલું વિચારીને તરત જ પોતાના ખાનામાંથી બંદુક લાવ્યા અને કંઈપણ જોયા-વિચાર્યા વગર સીધી ઈર્શાદ ખાનની છાતીમાં ગોળી ધરબી દીધી.. આ જોઇને ઓમૈરાને પણ ગુસ્સો આવ્યો.. તેના મગજમાં રામ અને તેના સગાઓ-મિત્રો છવાઈ ગયા.. ને તરત તેણે બીજી ગોળી ચલાવી.. તિયાઝે પણ પોતાના અબ્બુ પર ગોળી ચલાવી..!! ને તરત જ ત્રણેય ભાંગી પડ્યા.. એકબીજાને ચોંટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા..!! સામે ઈર્શાદ ખાનની લોહીથી લથબથ લાશ પડી હતી.. એક તરફ ઈર્શાદ ખાનનો ફોન સતત રણકી રહ્યો હતો.. કદાચ તેમની એક હા ની રાહ જોવાય રહી હતી..

કલાકેક પછી હોશ આવતા તિયાઝ ઉભો થયો અને પોલીસ સ્ટેશને જાણ કરી.. પોલીસ કાર્યવાહી અને તપાસ શરુ થઇ અને ઈર્શાદ ખાનના ફોનમાંથી પોલીસ ઘણા શંકાસ્પદ આરોપીઓ સુધી પહોંચી.. આદિલ ખાનને પણ ગિરફ્તાર કરવામાં આવ્યા.. સૈયદ સાહબ ભાગવા ગયા તો તેમનું એન્કાઉન્ટર કરી નખાયું.. બીજા દિવસે ૧૫ ઓગસ્ટના દિવસે દેશમાં ઠેર-ઠેર આઝાદીના ૭૧ વર્ષ ઉજવાઈ રહ્યા હતા અને આ તરફ સાદિયા બેગમ અને તેના બાળકો તેમના ગદાર શૌહર અને વાલીદના મૃત્યુની આઝાદી મનાવી રહ્યા હતા..


એ વાતને એક વર્ષ વીતી ગયું.. આજે ફરી એ જ ૧૫ ઓગસ્ટનો દિવસ હતો.. આ એક વર્ષમાં ઓમૈરા અને રામે એકબીજા સાથે શાદી કરી લીધી હતી.. રામ સાદિયા બેગમની પણ ખુબ સંભાળ રાખતો.. તિયાઝને તેણે પોતાની કોલેજમાં મ્યુઝિકનાં પ્રોફેસર તરીકે નોકરી અપાવી હતી..!! આજે ઓમૈરા, સાદિયા અને તિયાઝનું સન્માન થવા જઈ રહ્યું હતું.. ભારત સરકાર તરફથી રાષ્ટ્રપતિના હાથે તે ત્રણેયનું દિલ્લીમાં લાલ કિલ્લા ખાતે સન્માન થવાનું હતું..


“દોસ્તો, પોતાના શૌહરની જાન લઈને આપણને સૌને એક ગોઝારા બ્લાસ્ટમાંથી મુક્ત કરાવનાર સાદિયા બેગમને, તેમની દીકરીને અને તેમના દીકરાને આ શાલ ઓઢાડી રાષ્ટ્રપતિશ્રી સન્માન કરશે..” લાલ કિલ્લા પર બુલંદ અવાજમાં આ બોલાઈ રહ્યું હતું. જેવું તે ત્રણેયનું સન્માન થયું કે સૌએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા.. ટીવીમાં આ સન્માન નિહાળી રહેલી રાધા તેના ઘરના સૌને ગર્વથી કહી રહી હતી, “આ મારી બહેનપણી છે.. આ સાદિયા મારી સાથે શાક લેવા રોજ સાથે આવે છે. અમે બંને એકબીજાને ખુબ પ્રેમ કરીએ છે..!!!”

આ તરફ સાદિયા પણ કદાચ મનમાં રાધાનો જ વિચાર કરી રહી હતી.. એ દિવસે જીત થઇ હતી દેશની, ધર્મની, વિશ્વાસની, વતનની અને હિંદુ-મુસલમાનના પ્રેમની..!!

લેખક : આયુષી સેલાણી

અદ્ભુત વાર્તા સલામ છે એ પત્નીને.