ભૂખ્યા રહેવાથી પેટમાંથી અવાજ શા માટે આવે છે ?

આપણા શરીરીમાં એવી ચિત્ર વિચિત્ર ઘટનાઓ થતી હોય છે જે આપણને અવારનવાર કૂતુહલમાં મુકી દે છે. જેમ કે રુંવાટા ઉભા કેમ થાય છે? ઓડકાર કેમ આવે છે? વિગેરે વિગેરે. આજની આપણી પોસ્ટ આવા જ એક પ્રશ્નના જવાબમાં રજુ કરવામાં આવી છે. તે પ્રશ્ન છે ભૂખ્યા રહ્યા બાદ પેટમાંથી અવાજ શા માટે આવે છે?


સૌ પ્રથમ તો તમને એ જણાવી દઈએ કે પેટમાંથી અવાજ આવવાની આ પ્રક્રિયાને borborygmi – બોર્બરિગમી કહેવાય છે. પેટમાંના આંતરડામાં જ્યારે ગેસની હલચલ વધારે ઉપર નીચે થવા લાગે છે ત્યારે પેટમાંથી આ અવાજ આવતો હોય છે. જ્યારે તમને ભૂખ લાગે છે અથવા તો તોમા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય છે ત્યારેપેટ અને નાના આંતરડાની માંસપેશીઓમાં સંકોચન થવા લાગે છે અને તેના કારણે આ ગુરુડ-ગુરુડ અવાજ આવતો હોય છે.


માંસપેશીઓની કોશિકાઓમાં એક ચડ ઉતર થાય છે જેના કારણે માંસપેશીઓ એક લયબદ્ધ રીતે નાના-મોટા નાના-મોટા થઈ શકે. આ પ્રક્રિયાને Basal Electrical rhythm એટલે કે મૂળભૂત વિદ્યુત લય કહેવામાં આવે છે. આ લય પેટમાં એક મિનિટમાં ત્રણ વાર થાય છે. અને નાના આંતરડામાં આજ પ્રક્રિયા 12 વાર થાય છે. પેટમાંથી આવતો આ અવાજ જેને ગ્રાઉલિંગ કહેવાય છે તે આપણને સંકેત આપે છે કે આંતરાડાને જરૂરી પોષક તત્ત્વોની જરૂર છે.


અને શરીરને આ રીતે અવાજ કરીને જે સંકેત પહોંચાડવામાં આવે છે તેને માઇગ્રેટિંગ મોટર કોમ્પ્લેક્સ કહેવાય છે. તેનો અર્થ એ થાય છે કે આપણા પેટ તેમજ આંતરડામાં ખોરાકની કમી છે. અને પેટની દીવાલમાં હાજર રિસેપ્ટર્સ એક પ્રકારના મોજાં ઉત્પન્ન કરે છે જે ભૂખને ઓર વધારે છે.

આપણે જેવા આપણી ભૂખને શાંત કરીએ છીએ કે તરત જ આ પ્રકારનો અવાજ બંધ થઈ જાય છે. અને પેટમાં રહેલી હવાની જગ્યા આપણું ભોજન લઈ લે છે અને આમ પાચન તંત્ર તરત જ ભોજનને પચાવવા પર લાગી જાય છે.

પાચન તંત્રમાં હવા હોવાનું મુખ્ય કારણ તો એ છે કે આપણને ખાતી વખતે વાતો કરવાની ટેવ હોય છે અથવા તો આપણે ઉતાવળે ઉતાવળે જમતા હોઈએ છીએ અથવા તો આપણે જમવાની સાથે સાથે પ્રવાહીનું પ્રમાણ વધારે પ્રમાણમાં લેતા હોઈએ.


જો કે જમ્યા બાદ પણ આવો અવાજ આવી શકે છે. સામાન્ય રીતે આ અવાજ એટલો જ મોટો હોય છે કે તેને તમે જ સાંભળી શકો પણ જો ભૂખ્યા રહેવાનો ગાળો વધતો ગયો તો આ અવાજ પણ મોટો થઈ શકે છે. જો કે જે લોકો પર આંતરડાની સરજરી કરવામાં આવી હોય તેમના માટે આ અવાજ થોડો મોટો હોય છે. જો કે તેમાં ચિંતાનું કોઈ કારણ નથી.


પેટમાંથી અવાજ આવવો તે કંઈ ચિંતા જનક વાત નથી. તે તદ્દ્ન સામાન્ય બાબત છે ઉલટાનો તે અવાજ આપણને સંકેત આપે છે કે આપણા આંતરડા યોગ્ય રીતે કામ કરી રહ્યા છે અને આપણું પાચનતંત્ર પણ સ્વસ્થ છે. પણ જો પેટમાંથી આવો અવાજ ન આવતો હોય તો તે ચિંતાનો વિષય છે કારણ કે તે દર્શાવે છે કે પેટમાં કંઈક ગડબડ છે આંતરડા જે રીતે કામ કરવા જોઈએ તે રીતે કામ નથી કરી રહ્યા. માટે ચિંતા ના કરો આ અવાજ સારા સ્વાસ્થ્યનું લક્ષણ છે.