દેશી મકાઈ નો ચેવડો – મકાઈ એવી વસ્તુ છે જે બધાને પસંદ હોય જ, આજે શીખો એક ટેસ્ટી વાનગી…

મકાઈમાંથી અવનવી વાનગીઓ બનાવતા હોય છે. અને એમાં પણ ખૂબ જ પ્રચલિત હોય તો ખૂબ ન સ્વાદિષ્ટ દેશી મકાઈ નો ચેવડો.. ઘણા લોકો એને મકાઈ નું છીણ પણ કહે છે .

વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપુર મકાઈ માંથી પોષણ તો મળે જ છે સાથે સાથે હાર્ટ પ્રોબ્લેમ ને દૂર રાખે છે. આંખો અને સ્કિન નું જતન કરે છે. ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને કૅન્સર સામે રક્ષણ આપે છે. બાળકો ના વિકાસ માં પણ મહત્વ નો ભાગ ભજવે છે. આ સિવાય પણ બહુ બધા ફાયદાઓ છે મકાઈ ખાવાના..

સામગ્રી:-


4-5 નંગ દેશી મકાઈ

1-2 ઝીણા સમારેલા લીલાં તીખા મરચાં

8-10 નંગ મીઠા લીમડાના પાન ઝીણા સમારેલા

2 ચમચી અધકચરી ક્રશ કરેલી વરિયાળી

1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ

1 કપ દૂધ

2 ચમચા તેલ

1/8 ચમચી રાઈ

1/8 ચમચી જીરું

1/8 ચમચી હળદર

ચપટી હિંગ

1 ચમચી લાલ મરચું( ના ઉમેરો તો ચાલે , લીલાં મરચાં વધુ ઉપયોગ માં લો)

2 ચમચી ખાંડ

1 નંગ લીંબુ નો રસ

ચપટી ગરમ મસાલો

મીઠું સ્વાદાનુસાર

સર્વ કરવા માટે

2 ચમચી શેકેલું સૂકા ટોપરાનું છીણ

1/2 કપ દાડમ ના દાણા

1 કપ ઝીણી સેવ

2 ચમચા ઝીણી સમરેલી કોથમીર

રીત:-


સૌ પ્રથમ મકાઈ ને સાફ કરી ને મીડિયમ કાણાં વાળી ખમણી થી ખમણી લો. હવે એક જાડા તળિયા વાળી કડાઈ માં તેલ મુકો અને તેમાં રાઈ ઉમેરો. રાઈ થઈ જાય એટલે વરિયાળી, જીરુ ઉમેરો હવે હિંગ અને હળદર, લીમડો અને લીલાં મરચાં ઉમેરી ને છીણેલી મકાઈ ઉમેરો .પછી આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી ને મિક્સ કરીને ધીમી આંચ પર એક મિનિટ માટે બધું સાંતળો પછી દૂધ ઉમેરી ને મિક્સ કરીને ઢાંકણ ઢાંકી દો. ઢાંકણ પર પાણી મૂકી વરાળે 3-5 મિનીટ માટે ધીમી આંચ પર થવા દો. હવે મીઠું ઉમેરી ને એક વાર બધું મિક્સ કરો અને જરૂર લાગે તો થોડું વધુ દૂધ ઉમેરો અને ફરી થી 3-5 મિનીટ માટે ઢાંકી ને વરાળે થવા દો.. હવે લાલ મરચું , ખાંડ ,લીંબુ નો રસ અને ગરમ મસાલો ઉમેરી ને 1-2 મિનીટ માટે બધું બરાબર ચઢવા દો. હવે ગેસ બંધ કરી દો. ઉપર શેકેલા ટોપરાનું છીણ, દાડમ ના દાણા, કોથમીર અને સેવ ઉમેરી ને ગરમાગરમ કોઈપણ ટાઈમ પર સર્વ કરો..


નોંધ:-

આ ચેવડો દેશી મકાઈ નો જ સારો લાગે છે પરંતુ જો ના મળે તો અમેરિકન મકાઈ નો બનાવી શકાય અને તેમાં દૂધ અને ખાંડ ના ઉમેરો. થોડું પાણી ઉમેંરી ને જ થવા દો. દેશી મકાઈ તાજી જ પસંદ કરવી. મકાઈ નું છીણ કરવામાં અમુક દાણાં આખા કે અધકચરા રહી જાય તો એને એમ જ રહેવા દો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે…

જો જરૂર લાગે તો દૂધ વધુ ઉમેરો.

મકાઈ ને બરાબર થવા દો. કાચી ના રહે તેનું ધ્યાન રાખો.

અડધું દુધ અને અડધું પાણી લઇ શકાય. પરંતુ દૂધ માં થી બનાવેલો ચેવડો વધુ ટેસ્ટી બને છે.

વરિયાળી ને અધકચરી ક્રશ કરી ને ઉમેરવાથી સ્વાદ બમણો થાય છે .

જાડા તળિયા વાળી કડાઈ માં જ ચેવડો બનાવો કેમકે બનાવતી વખતે મકાઈ નીચે તળિયા માં ચોંટે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી