આ તે કેવા દીકરા ? – માતા પિતાની જરૂરિયાત બનો, તેમને તમારી જરૂરિયાત ના બનાવશો…

અમારે દરરોજ , બપોરની ઊંઘ ખેંચીને ફ્રેશ થયા પછી, શેરીમાં સૌ પોતપોતાની ખુરશી લઈ બેસવાનો સમય !! આજે હું ખુરશી લઈ બહાર આવી તો જલ્પા અને હીનાબેન બેઠા હતા. થોડીવાર થઇ ત્યાં મૂકતમાસી અને બિન્દુબેન પણ આવ્યા. સૌ પોતપોતાના કામ લઈને બેસી ગયા હતા. જલ્પા પોતાની સાડીમાં ભરત ભરતી હતી. હું લસણ ફોલતી હતી. મુકતા માસી રૂ માંથી દિવાની વાટ બનાવતા હતા. … અલક-મલકની વાતો ચાલતી હતી… એટલામાં બાજુની શેરી માંથી, એક નાનકડો ત્રણેક વર્ષનો બાબો, રમતો રમતો ત્યાં આવી ચડ્યો. આમ તો પરિચિત લાગ્યો… આસપાસ રમતો જોયેલો ..અમેં, તેની સાથે એમ જ , વાતો કરવા માટે પાસે બોલાવી પૂછવા લાગ્યા…


તારું નામ શું છે ?? જલ્પા કહે, “તું કોનો દીકરો છે ?? તો એ છોકરો બોલ્યો, ” પપ્પાનો !!” ત્યાં …. એ બાળકની પાછળ પાછળ એક ઘરડા માજી આવ્યા , અને કહેવા લાગ્યા , ” અરે હાયલ, તારી મમ્મી વઢસે !! બાબો બોલ્યો, ” ના… માલે લમવું ચે… !!” તે માજી અમે બેઠા હતાં ત્યાં અમારી નજીક આવ્યા.. અમે એમને એક ખુરશી આપી અને બેસાડ્યા અને કહ્યું, ” તમે થોડીવાર અમારી સાથે બેસો !! એ ભલે અહી રમતો !! ” અને અમારી વાતો નો દોર ફરીથી શરૂ થયો.

“આજના સમયમાં, હવે તો વિભક્ત કુટુંબોને લીધે છોકરાઓને દાદા-દાદીનો પ્રેમ જ ક્યાં મળે છે ??”? મુક્તામાસી કહે, ” દાદા-દાદીને પણ, દીકરાના દીકરાને રમાડવા હોય, પણ હવે તો દીકરાઓ શહેરમાં રહેતા હોય, ત્યાં જ તેમનો સંસાર વસાવે, અને આપણે અહીં એકલા !! આપણો તો હવે સમય પણ પસાર નથી થતો !!” જલ્પા બોલી,.. પેલા માસીને કહેવા લાગી, ” માજી ,તમારે કેવું સારું !! દીકરો ને વહુ નોકરી કરે !! અને તમે એના બાળકોને સાચવો !! કેવી મજા ??”


ત્યારે બિન્દુબેન કહે છે, ” આપણે આપણા છોકરાઓને મોટા કરીએ ત્યારે તો ઘરની જવાબદારી કેટલી !! હવે, એમાં આપણે આપણા બાળકોને ખરો પ્રેમ આપવાનો સમય પણ નથી હોતો !! હવે જ તો નવરાશની પળો હોય.. તેને રમાડવાનું સાચો આનંદ છે …!!” ત્યારે હીનાબેન કહે, ” આમેય મા-બાપ કરતાં દાદા-દાદી જ બાળકોને વધારે પ્રેમ આપી શકે… ‘ કહ્યું છે ને કોરી કરતા વ્યાજ વાલુ !!’

હવે, પેલાં માજી બોલ્યા, ” મારે તો કોરી વાલી ને વ્યાજેય વાલું હતું… પણ, આ જમાનાએ કાંઈ બાકી ન રાખ્યું !! આ છોકરાને રમાડીને અમે અમારા, પતિ પત્ની બેયના, પેટનો ખાડો પૂરવાની કોશિશ કરું છું !!” મેં પૂછ્યું , “કેમ !, બા !! આવું કેમ બોલો છો ??””

તે બોલ્યા, ” સાંભળ દીકરી !!,અમારે ચાર દીકરા છે… તમારા બાપા મોટી ઉંમરે નગરપાલિકામાં નોકરીએ લાગ્યા હતા.. ટૂંકી આવક.. પણ, અમે બે કરકસર કરી અમારું ઘર ચલાવતા હતા. અને.. ત્યારે દીકરાઓને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવાના સપના જોતા હતા.એમના બાપુજી ઘણીવાર ઉછીના વધારે કરતા અને છોકરાઓને નોકરીએ લગાવ્યા… એમાં એક દીકરો ડોક્ટર ને બીજો એન્જિનિયર, ત્રીજો બેંકમાં નોકરી કરે અને ચોથો હાઈસ્કૂલમાં ભણાવે છે !


બધી સગવડ કરી આપી સૌ પોતાની આવડત મુજબ પરિણામ લાવ્યા અને એ પરમાણે નોકરીએ ચઈડા… વારાફરતી ચારેયને પરણાવી દીધા… સૌ પોતપોતાના શેરમાં સ્થિર થયા હતા. પોતાના બાપુજી પાસેથી થોડા ઘણા રૂપિયા પૈસા હતા તે થોડા થોડા કરીને લઈ ગયા… એમાં અમારે તો ઘરનું ઘર પણ ન બન્યું !! કે પોતાની કઈ મૂડી પણ ભેગી ના થઇ શકી. અમને એમ કે અત્યાર સુધી બહુ કરકસર કરી.. અમે કોઇ દા’ડો મનગમતા કપડા પહેર્યા નહિ… વસ્તુ મનપસન્દ લીધી નહિ…

જરૂરિયાત હોય તો ય લીધું નહીં ! અમારે તો ચાલશે… અમારે તો ચાલશે.. કરી કરીને,.. દીકરાઓને બહાર ભણવું…, બધા સાથે રહેવું પડે !! ને એમને સારું પહેરવા-ઓઢવા જોઈએ !! એમને બધું જોઈએ…. એમને આપો !! ગમે તેમ કરીને, તેમની સગવડતા જ જોઈ અને ક્યારેય અમારા અરમાન સામે ન જોયું !! તેમના પિતાજીએ સારા કપડાં ના પહેર્યા અને મેં કોઈ દી સારી સાડી ના લીધી!! એમાં ઘરેણાંની તો વાત જ ક્યાં કરવી ??


મને તો આ ગમે કે પેલુ ગમે ?? એવો કોઈ દિવસ વિચાર પણ આવવા ના દીધો !! અમારા ગમા-અણગમાને દફનાવી દીધા હતા !! અમારા સંતાનોના સપના પુરા કરવા માટે !!

બધા લોકો અમને કહેતા કે તમે કેવા નસીબદાર છો ?? તમારા દીકરા ચારેય લાઇનસર ( !! ) અને સારી સારી નોકરી વાળા, મોટા મોટા સાહેબો !! અને હવે તો તમારે જલસા છે !! અમને પણ લાગતું કે ખૂબ દુઃખ વેઠ્યા !! હવે તો જે મન થાય તે કરશું !! જલસો કરશું !! જ્યાં હરવા ફરવાની ઈચ્છા હશે ત્યાં જશું!! જાત્રાયુ કરશું !! ભગવાનનું નામ લેશું !! આપણે શું વિચારિયું હોય ને થાય શુ ?? અમારે એવું થયું કે.. મોટા દીકરાને ઘેર પારણું બંધાયું..!

ખૂબ જ હરખભેર તેને ત્યાં ગયા. મને તો ઘરના કામની પહેલેથી આદત હતી . ઘરનું બધું કામ સંભાળી લીધું… અને તેના બાપુજી નિવૃત્ત થઈ ગયા હતા .તેથી તે બહારનું કામ બધું કરી આપે . અમને એમ લાગતું અમારે ભલેને કામ કરવું પડે !! કામ કરશુ તો તંદુરસ્તી સારી રહેશે !! પણ , દિલમાં એક ખટકો જરૂર હતો … કે.. કોઈ દિવસ દીકરાને એમ નહોતું લાગતું કે તમે આટલું બધું સંભાળી લીધું છે તો અમે નિરાંતથી જિંદગી જીવીએ છીએ !! રહી રહીને અમને એમ લાગતું હતું કે તેમને તો વગર પૈસાના નોકર મળી ગયા છે !!છતાં મનને જેમતેમ સમજાવતા કે.. ‘અમે હવે સુખી જ છીએ” અને એવું અનુભવવાની કોશિશ કરતા..


મોટા ના બન્ને છોકરા નિશાળે જવા લાગ્યા અને બીજા નંબરના દીકરાને ઘરે એક દીકરી દોઢ વર્ષની હતી એને ત્યાં હવે બાબો આવ્યો હતો ..ત્યારે તે આવીને તેના ઘરે અમને તેડી ગયો.. ત્યારે હજુ તો બીજા નમ્બરના દીકરાની ઘરે મનને ગોઠવતાં હતાં … કે આ ય આપણું જ ઘર સે .. દીકરો તો આપડો જ સે !! આપણે ક્યાં કોઈ પારકા છીએ ??

ત્યાં તો એક દી’ ..એ બીજા નમ્બરની વહુ ને બોલતાં સાંભળી.. ” અમારા ડોસા-ડોસીએ અમને શું આપ્યું છે ???આ તો અમે લોન લીધી! ને મારા પપ્પાએ અમને થોડો આર્થિક ટેકો કર્યો !! ત્યારે અમારે આ મકાન થયું છે !! અને છતાંયે અમે આ લોકોને અહીં સાચવીએ છીએ !!!”
ત્યાં તો માંડ માંડ દિવસો પસાર થયા…ને પછી,… પછી ત્રીજા ને ત્યાં… એને જ્યારે જરૂર પડી.. ત્યારે એ તેડી ગયો !! પણ એને ય પોતાના મા-બાપની કંઈ પડી નથી !! ….હવે અહીંયા ચોથા દીકરાની ઘરે આવ્યા છીએ…

આખો દિવસ આને સાચવવાનો , જરાકે રડે …કે પડે… તો , મારો તો વારો નીકળી જાય !!હવે તો મારાથી સરખાયેથી ઘરનું કામેય નથી થતું !! ઍના બાપુજી તો સાવ પડી ભાંગ્યા છે !! હવે અમને વિચાર આવે છે કે આ છોકરો મોટો થઈ જાહે, ત્યારે આ લોકો ય તગડશે !! હાંકી કાઢશે !! પણ હવે જઈશું તો ક્યાં જઈશું ??? અત્યારસુધી સમાજમાં દીકરાની કોઈ વગોવણી થોડી કરાય ?? એવી લાગણીથી, ક્યારેય કોઈને સાચી વાત ના કરી .. !!


ડોસાએ ડોસીને પોતાના પેટનો ખાડો પુરવા, પોતાના જ ચારે દીકરાઓને ત્યાં કામવાળા થઈને રહેવું પડે છે !! હવે અમને ખબર પડી કે દીકરા !! દિકરા !! કરતા અમે વર્ષથી પાળીપોષીને મોટા કરીયા એ , દીકરા નહીં, પણ દીપડા બન્યા… આના કરતા તો, ભલે એક દીકરી હોત !! તો એ મા-બાપની વ્યથા તો સમજી શકત !! માવતરના સુખદુખમાં ભાગીદાર પણ થાત !!!

પણ, આ કળજુગ માં આવા દીકરા , ના જોઈએ !!..”” તે માજી રડી પડ્યા !!…. રડતા રડતા કહેવા લાગ્યા, ” આના કરતાં જો અમે વાંઝિયા હોત ને તો, અમે એમ મન મનાવત કે કુદરતે દીધેલા ‘આપણા’ કોઈ છે જ નહીં એમાં શું ??” પણ, આ તો દીધા,દીધા ને… ચાર ચાર દીકરા !! દીકરા !! અને દીકરા ય કેવા ટબ્બા જેવા !! એવા ડોક્ટર, એન્જિનિયર, સાહેબ,અને બેંકમાં… પણ છતાય આ દીકરા આપણા હોવા છતાં પણ નથી બરાબર !!


આ યુગમાં દીકરી છે પેટમાં !! એ ખબર પડે તો તે પડાવી આવે છે !!!ભૃણહત્યા કરાવે છે !! પણ . હું તો બધાને એમ કહું છું કે દીકરી હોય પેટમાં અને ખબર પડે તો… ભલે દીકરીનો જન્મ થાય !!..

દિકરીને જન્મવા દો !! અરે આવા ચાર શું સાતસાત દિકરા, એક દીકરી ઉપર કુરબાન છે !! એક દીકરી તો જોઇએ જ !! દીકરીને જન્મ આપજો !! એ તમારા ઘરની દીવડી થાશે તમને અજવાળું આપશે !! એ માજી પોતાના આંસુ લુછતાં લૂછતાં ચાલતા થયા … અને અમારી આંખો ય વરસી પડી !!!

લેખક : દક્ષા રમેશ

મિત્રો તમારી આસપાસ પણ આવી અનેક વાર્તાઓ હશે, આપના અભિપ્રાય કોમેન્ટમાં આપો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.