છુપો પ્રેમ – કોલેજ પછી આજે પહેલીવાર તેને જોઈ પણ તેના તો લગ્ન થઇ ગયા છે. અનોખી નવી પ્રેમકહાની…

*”પ્રેમ જાહેર કરવામાં કયારેય કંજુસાઇ ન કરવી જોઇએ,*

*જાહેર કરવાથી કદાચ કોઇની જિંદગી બચી જાય…”*

આજે હર્ષને ઊઠતા માડું થઇ ગયુ. રોજ સવારે છ વાગ્યે ઊઠીને એક કલાક જોગર્સ પાર્ક વોકીંગ કરવા જતો, તેના બધા મિત્રો સાથે જ જતાં. લગભગ સવાસાતની આસપાસ ઘરે આવતો. પણ ગઇકાલે એક પ્રોગ્રામમાં ગયો હોવાથી તેને મોડું થઇ ગયું. ઊઠયો ત્યાં જ સાત વાગી ગયા. પછી જોગર્સપાર્ક જવા તૈયાર થયો તેની પત્ની તનીષાએ તો ના પાડતા કહ્યું, “તમારા બધા મિત્રો પણ જતાં રહ્યાં હશે, હવે ન જાવ.” પણ હર્ષ ન માન્યો થોડીવારમાં આવી જઇશ એમ કહીને ગયો.

જોગર્સપાર્કમાં મિત્રો જતાં રહ્યાં હોવાથી એકલો વોકિંગ કરવા લાગ્યો. અચાનક પાછળથી અવાજ આવ્યો, “હેલ્લો.. સાંભળો… એક મિનિટ ઊભા રહો ને..” હર્ષે ચમકીને પાછળ જોયું તો એક સ્ત્રી તેને બોલાવતી હતી. તેણે નવાઇથી પુછયું, “તમે મને બોલાવો છો ??” તે સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, ” હા.. તમને જ કહું છું.. તમે હર્ષ વસાવડા ને…. ? એક મિનિટ ઊભા રહેશો ??” હર્ષ ઊભો રહી ગયો.

હર્ષ એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલ હતો. ઘણીવાર પાર્ટીના કામ અંગેના તેના ફોટા અને લેખ છાપામાં છપાતા હતા. તેને લગભગ આખું ગામ ઓળખતું હતું. આથી તેને થયું કે આ સ્ત્રીને પણ એવું જ કંઇક કામ હશે. એટલે તે ઊભો રહી ગયો. તે સ્ત્રીએ નજીક આવીને પુછયુ, “મને ઓળખો છો ..?” હર્ષ વિચારવા લાગ્યો, પછી કહ્યું, “સોરી પણ આપણે મળ્યા હોય તેવું યાદ નથી આવતું.”

તે સ્ત્રીએ કહ્યું, “હા.. હા.. હવે તમે મોટા માણસ થઇ ગયા છો… છાપામાં ફોટા છપાય છે તમને હું યાદ ન જ આવું ને…” હર્ષે ભારે સંકોચ સાથે કહ્યું, “સોરીપણ પાર્ટીના કામ માટે મારે ઘણા બધાને મળવાનું થતું હોય એટલે યાદ નથી આવતું” તે સ્ત્રીએ કહ્યું, ” હર્ષ આપણે પાર્ટીના કામમાટે કયારેય મળ્યા જ નથી.તમે જયારે જાહેર જીવનમાં ન હતા ત્યારે આપણે મળ્યા હતા. મારૂં નામ ચાંદની છે… હવે કંઇ યાદ આવે છે…?”

હર્ષે યાદ કરવાની કોશિશ કરી. તે સ્ત્રી એકદમ પાતળી હતી, માથે અડઘા સફેદ વાળ, આંખ નીચે કાળા કુંડાળા , મોઢા પર દુ:ખની, હતાશાની રેખા હતી. કપડાં પણ એકદમ સાદા હતા હર્ષે ધારીને જોયું, ચાંદની નામ યાદ કરવા લાગ્યો આમ તો ચાંદની નામ સાંભળતા જ તેની આંખમાં ચમક આવી ગઇ હતી. ચાંદની રાવલ નામની એક છોકરી તેની સાથે કોલેજમાં ભણતી હતી દૂધમાં ગુલાબની પાંદડી પીસીને બનાવેલ હોય તેવી ગોરી ત્વચા, લાંબા કાળા વાળ, મોટી ભાવવાહી આંખો, હમેંશા હસતો ચહેરો, ઘાટીલું શરીર, ભણવામાં પણ એટલી હોંશીયાર, લુચ્ચાઇ – છળકપટ તો તેને આવડે જ નહી.

એકદમ નિખાલસ.. હર્ષને તે ગમતી, મનોમન તેને પ્રેમ કરતો, પણ કયારેય પોતાની લાગણી ચાંદની સુઘી પહોંચાડી ન હતી પણ કયાં એ ઉછળતી, કુદતી ચાંદની, અને કયાં આ સ્ત્રી..? તેણે બન્ને એક હોવાનો વિચાર જ મનમાં ન આવવા દીઘો. તેણે પૂછયું, ” કોણ ચાંદની..? મને યાદ નથી આવતું ”

ચાંદનીએ કહ્યું, “હું ચાંદની રાવલ… આપણે કોલેજમાં સાથે હતા..”. હર્ષ ઉછળી પડયો, “તું… તું… ચાંદની … તું આવી કેમ થઇ ગઇ ??? તું તો લગ્ન કરીને અમેરિકા ગઇ હતી ને…? ઇન્ડિયા કયારે આવી ??? તારી આવી હાલત કેમ થઇ ગઇ ..??” હર્ષે એક સાથે ઘણા સવાલ કરી નાખ્યા

ચાંદનીએ હતાશાથી કહ્યું, “અમેરિકા એક દુ:ખદ સપનું છે.. હવે હું તેને ભૂલી જવા માંગુ છું, હું લગ્ન કરીને અમેરિકા ગઇ હતી, પણ ત્યાં ગયા પછી બધા જ સપના તૂટી ગયા. તેણે જે કહ્યું હતું તે બધું જ ખોટું હતું. માંડમાંડ બચીને પાછી આવી છું” હર્ષને સાંભળીને દુ:ખ થયું. વધુ કંઇ પુછવું યોગ્ય ન લાગ્યું. પોતાનું કાર્ડ આપીને કહ્યું, ” કંઇ કામ હોય તો ફોન કરજે.” ચાંદનીએ પણ પોતાના નંબર આપ્યા.

ચાંદની સાથે વાત કરીને હર્ષ આખો દિવસ ઉદાસ રહ્યો. સાંજે તેણે ચાંદનીને ફોન કર્યો અને બીજા દિવસે જોગર્સપાર્ક આવજે એમ કહ્યું. બીજા દિવસે ચાંદની આવી, તૈણે હર્ષને કહ્યું કે, “હું તો રોજ 7.30 થી 8.30 જોગર્સ પાર્ક આવું જ છું, તને કાલે પહેલીવાર જોયો.” હર્ષે પણ કહ્યું, “હું પણ રોજ આવુ છું, પણ વહેલો ઘરે જતો રહું છું, પણ હવેથી તું આવીશ પછી તને મળીને જઇશ.”

પછી તો રોજ સવારે બન્ને દસ-પંદર મિનિટ મળવા લાગ્યા હર્ષ ચાંદનીના ભૂતકાળ વિશે કંઇ ન પૂછતો. બસ તેને હસાવવાનો પ્રયત્ન કરતો . ધીમે ધીમે ચાંદનીએ તેને બઘી વાત કરી. અમેરિકામાં તેને પડેલી મુશ્કેલી, ભારત પાછા આવ્યા પછી તેનાથી છુટા પડવા માટેના કોર્ટના ચકકર, પોલીસ સ્ટેશનના ધકકા, કેટલી હેરાનગતિ થઇ તે જણાવ્યું. હર્ષને બહુ દુ:ખ થયું. તેણે કહ્યૂં, “મને તારી ખબર ન હતી, પણ તને તો મારી પહોંચની ખબર હતી ને ..? તું મને મળી હોત તો તારે આટલું સહન કરવું પડયું ન હોત.” ચાંદનીએ કહ્યું, “હવે બધુ ખરાબ સપનું માનીને ભૂલી જા.”

હર્ષ તેના બધા નિતિ-નિયમ નેવે મુકીને ચાંદનીને મળતો.. તેને લગભગ બધા જ ઓળખતા હતા છતાં તે કોઇની પરવા કર્યા વગર ચાંદનીને જાહેરમાં મળતો. ચાંદની તેનામાં એક સાચો દોસ્ત, એક હિતેચ્છુ જોતી. હર્ષ કોઇપણ જાતના સ્વાર્થ કે લાલચ વગર તેની મદદ કરતો. હર્ષે પોતાની ઓળખાણથી ચાંદનીને સારી જગ્યાએ નોકરી પણ અપાવી સારા એરિયામાં મકાન ભાડે અપાવ્યું. ચાંદની ધીમેધીમે ખુશ રહેવા લાગી તેને હર્ષના દિલમાં છૂપાયેલા પોતાના પ્રત્યેના પ્રેમની જાણ જ ન હતી હર્ષ પણ હવે પરણિત હતો એટલે પ્રેમ જાહેર ન કરતો.

આમ કરતા ચાંદનીનો જન્મદિવસ આવ્યો ચાંદનીએ તો હર્ષને જણાવ્યુ ન હતું, પણ હર્ષને તેણે નોકરી માટે બાયોડેટા આપેલી એટલે હર્ષને તેના જન્મદિવસની ખબર હતી. તે ચાંદનીના જન્મદિવસના દિવસે અચાનક તેની ઓફિસે પહોંચી ગયો અને સરસ ગીફટ આપી. આમ કરતાં છ મહિના પસાર થઇ ગયા ચાંદની નવી નોકરીમાં સરસ રીતે સેટ થઇ ગઇ હતી. એક દિવસ તેણે હર્ષને અચાનક પૂછયું, ” તું કોઇની પરવા કર્યા વગર મારી આટલી મદદ કેમ કરે છે ?? તારૂં નામ ખરાબ થશે તેવી તને બીક નથી..?”

હર્ષે તે દિવસે પહેલીવાર તેનો હાથ પકડીને તેની આંખમાં આંખ મીલાવીને કહ્યું, “ચાંદની તું મને અઢાર વર્ષે મળી, અઢાર વર્ષ પહેલા તને કહેવાની મેં હિંમત ન કરી તે બદલ માફી માંગુ છું. હું પહેલા પણ તને ચાહતો હતો અને હજી પણ ચાહું છું. પણ પહેલાની ચાહત એક પ્રેમીની હતી, હવેની ચાહત એક દોસ્તની છે. હવે બીજું કંઇ નથી વિચારતો, પણ તારો દોસ્ત બનીને રહેવા માંગુ છું.

તારા જીવનમાં જે કંઇ ઘાવ લાગ્યા છે, તેનો મલમ બનવા માંગુ છું, તારા તે વર્ષો તો હું પાછા નહી આપી શકું, પણ હવેના વર્ષોમાં તને કંઇ તકલીફ નહી પડવા દઉં. હું તારી પાસે દોસ્તી સીવાય બીજું કંઇ નહી માંગુ, પણ મને ચાંદની અઢાર વર્ષે પાછી મળી છે, હવે હું તેને ગુમાવવા નથી માંગતો, એટલે કોઇની પરવા કર્યા વગર તને મળું છું અને મળતો રહીશ.” ચાંદની કંઇ ન બોલી, બસ તેની આંખમાંથી નીકળતા આંસુ હર્ષના આંસુને સાથ આપતા હતાં.

હર્ષના ગયા પછી ચાંદની મનોમન બોલી, ‘હર્ષ તેં ભૂલ કરી, તારી લાગણી મારા સુઘી પહોંચાડી હોત તો હું જરૂર તેનો સ્વીકાર કરી લેત. પણ હવે કંઇ બોલીને તારા જીવનમાં ખલેલ નહીં પહોંચાડું, હું હમેંશા તારી દોસ્ત બનીને રહીશ પણ તેં પહેલા તારો પ્રેમ જાહેર કર્યો હોત તો મારી જીંદગી બચી જાત, પણ હવે તારી દોસ્તીથી હું ખુશ છું…’

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ