તમારી માનીતી “હેવમોર” રેસ્ટોરન્ટને હવે તમે જોશો નવા અંદાજ અને નવા નામ સાથે..

ડેરી ઉદ્યોગમાં ભારતમાં ગુજરાતની કંપનીઓનો જાણે ડંકો છે. તે પછી અમુલનું દૂધ હોય, આઇસ્ક્રીમ હોય કે પછી ડેરીની બનાવટો હોય અને તેની સાથે સાથે જ આઈસ્ક્રીમમાં હેવમોરનું નામ ઘણું જાણીતુ તેમજ માનીતુ પણ છે. ગુજરાતની આ ખ્યાતનામ બ્રાન્ડ છેલ્લા 75 વર્ષથી લોકોની જીભને ચટાકા કરાવે છે.

પણ હાલ તેઓ પોતાની રેસ્ટોરન્ટ ચેઈનનું મેકઓવર કરવા જઈ રહ્યા છે. તેઓ માત્ર પોતાની બ્રાન્ડનું જ મેકઓવર નથી કરી રહ્યા પણ તેઓ તેનું નામ પણ બદલી રહ્યા છે હા હવે તેનું નામ હશે ‘હોક્કો’. આમ તો આ નામ જલદી જ લોકોની જીભે વળગી જાય તેવું છે. પણ શું લોકોમાં જેટલી લોકપ્રિયતા હેવમોર માટે છે તેટલી તેના માટે રહેશે ખરી ? તે તો સમય જ બતાવશે.

કંપનીના ચેરમેન પ્રદીપ ચોનાએ અમદાવામાં આ નિર્ણયને લઈને એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં તેમણે જણાવ્યુ હતું, “એક બ્રાન્ડ તરીકે હેવમોરની એક અલગ ઓળખ છે, પરંતુ સમયની સાથે સાથે તેમાં પરિવર્તન લાવવું પણ જરૂરી છે અને માટે જ અમે તેને નવા ઓપની સાથે સાથે નવું નામ આપવાનું પણ નક્કી કર્યું છે. અમને આશા છે કે લોકો અમને આ નવા નામ સાથે ચોક્કસ સ્વીકારશે.”

હેવમોર માત્ર ગુજરાત જ નહીં પણ સાથે સાથે રાજસ્થાન, અને મધ્યપ્રદેશમાં પણ તેટલી જ લોકપ્રિયતા ધરાવે છે. અને પોતાના અગણિત આઉટ લેટ્સ પણ ધરાવે છે. કંપનીને નવો ઓપ તો આપવામાં આવી જ રહ્ય છે પણ સાથે સાથે કંપની આ ત્રણે રાજ્યોમાં આવનારા સમયમાં 100 કરોડનું રોકાણ પણ કરી રહી છે.

હાલ આ ત્રણેય રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતી હેવમોરની 40 ઇટરી તેમજ 12 રેસ્ટોરન્ટમાં પુરજોશથી મેકઓવરનું કામ ચાલી રહ્યું છે. અને તેને આવતા વર્ષના માર્ચ મહિનામાં હોક્કો બ્રાન્ડથી રી લોન્ચ કરવાનું આયોજન છે.

તમને જણાવી દઈએ કે બે વર્ષ અગાઉ જ હેવમોર કંપનીને દક્ષિણ કોરિયાની એક કંપનીએ ટેકઓવર કરી લીધી હતી. બસ આ જ હેતુ સર આખીએ હેવમોર બ્રાન્ડનું નવો ઓપ આપીને રીલોન્ચ થવા જઈ રહ્યું છે. હાલ કંપની ચોના પરિવારની ત્રીજી પેઢી ચલાવી રહી છે. હેવમોરન આઇસ્ક્રીમનાં વેચાણની સાથે સાથે HRPL કંપનીના રેસ્ટોરન્ટ બિઝનેસને પણ વિકસાવવા માગે છે અને હાલ તે લક્ષ પર જ કેન્દ્રીત થઈ છે.

તેમનું આયોજન આવનારા વર્ષોમાં બીજા 60 રેસ્ટોરન્ટ ખોલવાનું છે. આ ઉપરાંત તેઓ હેલ્ધી સ્નેક્સ બિઝનેસ પણ શરૂ કરવા માગે છે. ચાલુ વર્ષમાં જ તેઓ પોતાના હેલ્ધી સ્નેક્સની એક રેન્જ લોન્ચ કરવા જઈ રહ્યા છે જેના પર હાલ પુરજોશમાં કામ ચાલી રહ્યું છે.

ફુડ સેક્ટર ઉપરાંત અંકિત ચોના કન્ઝ્યુમર સેક્ટરમાં પણ રોકાણ કરવા માગે છે પણ તે વિષે હજુ કશું જ સ્પષ્ટ નથી. પણ હાલ તેઓ આ સેક્ટરનો અભ્યાસ કરી રહ્યા છે. 2017માં તેમણે પોતાનો 1020 કરોડ રૂપિયાનો ધીખતો આઇસ્ક્રીમનો ધંધો દક્ષિણ કોરિયાની કંપની લોટ્ટે કન્ફેક્શનરીને વેચી દીધો હતો. એટલે હાલ નવા બિઝનેસમાં જંપ લાવવા માટે તેમની પાસે પુરતું ફંડ છે. પણ હાલ તો તેઓ પોતાના રેસ્ટોરન્ટ બિઝનેસને જ વિકસાવવા માગે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ