છાપેલાં કાટલાં – ગામડા ગામની બે સહેલીઓ એક ઠરીઠામ તો બીજી ગજબની ચાલાક અનોખી વાર્તા..

લખુળી ને કમૂળી ગામનાં છાપેલાં કાટલાં. જ્યારે જુઓ ત્યારે ભેગાં ને ભેગાં જ હોય. લખું તો માનોને એટલી સીધી કે ભોજાનું ઘર બાંધીને ઠરીઠામ થઈ. પણ કમુ તો કાળજાની ભારે કાઠી. ગામમાં પિયરીયું ને ગામમાં સાસરિયું પણ એ વજાનું ઘર સાચવી ના શકી. માંડ બે વરસ જેટલો સાસરવાહો ભોગવ્યો ને બેઠી રિહામણે. એટલું સારું હતું કે હજુ તેના પેટ વસ્તાર નહોતો પડ્યો.

” મારી બોન કમુ, આપણે તો એટલું યાદ રાખવાનું કે આધેલા કરતાં રૂપિયો મોટો ઇ મોટો ” લખું કમુને જીવનની સાદી ફિલોસોફી સમજાવી વજા સાથે મોકળા મને જીવનનો આનંદ માણવાની સલાહ આપે. જિદ્દી કમૂળી વજા ભેગી રહેવા જવા એકની બે ના થાય. માબાપની એકની એક દીકરી એટલે બહુ લાડકોડમાં ઉછરેલી, કમૂળીને બાપાનું ઘર છોડવું આકરું લાગે. એનું કહેવું એમ કે વજાને બીજો ભાઈ છે, તો વજો એના બાપાનું ઘર છોડી મારે ઘરે આવે. સામે વજો પણ ઘરજમાઈ તરીકે રહેવા રાજી નહીં. બરાબરની જામી પડેલી. બેમાંથી કોઈ નીચું નાડવા તૈયાર નહીં.

image source

એક બાજુ કમુનું જોબનીયું ઉછાળા મારે, પણ વાત ઝલાઈ ગઈ એ ઝલાઈ ગઈ. મનમાંતો મલીદાના મોટા લૂંદા ભરવા છે, પણ મલિદાનો લોટ બાંધવા પોતે તૈયાર નથી. આમ કમુબુન હવે બરાબરનાં ફસાઈ ગયાં છે. ઝાલ્યું મેલાતું નથી ને જો તાણવા જાય તૂટી જવાની બીક છે. વજો પણ એકનો બે થતો નથી. હુતો ને હુતી, બેય એકજ માળાના મણકા.

કૂવો હોય કે તળાવ કે પછી ગામની ઉગમણી દિશાએ આવેલ ચમેલીઓ પાવાળાં ખેતરો, જ્યાં લખુળી ત્યાં કમૂળી એક સાથે હોય હોય ને હોયજ. કોઈ જુએ કે કમૂળી આ ખેતરે ચાર લઈ રહી છે તો સમજી જાય કે આજુબાજુમાં ક્યાંક લખુળી હશેજ. દુનિયાભરની વાતો કરતી હોય. જેવી ભેગી થાય એવી, તરતજ ગુસપુસ ગુસપુસ ચાલુ થઇ જાય, કે સાંજ પડે તોય એમની વાતો ખૂટે નહીં. ખેતર પાદર કે તળાવ કૂવે ભેગિયું થાય ને એમના ગામગપાટા વેગે ચડે. ક્યારે એકબીજીની ફિલ્મ ઉતારી નાખે એ કાંઈ નક્કી નહીં.

image source

ક્યારેક દિલ બહેલાવવા એક અફવાનું પડીકું ખોલીને, બીજીને સુંઘાડે, તો બીજી વળી ગપની માને ગપ પરણાવી સામેવાળીને પધરાવી દે. જો દાહાડામાં એકાદ ગપ્પુ ના રેડવે તો એમને જપ ના થાય. એમ કરી પળેપળનો આનંદ લૂંટે. એક મુદ્દો એવો કે, તે એક યા બીજી રીતે તેમની વાતમાં ક્યાંક ને ક્યાંક તો આવે આવે ને આવેજ અને તે હતો ગામનો મફો માસ્તર. આ મફો માસ્તર બાવીસ આસપાસનો ફાંકડો જવાન અને ઉંમરના આવેગ પ્રમાણે શોખીન પણ એટલો ને સ્વભાવનો રંગીલો.

બધા એને મફો માસ્તર કહે. એ કોઈ શાળાનો માસ્તર ના હતો. મૂળે માસ્તર એ એનું ઉપનામ. છકકડો ફેરવે. એનો છકકડો ક્યારેક પેસેન્જરમાં ફેરવે તો ક્યારેક ખેતીકામે ખેતરમાં ફરતો હોય. ગામના સારા-માઠા પ્રસંગે પાણીની ખેપો પણ કરે. કોઈને કાણ મોકણ કે બેસણે જવું હોય તો પણ કહે ” બોલાવો મફાનો સનેડો ” આમ મફાનો, ને મફાના સનેડાનો ગામમાં ડંકો વાગે. ગામની સ્ત્રીઓ ઘાસનાં પોટકાં કે ભારા ઉપાડીને ગામ તરફ વળતી થાય ને ભટ…ભટ..ભટ અવાજ આવે તો બોલી ઉઠે, “એઇ…આ… મફા માસ્તરનો સનેડો આયો લ્યો, કરો મજા.”

અને ફટો ફટ બધાંય પોટકાં માસ્તરના સનેડામાં ગોઠવાઈ જાય ને પછી બાઈઓ હાથ હિલોળતી આરામથી ઘરે પહોંચે. પણ જો લખુળી કે કમૂળી તેમની માથેનું પોટકું નાખે તો માસ્તર બોલે, ” બસ…બસ.. હવે જગા નથી. એ કમૂભાભી તું ક્યાં છોકરાં વાળી છે તે તારે મોડું થાય છે ? અને લખુભાભી તેં તો બાર મણની ધોબણ જેટલું શરીર ખડકયું છે ને તને શાનો ભાર લાગે છે ? જાઓ પોટકાં ઉપાડીને હેંડતી થાઓ.”

આમ બોલી એ લખુળી-કમૂળીને બહુ ખીજવે ને પછી ગામનાં બીજાં બૈરાં થોડાં આઘે નીકળી જાય એટલે છકડો ઉતાવળો ચલાવી, એમની સંગાથે થઈ જાય, ને પોતાના સગા હાથે એમનાં પોટકાં છકડામાં નાખે. એ છકડાનું ડરાઈવિંગ કરતો હોય ને એના ડાબે જમણે પડખે બેયને બેસાડે. નાની નાની ઘાંચો આવે તોયે મફાભઈની કુણીઓ ઉછળતી સ્પ્રિંગની જેમ ગરબા ગાવા લાગેને લખુળી ને કમૂળી ને ખૂબ પજવે.

image source

ગામને સબંધે મફો પાછો બેયને ભાભી કહીને બોલાવે. બોલવાનો ને ગામગપાટા મારવાનો તો એ ભારે ફોરો. સામે કમૂળી ને લખુળીએ પણ એવીયું. એય ઉણી ના ઉતરે, ને ઈંટનો જવાબ પથ્થરથી આપે. ” તે લખુભાભી આ તારે તો લગન કરે ઘણો ટેમ થ્યો પણ હજુ તારું ચમ ઠેકાણું પડતું નથી ?” છકડાના હોર્ન પર હાથ દાબતાં મફો પૂછે. ” છાનો મર, માર રોયા નવરા ! તારે વાંઢાને વળી શું એ બધી પડાપૂછ?” લખુળી હસતી હસતી જવાબ આપે.” પરપોટા… પરપોટા મફાભઈ પરપોટાના પ્રતાપ ” કમૂળી મમરો મૂકે.

” હેં પરપોટા એટલે શું વળી ? ” મફો માળો જાણી જોઈને અજાણ્યો થાય.”ઓલ્યુ આડેહણ” કમૂળી બિન્દાસ્ત રીતે વાતને તેના મરમ સુધી પહોંચાડે.” બચારી ઇ પરપોટા ચ્યો લેવા જાય.?” મફ્લો વાત કઢાવવા આગળ પૂછે.

” ગામનું સરકારી દવાખાનું નથી ? ત્યાં લગાડેલ એક ખોખામાંથી કોઈને ખબર ના પડે તેમ છાનીછપની એક દોથો ભરીને લેતી આવે ને પછે અઠવાડિયા હુધી મારે ટીસકારા.” કમૂળી આમ લખુળીની પોલ ખોલે ને લખું ખીજાય ને મફો મરકાય ને બેયને લઈને ગામમાં એમના ઘર સુધી ચારનાં પોટકાં નાખવા જાય. લાગ આવે તો મશ્કરી કરતો કરતો ચા-પાણી પીધા વગર ઊઠે નહીં. કમુ ને લખુની રગેરગ એ જાણે, ઉપરાંત કમુ ને લખુના ઘરવાળાનો ભાઈબંધ એટલેજ તો આ બઇ માણસો જોડે એને ઘરોંબો વધારે.

આ માસ્તર પાછો પહોંચેલી માયા. લખુળી ને કમૂળી જે પા( ખેતરોનો સમૂહ)માં ચાર લેવા ગઇ હોય ઇ બાજુ કામ ના હોય ને તોય આંટો મારે ને લખું ને કમુનો ભાર હળવો કરી આપે. મફાનાં આવાં કારસ્તાન ગામનું છોકરે છોકરું જાણે એટલે તો આ ટોળકીનું નામ છાપેલાં કાટલાં પડી ગયેલું. મફો ક્યારેક ઘરે પડ્યો હોય તો ક્યારેક ખેતરના ઓઢે રાત રોકાય ને બે દિવસે ગામમાં ડોકાય. ક્યારેક એનો આત્મા આનંદમાં હોય તો છકડો લઈ બાજુના શહેર ઉપડી જાય, એવો મનમોજીલો.

આજે કમૂળી ધુવાંપુઆં હતી, કારણ લખુડી એને જાણ વગર કાંઈક બહાર ગામ ગઈ હતી. કમુને ખેતરોમાં જવા ગામની બીજી બાઈઓનો સંગાથ કરવો પડ્યો તે એને જરાય ગમ્યું નહીં. સૂરજ માથે આવી ગયો તોયે કામ સુઝેજ નહિ. બે દિવસ નીકળી ગયા પણ લખુળી દેખાણી નહિ. અધૂરામાં પૂરું મફો માસ્તર ને એનો છનેડો પણ ગામાંથી ગાયબ હતાં. કમુતો મનમાં ને મનમાં લખુળીને મણ મણની રેળવે, એક લે, ને બીજી મૂકે. ” રાંડ તું ઘરે આય પછી તારી વાત. તારી તપેલી ચડાવી ના દઉં તો મારું નામ કમુ નઇ! ” મનમાં એવું ગણગણાવી ને પછી મન મનાવ્યું.

વાત જાણે એમ બની હતી કે લખુળીના ભાઈના ઘેર બાબો આવ્યો હતો, ને અચાનક તેને બાબાને રમાડાવા જવું પડેલું ને કમૂળીને વાત કરવાનું રહી ગયેલું. ઠેઠ ત્રીજા દિવસે લખુળી દેખાણી. કમૂળીએ તો એને દેખતાં વેંત એનો ઉધડો લઈ નાખ્યો. એના પર રીતસરની તૂટી પડી. ” હા..હા ને તું મને કીધા વગર બાર ગામ ગઈજ કેમ?” ને આગળ પૂછ્યું, ” બે દિવસથી ક્યાં ગુડણી હતી બોલ મારી ભોજાઈ ! ઘમમર ઘોડા !”

image source

લખુળી તરત કમુનો મિજાજ પારખી ગઈ. પણ એ કાંઈ ઓછી ઉતરે તેવી ના હતી. બેય જણીઓએ એકજ ઘંટીનો આટો ખાધેલો. ” અલી કમુ, મારી બૂન શું કહું તને કાંઈ કીધાં જેવું નથી, શું મજા કરી ! શું મજા કરી ! ” પછી એના કાનમાં કાંઈક ધીમું ધીમું બોલીને ખૂંધુ હસવા લાગીને આગળ બોલી, ” મારે તને ભેગી લઈ જવી’તી, પણ મુવો એ ગામનો ઉતાર કે ના, તું એને બોલાવવા જાય તો કોઈને ખબર પડી જાય.

હાલને હાલ બેહી જા છકડામાં. હું તો પસી ભેંસ દોવાનું મારી પડોહણ સમૂળીને ભરાવી ને નાછૂટકે છકડામાં બેઠી. ગઈ તો ગઈ પણ મારી બૂન કમૂ તારા વગર મજો આયોજ નઇ, ભઈના હમ બસ. ” લખુળીએ ચહેરા પર ખુશીના ભાવ લાવીને કમુની વાતનો એવા લહેકા સાથે ખુલાસો કર્યો, કે કમુના કાન તો બહેર મારી ગયા.

” હત તારું જાય તારું ! ” કમુ હાથ ઉગામતાં આગળ બોલી,” એકલી એકલી ઢસકરીયાં કરી આવી ને તારા, લોંઠા, ભોજીયાને શું બહાનું બતાવીને ગઈ’તી?” કમુએ બળતાં બળતાં સવાલ કર્યો. ” પિયર જવાનું બા’નું. મારે તારી જેમ બા’નું ક્યાં ગોતવું પડે એમ છે !” કમુની કૅડમાં ઠોન્સૉ મારતાં લખુળીએ આગળ ઉમેર્યું. “મારે તો બીજા દા’ળે

image source

ઘરે આવવું તું, પણ એ મૂવો કે ના આજતો સેનીમા જોવા જવી શે.” ” અરે એવા પીચરિયાં તો રોજ ટીવામા આવે શે, એના હાતું તેં આખો દા’ડો બગાડ્યો ? ચિયું પિચરયુ હતું?” કમૂળી હવે જરા ઢીલી થઈ હતી. “બળ્યું મને તો પૂરું યાદે નથી. ફિલ્મનું નામ તો ‘શિયાળે સાજણ હાંભળે ‘ એવું કાંઈક હતું.” આમને આમ હસીમજાકમાં દહાડા જાય છે, પણ કમુ વજાનું ઘર બાંધતી નથી, ને લખુળી મફલા ભેગી મજા કરી આવી, એ એના મગજમાં રોજ ચચરે છે.

આકાશ ગોરંભાયેલું હતું. કાળાં કાળાં વાદળાં ઉમટી આવેલાં. ગગડાટ ને વીજળી થઇ રહી હતી. ઠંડી ઠંડી હવા ચાલી રહી હતી ને હમણાં જાણે વરસાદ તૂટી પડશે એવું વાતાવરણ જામેલું. એવામાં મફો એના ખેતરના ઓઢે જવા નીકળ્યો. ડખ….ડખ…ડખ…સનેડો ગાડામાર્ગે એક ધાર્યો દોડી રહ્યો હતો.

image source

” હો આજ મૌસમ બડા બેઇમાન હૈ ! આજ મૌસમ…કાલી કાલી ઘટા….એવું કાંઈક ગાતો ગાતો, મફો જેવો તળાવનું અગુર વટાવી આગળ વધ્યો ત્યાં વરસાદના છાંટા ચાલુ થયાને તેને કોઈની બૂમ સંભળાઈ, “અલ્યા મને લેતો જા ફાટીપડયા ! માર્ગમાં કોઈને જોતોયે નથી ?” મફો પાછળ તાક્યો, છકકડો બ્રેક કર્યોને બોલ્યો, ” લે હેંડ કમુભાભી પલળીશને માંદી પડીશ તો કોણ તારો ઘરવાળો વજીયો દવા કરાવવા આવશે?”

કમૂળીતો ” બેસ બેસ મારારોયા વાયડા” એમ બોલીને ઠેકડો મારીને ચડી ગઈ છકડા પર. વરસાદનું જોર વધતું જાતું હતું. કમુ તો પલળીને રેબઝેબ, જેવો મફાએ છકડો ઊભો રાખ્યો કે એતો હડી કરીને મફાનાં ઓઢામાં ઘુસી ગઈ. મફો તો ઓઢાની બહાર ઓથે ઊભો ઊભો વરસાદની વાછટ ખાવા લાગ્યો. કમુ થોડી વારે ઓઢાના બારણે આવી. એની આંખો ચકળવકળ થવા લાગી.

image source

કમુથી તો રહેવાયું નહીં, એણે તો એક હાથથી માફાને અંદર ખેંચ્યો. કમુની વરસાદમાં ભીંજાયેલી કામણગારી કાયા જોઈ, મફો ઘડીક તો આભો જ થઈ ગયો ને બોલ્યો,” અલી કમુભાભી તારો ઘરવાળો, વજો મારો ભાઈબંધ ને, તેં મને હાવ એવો ધાર્યો ? ” આટલું બોલી ને એતો ભાગ્યો ઘર તરફ. “રાંડ કભારજા ! હું તને જોઈ લઈશ” એકલી પડેલી કમુએ લખુળીને મનમાં ને મનમાં ચૂકીને ચોપડાવી.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ