ચતુરાઈ – એક વહુ, એક પત્ની અને એક માતાની સમજદારીએ બચાવ્યો એનો ઘરસંસાર…

“ચતુરાઈ”

ગવર્મેન્ટ જોબ કરતી નેહાનો પતિ, નિખિલ પણ એક અલગ ડિપાર્ટમેન્ટમાં પણ, ગવર્મેન્ટ જોબ કરતો હતો. નિખિલ, આમ તો ભલોભોળો ને સીધોસાદો !!!!, પતિ તરીકે એની સાથે જિંદગી નીકળી જાય એવું હતું. અને એ નેહાને એના તરફથી કશી જ કનડગત નહોતી!! અને સામાન્ય, કેસમાં બને એમ લગ્ન પછી, બેએક વર્ષમાં એક અને બીજા ત્રણેક વર્ષમાં બીજું, એમ નેહા બે બાળકની માતા બની. મોટી દીકરી આર્યા ને દીકરો નાનો આયન !! સમય સરતો જતો હતો …! સરળ અને સીધે રસ્તે ચાલવાવાળો પતિ હોવાથી, નેહા ને નિખિલ તરફથી કોઈ વાંધો નહોતો. પણ, નેહાના સાસુ સસરા ???


ગજબ ના વિચિત્ર !! આમ તો એ બન્નેને અરસપરસ તું-તું મેં-મેં ચાલતું જ હોય !! પણ, જો એમણે નિખિલ ને કે નેહાને કંઈપણ કહેવાનું આવે કે તરત બન્ને એકા થઈ જાય !! જેમ કે, એમને ગમે એવું પિક્ચર tv માં આવતું હોય તો , છાના છપ બેસીને જોવા લાગે …! પણ, નેહા કે નિખિલ રાતે જોવા બેસે તો એમ કહે કે, સમયસર સુઈ જવું જોઈએ…!! આ છોકરાઓને ય અસર થાય !! વહેલા સુવો તો વહેલા ઊઠવાની ટેવ પડે ને !!
અને, નિખિલ ચુપચાપ, એમની સૂચના મુજબ કરવા તૈયાર થઈ જાય !! પણ, એ બન્ને પોતે , ઈચ્છા થાય ત્યારે જુવે !! અને હા,ત્યારે કોઈ વાંધો નહિ !! એવું જ, ખાવા પીવામાં..!! નેહાને મન થાય બહાર જમવા જવાનું.. ત્યારે.. અત્યારની પેઢી ને બારે જ ખાવું !! માંદા પડે, આ દવાખાના એટલે તો હાલે સે !! બાર નું ઇ બાર નું !! ઘર જેવી સોખ્ખાઈ થોડી હોય ?? આવું તો.. હજી ઘણુંય !! પણ, પોતાને મરજી થાય ત્યારે ફાફડાજલેબી આવી જાય !! વ્રત ઉપવાસ માં ફરાળી પેટીસ આવી જાય !!


એ લોકો ખાય, એમાં નેહાને જરા પણ વાંધો નહોતો !! વાંધો , એમની માનસિકતા સામે હતો !! નેહા, આ બાબતે નિખિલ સાથે ચર્ચા કરે, તો એ તરત બોલે.. ” મુક ને હવે !! , છોડ ને આ લમણાઝીંક !! ચાલ્યા કરે !! હોય એ તો !! ……..!! …….!!”આવી રેકોર્ડ વગાડ્યા કરે !! ન નેહા ને કોઈ સુઝાવ આપે ના એના મમ્મીપપ્પા ને સમજાવે !! પહેરવા ઓઢવા, બાબતે ય એવું જ !! શરૂઆતમાં નેહા, સાડી કરતાં વધારે ડ્રેસ પહેરવાનું પસંદ કરતી, તો સાસુ મોકો ન ચુકતાં

“સાડી ઇ સાડી !! એના જેવું બીજું કાંઈ સારું ન લાગે !! આ પંજાબી ડ્રેસ કાય આપણા પહેરવેશ નથી !! મુસલમાન પહેરે.. ઇ લોકો જો કેવા હુસીયાર સે ?? ઇ આપડું કાંઈ અપનાવે સે ?? આપડી પરજા જ જોને હાલી નીકરી સે !! અને, છતાંય નેહા પહેરતી !! અને હવે જ્યારે, નેહા ના સાસુ ખુદ, સાડી છોડી ને ડ્રેસ પહેરવા લાગ્યા છે !!


અને, નેહા, અત્યારના યુગની વર્કિંગ વુમન છે , સ્વતંત્ર કમાણી કરે છે !! એ ન્યૂ ટ્રેન્ડ મુજબ, વેસ્ટર્ન સ્ટાઇલના કપડાં પહેરે ..તો.. કોમ્પ્લિમેન્ટ્સ તો ચાલુ જ … “આવા કપડાં, મને તો જરાય ન ગમે !! ડ્રેસ જેવું થોડું શોભે ??”

અને, સાસુના જ મોટીબેન એના દીકરા સાથે બેંગ્લોર રહે છે અને વીડિયો કોલિંગમાં જોયું કે મોટીબેન, વેસ્ટર્ન વેર માં છે !! તો બોલ્યા… ” અરે, મોટી, તું તો મારાથી ય નાની લાગે છે !! હા, હા, !! પેરાય જ ને !! જલ્સા કરી લેવાના !! આ મારી મોટી બેન, એના સાસુ સસરા, જીવતા ન્યા લગણ, સાડી જ પે’રતી..ને..! માથા પરથી પાલવ તો ઉતારાતો જ નહીં !! હવે, તો કોઈ કાઈ , બોલે જ નહીં !! બધા સમજી ગયા છે !! જેને જેમ જીવવું હોય એમ જીવવા દ્યો !!”

નેહા, સમસમી રહેતી, કે આતે કેવું ?? એને કાઈ બોલવા કે સમજાવવા જાય તો ..!! સામે થી લેતા પડે !! “તમને જ બધી ખબર પડે !! અમે તો ગામડિયા !! અમે જ ગમાર !! તમે બહુ સમજદાર થઈ ગયા છો !! અમારે તો કાંઈ, બોલવું જ નહીં !!..!!””” આમ તો આ વાતો સામાન્ય લાગે !! પણ, આ સામાન્ય લાગતી નોંક્ઝોક… વારેવારે.. અને હરવખતે જુદી જુદી !!! નેહા માટે આ, ત્રાસ જ ત્રાસ થઈ પડ્યો !


આ વિશે, જો નેહા નિખિલ ને કઈ કહેવા જાય તો… નિખિલ ?? એ જ.. જૂની પુરાણી ઘીસીપીટ્ટી એક જ રેકોર્ડ..વગાડે !! “.. રહેવા..દે..ને..ચાલ્યા કરે… …!” નેહાને ખરેખર, કંટાળો આવતો !! આમ જોવા જાય તો ખાસ કોઈ પ્રોબ્લેમ ન કહેવાય !! …..આ તો રોજની રામાયણ !! વાત નાની પણ કચકચ…કચ.. કચ…!!! રોજ થોડા થોડા છમકલાં થયા કરે એમાં એક દિવસ …નાની ચિનગારી, મોટી આગ પકડી !!

વાત જાણે એમ હતી કે, નેહા એ ફોસલાવી ફોસલાવીને આર્યા અને આયન ને tv પાસેથી ઉઠાડીને, હજુ ખૂબ મગજમારી કરીને, બન્ને ને સ્કૂલથી આપેલું વર્ક કરવા બેસાડ્યા અને નેહાના સાસુને tv જોવું હતું પણ એ ચાલુ કરે એ પહેલાં જ બહારથી આવેલા, નેહાના સસરાએ, ઘરમાં પ્રવેશતાં વેંત જ, tv on કર્યું !! હવે, નેહાએ તો સહજતા થી કહી નાખ્યું , “આ બન્ને ને માંડ માંડ બેસાડ્યા છે તો હવે મહેરબાની કરીને ફરી ચાલુ ન કરો !!”
અને, નેહાના સાસુએ ખોટે ખોટી લમણાઝીંક કરી અને… માંડ્યા જેમ આવે એમ બોલવા !! “હા, લ્યો ! હવે તો તમને પૂછ્યા વિના અમારે કઈ ન કરાય !! તમે કહેશો એટલું જ પાણી પીશું !! ભણેલી અને નોકરિયાત વહુ લઈ આવવાની આ જ મોટી માથાકૂટ !! વહુ ઉઠીને આપણને દબાવે !! કમાણી કરે એટલે પાવર તો હોય જ ને !! આપણે ન સમજ્યા !! આપણે ગમાર…!!!”


નેહા, ભણેલ ગણેલ અને self depend , આજના જમાનાની સ્ત્રી હતી. એ સંસ્કારી પણ હતી.પરંતુ, ગમાર સાસુની, જીભ પર કંટ્રોલ ન રહ્યો .. એણે નેહાને ન કહેવાના વેણ કહ્યા.. અને, નેહાની કમાન છટકી !! એણે, સામેસામુ સંભળાવી દીધું, .. એના સાસુ જરાય ગાંજ્યા જાય તેમ ન્હોતા , એ રાડો પાડતાં જાય અને રડતાં પણ જાય !! છેલ્લે નેહા બોલી, ” ભેંસ આગળ ભાગવત !!” જેવું છે. અને, નિખિલને ઓફિસેથી ઘરે પાછા ફરતા ઘરમાં પગ મુક્તો જોઈને એની મમ્મીએ ઠૂંઠવો જ મુક્યો ….. “માથા ફરેલ વહુ મળી સે.. તયે આપણને ભેંસ જેવા હમઝે ને !! ”

નિખિલે આવતાં આવતાં નેહાનુ વાક્ય સાંભળ્યું હતું અને પોતાની માં ને આમ રોતી જોઈ ને, એનો મગજ છટક્યો !! એણે ક્રોધના આવેશમાં રાડ પાડી…, ” નેહા …..!!!, ચૂપ ….!!” અને નેહાના ગુસ્સા પર, બળતામાં ઘી હોમાયું. એણે નિખિલને પણ સંભળાવી દીધું… , ” તમે ય ??, તમને આવા ન્હોતા ધાર્યા !!” એ સાથે જ નેહાના સસરા, નેહા પર હાથ ઉગામવા ગયા… અને છોકરાઓ રાડારાડ કરવા લાગ્યા… નિખિલ કે કોઈ કાંઈ સમજે એ પહેલાં, “તમાશાને તેડું ન હોય ”

એ ન્યાયે લોકો ભેગા થઈ ગયા અને નેહાએ તાત્કાલિક નિર્ણય કરી લીધો …. કે હવે પોતે આ ઘરમાં રહેવા નથી માંગતી. એણે નિખિલને, ચોખ્ખેચોખ્ખું કહી દીધું, “” તારે, આવવું હોય તો ચાલ, મારી સાથે.. નહીંતર હું બન્ને છોકરાઓને લઈ ને જતી રહું છું. ” નિખિલ માટે આ પગલું એકદમ , અણધાર્યું હતું , તે હતપ્રભ બની ગયો. તેણે જ્યારે નેહા ને સમજાવવા પેલી જૂની રેકોર્ડ્સ વગાડી.. !! હવે, એ એટલી જૂની થઈ ગઈ હતી કે, એમાંથી કોઈ સૂર નેહાના કાને અથડાયા જ નહીં .


છેલ્લે ,.. નેહા, ખરેખર એક મકાન ભાડે રાખીને, પોતાનું, જે સ્ત્રી ધન કહી શકાય, તેટલું લઈને, છોકરાઓ સાથે , જુદી રહેવા ચાલી નીકળી !!! નિખિલ, પોતાના માબાપનું એકમાત્ર સંતાન હોઈ, ક્યારેય એમને છોડી જુદું થવાની કલ્પના પણ કરેલી નહોતી !! નિખિલે, નેહાને અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ, એના મમ્મી પપ્પા એ એને રોકતાં કહ્યું, ” જવા દે એને ! પોતે નોકરી કરે એટલે પતિ ને ગુલામ સમજે છે !! જવા દે !! એમ , એકલું રહેવું સહેલું નથી. આવશે !! ફરી પાછી, બબ્બે છોકરાઓ લઈ, ક્યાં જવાની ?? ખીજ ઉતરશે એટલે આવી જશે પાછી !!”

અને, સીધો સાદો, પતિ હોવા ના ફાયદા સાથે નુકસાન પણ છે કે એ તાત્કાલિક, કોઈ સાચો નિર્ણય ન લઈ શકે !! નેહાએ, આવેશમાં આવીને સ્વતંત્ર રહેવાનું પગલું, તો ભરી લીધું. પણ, એને ખબર હતી કે આ દુનિયામાં પોતાને કદાચ કોઈપણ પુરુષ બીજા પતિ તરીકે સહેલાઇથી મળી જશે પણ, પોતાના બાળકોનો પિતા, ન મળે ! અને, એ નિખિલ જ છે, જે પ્રેમાળ પિતા છે. પણ, હવે શું ?? ગુસ્સાની આગમાં બધાનું સુખચેન હોમાઈ ગયું !!

સિવાય કે નિખિલના મમ્મી પપ્પા !! બન્ને સાથે મળી, નિખિલની પાસે, એક જ રાગ આલાપતાં, ” મુક ને ?? આવશે પાછી, જોજે !! ક્યાં જશે ?? કોણ સંઘરશે ??” નિખિલને પણ એમ લાગતું હતું કે દરવખતે જતું કરનારી નેહા, આ વખતે પણ, બધું ભૂલીને, આવશે …! પાછી આવશે !! આવશે… !! પછી, તો.. એક દિવસ,બે દિવસ,… થોડા દિવસ થયા … ત્યાં તો.. નિખિલને થયું.. “આવશે.. ! આવશે .. કે.. !! નહિ આવે તો ???”

નિખિલ, ઓફીસ થી ઘર તરફ આવતાં, અનાયાસે, તેનું બાઇક, એ રસ્તે વળ્યું, કે જ્યાં, એને ખબર પડી હતી કે નેહાએ મકાન રાખ્યું છે …

એ એક, પિતા તો હતો જ પણ,એક,પ્રેમાળ પતિ પણ હતો. એ અવશપણે .. એ જ શેરીમાંથી, નીકળ્યો હતો.પણ, નેહાના ઘર પાસે, બાઇક ધીમું પાડી, ઊભું રાખ્યું.. એ અવશપણે નહિ, અનાયાસે પણ નહીં, એક જવાબદાર, પતિ જેણે એની પત્નીને જવા જ નહોતી દેવાની !! અને એક પિતા કે જેના નાના બાળકો યાદ આવ્યા પછી એને નહોતું ગમતું, ખાવું પીવું કે કામ કરવું !! કશુંક એના અસ્તિત્વમાંથી છૂટું પડી ગયું હતું.. અને એ તરફડતો હતો.


આ તરફડાટ, એને અહીં ખેંચી લાવ્યો ! બાઇક ઊભું રાખી એણે જેવું હોર્ન વગાડ્યું, કે તરત જ આર્યા અને આયન, બાળકો એના પપ્પાના બાઈકના હોર્નનો તો શું એંજિનનો ય અવાજ ઓળખી જાય!!! બન્ને, છોકરાઓ દોડતાં આવ્યા અને નિખિલ ને જોઈ રાજી રાજી થઈ ગયા… બે ય માસૂમ ભૂલકાં, પોતાના પપ્પાના વ્હાલ માટે તરસી રહ્યા અને તરસ્યા પિતાનો પ્રેમ વરસી રહ્યો !!

નેહા, દૂર થી, ઘરની અંદરથી આ મિલન જોઈ રહી. એ ખૂબ ખુશ થઈ. નિખિલ, છોકરાઓ ને વ્હાલ કરતાં કરતાં, ઘર તરફ નજર કરી, નેહા જો દેખાઈ આવે !! નેહા, સભાનપણે, એક તરફ , સંતાઈ ને ઊભી ઊભી, નીરખી રહી !! એ જોવા માંગતી હતી કે નિખિલ … એક સારો માણસ, એક સારો પુત્ર, એક સારો પિતા .. તો છે જ,

પણ, એનામાં એ પોતાનો પતિ, હજુ કેટલો છે, કેવો છે એ જોવા માંગતી હતી . ધક્ધક ધક્ધક… એનું હૈયું, ધબકી રહ્યું, એને ડર, લાગ્યો કે, આંગણે ઊભેલો એનો પતિ,… જતો રહેશે તો ?? દ્રઢ મનોબળ રાખી, આવડું મોટું કદમ ઉપાડ્યું, ત્યારે એ ખુદ ઇચ્છતી હતી કે નિખિલ પણ, એની સાથે આવે !! અરે! નહિ આવે તો, કાશ મને આગ્રહ કરી, રોકી લે !! એ શાંત અને વ્યવસ્થિત વાતાવરણ માં રહેવા અને બાળકોને ઉછેરવા માંગતી હતી. જે એ ઘરમાં હવે જરાપણ શક્ય નહોતું. પણ, આ બધું, એ પોતાના પતિ અને વાત્સલ્ય ભરેલ પિતા , નિખિલ ના ભોગે નહિ !!


પણ, શું થાય ?? એને પોતાની જાત પ્રત્યે પણ, ગુસ્સો આવ્યો હતો અને નિખિલ પર પણ !! એની બંધ આંખે… એ વિચારતી રહી.. ત્યાં એને અવાજ સંભળાયો..!! છોકરાઓનો..! આર્યા બોલી,

” પપ્પા, ચાલો ને અંદર !! પપ્પા,.. !! આયન બોલ્યો, “તમાલા વડલ નોટી ગમટુ !!” અને અમે નહિ જવા દઈએ !! કહેતાં, અને પોતાની આંખો ય નેહાને મળ્યા વગર પગને ચાલવા નહિ દે .. એવું લાગતાં નિખિલ, અંદર પ્રવેશ્યો…!

નેહા…!! નેહા એ એકદમ, પોતાની જાત ને સાંભળી લીધી. એણે, હસીને, નિખિલનું ઉષ્માભરી નજરે સ્વાગત કર્યું. ઉપેક્ષા કે ફરિયાદની જ અપેક્ષા હતી નિખિલને !! એને બદલે નેહાએ ચતુરાઈ વાપરી..! એક પ્રેમાળ, પતિ અને પિતા, એક ફરજપસ્ત પુત્ર પર , ઉપરવટ થઈ , નેહા સુધી , એકલો પહોંચ્યો હતો. નેહાએ આ તકનો યોગ્ય ઉપયોગ કર્યો. નિખિલે એને સામાન્ય પ્રશ્નો પૂછ્યા,

“કેમ છો ને શુ ચાલે છે ??” નેહાએ ખૂબ ચીવટ થી, વ્યવસ્થિત જવાબ આપતાં આપતાં એકદમ નોર્મલ બિહેવ કરીને, સરસ મજાની, ફર્સ્ટ કલાસ ચા બનાવી ને નિખિલ સામે આવીને ઊભી રહી… નિખિલ તો.. “..આ..અ..હ..હ.. શી.. જરૂર.. હતી..!” કહેતા, ચા નો કપ લઈ, પીવા લાગ્યો. એ ચા ની સાથે ભળેલ નેહા નો પ્રેમ પણ, પી રહ્યો.. જે એના જીવનની આદત બની ગઈ હતી. આજે ઘણા વખત પછી, એને ખૂબ સારું લાગ્યું !!


નેહાએ, કોઈ જ, મહેણાં ટોણા બોલ્યા વગર, સમજદાર પત્નીનો રોલ ચતુરાઈથી અદા કર્યો. નિખિલે, કહ્યું, “કોઈ કામ હોય તો કહેજે.. હું જાવ છું..!!” ત્યારે, નેહાએ, આંખોથી પતિને જવાની પરવાનગી આપતાં આપતાં… ખૂબ પ્રેમથી, પોતાના પતિની નજરમાં નજર પરોવી, એવા વિશ્વાસથી, કે .. એના પતિને, પોતાનો આ પ્રેમ ફરી જરૂર ખેંચી લાવે !! નિખિલ, કઈ બોલી ન શક્યો.. પણ, એ નેહાના પ્રેમપાશ ને છોડી, રાહ જોતાં વૃદ્ધ માતાપિતા પાસે જતો રહ્યો. એ જેવો, ઘરે પ્રવેશ્યો કે .. એણે જોયું, તો એના મમ્મી પપ્પા, એ..ય…ને.. મજાના હળવાશથી tv જોઈ રહ્યા હતાં…

નિખિલ આવ્યો તેની નોંધ લઈ, મમ્મીએ ચા માટે પૂછીને તરત પૂછ્યું, ” આજે કેમ મોડું થયું ?” ત્યારે, સરળ નિખિલ સહજ બોલ્યો, “મમ્મી,ચા ન બનાવતાં, ચા પીને આવ્યો છું. આજે પેલા ઘરે ગ્યો’તો. છોકરાઓ યાદ આવ્યા અને..!!” હજુ, આગળ કશું બોલે, એ પહેલાં , મમ્મી અને પપ્પા બન્ને એ નિખિલ નો ઉધડો લઈ નાખ્યો… ” ત્યાં, તું ગયો જ શુ કામ ??” ” એને પોતાની નોકરી નું અભેમાન હોય તો રે’વાદે !!” ” જવાય જ નહીં !” “પડતી મુક એને ! ” ” તું જ એવો છે કે સામેથી ચાલ્યો જાય છે !!”

નિખિલે, આજ પહેલી વખત પ્રેકટીકલ બની, સાચી નોંધ લીધી કે, ” બે માંથી એકપણ, ગ્રાન્ડ પેરેન્ટ્સ હોવાના નાતે, દાદાદાદી ને નાતે, બાળકોની પુચ્છા શુદ્ધા નથી કરી.” સરળ અને સહજ નિખિલ, “જવા દો ને !!” વૃત્તિથી બધું ખંખેરીને સ્વસ્થ થવા પ્રયત્ન કરી રહ્યો… પણ, ન ખબર પડતાં, થોડાં જ દિવસોમાં ફરી એનું બાઇક, “પેલા ઘર ” સુધી એને લઇ ગયું… એ બાઈકનું હોર્ન વગાડે એ પહેલાં જ ત્યાં રમતાં એના આર્યા અને આયન,… દોડી ને આવી વળગી પડ્યા… “પાપા…પાપા..!!” અમે તમાલી લાહ જોતા’તા… !!”


નિખિલ, કઈ વિચારે કે બોલે એ પહેલાં તો… બન્ને છોકરા પાપા ને ખેંચીને લઈ ગયા. આજે નેહાએ, નિખિલને પ્રેમની ઉષ્મા સાથે ચાનાસ્તો પણ આપ્યા. કોઈ જાતની તકલીફનું વર્ણન કર્યા વગર, એણે પોતાનું મન મજબૂત રાખી, કઈ ન કહીને નેહાએ પોતાની ‘ચતુરાઈ’ વાપરી. નિખિલ, બાળકો સાથે થોડો સમય વિતાવીને ચાલતો થાય એ પહેલાં, નેહાએ પોતાના પતિના માથે અને પીઠ પર પ્રેમપૂર્વક હાથ પસવાર્યો અને પ્યારની હુંફ આપી વિદાય કર્યો.

નિખિલે ઘરે આવીને ચા માટે ના પાડી અને કહ્યું, ” મમ્મી, આજે જમવાની પણ ખાસ ઈચ્છા નથી .” આ વખતે, નિખિલે સામેથી, પોતે ‘પેલા ઘરે’ ગયો હતો એ કહેવાનું ટાળ્યું !! પણ, ચા ને જમવાની, આ વાત પરથી, એના મમ્મીએ તરત જ પૂછ્યું, ” આજે ય , ઓલા ઘરે ગ્યો’ તો !! હે એલા ?”

સરળમૂર્તિ, નિખિલે કાંઈ બોલ્યા વગર, હકારમાં માથું હલાવ્યું…!! અને.. એના માતાપિતાએ પેલી જુનીને રફ સલાહો આપીને ઘર માથે લીધું..!! છેલ્લે એમ પણ કહી દીધું કે.. ” તું જ અમારો ખોટો સિક્કો છો !!” “તારે જ બાયડી વગર હાલતું નથી !!” “તું જ … આમ… તું જ… તેમ…!!” નિખિલ સ્તબ્ધ બની ગયો. પોતાના માબાપ આજે એને ટૂંકી બુદ્ધિ અને સ્વાર્થી લાગ્યા.

તે પોતાના રૂમમાં આવી પલંગ પર આડો પડ્યો. તેની આંખ સામે, આર્યા આયન અને નેહા .. નજર સમક્ષ.. તરવર્યા..!! પોતાના બાળકોનો નિર્દોષ પ્યાર..! નેહાનો અપનાપન વાળો પ્રેમ..! એ સામે, અહીંનું વાતાવરણ… આજે એની સરળતા ” જવા દો ને !!” વાળી વૃત્તિ દૂર જતી રહી..! અને હવે એની અંદર, ન ખબર પડતાં બળવાએ જન્મ લીધો.. એ વારે, વારે, પેલા ઘરે જવા લાગ્યો.. અને એને એ પેલું ઘર પોતાનું લાગવા માંડ્યું અને આ ઘર પેલુ …!!

Portrait of family

એકવખત, એ નેહા અને બાળકો પાસે હતો અને આયન રમતાં રમતાં પડી ગયો. એ પતિપત્ની, એને નજીકના દવાખાને લઈ ગયા. આમ તો, કોઈ જોખમ નહોતું. પણ, મોડું થઈ ગયું હોવાથી, નિખિલ.. ચા નાસ્તો, તો આવતાં વ્હેત કરી લીધો હતો.. હવે તો જમીને , આયનને સંભાળતા ખૂબ મોડું થઈ ગયું હોઈ એ વિના આગ્રહે એ રોકાઈ ગયો… વધારે મોડું થયું..ત્યારે કાઈ અત્યારના સમય પ્રમાણે મોબાઈલ ન્હોતા કે જણાવી શકાય !!. અને એના મમ્મીપપ્પા ત્યાં આવી પહોંચ્યા…!!

એ પોતાની સાથે નિખિલનો સામાન, કપડાં ને જરૂરી વસ્તુઓ.. લઈ ને આવ્યા હતાં. ગુસ્સાના આવેશમાં એ રાડો પાડવા લાગ્યા…!! ” અમને ખબર હતી કે તું આયા જ હોઈશ !! અમારો જ સિક્કો ખોટો હોય ત્યારે, પારકી જણી ને શું કહેવું ?? એ તો છે જ એવી! અમને તો હવે ખબર પડી ગઈ છે !! એ.. હવે.. તું ય આયા જ પડ્યો રે જે !!

એમ કહી નિખિલના સામાનનો ઘા કર્યો !!” અને પૂછવાય ન રોકાયા, કે શું થયું … કકળાટ કરતા ચાલતાં પડ્યા !! અને નિખિલને એના મમ્મીપપ્પા ની ભૂલ સમજાઈ ગઈ હતી અને હવે તો નિખિલ સાવ નેહા પાસે જ રહી ગયો. એ.. પણ સામેથી…!! નેહા એ કશું કહેવું ન પડ્યું. અને એક કુશળ પત્નીએ પોતાનું ઘર તૂટતું બચાવી લીધું. નેહાની ચતુરાઈ એ જીત મેળવી. એ બન્ને, વાર તહેવારે ‘પેલા ઘરે ‘ જઈ આવતાં અને પોતાની કોઈ ફરજ ચુકતાં નહિ.

લેખક : દક્ષા રમેશ ‘લાગણી’

આ વહુએ જે કર્યું એની જગ્યાએ તમે હોવ તો શું કરો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ