‘ઓઢણી ઓઢું કે મલીર ?’ – દિકરાના લગ્ન પછી બન્યું ના બનવાનું, શું થશે એની વહુનું હજી તો મહેંદીનો રંગ…

‘ ઓઢણી ઓઢું કે મલીર ?’

રામગઢ અને શ્યામગઢનાં સીમાડા ઉપર રામભાઇની વાડી આવેલી છે. રામભાઇ રામગઢનાં મોભદાર ખેડૂત છે. ઘરે સાત-સાત તો ભેંસુ દુઝણી છે. ચાર ચાર બળદની ખેડ્ય છે. ઘરે ટ્રેકટર છે. ભગવાને દીધેલો એકનો એક દીકરો- માધવ છે. ભગવાને બધું જ આપ્યું છે હવે તો આ ઉતરતી ઉંમરનાં આયખે દીકરીની વહુ લાવવાની હોંશ છે. સૂના ઘરમાં રણઝણ ઝણકતી ઝાંઝરીનો મીઠો ટહુકાર કાને પડે એની વાટ્ય છે. પત્ની તો વરસો પહેલાં, પાંચ વરસના માધવને મૂકીને લાંબે ગામતરે હાલી ગઇ છે.


એરૂ વેરી બન્યો ને સાત સાત વરસનું દાંમ્પત્ય જીવન ખંડીત થયુ. સગાવહાલાએ, જાઇ ભાઇઓએ, ગામનાં મોટેરાઓએ રામને ઘણે સમજાવ્યો પણ માધવના સુખ ખાતર એણે બીજું ઘર નથી કર્યુ. આમેય તે શું જરૂર હતી ? બીજીવારની પત્ની આવે, એને આગલા ઘરનાં સંતાનો ગમે નહીં અને વરસો વીત્યે કદાચ પોતાનાં સંતાનો થાય ત્યારે આગલા ઘરનું સંતાન દુ:ખના ડાળિયા થાય. રામે એવું વિચારીને પછી હૈયાની વાત હૈયાની ભીતરમાં ભંડારી દીધી હતી. અને એણે એકલે હાથે ‘માબાપ’ બનીને માધવનાં કૂમળા છોડને સંવારે એમ સંવાર્યો છે. એ આંખ્યુનું રતન આજે જુવાન સાવઝ જેવો થઇને વાડીયુંમાં દોટ્યું દે છે…. રામભાઇ એની ચડતી જુવાનીનો રંગ નીરખે છે અને એમની છાતી ગજગજ ફૂલે છે… અને પછી તો માધવ માટે રૂડી રૂપાલી વહુ લાવવાના સપનામાં સરી પડે છે…

અને, એમના સપનાંને જાણે પાંખો ફૂટી હોય અને જાણે એમના પરોઢના સપના સાચા પડતાં હોય એવા શુકન દેખાય છે…! સામે, દેખાતી શ્યામગઢના સીમાડાની વાડીમાં પાચા હરજીની વાડીને શેઢે છેલ્લાં કેટલાંય દિવસથી એક ગુલાબી ઓઢણું ફરફરતું જોવા મળે છે. તે આંખ્યે નેજવું કરીને જોઇ રહે છે પણ પેલી કન્યા તો પતંગિયા જેમ આમથી તેમ દોડાદોડી કરે છે પણ ‘માધવની વહુ’ તરીકે તે રામભાઇના હૈયામાં ચિતરાઇ ગઇ છે.

કદાચ એટલે જ, તે ચડતા સૂરજની સાખે આવીને શેઢા પાસે આવીને બેસી રહે છે. માધવ ટ્રેકટર હાંકતો હોય. ધણીવાર તે બાપુનાં બેધ્યાનપણાં વિશે જાતજાતની અટકળ કરે છે કે બાપુને હમણાંથી થઇ ગયું છે શું ? પણ તેને કશો તાગ મળતો નથી.

અંતે રામભાઇથી રહેવાતું નથી. એ ગોરી, પાતળી રૂપાળી કુંવારી કન્યા રોજ ભેંસુ ચારવા શેઢે શેઢે ફરે છે. તેની ગરવી કાયામાં જુવાની જાણે ફૂટું ફુટું થઇ રહી છે. તેની કાળી ભમ્મર આંખોમાં કુંવારા કોડ છે. તેની પગે પેહેરેલ મોજડી અને એની ઉપર પેહેરેલી ઝાંઝરીનાં મીઠા ઝણકારથી આવી સીમ જાણે આળસ મરડીને બેઠી થઇ જાય છે.


એક દિવસ તે પેલી કન્યાને ઊભી રાખીને પૂછે છે : ‘બેટા તારૂં ગામ ? ‘શ્યામગઢ…’ ‘તું કોની દીકરી ?’ ‘પાંચા હરજીની…’ ‘ઠીક…’ કહી રામભાઇ પાછાં વળી જાય છે પણ પેલી કન્યા તેને પૂછે છે : ‘આતા, મારા બાપુનું કંઇ કામ હતું ? ‘ના…’ રામભાઇએ હસીને કહ્યું : ‘ આ તો જરા જાણવું હતું એટલે…’ તે દિ’ સાંજ પડ્યે રામભાઇ શ્યામગઢ પહોંચ્યા. પડખેનાં ગામનો આબરૂદાર માણસને કોણ ન ઓળખે ? પાદરથી ગામની મધ્યે સુધીમાં પહોંચતા તો રામભાઇને ધણાં આવકાર મળ્યા.

રામભાઇ પાંચા પટેલની ડેલીએ પહોંચ્યા ત્યારે પાંચા પટેલની ડેલીમાં ડાયરો જામ્યો હતો. હુક્કો ફરતો હતો. ખેડ્યની વાતું થાતી હતી અને મીઠા ભણકારા થાતા હતા…! રામભાઇનાં શુભઆગમનથી પાંચા પટેલ ખાટલા માંથી ઉભા થઇ જતા બોલ્યા : ‘એ, આવો આવો મારા વહાલા…’ ‘હા..કહી રામભાઇ અંદર આવ્યા. પાંચા પટેલ રાજી થઇ જતા બોલ્યા. ‘કેટલા દિ’ એ મારૂ ઘર પાવન કર્યુ રામભાઇ…!’ ‘બસ, આજ તો થઇ ગયું કે જઇ આવું. આમ તો કેટલાક દિ’ થી આવવું આવવું કરતો હતો. આજ અંજળ બળવાન. તે હાલ્યો આવ્યો.

‘સારૂ કર્યુને બાપલા ! ધનભાગ્ય, ધન્ય ધડી..’ -ચા-પાણી પીવાયા. કસુંબા થયા. ડાયરો વીંખાયો. રામભાઇ જાવાનું પરિયાણ આદરતા હતા પણ પાંચા પટેલ એમ કાંઇ નીકળવા દે એમ લાગતું નહોતું !

સાંજ ટાણું થયું બંને જણા ચોરે જઇને આરતીના દર્શન કરી આવ્યા. વાળું પાણી તૈયાર થયા. બાજરાનાં રોટલા, રીંગણાનો ઓળો મરચાં, ઘી-ગોળ, માંખણ-ખાંડ, ભગરી ભેંસના શેઢકડા દૂધ..! કેટલાક દિ’ એ કોઇ સ્ત્રી ના નમણા હાથે બનાવેલા રોટલાની મીઠાશ માણવા મળી હતી. પાંચા પટેલે અને જીવી પટલાણીએ તાણ્ય કરી કરીને જમાડ્યા હતા.


રાત પડી. પાસપાસે ખાટલાં ઢળાયા. પાંચા પટેલે બીડીનો કશ લેતા પૂછ્યું : ‘બોલો રામભાઇ, કાંઇ મારે લાયક કામ હતું ? ‘હા…’ રામભાઇએ મનમાં ઘૂંટાતી વાત હોઠો પર લાવતાં કહ્યું : ‘આવ્યો છું તો મારા સવારથે. પાંચાભાઇ !’ ‘બોલોને પણ..’

‘મારા દીકરાનું માગુ લઇને આવ્યો છું. ભાઇ ! તારી દીકરી મારા હૈયે વસી છે. એની ગરવાઇ અને સંસ્કારે છતું થઇ ગયું કે દીકરી છે તો કોઇ ખાનદાન ઘરની ! અને, મેં એને પૂછ્યું. એ તારી દીકરી છે એ જાણ્યા પછી હૈયે હોંશ ભરીને નીકળ્યો છું. મારો એકનો એક દીકરો છે. એની મા તો આજથી પંદર વરસ પહેલાં તેને મૂકીને મોટા ગામતરે હાલી ગઇ છે. એને મા અને બાપ બનીને ઉછેર્યો છે. હવે એક હોંશ છે. કોઇ ખાનદાન ઘરની દીકરી, વહુ બનીને આવે એટલે હાશ…! ઘરની જવાબદારી દીકરાવહુ ઉપર નાખી મારે પ્રભુ ભજન કરવું છે…હું એટલે આવ્યો છું ભાઇ જો તને વાત યોગ્ય લાગે તો…’

‘અરે રામભાઇ…એ શું બોલ્યા ? તમારી જેવા મોટા માણસનું ઘર મળે તો તો અમારી દીકરી નસીબદાર કહેવાય…મારા બાપ..!’ ‘ભગવાને દીધું છે ને વાપરવાનું છે. હું તો હવે ખર્યુ પાન…પાંચ સાત વરસ કાઢું તો કાઢું…’

‘એવું ના બોલો રામભાઇ… તમારી જેવા ધરમના થાંભલા સરખા મનેખ જો દુનિયા માંથી વિદાય લેશે તો ગામ ઝાંખા પડી જશે…’ કહી પાંચા પટેલે ધણિયાણીને બોલાવ્યા. વાત સાંભળીને અષાઢી બીજનું તો વેવિશાળનું પાક્કુય કરી નાંખ્યું. ત્યારે ઘરમાં બારણાની આડશે સંતાઇને વાતું સાંભળી રેખાની નજર સામે કોઇ અલબેલાનો અજાણ્યો ચેહરો ચિતરાતો જતો હતો…

રાત ભાગતી હતી રામભાઇ દીકરાની વહુ લાવવાના સપના ભરીને સૂઇ ગયા હતા. ત્યારે રૂપા અવઢવની આંધળી ગલીમાં આથડતી હતી..

***


ઓણ સાલ બહુ સારો વરસાદ પડ્યો હતો. એટલે સઘળું મનેખ સારા વરસાદના મદમાં મહાલતું હતું. કુદરતે, ભીમ અગિયારસની રાતે જ બારે મેધ ખાંગા કરી દીધા હતા. હક્ડેઠઠ, સૂંડલે સૂંડલા પાણી વરસી ગયું હતું. છેલ્લા ચાર-ચાર વરસનાં દુકાળની કારમી થપાટ ખાઇ ખાઇ ખાઇને બેવડ વળી ગયેલો ખેડૂત હવે લાગ્યું કે કેડ્ય ઉપરનો બોજ હળવો થયો છે…

ભીમ અગિયારસનાં વાવણાં થઇ ગયા હતા. જોત જોતામાં અષાઢી બીજ આવી ગઇ. શુકન પ્રમાણે રામભાઇ પોતાના દીકરાનું વેવિશાળ કરવાની હોંશમાં હતા. અને અષાઢી બીજે રૂપાએ માધવનું ઓઢણું પણ ઓઢી લીધું. એ હવે, માધવની ભાવિ પત્ની હતી. એની કોરીને કુંવારી હથેળીમાં માધવનાં નામની મહેંદી મૂકાઇ ગઇ હતી. એની ગુલાબી આંખોનાં સૂનાં આકાશમાં ‘માધવ’ નામનો તારો ઊગી ચૂકયો હતો. એના સવળોટાં, કોરી આવળના પીળા ધમરક ફૂલ જેવા કુમાર અંગો પર માધવના નામનું ઓઢણું ફરકતું હતું…જે ઓઢણાની માલીપા રામા પટેલની ખાનદાની આબરૂં ઢંકાઇ હતી.

રામા પટેલના વડવાનાં સંસ્કાર લપેટાયેલા હતા. એના ધૈર્ય, શૌર્ય અને દિલેરીને હૈયાની માલીપા ઉતારીને રૂપાએ ‘મોટા ઘરની મોટી વહુ’ બનીને જીવતર જીવવાનું હતું…! રૂપા ભલે ઉંમરમાં નાની હતી પણ રામગઢમાં રહેલી સાસરવાટની આબરૂ ને તે ઓળખતી હતી. એની રામભાઇને જાણ હતી…

રૂપા હવે શેઢે આવતી નહોતી. આવતી તો લાજ મર્યાદા રાખીને ઘડીભર ઊભી રહેતી. રામભાઇ જેવા પોતાના ખેતરના શેઢે પગ મૂકતા કે, એ ઓઢણાં નો છેડો માથે ઓઢીને અવળું ફરીને પોતાના ખેતરની વાડે વાડે ગામ ભણી જાતા રસ્તે ભેંસુ લઇને વળી જતી… એમ એનું ઓઢણું હવામાં ફર્ય ફર્યા કરતું…!

જોત જોતામાં સાતમ-આઠમ આવી મનેખે આખું હિલોળે ચડ્યું હતું ! રામભાઇ ઘરનાં અને વહેવારિક રિવાજ પ્રમાણે રૂપા માટે આઠમનો હારડો લઇને શ્યામગઢમાં ગયા. રૂપા માટે સરસ મજાની સાડી, પગનાં છડા, કાનનાં ઝુમ્મર, સ્ત્રીનો શણગાર, હીરાનો હાર…અને મીઠાઇ લઇને આવ્યા હતાં. વેવાઇ વેલામાં આગતાસ્વાગતા માણતા માણતાં જ સાંજ પડી ગઇ. બે દિવસ પછી તો સાતમ-આઠમનું પરબ આવતું હતું. પત્ની, લાંબે ગામતરે હાલી ગઇ અને સંસાર સૂનો પડી ગયો. તે દિવસથી એણે મીઠાઇનું બટકું મોઢામાં નહોતું મૂક્યું પણ માધવને એની ઉણપ કયારેય સાલવા દીધી નહોતી. નાગપાંચમને દિવસે નાગદેવતાનાં નૈવેધ ધરાવી પોતે જ માધવ માટે કેટલીક મીઠાઇ ફરસાણની વાનગી બનાવી દેતા હતા. જે વાનગી આવડતી ન હોય તે વાનગી તેઓ પોતે પાળિયાદગઢ જઇ, કંદોઇની દુકાને જઇને લઇ આવતા.


માધવ ના પાડ્યા કરતો. છતાં બાપુનું દિલ છે ને? મનમાં થતું કે જયારે ગામ આખું હરખનાં હિલ્લોળે ચડ્યું હોય, દુનિયા આખી જયારે ભાતભાતનાં પકવાન બનાવીને આરોગતી હોય ત્યારે મારો દીકરો મોઢું વકાસીને જોઇ રહે તો મરનારીના શાપ લાગે! અને એનો આત્મા કોચવાય કે ભલામાણહ ! હું તો વિધાતાનાં લેખ ઉપર મેખ ન મારી શકીને હાલી ગઇ પણ તમારે તો હવે આપણી સંસારવાડીનાં એ ફુલડાંને ‘મા’ બનીને સંવારવાનું ને ? અને એ કોલ અત્યાર સુધી પાળ્યો હતો. રામભાઇએ એમાં ક્યારેય ઉણપ આવવા દીધી નહોતી..! અને રામભાઇને એનો ગળા સુધી, હૈયા ધરવ હતો ! આજે તો નીકળતી વખતે વેવાઇને પણ આ વાત કહી ત્યારે પાંચા પટેલે હસીને કહ્યું : ‘રામભાઇ, તમારી વાત સમજું છું પણ હવે થોડાં દિ’ છે ને. પછી તો એયને તમતમારે નિરાંતે જ ને..’

‘હા. ભઇ ! પછી તો અમારે રૂપા આવશે એટલે ભવની નિરાંત… એયને અમારી રૂપા અમને સાચવશે. ઊના ઊના રોટલા ખવડાવશે ને એયને લીલાં લહેરથી દનૈયા કાપશું…’

શ્યામગઢથી રામગઢ જતા મારગ માથે હળવે હળવે હાલ્યા આવતો આ આદમી આવતા સુખની ઘડીઓ વાગોળતો વાગોળતો હાલ્યો આવતો હતો.
શ્યામગઢની સીમા પૂરી થઇ એને નેળિયું આવ્યું. હમણાં જ બે દિ’ પહેલા જ વરસાદ પડ્યો હતો એટલે નેળિયામાં પાણી ભરાઇ ગયું હતું. વચ્ચે મારગમાં પણ પાણી ભર્યુ છે એમ સવારમાં જ માધવ કહેતો હતો…

થોડેક આઘે હાલ્યા પછી તો ચીકણી ભીની માટીય પગે ચોંટતી હતી. એમણે જોડા કાઢી નાખ્યા. ઉઘાડા પગલે હાલવા લાગ્યાં. જો કે હવે મારગ સારો આવ્યો હતો. નેળિયાની આસપાસ થોરના ડૂંડલા જામ્યા હતા. એ હળવે હળવે મારગ કાપતા હતા. ત્યાં જ કોઇનો સાદ કાને પડ્યો. “રૂપા…એ રૂપા..’’ રામભાઇ ત્યાં જ થંભી ગયા. અચાનક ઝાંઝરીનો ઝણકાર કાને પડ્યો… ને રામભાઇ થોરના ડુંડલાની આડશે ઊભા રહીને ચારેકોર જોવા લાગ્યા : કોનો હતો એ અવાજ ?

***

“રૂપાઆઆ…” કહેતો એક જુવાન નજીક આવ્યો. રૂપા એ તરફ નજર કરી તો આનંદનો ઉમળકો અવાજમાં ઉભરાઇ ગયો : ‘અરે, ગોપાલ તું ? કયારે આવ્યો ? અત્યારે કે સવારે ?’


રૂપાના એક સામટા સવાલો ગોપાલનાં ચેહરા પર જાણે આનંદનું લીંપણ કરી ગયા. એ બોલ્યો : ‘ક્યારનોય ગોતું છું. કયાં ખોવાઇ ગઇ હતી ?’
વાડીએ આવી હતી. હમણાંનો વરસાદ બહું પડ્યો છે તે કપાસમાં નિંદામણ વધી ગયું છે. થયું કે લાવ, વાડીએ જઇ આવું…’

“પણ ગાંડી, આ સાતમ આઠમનું પરબ માથા ઉપર આવે છે ને તને નિંદવાનું સૂઝે છે. લીલડી મને રસ્તામાં મળી હતી તે કેતી’ તી કે રૂપલી તો માળનાથના મેળે ગઇ છે…આ તો સારૂ થયું કે ઘરે ગઇને તારા ભાભી મળી ગયાં. એમણે જ મને કહ્યું કે તું વાડીએ આવી છો. હું તો તને ગોતતો ગોતતો થાકી ગયો..”

‘હા. હું બપોરે કેડ્યે વાડીએ આવી છું..’ ‘તે હવે હાલવું નથી ? આ સૂરજ દાદોય હમણાં આથમી જાશે.’ ‘હા, ગોપાલ, પણ મને ઘરે જતા શરમ આવે છે.’ ‘કેમ ?’ ‘ખબર હોય તોય શું કામ પૂછે છે?’ ‘તારા સમ ! મને કોઇ ખબર નથી. શહેર માંથી બપોરની બસમાં આવ્યોને ઘરે સૂટકેશ મૂકીને સીધો તને મળવા માટે જ તારા ઘર બાજુ જ આવ્યો. પણ તું ન મળી કે ન મળ્યો તારા સંદેશ ! પણ હા, ભાભીએ કાંઇક વાત કરી કે તારા ઘરે કોઇ મહેમાન આવ્યું છે…’

‘મારા સસરા આવ્યા છે, ગોપાલ..’ -રૂપાનો ધડાકો સાંભળીને ગોપાલ બે ડગલાં પાછો હટી ગયો. તેના અવાજમાં અસાધારણ ફેરફાર થઇ ગયો. તે ચીસ જેવા અવાજે જાણે બોલી ઉઠયો : ‘રૂપા…તું શું બોલે છે તેને ખબર છે ?’ ‘તું મારી મશ્કરી તો નથી કરતી ગાંડી?’ ‘ના રે ગોપાલ. હું સાવ સાચું કહું છું’

‘રૂપા ! રૂપા…ભારે કરી ! તને ખબર હતી કે હું આ વખતે સાતમ આઠમ ઉપર આવુ ત્યારે ઘરે વાત કરવાનો હતો.’ ‘તે મારી આટલીય રાહ ન જોઇ ?’ ‘બહુ રાહ જોઇ બહુ ! હવે હદ થઇ ગઇ હતી. પછી મારી કાંઇક મર્યાદા હોય’ -ગોપાલનો સ્વર તૂટી ગયો. ‘રૂપા, હું તારા વગર નહીં જીવી શકું. તારી સિવાય આ દુનિયામાં જેટલી કુંવારી છોકરીઓ છે એ મારે બહેન સમાન છે..’

‘તો મેં પણ કોઇનું ઓઢણું ઓઢી લીધું છે ગોપાલ ! વખતની નદી વહેતી રહી, ને આ કાંઠે ઊભા રહી રહીને મેં તારી કેટલીય રાહ જોઇ. પણ તું એ નદીને પાર ન કરી શક્યો તે ન જ કરી શક્યો. દિવસેને દિવસે ભરપુર વહેતા જોબનને કાઠે ઊભેલી અમે તો કોરી આવળનો અવતાર ! રાતે નો વધીએ એટલા દિએ વધીએ. મારા મા-બાપને મારી ચિંતા થાય..

એમણે રામગઢનાં મોટા ઠેકાણાંથી આવેલ માગું સ્વીકારીને રૂપિયો નાળિયેર લઇ લીધું…પણ તારામાં સામે ચાલીને કહેવાની હિંમત નો આવી તે નો જ આવી…પછી હુંય લાચાર થઇ ગઇ..?’ ‘પણ હવે…?’ ‘હવે તો હું કોઇકની થઇ ચૂકી છું. ગોપાલ ઘર ઘરની રમત રમ્યા હતા એ રમતને ભૂલી જઇ કોઇ ગરીબની દીકરીનો હાથ ઝાલીને સંસાર વસાવી લેજે. એને રૂપા માનીને જીવીશ તો જીવતરનાં કડવા ધૂંટેય પચાવી શકીશ.

બાકી, મારી કુંવારી કાયા માથે તો માધવના નામનું ઓઢણું ઓઢાઇ ચૂકયું છે. મને ભૂલી જજે અને તારી જીંદગી સુધારવા, તારૂ ભણતર પુરૂં કરી તારો સંસાર તારી મેળે જ વસાવી લેજે…જીવ્યા મર્યાના છેલ્લા જુહાર…’


રૂપાનો અવાજ તરડાઇ ગયો. તે ગળતે કંઠે બોલી : ‘ગોપાલ, તને કદાચ એમ થતું હશે કે આપણે બેય ભાગી જઇએ પણ પાછળનો તે વિચાર નહીં કર્યો હોય કે આપણા માવતરની જે આબરૂ એ આપણે આપણાં હાથે જ રોળવાની ને ? પછી તો મા-બાપના શરાપ લાગશે કે એના પેટે પાણાં પાક્યા હોત તો ય લેખે લાગેત. હવે તો, તું ગઇ ગુજરી માનીને આપણા પ્રેમને ભૂલી જઇશ તો જીંદગી જીવી જવાશે…’

‘ના રૂપા ના ! ભાગી જવાથી વાત નથી કરતો. એવું તો મારા કે તારા લોહીમાં ય નથી પણ આ પ્રેમ હું કયારેય ભૂલી નહીં શકું. પણ તને એટલું કહી દઉં કે હું હવે ક્યારેય લગ્ન નહી કરૂં…આપણા પ્રેમનાં પ્રવિત્ર સોંગધ ખાઇને કહું છું કે આપણી પ્રીતની સાક્ષએ અને એના સથવારે જ હું જીંદગીનાં છેલ્લા દમ તોડીશ.

‘ના…’ રૂપા ચીસ જેવા અવાજે બોલી : ‘એવું કર તો તને મારા…’ પણ એ આગળ બોલે એ પહેલા ગોપાલે તેના હોઠ આડે હાથ દઇ દેતા કહ્યું : ‘પહેલી વાર તને સ્પર્શ કરૂં છું. પણ હવે એ મર્યાદાને તોડીને તને મારા સમ આપું છું કે તું હવે કાંઇ આગળ બોલે તો તને મારા સમ છે…’ કહી ચાલતો થઇ ગયો… રૂપા આંખોમાં પાણી ભરીને તને જોઇ રહી.

***
આ વાતને પંદર પંદર દિવસ થયા છતાં રામભાઇનાં દિલ માંથી આ વાત ભૂંસાઇ નહોતી. એને થયું કે, હવે શું કરવું ? જો, આ વાત પ્રગટ કરીશ અને પોતાના ભાવિ પુત્રવધૂ રૂપા અને ગોપાલનાં પવિત્ર પ્રેમને સ્વીકાર્ય ગણી વેવાઇ બેય ઝુરતા હૈયાને જોડી દેતો તો વાંધો નહી. પણ જો ઉલટું પડ્યું તો ? અને, બીજું કે કદાચ આ વાત સાબિત થઇ ગઇને મનમાં કંઇક લાગી આવે તો રૂપા આપધાત પણ કરે ! તો, એકના વગર બે હૈયાનો ઝૂરાપો પોતાની નજર સામે જ જોવાનો..

અને હવે તો રૂપા એકવાર અહીં કંકુપગલાં કરવા આવી ગઇ છે. નાત્યજાતનાં રિવાજો અને બંધનોને તોડીને બંનેનાં માવતરે માધવ અને રૂપાને ભેગાં થવા દીધાં છે. રૂપાનાં મનમાં કદાચ ગોપાલ પ્રત્યે મમતા હોય છતાં માધવ પ્રત્યે અરૂચિ નથી. તેના પ્રત્યે પણ લાગણી છે, પ્રેમ છે…જો રૂપા માધવનાં દિલમાંથી ઝૂંટવાઇ જશે તો એના હ્ર્દયને ધક્કો પહોંચશે…

ગોપાલે અને રૂપાએ તો મન સાથે સમાધાન કરી લીધું છે. તો આ વાતને એમણે જાણી, ન જાણી કરીને હૈયાનાં ભડંકિયામાં જ ધરબી દીધી : જાણે કંઇ બન્યું જ નથી એમ સમજી એણે એનો મૂળ ખોદવાનું માંડી વાળ્યું…

દીવાળી આવીને વહી ગઇ અને એમણે લગ્નનું કહેણ મોકલ્વું. વેવાઇએ કહેણ સ્વીકાર્યુ. પણ પોતે હવે ઉનાળામાં લગ્ન કરશે એમ જણાવ્યું. રામભાઇને હવે ક્યાંય ઉતાવળ નહોતી…રૂપા અને ગોપાલ વચ્ચે જે પ્રેમ હતો એ વાત બંનેના હૈયામાં જ ધરબાઇને ગઇકાલ બની ગઇ હતી. રૂપા ઘણીવાર શેઢે મળી હતી. ; “કાં બેટા, કેમ છે ?” નો ઉત્તર, લજ્જાથી પાંપણો ઢાળી ને “સારૂં છે…” કહી ચાલી જતી. એ વખતે એની આંખોમાં ગોપાલને ન પામી શકવાનો અફસોસ નહોતો પણ માધવને મળ્યાનો ઉછરંગ તરવરતો હતો…!! છતાં, રામભાઇ એટલું તો જરૂર જાણતા હતા કે પહેલી પ્રિત કદી પણ હૈયા માંથી ભૂલાતી નથી.


દિવાળી આવીને વહી ગઇ અને વૈશાખી લ્હેરખીઓ વિંઝાવા લાગી હતી. તેમ તેમ રૂપાની કુંવારી કાયાની ડાળ ઉપર પણ કામણનાં કેસૂડાં ફૂટવા લાગ્યા હતા. બાપે દીકરીને એકવાર ધ્યાનથી જોઇ અને પોતાની દીકરી મોટી થઇ ગયાનો અહેસાસ થઇ ગયો. વળતે દિવસે એણે સામેથી મૂર્હુત જોવડાવી, લગ્ન સમેટી લેવા જણાવ્યું. રામભાઇએ ત્રિભોવન ગોરને સાથે રાખીને શ્યામગઢ જઇ લગ્નનું નક્કી કરી આવ્યા. વૈશાખ ચડયો ન ચડ્યોને ત્યાં તો ઢોલ ઢબૂકી ઉઠયા. આંખ મીંચોને ઉઘાડો એમ હળુ હળુ કરતા દનૈયા પસાર થવા લાગ્યા ને વૈશાખી વાયરાને ઓઢણામાં ઓઢીને રૂપા માધવને પરણી ઉતરી…

વીસ-વીસ વરસે ઘરમાં ફરીને કોઇ નારીનાં પગલાં થયા અને ઘરમાં જાણે ઉજાસ પ્રગટયો. નિમાણાં થઇ ગયેલા બારસાખે ટિગાડેલા તોરણ પર ચિતરેલા મોરલા ગહેકી ઉઠયા અને ચકલી પોપટ ટહુકી ઉઠયા ત્યારે રામભાઇના હૈયામાં પણ બરફ જેવો ટાઢો શેરડો પડ્યો… ભવભવની અધૂરી પ્રીતના બંધાયેલ પારેવડા જેમ આ ભવે ભેળા થાય એમ રૂપા માધવ જેવા ભરથારને પામીને ખુશહાલ દેખાતી હતી. તેના માસુમ ગોરા ચેહરા ઉપર હવે લગ્નજીવનની સુરખી ઉઘડી હતી. તેનું નાઝુક શરીર હવે ધીરે ધીરે માંસલ થતું જતું હતું…

રામભાઇ અનુભવી શક્યો કે માધવ પણ રૂપાથી ખુશ છે. રૂપાના ઝાંઝરના મીઠા ટહુકાર ઘરને ભરી દેવા લાગ્યા. નાઝુક જમણાં હાથે બનાવેલ શાક-રોટલા ખાઇને રામભાઇને હવે અમરતનાં ઓડકાર આવતા હતા. તો માધવ રૂપાંગના જેવી પોતાની પરણેતરની સોડમાં લપા ઇને સંતાનનાં સપનાં જોવા લાગ્યો હતો. પણ વિધિને એ કદાચ મંજૂર નહીં હોય ?

એક દિવસ ગજબ થઇ ગયો… માધવ પોતાના ટ્રેકટરમાં પથ્થર ભરીને શિવરાજગઢ તરફથી આવતો હતો. ઊંડી ઊંડી ખીણ માંથી પસાર થતા મારગ પર ખૂબ જાળવીને ટ્રેકટર ચલાવતો ચલાવતો માધવ એક કાળ ક્ષણે સ્ટીયરીંગ ઉપર કંટ્રોલ ગુમાવી દીધો. રસ્તો અતિશય વરસાદથી ભીંજાઇ ગયો હતો. એક જગ્યાએ મારગ બહુ સાંકડો હતો. માધવે ટ્રેકટરને જાળવીને લીધુ તો ખરૂં…ટ્રેકટરના ચારેય ટાયર ત્યાંથી પસાર થઇ ગયા પણ અતિશય વજનને લીધે બોગી પસાર થઇ શકી ને આખે આખે પાછળ ખેંચાય ગઇ. પણ વચ્ચેનું જોઇન્ટ ખૂલી ન શક્યું અને ટ્રેકટર સાથે સાથે જ ખાબક્યું. માધવ કૂદકો મારીને બહાર નીકળવા તો મથ્યો પણ કોઇ કારી ન ફાવી અને એ પણ પથ્થરની ખાણમાં ખાબક્યો. પાંચમની છઠ્ઠ થતી નથી. હજી તો અંગ ઉપરની પીઠીનો રંગ ઉતરે ન ઉતરે રૂપાનો સુહાગપરૂપી ચાંદલો ભૂંસાઇ ગયો..


જીવતરની નૌકા હજી આ કાંઠેથી ઉપડી ન ઉપડી ત્યાં જ એ નૌકામાં હલેસાનો સાથ દેવાવાળી અર્ધાગની અધૂરા કોલ આપીને ચાલી ગઇ અને હવે જયારે એ જ નૌકા ઢબઢબીને પેલે કાંઠે આવી ત્યાં જ જીવતરનો આખરી સહારો પોતાનો જુવાનજોધ દીકરો પણ હાથતાળી આપીને વહ્યો ગયો.

રામભાઇને કાળજે કારમો ઘા લાગ્યો. પણ જીવતરની લીલાને તેણે એક આંખ્યે તો નિહાળી હતી. હવે બીજી આંખ્યે પણ નિહાળવાની હતી. આ વસમો ઘા પોતે તો કદાચ સહન કરી લેશે પણ હજી કાલ સવારે ઉગીને ઉભી થતી, પ્રિયતમ સાથ જીંદગી ગુઝારવાના સોણલાંને આંખોમાં આજીને ચાલી આવતી જુવાનજોધ પુત્રવધૂ રૂપા કેમ સહન કરી શકશે…

લોકોકિત અને લોકરિવાજ પ્રમાણે માધવના અકાળ અવસાન નિમિત્તે બધી વિધિ પૂરી કરી અને બે’ક મહીના પછી રૂપાનાં બાપુ રામભાઇ પાસે આવ્યા. રામભાઇ ચોધાર આંસુએ રડી પડ્યા. પાંચા પટેલે દિલાસો આપ્યો અને કહ્યું : ‘હવે શું કરવું છે રામભાઇ…?’ ‘હું પણ એજ વિચારૂં છું મારા ભાઇ. કે આવું સપનામાંય નહોતું ધાર્યુ કે આમ થાશે..’હવે તમે છુટ્ટા હુંય છુટ્ટો તમે લઇ જાવ. હું તો ખર્યુ પાન હવે કદાચ લાંબુ નહીં બેંસુ…પત્ની તો અધવચ્ચે મૂકીને હાલી ગઇ પણ દીકરોય ગયો..’

‘જીંદગીની કરૂણતા સહન કરવામાં તમે બાકી નથી રાખ્યું રામભાઇ પણ કુદરત આગળ આપણે બધા લાચાર છીએ. કહો શું કરી શકીએ ?’ રામભાઇએ પોતાના હ્રદયમાં ભરેલ દુ:ખનાં કટોરા પોતાના નાનાભાઇ જેવા વેવાઇ આગળ ઢોળ્યા. હૈયું શાંત થયું. બપોરા કરી બેય વેવાઇ આડે પડખે થયા ત્યાં જ રૂપાને રામભાઇએ બોલાવી : ‘બેટા રૂપા, હવે તૈયાર થઇ જા, તારે જવાનું છે..’ ‘ના બાપુ, હું જવાની નથી..’

‘આ તારી હઠ છે. દીકરી ! હજી આગળ કેટલીય લાંબી જીંદગી પડી છે આમને આમ દિ’ ટૂંકાં નહી થાય. નાત્યમાં હજી ઘણાંય છોકરા છે. સારૂં ઠેકાણું મળી રહેશે…’ ‘ના બાપુ… હવે તો એની યાદના સથવારે મારી જીંદગી..’ કહેતી રૂપા છુટ્ટે મોઢે રડી પડી.

રૂપા ન માની તે ન જ માની. એના માવતર અને રામભાઇએ ખુબ મનાવી ત્યારે એણે એટલું જ કહ્યું : ‘જીંદગી જયારે બોજ લાગશે, મારા સૂના મારગ હું એકલા હાથે કાપી નહીં શકું ત્યારે તમને જરૂર કહીશ બસ ?’ કહેતીરૂપા ઓરડામાં ચાલી ગઇ… દિવસો પસાર થવા લાગ્યા એમ એમ ઝખમ ભરાતો ગયો. રામભાઇ પોતાની દીકરી જેવી પુત્રવધૂનું સૂનું કપાળ જોઇ નિહાકો નાખતા હવે શું કરવું ? એનાં અવઢવમાં, એ સવાલનો ઉકેલ લાવવાની મથામણ કરતાં હતા. ત્યાં જ એક દિવસ સો ટચના સોના જેવો વિચાર તેનાં મનમાં ઝબૂક્યો અને બીજે દિવસે શહેરમાં જવા રવાના થયાં. સાંજે પાછા આવ્યા ત્યારે રૂપા બાજુમાં બેસવા ગઇ હતી. રામભાઇ આવ્યા એટલે રૂપા ઘરે આવી પણ સાથે ગોપાલને આવેલો જોઇ આંચકો લાગ્યો… આખી રાત ગોપાલના અને પોતાનાં સંબંધ વિષે જ વિચારતી રહી.

બીજે દિવસે નક્કી થયા પ્રમાણે રૂપાના બા અને બાપુ પણ આવ્યા. એમની હાજરી હતી. તો સામે રૂપા, અને ગોપાલ હતા. રામભાઇએ વાતને ખુલ્લી મૂકતા કહ્યું : ‘ગોપાલ હજી તૈયાર છે બેટા, તારે માટે એ યોગ્ય છે. તું ઘર વસાવી લે…’


‘બાપુ…’ રૂપાની આંખમાં આંસુ આવી ગયા. અને તે રામભાઇનાં ખભે ઢળી પડી. મને ખબર છે દીકરી બધી જ ખબર છે. જે દિવસે તમે વાડીએ જયારે છેલ્લે મળ્યા હતા એનો હું સાક્ષી છું. પણ તમારો પ્રેમ પવિત્ર હતો એ પણ જાણું છું. તારા જીવનમાં એક તારોડિયા રૂપે માધવ આવ્યો ને ચાલ્યો ગયો પણ હવે હું તારૂં દુ:ખ જીરવી શકતો નથી. કદાચ તારે ઠેકાણે મારી દીકરી હોત તો પણ એને સારે ઠેકાણે વળાવીજ હોત. તું એમ સમજ, તું મારી પુત્રવધુ નથી પણ—

‘હું તમારી સગ્ગી દીકરી છું અને તમે મારા બાપુ છો..’ ‘તો બસ ! બાપનું કહ્યું દીકરી માને ને ?’ -રૂપાની નજર નીચે ઢળી ગઇ…

‘તો તૈયાર થઇ જા. મને વિશ્વાસ છે કે ગોપાલ તને અદકાં હેતથી સાચવશે અને તું સુખી થઇશ. ભગવાન તમને સુખી રાખે…’ કહી રામભાઇએ ગોપાલના માથે હાથ મૂકતાં કહ્યું : ‘કાલે જ મૂર્હુત કઢાવીએ છીએ. તારા બાપુને હું વાત કરવા આવું છું. હવે તારે જાન લઇને શ્યામગઢ નહી, પણ રામગઢ આવવાનું છે સમજ્યોને દીકરા…’ અને જો આ બધું તારૂં જ છે. આજે માધવ નથી પણ તુંય મારો માધવ જ છો..’

પંદર દિવસ પછી ફરીવાર માંડવા રોપાયા. રૂપાએ સોળ શણગાર સજ્યા. અને સૈંથામાં ગોપાલનાં નામનું કંકુ ભર્યુ. કાળા મલીરની જગ્યાએ ગોપાલનાં નામનું ઓઢણું ઓઢાયું અને પોતાના બાપનાં ઘરેથી જાણે વિદાય લીધી. એના સૂના જીવનમાં ફરીવાર વસંત આવી. રામભાઇનાં નેત્રો ભીના થયા પણ એ આંસુ દર્દનાં નહોતા પણ એમાં રૂપાનાં વેરાન જીવનમાં ફરીવાર નવચેતન લાવી શક્યાનો પરિતોષ ઝળકતો હતો!!!

લેખક : યોગેશ પંડ્યા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ