બિન્દુભાભી – કોણ છે અને ક્યાંથી આવી છે આ સ્ત્રી? વાંચો આયુષી સેલાણીની કલમે લાગણીસભર વાર્તા…

“અરે બિન્દુભાભી આવશે હમણાં છોકરીઓ.. હાલો જલ્દી જલ્દી તૈયાર થઇ જાવ. પછી એય ને ભાભીના છકડામાં બેસી ત્રંબા કિનારે નાહવા જાસુ.. ને મોજ કરસુ..!!” સૌરાષ્ટ્રની રાજધાની સમું એ શહેર રાજકોટ.. ને એમાં રહેતા બિન્દુભાભી.. જો કે રહેતા તો એ મોટેભાગે પોતાના છકડામાં જ.

સવારના પાંચ વાગ્યાથી છકડાની ફેરી ચાલુ કરે તે છેક રાત્રે અગિયાર વાગ્યે ઘેર જાય.. એય ખાલી સુવા પૂરતા.. મજાનો ગુલાબી રંગનો છકડો ને એમાં જાતજાતના ફૂમતા વડે શણગારેલા પાછળના કઠેડા.. ટ્રક વાળાની જેમ છકડામાં છેલ્લે સુવાક્ય લખાવેલું તેમણે..!

“નારી છે નારાયણી, ક્યારેક સિંહણ તો ક્યારેક બની જતી જે હરણી..!!”

સામાન્ય વાદળી છકડા કરતા સહેજ પ્રમાણમાં મોટો હતો બિન્દુભાભીનો છકડો.. પોતે જાતે ડીઝાઈન કરાવ્યો હતો. બિન્દુભાભી એટલે શહેરના દરેક મહિલા આશ્રમ ને સ્ત્રી સશક્તિકરણની સંસ્થાઓમાં જઈને નારીને પગભર થવા સૂચનો કરે, સભાઓ ભરે ને બનતી મહેનત કરે એવી સ્વાભિમાનથી છલકતી મહિલા.. કોઈને એમનો ઈતિહાસ નોહતી ખબર. ક્યાંથી આવ્યા કે શું કરે છે અથવા તો ક્યાં રહે છે કઈ નહિ.. બસ સવાર-સાંજ છકડો ચાલવે..!! એમની કમાણીનું સાધન પણ છકડો અને પરોપકારીતા કરવાનું માધ્યમ પણ એ જ છકડો. કોણ જાણે ક્યાં સંબંધે પણ તેઓને સ્ત્રીની પુકાર ક્યાંયથી પણ સંભળાઈ જ જાય. જે સ્ત્રી મદદ માટે બિન્દુભાભીને યાદ કરે ત્યાં એ પહોચી જ જાય..!!

આજ એમને પોતાના પ્રિય મહિલા આશ્રમની છોકરીઓને વચન આપ્યું હતું કે બધીયુંને લઈને ત્રંબા નદીએ નાહવા જાશે.. ધોમધખતા ઉનાળામાં હજાર-બારસો રૂપિયા ભરીને વોટર પાર્કમાં જવાનું એ સ્ત્રીઓને નાં પોષાય.. પણ મોજ તો કરી શકાયને.. એટલે નદીએ નાહવા જાવાનું નક્કી કરેલું બધાએ.. બધી મહિલાઓને ત્રંબા નદીનો બહુ મોહ.. ઋષિ પાંચમે આમેય ત્યાં જ ધુબાકા મારવા જાવાનું હોય.. એટલે એ જ જાણીતી નદીમાં ઉનાળે નાહવા જાવાનું સૌએ નક્કી કર્યું ને બિન્દુભાભીને કરી વાત..!! બિન્દુભાભીએ હોંશે હોંશે હા કહી ને પ્રોગ્રામ નક્કી થયો..

પોતાના ગુલાબી છકડામાં મહિલા આશ્રમ તરફ જતા બિન્દુભાભી છેલ્લા અઠવાડિયાની ઘટનાઓ યાદ કરવામાં લાગી ગયા.. બે દિવસ પહેલા છોટુનગર સોસાયટીમાં રહેતા સુબોધભાઈ દેસાઈના ઘરમાં “ભૂર.. ભૂર..” અવાજ કરતો એક છકડો પહોચ્યો.. ને એમાંથી ઉતર્યા બિન્દુભાભી.. ગેટને ખોલીને બંધ દરવાજા પર ધડાધડ ટકોરા મારવા લાગ્યા.. જેવો દરવાજો ખુલ્યો કે અંદર જઈને ત્યાં હાજર પુરુષને એક ઝાપટ ઠોકી દીધી.. ને લોહીલુહાણ સ્ત્રીને લઈને છકડામાં બેસાડી નીકળી ગયા બિન્દુભાભી..!!

“અલી ગંગા.. કઈ સદીમાં જીવે છે?? તારા વરના હાથનો માર ખાઈ લે છે? શરમ નથી આવતી??? આ તો સારું થયું મને ખબર પડી તો તને લેવા આવી.. બાકી આ તારો હોઠ ચિરાયો એમ આંતરડા ચીરાતા વાર ના લાગત કઈ..!!” લોહીલુહાણ ગંગાને લઈને હોસ્પીટલે ગયા બાદ બિન્દુભાભી “સ્ત્રીસેવા” આશ્રમે ગયા ને ગંગાનું નામ દાખલ કરાવી એના માટે ત્યાં ઓરડો લઇ લીધો.. વળી અઠવાડિયા પહેલા પણ આ રીતે એક હોસ્પીટલમાં પહોચી ગયેલા બિન્દુભાભીએ એક છોકરીની ભૃણહત્યા થતી અટકાવી હતી.. ને જે માંનો ગર્ભપાત કરવાની કોશિશ થયેલી એ સ્ત્રીને લઈને એ જ “સ્ત્રીસેવા” આશ્રમમાં દાખલ કરાવી આવ્યા..

વિચારમાં ને વિચારમાં “સ્ત્રીસેવા” સંસ્થા આવી ગઈ.. બધી છોકરીઓને લેવા પહોચેલા બિન્દુભાભી સહુને લઈને ત્યાંથી નીકળ્યાં. પંદર છોરીઓને બેસાડીને પુરપાટ વેગે છકડો દોડાવતા બિન્દુભાભી ત્રંબા નદી તરફ જઈ રહ્યા હતા કે અચાનક જ રસ્તામાં તેમણે એક બાઈને કણસતી જોઈ.. લઘરવઘર વાળ ને ફાટેલા કપડા પરથી જ તેમને અંદાજ આવી ગયો કે તેની સાથે શું બની ગયું હશે.. સડસડાટ બ્રેક મારીને છકડો ઉભો રાખી બિન્દુભાભી તેમાંથી નીચે ઉતર્યા ને એ છોકરીની પાસે ગયાં… ઉંધેકાંધ પડેલી એ છોકરીને ચતી કરી તેનું મોં જોઈ તેઓ દંગ રહી ગયા.. તેમની પકડ ઢીલી થઇ ગઈ અને નાકના ફણગા ફૂલી ગયા.. ઊંધું મોં કરીને તેઓ ત્યાંથી જવા લાગ્યા કે સાથે રહેલી બધી સ્ત્રીઓએ પૂછ્યું,

“એ બિન્દુભાભી.. આની મદદ નથી કરવી કે શું?” “નાં.. હાલો બધાય બેસી જાવ છકડામાં.. પોલીસને ફોન કરીને ખબર આપી દઈશું.. એ આવીને જોઈ લેશે…” બિન્દુભાભીની આ વાત સાંભળી એ બધી સ્ત્રીઓને નવાઈ લાગી.. જે બિન્દુભાભી સ્ત્રીઓને રાઈના દાણા જેટલું દુખ સહન કરતાય ના જોઈ શકે એ જ બિન્દુભાભી આ સ્ત્રીને આવી હાલતમાં જોઇને પણ કેમ આવા ઢીલાં જવાબો આપે છે.. ને આમ કેમ ગુસ્સે થઇ ગયા હશે..!!

પોતાના છકડા તરફ જઈ રહેલા બિન્દુભાભીના મગજમાં વિચારો ફરી વળ્યા.. એક વર્ષ પહેલાની એ સાંજે.. પોતાના વહાલસોયા પતિ બંકિમ માટે ઢોકળાંનું ખીરું તૈયાર કરીને હોલમાં બેઠેલી બિંદીયાનો ફોન અચાનક રણક્યો.. “હેલો..” “બિંદી.. આજ જરા આવતા મોડું થશે.. રજતના ઘરે જવાનો છું. અને ત્યાં જ જમી લઈશ. એની વાઈફ ગરમાગરમ ઢોકળા બનાવવાની છે.. તો મને ખાસ ફોન આવેલો.. એને ખબર છે ને મને બહુ ભાવે છે કળા એટલે..”

“પણ બંકિમ..” “શું પણ?” “મેં પણ આજે ઢોકળા જ બનાવ્યા છે તમારા માટે.. તમને ભાવે એવા જ.. મમીએ મને શીખડાવ્યા છે એવા..” “અરે રે.. તો મને પહેલા ફોન ના કરાય.. હવે હું કઈ રીતે રજતને ના કહું.. આજ જઈ આવું છું.. પછી કાલે તારા હાથના ઢોકળા ખાઇશ હો ને..” આટલું કહીને બિંદીયાની વાત સાંભળ્યા વગર જ બંકિમે ફોન મૂકી દીધો..બિંદીયાની આંખમાંથી આંસુ સરી પડ્યું..

આમ તો ઢોકળા બનાવવા કઈ અઘરા નહોતા.. પણ સાસુમા જેવા ઢોકળા બનાવતા બિંદીયાને ક્યારેય ના ફાવતા.. ઢોકળા તો શું પાઈલોટ બનવાનું સપનું લઇ આસમાનમાં ઉડવાની ખેવના સેવતી બિંદીયાને રસોઈમાં કઈ ખબર જ નહોતી પડતી.. પણ માતા-પિતાના અવસાન બાદ મામા-મામીના ઘરે રહીને તેમના પર બોજ બનવા કરતા બિંદીયાએ પરણી જવાનું પસંદ કર્યું અને જે પહેલો છોકરો મળ્યો તેની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ પણ ગઈ.

શરૂઆતમાં સાસુ સાથે હતા પછી એ પણ ગામડે ચાલ્યા ગયેલા.. એમના ગયા બાદ રોજ ફોનમાં એમની પાસેથી સલાહ લઈને, છેલ્લા છ મહિનાથી મહેનત કરી કરીને આજે માંડ તેનામાં કોન્ફિડન્સ આવ્યો હતો કે તે સરસ ઢોકળા બનાવી શકશે.. ને ત્યાં જ બંકિમે એની આશા પર પાણી ફેરવી દીધું.. એકાદ-બે મહિનાથી આવું જ થતું હતું.. આ રજતની વાઈફ કોણ જાણે ક્યાંથી વચમાં આવી ગયેલી કે બિંદીયાના દરેક પ્લાન ચોપટ થઇ જતા.
છેક મહિના પહેલા પિક્ચર જોવાનું નક્કી કરીને બંકિમને સરપ્રાઈઝ આપવાનું વિચારેલું બિંદીયાએ.. કે અચાનક રજતની વાઈફ આવી ગઈ.. “ડીમાર્ટમાં જવું છે ને રજત કામથી બહાર છે તો તમે બંને આવશો સાથે?” કહીને કામણગારી કમર લચકાવી તેણે બંકિમ તરફ આંખ મારેલી એ આજે બિંદીયાને અચાનક રીયલાઈઝ થયું.. ત્યારે તો બંકિમે ગ્રોસરી શોપિંગ પર જવાની હા કહી એ સાંભળીને જ હરખાઈ ગયેલી..

ને પછી તો અવારનવાર આવું બનતું રહ્યું.. પણ બિંદીયાને કંઈ સમજાતું નહિ.. આજે અચાનક એ બધી વાતો યાદ કરીને એક વતા એક એમ બે કરીને તે એકટીવાની ચાવી હાથમાં લઇ રજતના ઘરે જવા નીકળી..

અને એની ધારણા પ્રમાણે જ રજતના ઘરમાં તેની વાઈફ અને બંકિમ બંને એકલા હતા.. ફક્ત શોર્ટ્સ અને સ્પોર્ટ્સ બ્રા પહેરીને દરવાજો ખોલવા આવેલી રજતની વાઈફને ધક્કો મારીને તે અંદર ઘુસી ગઈ.. અને બેડરૂમમાં જઈને જોયું તો પલંગ પર નિર્વસ્ત્ર તેનો વર ઊંધો પડ્યો હતો.. એ જ સમયે તેના મોંમાંથી ડૂસકું છુટ્ટી ગયું ને તરત જ કંઈ બોલ્યા વગર દોડતી બંકિમ હજુ તો કંઈ સમજે અથવા કહે એ પહેલા તો બિંદીયા નીચે પહોચી ગયેલી..

ને એ પછી શરુ થયું બિન્દુભાભી બનવા તરફની તેની કહાની.. પાઈલોટ બનવાની હેસિયત હતી નહિ.. બંકિમનું ઘર છોડીને “સ્ત્રીસેવા” સંસ્થામાં રહેવા આવી ત્યારે ત્યાં જ થોડા દિવસ બાદ પાણી આપવા આવતા કેરબાવાળા સાથે રહીને તેનો છકડો ચલાવતા શીખી અને એ જ સંસ્થાના મુખ્યા સંઘવીમેડમ પાસેથી છકડો લેવાનું ફંડ માગ્યું.. તે સમયે સંઘવી મેડમે એક જ શરત રાખેલી..

“તારા છકડા થકી કોઈ પણ રીતે શહેરમાં આહ્ય્ત થયેલી દરેક સ્ત્રી, દુઃખમાં મજબુર બનીને અસહાયતા મહેસુસ કરતી દરેક મહિલા અને સંજોગો સામે લાચારી અનુભવતી તમામ નારીને જીવવાનો એક સકારાત્મક દ્રષ્ટિકોણ પ્રદાન કરવો પડશે.. તો જ હું તને લોન આપીશ..” ને સંઘવીમેડમની એ શરત સ્વીકારીને એક વર્ષ પહેલાની બિંદીયા આજે બિન્દુભાભી બની ગયેલી.. “બિન્દુભાભી.. પ્લીઝ.. એ સ્ત્રીને આપણી જરૂર છે..” હાથ પકડીને “સ્ત્રીસેવા”ની એક છોકરીએ તેને સંબોધીને કહ્યું..

“મને નથી ખબર તમારા એના સાથે શું સંબંધ છે કે ક્યાં ઋણાનુબંધ છે.. પરંતુ તમારા આ છકડાની અને બિન્દુભાભીના ઉપકારની અત્યારે એને જરૂર છે.. દ્વેષ ભૂલીને તમારું કર્મ કરો.. અમારે ખાતર.. એ એક “બિન્દુભાભી” નામની ઉદાત ઓરત ખાતર..” ને બિન્દુભાભી દોડીને તે સ્ત્રી પાસે ગયા.. રજતની પ્રેમિકા.. તેની સોતનને બચાવવા તેઓ દોડ્યા… “ગણિકા.. શું થયું? કોણે તારી આ હાલત કરી છે?”

“તું તો છુટ્ટી ગઈ બિંદીયા.. પણ તારા વરની જાળમાં હું ફસાઈ ગઈ.. એની માટે હું તો ફક્ત પથારી ગરમ કરનાર એક શરીર હતી.. મને એમ કે એ મને પ્રેમ કરે છે.. રજતને ડિવોર્સ આપીને એની સાથે લગ્ન કરવા હું તત્પર હતી.. પરંતુ બિંદીયા એ તો માટીપગો નીકળ્યો.. એણે મારા સિવાય બીજી કેટલીય છોકરીઓને જાળમાં ફસાવી હતી.. સાત દિવસની અલગ સાત સ્ત્રી સાથે એ સુવા જતો.. મને જ્યારે ખબર પડી ત્યારે મેં એની પાસે ફરિયાદ કરી.. પોલીસ એને પકડીને લઇ ગઈ પણ બેલ પર એ છુટ્ટી ગયો.. એ પછી મારી સાથે બદલો લેવા અને પોતાનું પૌરુષત્વ સાબિત કરવા એ માણસે મારા પર બળાત્કાર કરાવ્યો.. ને અહી રઝળતી મૂકી ગાડીમાંથી ફેંકી, મને ચુંથીને એ બધા પુરુષો ચાલ્યા ગયા. ચાર-ચાર પુરુષો હતા બિંદીયા..”

બિન્દુભાભીને આ સાંભળી અત્યંત ગુસ્સો આવ્યો.. ગણિકાને લઈને તેઓ પહેલા હોસ્પિટલ ગયાં અને ત્યાંથી સીધા બંકિમના ઘરે.. જે માણસના પ્રતાપે આજે બિંદીયા બિન્દુભાભી બની હતી એ માણસને પીંખી નાખવા એ ઓરત પહોચી ગઈ.. જે કામ તેણે છ મહિના પહેલા કરી દેવું જોઈતું હતું તે કામ કરવા તે નીકળી પડી….

બંકિમના ઘરે પહોંચીને તેના દરવાજાને લાત મારીને ખોલ્યો.. તેને ખબર હતી બપોરના સમયે બંકિમ ઘરમાં જ હોય છે.. દરવાજાના અવાજથી ચોંકી ગયેલો બંકિમ હોલમાં આવ્યો અને કંઈ બોલવા જાય એ પહેલા જ એના ચહેરા પર એક ઝાપટ મારીને ભોંયભેગો કરી દીધો.. ને પછી ઓરડામાંથી પટ્ટો લઇ આવીને તેનો શર્ટ ફાડીને તેના ખુલ્લા શરીર પર ચાબખા મારવા લાગી..

“આહ.. ઓહ.. મરી ગયો..” ના ઉદ્ગારો કરતો બંકિમ આખરે બેભાન થઇ ગયો ને બિન્દુભાભી આ જોઈ તેના પર થૂંકીને ત્યાંથી ચાલ્યા ગયા. હોસ્પીટલમાં પહોચીને ગણિકાની કાળજી લીધી.. ને પોતાની એક સમયની સોતનને હુંફ આપી.. પછી તો બિન્દુભાભી ચોરે ને ચોટે જાણીતા થઇ ગયા…!!! એ સ્ત્રીસશક્તિકરણની ઠાલી વાતો જ નહોતા કરતા.. એ પુરવાર કરી બતાવતા…

વર્ષો પસાર થતા ગયા એમ એમ ગુલાબી છકડાની ગેંગ વિસ્તરતી ગઈ.. હવે તો રાજ્યના લગભગ તમામ શહેરમાં બિન્દુભાભીની ગેંગ હતી..!! ન્યાયની ગેંગ..!! ને બિન્દુભાભી હજુયે ગમે ત્યારે કોઈના ઘરનો દરવાજો તોડી આંસુમાં ગરકાવ સ્ત્રીને બચાવી લાવતાં.. ને “સ્ત્રીસેવા” સંસ્થા થકી એક મજબુત સ્ત્રીસંગઠનનું સ્વપ્ન સાકાર બનાવવાની રાહ પર ચાલી નીકળ્યા હતા.. હવે એમને સાથ આપવા ગણિકા પણ એ ગેંગમાં ઉમેરાઈ હતી..!!

સ્ત્રીને પુરુષના પ્રેમની જરૂર છે.. પથારીની નહિ..!!!!

લેખક : આયુષી સેલાણી