ભીંડા ની લસણવાળી કઢી – ભીંડાનું શાક તો બનાવતા જ હશો હવે ભીંડાની આ નવીન વાનગી બનાવો અને આનંદ માણો…

ભીંડા નું શાક અને કઢી લગભગ બધા ના ઘરે બનતું જ હોય છે. આજે આપણે ભીંડા ની લસણ વાળી કઢી ની રેસિપી જોઈશું. જે લોકપ્રિય તો છે પરંતુ બધા ના ઘરે નથી બનતી હોતી.. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી અને બનાવામાં સરળ એવી ભીંડા ની કઢી ની રેસિપી લાવી છું. ભીંડા ચિકણાં હોવાથી જો કઢી પરફેક્ટ ના બને તો કઢી બહુ ચીકણી બને છે અને ખાવામાં એટલી સારી નથી લાગતી…નાની નાની વાતો નું ધ્યાન રાખીએ તો બહુ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે આ કઢી..

કઢી માટે જે શાક બનાવવા નું છે તે કડક ભીડાં ના શાક તરીકે સર્વ કરવામાં પણ ખૂબ જ સરસ લાગે છે.

ભીંડા ની કઢી માટેની સામગ્રી:-

શાક બનાવા માટે ની સામગ્રી

500 ગ્રામ ભીંડા

10-12 કળી લસણ (અધકચરું વાટેલું)

2 ચમચા તેલ

1/2 ચમચી જીરું

ચપટી હિંગ

1/4 ચમચી હળદર

1 ચમચી ધાણાજીરું

1 ચમચી મરચું

1/4 લીંબુ નો રસ

મીઠું સ્વાદાનુસાર

કઢી માટેની સામગ્રી:-

3 ગ્લાસ પાતળી સહેજ ખાટી હોય એવી છાશ

2 ચમચા ચણા નો લોટ

1/2 ચમચી આદુ મરચાં ની પેસ્ટ

1/4 ચમચી સૂકી લસણ ની ચટણી

મીઠું, હળદર, મરચું છાશ ના ભાગ નું સ્વાદાનુસાર

કોથમીર ગાર્નીશ કરવા માટે

રીત:-

સૌ પ્રથમ ભીંડા ને બરાબર ધોઈ ને કપડાં થી સાફ કરી ને કોરા કરી લો. પછી ભીંડા ને નાના નાના ગોળ આકાર માં કાપી લો. હવે કઢી માટે છાશ માં ઉપર જણાવેલી બધી સામગ્રી ઉમેરી ને હેન્ડ બ્લેડર કે વલોણી થી બરાબર મિક્સ કરો અને સાઈડ માં રાખો. હવે એક જાડી કડાઈ માં તેજ આંચ પર તેલ મુકો. હવે તેમાં વાટેલું લસણ ઉમેરો . પછી જીરુ , હિંગ , હળદર ઉમેરી ને થાય એટલે ભીંડા ઉમેરો. બરાબર મિક્સ કરી ને મીઠું ઉમેરો અને 1-2 મિનિટ માટે તેજ આંચ પર સાંતળો. હવે ગેસ ધીમો કરી ને ભીંડા ની ચીકાશ જતી રહે અને થોડા ડાર્ક કલર ના થાય ત્યાં સુધી ધીમી આંચ પર થવા દો. પછી ધાણાજીરું અને મરચું ઉમેરી મિક્સ કરો અને બીજી 2-3 મિનિટ પકાવો. ભીંડા ખૂબ જ સરસ છુટ્ટા અને કડક થઇ જશે . હવે ઉપર બનાવેલું કઢી નું મિશ્રણ ઉમેરી ને ધીમી આંચ પર ઉકળવા દો. બરાબર ઉકળી જાય એટલે કોથમીર થી ગાર્નીશ કરી ને સર્વ કરો.

ભીંડા ની લસણવાળી કઢી રોટલી, ભાખરી, ભાત , પરાઠા કે રોટલા જોડે ખૂબ જ સરસ લાગે છે.

નોંધ:-

કઢી ની ઘટત્તા તમારી પસંદ મુજબ રાખી શકો.

ભીંડા માં લીંબુ નો રસ ઉમેરવાથી સરસ કડક અને ચીકાશ વગરના થાય છે. એક ચમચી દહીં પણ ઉમેરી શકાય કડક કરવા માટે.

છાશ માં સૂકી લસણ ચટણી ઉમેરવાથી ટેસ્ટ બમણો થાય છે.

ભીંડા ને વઘાર કાર્ય પછી 1-2 મિનીટ તેજ આંચ પર સાંતળવા થી ખૂબ જ સરસ કડક થાય છે.

ભીંડા નું શાક બનાવી ને રાખી લો અને સર્વ કરવું હોય ત્યારે જ કઢી ઉકાળો તો પણ ચાલે.

કઢી ઠંડી થાય પછી ઘટ્ટ બને છે એટલે ચણાનો લોટ જોઈ ને ઉમેરો.

ઘણા લોકો કઢી માં ગળપણ માટે થોડો ગોળ પણ ઉમેરતા હોય છે.
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)