બનાસકાંઠાના આ ખેડૂતે કર્યું અદ્ભુત કામ, ૫ લાખના દાગીના રસ્તામાંથી મળ્યા અને પરત કર્યા…

ઈમાનદારી: રસ્તા પરથી મળી આવેલા ૫ લાખના ઘરેણા મૂળમાલિકને પરત કર્યા પ્રામાણિક ખેડૂત રાણાજી કલ્યાણજીભાઈ રાજપૂતે.


વર્તમાન સમયમાં જોઈએ તો આજકાલ લોકો શોર્ટકટ રસ્તેથી ચોરી, લૂંટફાટ કે દગાખોરી કરી અમુક લોકો પૈસા કમાવવાનો રસ્તો અપનાવતા જોવા મળે છે, પરંતુ બધા લોકો એકસમાન નથી હોતા. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળી કદાચ તમને આ ઘોર કળિયુગમાં પણ સતયુગ ના દર્શન થશે. ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કુવાળા ગામના રહેવાસી એક ધરતીપુત્રને રસ્તા પર પડ્યા મળેલા ૫ લાખના ઘરેણા તેના મૂળમાલિકને પરત આપી આ કળયુગમાં પણ પ્રામાણિકતાની પ્રતીતિ કરાવી છે.


બનાસકાંઠાના લાખાણી તાલુકાના અછવાડીયા ગામના રહેવાસી ઉકાજી ભાણાજી રાજપૂતના પુત્રવધુ પોતાના પિયર થરાદ તાલુકાના જેતડા ગામ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે સ્કુટર પર જઈ રહ્યા હતા. ત્યારે અછવાડીયાથી કુવાણા ગામના કાચા માર્ગ પરથી પસાર થતા તેમની જાણ બહાર થેલીમાંથી અંદાજે ૧૫ તોલા સોનાના ઘરેણાના જુદા-જુદા બોક્સ પડી ગયા હતા. જે ઘરેણા તે જ ગામના રહેવાસી રાણાજી કલ્યાણજી રાજપૂતને મળી આવ્યા હતા.


જોકે, આ દાગીના ખેડૂતે ઘરે લાવી ચકાસણી કરતા ૧૫ તોલાના ઘરેણા હકીકતમાં સોનાના જ હતા. બાદમાં તેમણે આ દાગીના કોના છે તે જાણવા માટે ઘરેણા ઘર પર જ મુકીને રાહ જોવાનું વિચાર્યુ, ‘ એ જ દરમિયાન તેઓએ વોટ્સએપ મેસેજમાં “અમારા દાગીના ખોવાયેલ છે” ના મેસેજ ફરતા હોવાની જાણ થતા જ તેઓએ મૂળ માલિકની ભાળ મેળવી તેની ખરાઈ કરી. બાદમાં તેઓને પોતાના ઘર પર બોલાવી માતાજીના મંદિર આગળ બેસાડી ઉકાજી ભાણાજી રાજપૂતને તેમના તમામ ૧૫ તોલાના ઘરેણા પરત સોંપ્યા હતા.

આ બાબતે ઘરેણા જેમને મળેલા એ પ્રામાણિક ખેડૂત રાણાજી રાજપૂતે જણાવ્યું હતું કે, ‘વસ્તુ પથ્થર બરાબર, અમને ભલે ઘરેણા મળ્યા, પરંતુ અમે તેના સાચા માલિકની શોધખોળ કરી દાગીના પરત સોંપ્યા છે.


જ્યારે ઘરેણાના મૂળ માલિક ઉકાજી રાજપૂતે જણાવ્યું હતું કે, અમારા ઘરેણા માર્ગમાં પડી ગયા હતા, જે ધરતીપુત્રે પરત આપ્યા, અમારા ગામમાં આવા સારા પ્રામાણિક માણસો છે.

હાલના સમયમાં લોકો જ્યારે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોઈ ત્યારે આ કુવાણા ગામના ખેડૂતે ૫ લાખના ઘરેણા મૂળમાલિકને પરત કરી પ્રમાણિકતાનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ