આજની પોઝિટિવ સ્ટોરી: ગરીબ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા બાજરીના લાડુની નવી રેસિપી શોધી

ગરીબ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા બાજરીના લાડુની નવી રેસિપી શોધી, અમદાવાદ : આ શહેરમાં અનેક અનોખાં અને સમાજસેવી દંપતિ વસે છે. પરાગ શાહ અને જ્યોતિ શાહ આવું જ એક સમાજને પ્રતિબદ્ધ યુગલ છે. આમ તો શાશ્વત ટ્રસ્ટના નેજા હેઠળ તેઓ ઘણી પ્રવૃતિઓ કરે છે, પરંતુ ગરીબ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમણે બાજરી અને ખજૂરની લાડુડીની કરેલી શોધ ધ્યાન ખેંચે તેવી છે.

પરાગભાઈ કહે છે કે આપણા સમાજમાં ધીમે-ધીમે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે, તેથી નવા નવા રોગો થઈ રહ્યા છે. અમે વિચાર કર્યો કે ગરીબ લોકો માટે કંઈક એવું કરીએ કે તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે. પરાગભાઈએ ૩૫થી ૪૦ વૈદ્યો સાથે આશરે આઠ મહિના સુધી વિચાર વિમર્શ કર્યો. તેઓ એવું કશુંક શોધવા માગતા હતા જે બનાવવામાં સરળ હોય, સસ્તુ હોય અને કોઈ પણ ગૃહિણી બનાવી શકે. આ ઉપરાંત એ વાનગી એવી હોય કે જે માત્ર બેક્ટેરિયા સામે નહીં, પરંતુ વાયરલ સામે પણ ઝીક ઝીલી શકે.

તેઓ પોતે માઈક્રોબાયોલોજી સાથે બીએસસી થયેલા. ત્રણ મહિનાના સંશોધન પછી તેમણે બાજરીના લાડુની શોધ કરી. તેમાં બાજરીના લોટ ઉપરાંત દેશી ગોળ, ગાયનું ઘી, ગુંદર, સૂંઠ, અશ્વગંધા વગેરે અનેક ચીજ અને મસાલા નાખ્યા. એ પછી તેમણે અમદાવાદના એક ઝૂંપડપટ્ટી વિસ્તારના ૧૦૦ બાળકો પર તેનો પ્રયોગ કર્યો. દરરોજ આ બાળકોને તાજા બનાવેલા લાડુ ખવડાવવા હતા. પ્રયોગ પહેલા બાળકોના ૩૭ પ્રકારના બલ્ડ ટેસ્ટ પણ કરાવ્યા. એ વખતે સ્વાઈન ફ્લૂનો રોગચાળો પણ હતો. ત્રણ મહિના દરમિયાન એક પણ બાળકને શરદી, તાવ, કશું જ થયું નહીં. તેમની રોગ પ્રતિકારક શક્તિ ઘણી વધી અને લીવર તથા કીડનીની સ્થિતિ સુધરી.

બાજરીના લોટ ઉપરાંત પરાગભાઈ અને જ્યોતિબહેન ખજૂરના લાડવા પણ બનાવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ પોતાના ઘરે જાતે જ આવા લાડુ બનાવે છે. દર શિયાળામાં ત્રણ મહિના દરમિયાન ગરીબ બાળકોને તેઓ પોતે, તાજા તાજા લાડવા ખવડાવે છે. દર વર્ષે ૧૫૦ કિલોના લાડુ બનાવે છે. આ વર્ષે તો તેઓ સાબરકાંઠા જિલ્લાના વિજય નગર તાલુકાના આદિવાસી વિસ્તારોમાં બાજરીની ૭,૦૦૦ લાડુડી લઈને પહોંચી ગયાં હતાં. વિચરતી જાતિના બાળકોને પણ તેમણે આવી લાડુડી ખવડાવીને તાજાં-માજાં કર્યાં છે. તેઓ દર વર્ષે શિયાળામાં નિયમિત રીતે ચ્યવનપ્રાસ બનાવીને ગરીબ બાળકોને વહેંચે છે.

પરાગ શાહ ગાંધીજન છે. તેમના જીવનસાથી જ્યોતિબહેન ઘણી ગાંધી વિચારની સંસ્થાઓમાં ટ્રસ્ટી છે. સૌમ્ય સ્વભાવ ધરાવતા આ યુગલને મળીએ કે આપણને શાંતિનો અનુભવ થાય. કમનસીબે તેમનો ૨૨ વર્ષનો દીકરો મલ્હાર અચાનક તેમને છોડીને જતો રહ્યો. ત્રણ દિવસ તાવ આવ્યો, પછી કોમામાં ગયો અને પછી બધી માયા મૂકીને જતો રહ્યો. દીકરી નિશા પારેખ પત્રકાર છે. તેને ગોલ્ડ મેડલ મળેલ. દિવ્ય ભાસ્કર, ઈસરો વગેરેમાં સુંદર કામ કર્યાં પછી હવે તે બે બાળકોની માતાનો રોલ અદા કરી રહ્યા છે. તેઓ એમએ વીથ અંગ્રેજી છે અને અંગ્રેજી ભાષા પર ઘણું પ્રભુત્વ ધરાવે છે.

શાશ્વત ટ્રસ્ટમાં કેટલાંક મેડિકલ સાધનો વસાવાયાં છે. વ્હીલ ચેર, મેડિકલ બેડ, વગેરે જેવી વસ્તુઓ જરૂરિયાતમંદોને અપાય છે. જે દંપતિ સમાજ માટે જીવે છે તે દંપતિ એકબીજાની વધારે નજીક આવી શકે છે તેવું કવિવર ઉમાશંકર જોશી કહેતા. આ દંપતિ એવું જ છે.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ