અરૂણ જેટલી, પૂર્વ નાણામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ગૌરવપૂર્ણ કદાવર નેતાનું થયું અવસાન…

અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ બાદ વધુ એક ભારતીય રાજનૈતિક સિતારો ખરી ગયો… તેમના નિધનના સમાચારે સૌને કર્યા શોકાતૂર… અરૂણ જેટલી, પૂર્વ નાણામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ગૌરવપૂર્ણ કદાવર નેતાનું થયું અવસાન…


અરૂણ જેટલી ભારતીય રાજનીતિમાં એક ખૂબ જ જાણીતું નામ રહ્યું છે. તેઓ વ્યવસાયે વકીલ અને બાહોશ નેતાના રૂપમાં તેમના નામનો ડંકો વાગતો હતો. તેઓ પક્ષના પ્રખર પ્રવક્તા અને ત્યારબાદ વિત્તમંત્રી તરીકે સતત રાજનીતિમાં સક્રિય રહ્યા છે.


છેલ્લા ઘણાં સમયથી રહ્યા બીમાર…


અરૂણ જેટલી છેલ્લા બે વર્ષથી મોટા ભાગે શારીરિક સ્થિતિ અસ્વસ્થ હતી. ૨૦૧૮માં, અરુણ જેટલીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી, જેના કારણે તેઓ રાજનૈતિક ગતિવિધિઓથી થોડા દૂર રહેવા લાગ્યા હતા. અગાઉ, ૨૦૧૪માં, અરૂણ જેટલીએ ડાયાબિટીઝના કારણે વધારાનું વજન ઓછું કરવા માટે બેરિયાટ્રિક સર્જરી પણ કરાવી હતી. છેલ્લા થોડા સમયથી તેમનું શરીર નબાળી અને આછટવાળું જરૂર જણાતું હતું તેમ છતાં અનેક રાજનૈતિક નિર્ણયોમાં તેમણે સહકાર અને સૂચનો આપતા રહ્યા હતા.


એમનું છેલ્લું ભાષણ આપ્યા બાદ એવું બન્યું હતું કે તેમને થાક લાગ્યો હતો અને તેને અધવચ્ચેથી રોકીને આરામ કરવા બેસવાની જરૂર પડી હતી. આ પ્રકારની ઘટના કદાચ કોઈ નેતા સાથે પહેલીવાર બની હતી.


પક્ષના અનેક કાર્યકરો માટે હતા ગુરુ સમાન…

ભાજપ પક્ષના એક કદાવર નેતા તેઓ અનેક નવજુવાન નેતાઓ માટે માર્ગદર્શના રૂપમાં પણ પોતાની ફરજ બજાવતા હતા. એમને માટે અનેક નેતાઓએ કહ્યું છે કે નાનામાં નાની કે મોટામાં મોટી રાજનૈતિક કે રાષ્ટ્રને લગતી કોઈપણ સમસ્યાઓને તેઓ છણાવટ સાથે સમજાવતા અને તેને સરળતાથી દૂર કરવાના સૂચનો પણ જરૂર આપતા હતા.


અંતિમ શ્વાસ સુધી રાષ્ટ્રહિતની રહી ભાવના…

અરૂણ જેટલી ૨.૦ મોદી સરકારના એક મજબૂત નેતા તરીકે તેમની પડખે ઊભા નહોતા રહી શક્યા. એમણે નવી સરકાર બની ત્યારે વડાપ્રધાન મોદી સાહેબને પત્ર લખીને જણાવ્યું હતું કે આ વખતના મંત્રી મંડળથી મને બાકાત રાખશો. મારી નાદુરસ્ત તબીયતને લીધે હું સક્રિય નહીં રહી શકું. નાણાં પ્રધાન તરીકે, અરૂણ જેટલીએ નરેન્દ્ર મોદી સરકારના તમામ ૧.૦ બજેટ રજૂ કર્યા. જો કે, તેમની તબિયત ખરાબ હોવાને કારણે, વર્ષ ૨૦૧૯ – ૨૦નું વચગાળાનું આવેદન પત્ર પણ પીયૂષ ગોહેલે ૧લી ફેબ્રુઆરીએ આપ્યું હતું. અરૂણ જેટલીને કદાચ પોતાની કથળતી તબીયતનો અંદાજ આવી જ ગયો હતો. તેથી તેમણે આ રીતે ક્ષેત્રસંન્યાસ સ્વીકારી જ લીધો હતો.


કાશ્મીરમાં ૩૭૦ કલમ અને ૩૫ એ કલમ નાબૂદ થયા બાદ, બીજે જ દિવસે દેશે એક મજબૂત નેતા અને મહિલા સશક્તિકરણની પ્રેરણામૂર્તિ સમાન સુષ્મા સ્વરાજનો સ્વર્ગવાસ થયો હતો. એઓ પણ છેક સુધી સક્રિય રહ્યાં હતાં. નિધનના ૩ કલાક પહેલાં ઉત્તમ નિર્ણયો લેવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. એજ રીતે પૂર્વ વિત્તમંત્રીને છેલ્લે સુધી હોસ્પીટલમાં મળવા આવેલ રાજનેતાઓ સાથે હાલની પરિસ્થિતિ વિશે માહિતીગાર રહ્યા હતા. એઓ છેલ્લે સુધી રાષ્ટ્રહિતને ધ્યાનમાં લઈને પોતાના સોશિયલ હેન્ડલ દ્વારા અનેક સંદેશાત્મક અને પ્રેરણાત્મક સૂચનો આપતા રહેતા.

ઇન્દિરા ગાંધીના સમયમાં રાજનૈતિક ચળવળમાં જવું પડ્યું હતું જેલ…


વ્યવસાયે વકીલ, અરૂણ જેટલી એવા નેતાઓમાં સામેલ હતા કે જેઓને ઈમરજન્સી દરમિયાન ઈન્દિરા ગાંધી સરકારે જેલમાં ધકેલી દીધા હતા. તે સમયે તે એક વિદ્યાર્થી નેતા હતા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી સંઘ… એ.બી.વી.પીના સભ્ય તરીકે ભાજપ સાથે જોડાયા હતા. જેલમાંથી છૂટ્યા પછી, અરૂણ જેટલી જન સંઘના સભ્ય તરીકે સક્રિય રાજકારણમાં જોડાયા અને સંગઠનમાંથી આગળ વધ્યા, જે પાછળથી ભાજપ પક્ષના નેતા બન્યા.

લાંબો રાજનૈતિક અનુભવ રહ્યો છે…


સિત્તેરના દાયકાથી રાજનીતિ સાથે જોડાયેલા અરૂણ જેટલી વ્યવસાયે વકીલ હતા. એમણે અટલ બિહારી વાજપાયી કેબિનેટમાં પણ સેવા આપી હતી. ૨૦૦૯ અને ૨૦૧૯ની વચ્ચે, જ્યારે ભાજપ વિપક્ષના બેંચમાં બેઠી હતી, ત્યારે અરુણ જેટલીએ રાજ્યસભામાં વિપક્ષી નેતા તરીકે સેવા આપી હતી. ૨૦૧૪માં સત્તામાં આવ્યા ત્યારે તેમણે વિત્ત મંત્રાલય સંભાળ્યું હતું.

૯ ઓગસ્ટથી હતા દિલ્હીના એમ્સમાં દાખલ…


ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ એઈમ્સમાં એ સીએન ન્યુરો કાર્ડિયેક સેન્ટરમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંના વરિષ્ઠ તબીબોએ તેમની તપાસ કરી હતી. તેમની કથળતી તબીયતનું કારણ એ જાહેર થયું કે તેમના ફેફસાંમાં પાણી ભરાયું હતું. ૧૦ ઓગસ્ટ બાદ તેમને સારું થઈ રહ્યું છે એવા સમાચાર બાદ કોઈ જ જાહેર બુલેટિન એમની તબીયત વિશે જાહેર નહોતા થયા.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ભાજપના કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, અન્ય મોટા નેતાઓ વિપક્ષના માયાવતી તેમજ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ સહિત એમની તબિયત લથડતા હોસ્પિટલમાં મળવા પહોચ્યા હતા. કહેવાય છે કે નાદુરસ્ત તબીયતના સમયે તેમની પત્ની અને પુત્રએ પડખે રહીને સાથ આપ્યો હતો.

66 વર્ષે થયું નિધન…

આજે ૨૪ ઓગસ્ટ, ૨૦૧૯ના બપોરે ૧૨:૦૭ મિનિટે તેમનું એઈમ્સમાં જ અવસાન થયું. આ સમાચારે ભારતીય રાજનૈતિક દળો અને સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રવર્તી છે. આજે બપોરે જ એમની દિલ્હીમાં સ્મશાનયાત્રા નીકળશે તેવા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ભારતના એક બહોશ નેતા અને પૂર્વ નાણા મંત્રીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ