શું તમે ક્યારેય એવી હોટેલમાં રોકાયા છો જ્યાં પડખુ ફેરવતા જ તમે બીજા દેશમાં પહોંચી જાઓ ! યુરોપમાં આવેલી છે આ હોટેલ ! જાણો તે વિષેની બીજી અજાયબ વાતો

તમે દુનિયાની ઘણી બધી ચિત્ર વિચિત્ર જગ્યાઓ, ચિત્ર વિચિત્ર લોકો, ચિત્ર વિચિત્ર ઘટનાઓ વિષે સાંભળ્યું હશે અને ક્યારેક તો તેનો જાતઅનુભવ પણ કર્યો હશે. તમે દુનિયામાં અનોખા ઘરો જોયા હશે, અનોખા લોકો જોયા હશે, અનોખી જીવશૈલી જોઈ હશે. દુનિયામાં એવી ઘણી બધી હોટેલો છે જે ચિત્ર વિચિત્ર આકારો તેમજ તેના અનોખા ખાનપાન અથવા અનોખા લોકેશનો માટે અનોખી વર્તાય છે.


માણસ મૂળે તો એક પ્રવાસ શોખીન માણસ છે. તમને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળશે જેને પ્રવાસ કરવો કે ફરવું ન ગમતું હોય. તમે પણ તમારા જીવનમાં અવારનવાર હવાફેર માટે અથવા મુડ ફ્રેશ કરવા અથવા કંઈક નવું જોવાના કૂતુહલમાં બહાર ફરવા જતા હશો અને હોટેલમાં રોકાતા હશો. ત્યાં તમને કેટલાક સારા અનુભવ થતાં હશે તો કેટલાક ખરાબ અનુભવ થતાં હશે. પણ જો આ હોટેલમાં તમે રોકાશો તો તમને એક અલગ જ પ્રકારનો અનુભવ કરાવવામાં આવશે. આ હોટેલની ખાસિયત એ છે કે તે તમને એક જ સમયે બે-બે દેશમાં હોવાનો અનુભવ કરાવે છે.

આ હોટેલનું નામ છે અર્બેજ હોટેલ. જેને અર્બેઝ ફ્રાન્કો સુઇસે હોટેલના નામથી પણ ઓળખવામાં આવે છે. આ હોટેલ બે દેશની સિમા પર બનાવવામાં આવેલી છે. જે વિસ્તારનું નામ છે લા ક્યોર. આ હોટેલની ખાસિયત એ છે કે તેની ઇમારત બન્ને દેશમાં ફેલાયેલી છે. આ એક એવી હોટેલ છે જેના બે-બે સરનામા છે.


ફ્રાન્સ અને સ્વિત્ઝરલેન્ડની સરહદો જ્યાં એક થાય છે તેની વચ્ચો વચ આ હોટેલ આવેલી છે. સ્વિત્ઝરલેન્ડ અને ફ્રાન્સના સૌંદર્ય વિષે તો આપણે જાણીએ જ છીએ. હવે આવી સુંદર જગ્યાએ તમને એક સાથે બે-બે દેશોમાં રહેવા મળી જાય તો તમે તમારા પોતાનામાં જ એક રેકોર્ડ બનાવી લેશો.

તમે આ હોટેલ વિષે થોડું વધારે જાણશો તો તમારું આશ્ચર્ય વધતું જશે. આ હોટેલને સ્વિત્ઝરલેન્ડ અને ફ્રાન્સ વચ્ચે વહેંચવામાં આવી છે. જો તમે રિસેપ્શન પર હશો તો તમે કોઈ બીજા દેશમાં હશો અને જો તમે લોન્જ એરિયામાં હશો તો તે કોઈ બીજો દેશ હશે.


અહીંનો બાર સ્વિત્ઝરલેન્ડમાં પડે છે તો વળી અહીંનો બાથરૂમ ફ્રાન્સમાં પડે છે. જો કે બધા જ મહેમાનોને આ અનોખો અનુભવ મળે તે હેતુથી આ હોટેલની રચના એવી રીતે કરવામાં આવી છે કે હોટેલના દરેક ઓરડાનો અરધો અરધો ભાગ સ્વિત્ઝરલેન્ડ અને ફ્રાન્સમાં પડે છે.

કેટલાક ઓરડાની તો એવી રીતે ગોઠવણી કરવામાં આવી છે કે તેમનો ડબલબેડ અરધો ફ્રાન્સમાં તો અરધો સ્વિત્ઝરલેન્ડમાં પડે છે એટલે લીટરલી તમે પડખું ફેરવતા જ બીજા દેશમાં જતા રહો છો અને પડખું ફેરવતા જ પાછા બીજા દેશમાં આવી જાઓ છો. છેને એક અજાયબ અનુભવ.


માત્ર આટલું જ નહીં હોટેલના દરેક ઓરડાનું શુશોભન પણ તેનો જે હિસ્સો જે દેશની સરહદમાં આવેલો હોય તેને અનુરૂપ કરવામાં આવ્યો છે. જેમ કે બેડરૂમમાંના ડબબેલનો અરધો હિસ્સો ફ્રાન્સમાં આવેલો છે તો તે બાજુના તકિયાની ડિઝાઈન ફ્રાન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે જો બીજો તકિયો સ્વિત્ઝરલેન્ડમાં છે તો તેની ડીઝાઈન સ્વિત્ઝરલેન્ડના હિસાબે કરવામાં આવી છે.


અહીં મહેમાનને પુરેપુરો અહેસાસ કરાવવામાં આવે છે કે તેઓ એક સાથે બે દેશમાં રહી રહ્યા છે. આ હોટેલ જે જગ્યાએ બનાવવામાં આવી છે તે 1862માં અસ્તિત્વમાં આવી હતી. અહીં પહેલાં એક ગ્રોસરી સ્ટોર એટલે કે કરિયાણાની દુકાન આવેલી હતી. ત્યાર બાદ 1921માં જૂલ્સ-જીન અર્બેજે નામના એક વ્યક્તિએ આ જગ્યાને ખરીદી લીધી અને અહીં આ અજાયબ હોટેલ બનાવી લીધી. હવે આ હોટેલ દુનિયામાંથી આવતા પ્રવાસીઓને એક જ સમયે બે બે દેશોમાં રહેવાનો અનુભવ કરાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ