અનેરું મામેરુ – સંબંધોમાં સારાસારી હોય ત્યારે, એક પણ બુરાઈ દેખાય નહિ પરંતુ એકવાર જો સબંધ બગાડયો કે પછી જરા પણ સારપ ના દેખાય !!

શ્રીમતી શીલા દીક્ષિત આટલી મોટી કંપનીના માલિકની પત્ની હોવા છતાંય આજે ખૂબ ઉદાસ હતા. રહી રહીને એના કાનમાં એક અવાજ આવતો હતો …”મમ્મી !!, મમ્મી !!, હું શું કરું ???તુ જ કહે !!” સોનાની ફ્રેમવાળા ચશ્માના કાચ લુછતા લુછતા આંખો પણ લૂછી..

વાત એવી બની કે એમના પતિ વિનય દીક્ષિત અને એમના વેવાઈ બનેલા એમના મિત્ર એટલે કે પોતાની દીકરી મંદાના સસરા , બંને મિત્રો હતા અને બિઝનેસમાં ભાગીદાર હતા. સામાન્ય રીતે બને છે તેમ ધંધામાં તો ઉતાર-ચઢાવ આવ્યા કરે, અને હા, એવું જ બન્યું.. એક વખત કોઈ કંપની સાથે ડીલ કરવામાં ભૂલ થઈ ગઈ..અને એમની ભાગીદારી પેઢીમાં નુકસાન થયું. નુકસાન તો ખાસ એવું નહોતું, પણ બંને ભાગીદારો ના મનમાં ગેરસમજની ગાંઠ વળી ગઈ !! મિત્રતા તો તૂટતા તૂટી !! પણ બંને વેવાઈના મન ખાટા થઈ જતાં, દીકરીના સંસારમાં પણ ખટાશ આવી ગઈ !!


વાહ રે માનવ ની જાત !, સંબંધોમાં સારાસારી હોય ત્યારે, એક પણ બુરાઈ દેખાય નહિ પરંતુ એકવાર જો સબંધ બગાડયો કે પછી જરા પણ સારપ ના દેખાય !! બંને કુટુંબ વચ્ચે બોલચાલનો કે આવવા જાવાનો વહેવાર ન રહ્યો !! પુરુષો તો એના અભિમાનમાં અક્કડ રહ્યા !! બન્ને ઘરની સ્ત્રીઓને દુઃખ લાગ્યું પણ, સૌથી વધારે દુ:ખ તો મંદાને હતું. મંદા અને તેનો પતિ રાજન, બંને વચ્ચે તો પ્રેમ જળવાઈ રહ્યો ! પરંતુ મંદા , સાસરિયામાં અપ્રિય થઈ પડી !!

પતિના પ્રેમને હિસાબે દીકરી ખુબ જતું કરતી હતી. સાસરું છોડ્યું છોડાતું નહોતું અને પિયર જવાનો દરવાજો બંધ થઈ ગયો હતો. શરૂ શરૂમાં તો ખૂબ દુઃખ થયું મંદાને , છાની છાની રડી પડતી, પછી ધીમે ધીમે તેને બધું કોઠે પડતું ગયું. ” હશે !! બીજું શું ?? જેવું મારુ નસીબ !! “એમ માની મનને વાળી લીધું. થોડાક સમય પછી તેના પતિએ આપેલી છૂટ અને સમજણપૂર્વકની ધરપતથી મંદા અનુકુળ સમય મળ્યે મમ્મી સાથે અને નાનાભાઈ અર્જુનની સાથે વાત કરી લેતી અને પિયર ના ખબર અંતર પૂછી લેતી.


પરંતુ હવે અહીં મંદાના નણંદનો લગ્ન પ્રસંગ હોવાથી ઘરમાં ધમાકેદાર તૈયારી થતી હતી. શહેરના શ્રીમંત કુટુંબોમાં તેમની ગણના થતી હતી એટલે બધા જ પ્રસંગ પણ એવા ઠાઠમાઠથી ઉજવાતા પરંતુ મંદાના પપ્પા સાથે અણબનાવ બન્યા પછી ઘરમાં આ પહેલો જ પ્રસંગ આવ્યો હતો, દૂર-દૂરના અને સગાના સગાને તથા સબંધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા પરંતુ જાણી-જોઈને એક ઘર તારવી લેવામાં આવ્યું અને તે એટલે વિનય દીક્ષિતનું ઘર!!

તેથી આજે મંદાનો શીલાબહેન ઉપર ફોન આવતા… બધી વાત કરતા કરતાં તે રડી પડી હતી.. “ઘણા લોકો લગ્ન સમારંભમાં આવશે… પણ, મારા પિયરથી કોઈ આવી નહી શકે !! ” શીલાબેને તેને આશ્વાસન તો આપ્યું પરંતુ તે પોતે પણ અસ્વસ્થ થઈ ગયા !!.

આજે એમને એક વાતનું સત્ય સમજાઈ ગયું કે ધંધો અને ભાગીદારી ક્યારેય દીકરા દીકરીઓના સબંધોમાં એટલે ખાસ કરીને વેવાઈ વેવાઈ વચ્ચે કરવી ન જોઈએ. આમ તો કોઈ બહુ મોટી વાત ન હતી પરંતુ મન મોતી ને કાચ તૂટ્યા પછી પછી ….?? શિલાબેનને થતું હતું કે નાના અર્જુનને મામેરું કરવા મોકલી દીધો હોત તો સારું હતું. આ વિશે એમણે વિનયભાઈને પૂછ્યું ..પણ ખરું ! પણ તેમણે અર્જુનને મોકલવાની યે સાફ ના પાડી દીધી.શિલાબેન કઈ સમજાવે પણ…,

સ્ત્રીના જીવનની વાસ્તવિકતા છે કે પોતે ગમે તેટલી શક્તિશાળી હોવા છતાં ધણીનો કોઈ ધણી નથી એ ન્યાયે વિનય દીક્ષિતે જ્યારે ફેંસલો સુણાવી દીધો કે ઘર વિશે હું કાંઈ જ સાંભળવા માંગતો નથી !! આપણે એમને ત્યાં જવાનું નથી. આમ તો એમની વાત ખોટી પણ ન હતી કારણ કે, આખા શહેરમાં આમંત્રણ માટેની કંકોત્રી વહેંચાઈ હતી એક એમનું ઘર જ છોડી દેવામાં આવ્યું હતું !! અને વગર આમંત્રણે કેવી રીતે જવુ ??


શીલાબેન પાસે પણ આનો કોઈ ઉપાય ન હતો ! મંદા એ રડીને પોતાની મમ્મી પાસે હ્રદય હળવું કરી લીધું અને પતિના પ્રેમને લીધે સાસરીયાના પ્રસંગમાં મન પરોવ્યું. દીકરીએ જાતને તૈયાર કરી, સ્વસ્થ બની કે જાણે કંઈ જ બન્યું નથી ! નણંદના લગ્નનો દિવસ નજીક આવતો જતો હતો, ધામધૂમ ચાલતી હતી .મહેમાનોની અવરજવર ચાલતી હતી. અને બધાં ખૂબ જ ખુશખુશાલ હતા.

રાજન સારી રીતે જાણતો હતો કે પોતાની પત્ની મંદાએ હોઠ પર સ્મિતનો શણગાર કર્યો છે. પરંતુ, તેના દિલમાં આંસુનો દરિયો ભર્યો છે !! રાજન પણ સમજતો હતો કે સમાધાન થયું હોત તો ઘણું સારું હતું !!અને જો એ વાત કરે તો બધાને એમ જ લાગશે કે વિનયભાઈ એના સસરા થાય છે એટલે જ રાજન સમાધાન કરવા ઈચ્છે છે. આમ તો, રાજને પોતાની રીતે પ્રયત્નો કરી જોયા હતા પણ કોઈ એવા સંજોગો ઉભા થયા હતા કે બંને ઘર વચ્ચે ગેરસમજની ખાઈ પૂરાતી નહોતી સમજદાર દીકરી, પોતાના પ્રેમાળ પતિ ને દુઃખ ન થાય તે માટે પોતાના આંસુ છુપાવી દઇ સ્મિતભર્યા ચહેરે લગ્ન પ્રસંગ માં ફરજ બજાવતી હતી.

ભગવાને સ્ત્રીમાં કેવી શક્તિ આપી છે કે પિયરમાંથી પોતાના મુળીયા ઉખેડીને જે ઘરમાં સાસરે આવે છે કેવી રીતે પોતાની જાતને તયા રોપી દે છે કે ભવોભવનો સાથ હોય !! પચીસ-પચીસ વર્ષ જે આંગણામાં ઉછરીને આ છોડ હર્યોભર્યો થયો હોય તે સાસરીયે આવીને એવી મજબૂતીથી રીતે રોપાય જાય છે કે તેના ફુલ, ફળ અને સુગંધ સાસરિયાના કુટુંબ માટે જ વપરાય છે,જાતે પોતે જ પોતાને વપરાવા દે છે ! સમજદાર દીકરી બધું જ સંભાળી લે છે. બધી દેરાણી જેઠાણી ના પિયરમાંથી કોઈને કોઈ વ્યક્તિ પ્રસંગમાં હાજરી આપવા આવી પહોંચ્યું છે બધાનું હસતા મુખે રાજનનો પરિવાર સ્વાગત કરે છે. મંદા પણ આ બધા સાથે ભળી જાય છે.


આજે સવારે મંડપ રોપણ ની વિધિ ચાલતી હતી અને પછી મામેરા ભરાવાના હતા. ખૂબ જ સરસથી સ્વસ્થતા ધારણ કર્યા પછી પણ મંદાની આંખો છાનેખૂણે છલકી જતી હતી !!.

મોટેભાગે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે. એ ન્યાયે મંદાની દેરાણી અને જેઠાણીઓ મંદાની મજાક ઉડાવતી હતી કે “બધા કરતા મંદાનુ મામેરૂ અનેરૂ હશે !!” “બધાય નું મામેરું તો ઠીક આપણે તો મંદાનું જ મામેરું જોવું છે !!” “જોઈએ તો ખરા કે કહેવાતા મોટા બાપા દીકરીને શું આપી શકે છે !!” આવા વેણ સાંભળીને મંદાનું હૈયું ચિરાઈ જતું હતું !! પરંતુ પતિના પ્રેમને કારણે અને પોતાની સમજદારી ને લીધે દિકરી ચૂપ રહી.. પ્રસંગમાં પોતાની ફરજ નિભાવ્યે જતી હતી.

આવા કટુવચનો જેમ મંદાએ સાંભળ્યા, તેમ ત્યાં આવેલ એક દંપતીએ પણ સાંભળી લીધા . તે દંપતી એટલે મંદાના પપ્પાની કમ્પનીમાં એકાઉન્ટન્ટનું કામ કરતો અજય અને તેની પત્ની આરતી !! મંદાના પપ્પાનો કારોબાર ખુબજ મોટો હતો અને એમનો બધો જ લેવડદેવડ હિસાબ, આ અજય સંભાળતો હતો. એ લોકો મંદાના સાસરિયામાં કોઈ સગાના સગા થતા હતા એટલે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આરતી અને અજયે મંદા સામે જોયું અને બધી જ વસ્તુસ્થિતિ સમજી ગયા.એમણે એક આયોજન કરી લીધું.


બપોરે જ્યારે મામેરા ભરવાનો સમય થયો ત્યારે, કુટુંબની વહુવારૂના આવેલા પિતાજી અને ભાઈ-ભત્રીજાઓને ચાંદલા કરી વધાવવા માટે માંડવા નીચે બોલાવવામાં આવ્યા… ખુબજ પ્રયત્ન કરવા છતાંય મંદાની આંખો વારંવાર છલકાય જતી હતી ! મોટુ કુટુંબ હોવાથી મામેરીયા પણ ઘણા હતા બધી વહુઓના ભાઈઓ અને ભત્રીજાઓને વચ્ચે અજય અને આરતી પણ ગોઠવાઈ ગયા !! મંદાના સાસુએ બધા વહુઓના પિતા અને ભાઈ કે ભત્રીજાઓને માનપાન આપી આગતાસ્વાગતા કરીને પોતપોતાના મામેરિયાઓને વધાવવા માટે બધી વહુઓને બોલાવી.

ત્યારે એક પછી એક વહુઓએ આવીને હસતા મુખે પોતાના પિયર થી આવેલ ભેટ સ્વીકારી અને મામેરું લઈ આવનાર ભાઈ અને ભત્રીજાને ચાંદલા કરી વધાવી ઓવારણાં લઇ અને ખુશખુશાલ થતી હતી. આ વિધી ચાલતી જ હતી.. પછી બધાને વધાવી લેતાં છેલ્લે અજય અને આરતી માંડવામાં વચ્ચે ઊભા રહયા હતા…હવે એ જ હતાં છેલ્લા ! ત્યારે મંદાના સાસુએ પૂછયુ તમે કેમ ઊભા છો ?? તમે પણ, કોઇનું મામેરું લઈ આવ્યા છો કે શું ??


ત્યારે અજયે એકદમ ઠાવકાઈથી જવાબ આપ્યો, ” કદાચ તમે વેવાઇ તરીકે વિનયભાઈ ને આમંત્રણ આપતા ભૂલી ગયા હશો !! ભાગીદાર તરીકે સબંધ કાપી નાખ્યો હશે !! પણ એક બાપ તરીકે અમારા શેઠ વિનયભાઈ એ દીકરી માટે મામેરું મોકલાવ્યું છે એમ કહી અજયે, આરતી સાથે થોડીવાર પહેલા જ બજારમાં જઈને ખરીદી કરી લાવેલ મામેરું બતાવ્યું..

બધા જોતા જ રહી ગયા.. મંદા માટે સોનાનો સેટ, જમાઈ માટે સોનાની ચેઇન, સાસુ સસરાની સોનાની વીંટીઓ, અને મંદા માટે જ નહીં પણ, મંદાની દેરાણીજેઠાણી અને નણંદ માટે સાડી-સેલા અને કઈ કેટલીયે ભેટ સોગાદ ના થાળ ભર્યા હતાં. સાસરિયા તો ફાટી આંખે જોતા જ રહી ગયા !! આટલું મોટું મામેરું ??

જે બધાના આવેલા મામેરા કરતા ક્યાંય વધારે તો હતું પણ, ઉત્તમ કક્ષાનુ હતું.એક દીકરીના પિયરની આબરૂ જળવાઈ રહે અને ગૌરવ વધારે એવું હતું..એક અનેરું મામેરું !! જે એક સામાન્ય એકાઉન્ટનું કામ સાંભળતા એમ્પ્લોઈએ નહોતું કર્યું પણ જાણે કે સગાભાઈએ કર્યું ન હોય !! ત્યાં હાજર રહેલા બધા લોકો અજયભાઈની વાત સાંભળી રહયા.. કોઇ ના પાડી શક્યું નહિ !! મંદાના સાસુએ મંદાને બોલાવવા કહયુ. ત્યાં તો મંદા હાજર ન હતી !! મંદાને શોધવા લોકોએ આસપાસ નજર કરી તો એક ખૂણામાં એ આંસુ છુપાવીને કોઈ મહેમાન સાથે વાતો કરતી હતી.


મંદા એ પોતાના નામની બૂમ સાંભળીને પાછળ નજર કરી તો અજય અને આરતી માંડવા વચ્ચે ઊભા હતા અને બધા જોઈ રહ્યા હતાં.સાસુએ એને બોલાવી. છુપાવેલા આસુ ધોધ બની વછૂટયા અને રડતા રડતા પણ હસતા હ્રદયે દીકરીએ પોતાનું મામેરું વધાવ્યુ અને એક દીકરી પિયરથી આવેલા મુનિમમાં એને અર્જુનથી મોટો ભાઈ દેખાયો !! દીકરીએ તેના પર અંતરના આશીર્વાદ વરસાવ્યાં !! ત્યાં હાજર રહેલા અને બન્ને કુટુંબોને ઓળખતા હોય તેવા કોઈ વડીલે મંદાના સસરાને બોલાવી ને સમજાવ્યુ કે , “ગઈ ગુજરી ભૂલી જાઓ” અને એ લોકોએ મામેરું મોકલાવ્યું છે તો આ નિમિત્તે સમાધાન કરી લો !!

સાવ નાની એવી બાબત હોય ..સંબંધો તૂટવાના કારણમાં પણ એ તૂટેલા સબંધ જોડવા માટે પહેલ કરવામાં હંમેશા લોકો અચકાતા હોય છે અને ખોટો અહંકાર નડતો હોય છે !!! અહી હવે મંદાના પપ્પાએ પહેલ કરી હોવાનું માની, રાજન અને તેના કાકાની સાથે ખાસ સમજદાર બે વડીલોને કંકોત્રી લઈને મંદા પપ્પાને ત્યાં મોકલવામાં આવ્યા.

અર્જુન, શીલાબહેન અને વિનયભાઈ પણ આજે ઉદાસ છે કેમકે વેવાઈને ત્યાં જહોજલાલીથી ઉજ્વાતા પ્રસંગ મા જગ આંખામાં બધાને આમંત્રણ આપીને આ એક જ ઘર છોડી દેવામાં આવ્યું હતું. વિનય ભાઈ ગમે તેમ તોય એક દીકરીના બાપ હતા. પતિપત્ની અને અર્જુન પણ કશું બોલ્યા વગર.. ત્રણેય એકબીજાથી પોતાની ઉદાસી છુપાવવા મથતા હતા … અને તેની દીકરીને યાદ આવતાં, મહારાજે રસોઈ બનાવી હોવા છતાં આજે ભૂખ નથી એમ કહી, જમવા પણ બેઠા ન હતા !!


ત્યાં અચાનક તેમની જ્ઞાતિના વડીલોની સાથે રાજન અને તેના કાકા તેમને ત્યાં આવ્યા અને વિનયભાઈ ની સામે હાથ જોડીને પ્રસંગમાં હાજરી આપવા વિનંતી કરી.. વિનયભાઈ અને શીલા બહેનને આ અચાનક ફેરફાર સમજાતો નથી પણ દીકરીની ખુશી માટે બધાને પ્રેમથી આવકાર્યા,. સાથે આવેલા વડીલોની વાત શાંતિથી સાંભળી અને આમંત્રણનો સ્વીકાર કર્યો. પતિ-પત્ની, દીકરાની સાથે વેવાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા તૈયાર થઈ ગયા !!

બધા ખુશખુશાલ થઇ તેમને આવકાર્યા અને મંદા તો ??? પોતાના મમ્મી-પપ્પાને અને ભાઈને આવેલાં જોઈ હરખાય ગઈ અને ભેટી પડી. આંખોથી વહેતો અને અંતરમાં છુપાવેલો આંસુનો દરિયો હરખના હિલ્લોળા લેવા માંડ્યો !! સરસ થી બધો જ પ્રસંગ આટોપાયો !! પાછા ફરતી વખતે વિનયભાઈ અને શીલા બહેનને આ સમાધાન કેવી રીતે થયું ?? શું ચમત્કાર થયો ??

તેની સાચી જાણ ત્યારે થઈ , જ્યારે, અજયે માફી માગતા જણાવ્યું કે શેઠની પેઢીમાં લાખો કરોડો નો હિસાબ રાખતા અજયે અત્યાર સુધી એક પણ રૂપિયો વિનયભાઈને પૂછ્યા વગર નો’તો વાપર્યો, એમણે આજે કમ્પનીની રોકડરકમ પૂછ્યા વગર વાપરીને દીકરીને મામેરાની ખરીદી કરી હતી અને એ માટે એમણે ફરીથી માફી માગી.

પરંતુ વિનય ભાઈ ને સાચી પરીસ્થીતીની જાણ .થતા ખૂબ જ ખુશ થઇ ગયા. અને પોતાના એકાઉન્ટન અજયની મામેરુ આપવાની કુનેહભરી સમજણને બિરદાવતા કહયુ.., તે જે મામેરું આપ્યું એ યોગ્ય જ હતું. આપણા ઘર પ્રમાણે આપણે આપવું જ જોઈએ ને !! અજય તું તો આજે મારે માટે નરસિંહ મહેતાનો શામળિયો બનીને આવ્યો છે !!


અર્જુન પણ કહે છે તમાંરે માફી માગવાની જરૂર નથી પણ હું તમાંરો કરજદાર છું !!! ભાઈ તરીકેની ખરી જવાબદારી નિભાવી છે. હું આજથી તમને મારા મોટા ભાઈ સમાન માનીશ.” વિનયભાઈ એ એના ખભે હાથ મૂકી કહ્યું , ” હા, સાચી વાત છે અર્જુનની !! અજય આજે તે જે કામ કર્યું છે તે કામ ફક્ત કમ્પનીના એકાઉન્ટનનું ન હતું પણ,એક ભાઈનું હતું. તું જો મારી દીકરી નો ભાઈ બની શક્યો… તો હું પણ તને મારો દીકરો માની ને આ કમ્પનીનો પાર્ટનર બનાવું છુ.

લેખક : દક્ષા રમેશ

દરરોજ દક્ષા રમેશની અવનવી અને અલગ અલગ વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.