રાજકારણનો રંગ – એવું તો એ સમાચારમાં શું હતું કે તે આમ અચાનક…

આખા ઉત્તર ગુજરાતમાં કોઈ જગ્યાએ જોવા ના મળે તેવી એ પાંત્રીસ-ચાલીસ વિઘામાં પથરાયેલી સરકારી કોલેજ. દસ વિઘા જેવડું એનું રમતનું મેદાન અને પાંચ વિધાનો બોટની ગાર્ડન. ગાર્ડનમાં ભારતભરની વનસ્પતિઓનાં ઝુંડ. કોલેજનું ભવ્ય મકાન અને એ મકાનમાં આવેલા વિશાળ વર્ગખંડો ચડ ઉતર ઢાળવાળી પાટલીઓ સાથે. મોટો સિનેમાઘરને સરમાવે તેવો એસેમ્બલી હોલ. લાલ રંગનું ટુટોરિયલ બિલ્ડીંગ અને બસો જેટલા રૂમ ધરાવતી હોસ્ટેલ વચ્ચે આવેલું રંગભૂમિનું સ્ટેજ. આવી તમામ સગવડોથી સજ્જ એવી કોલેજના વિદ્યાર્થીઓ પણ જાણે કોઈ જુદીજ માટીથી ઘડાયેલા.

image source

એ જમાનામાં હાઈસકુલના અગિયારમા ધોરણની કહેવાતી એસએસસીની વૈતરણી પાર કર્યા બાદ કોલેજમાં દાખલ થવાતું. જ્યારે કોઈ છોકરો કે છોકરી અગિયારમા ધોરણવાળી એસએસસી પાસ કરી લે ત્યારે ” અમારો છોકરો હવે કોલેજીયન બની ગયો ! ” એવું બોલતાં બોલતાં મા-બાપની છાતી ગજ ગજ ફુલાતી. અગિયાર ધોરણ પાસ કરેલ છોકરા-છોકરી પોતાને કોલેજીયન કહેવડાવવામાં ધન્યતા અનુભવતાં.

અગિયાર અગિયાર વરસ સુધી એકજ ધાર્યો ગણવેશ પહેરીને કંટાળી ગયેલાં છોકરાં જ્યારે કોલેજમાં આવતાં ત્યારે રીતસરની ફેન્સી ડ્રેસની જાણે હરીફાઈ યોજાતી. એ જમાનાની એ ફેશન પરેડ જેવા કોલેજીયનોને દુકાનદારો અને રાહદારીઓ બહુજ કુતૂહલભરી નજરે નિહાળતાં. કોલેજીયનો પણ જાણે હવામાં વિહરી રહયા હોય તેવું વર્તન દાખવતા.

image source

આવા રંગીલા કોલેજીયનો વચ્ચે આપણી વાર્તાનાં મુખ્ય પાત્રો રજની, રંજન, રમેશ, રહેમાન, નિહારિકા અને રાજેશ પણ સામેલ હતાં. કેટલાય કોલેજીયનો હતા પણ આ ટોળકી બધાથી અલગ તરી આવતી. આ ટોળકીના સભ્યો માત્ર ભણવામાં નહીં પણ બધી રીતે તમને અગ્રેસર જોવા મળે. કોલેજનો દરેક કાર્યક્રમ નિરુ , રંજન-રજનીની પ્રાર્થના કે લોકગીતથીજ ચાલુ થાય તેમાં રહેમાન ઢોલક વગાડતો હોય ને રાજેશ હાર્મોનિયમ. રમતના મેદાનમાં ક્રિકેટ હોય કે બાસ્કેટ બોલ તેમાં આ ટુકડીનો કોઈને કોઈ સભ્ય હોય . એસેમ્બલી હોલની ડિબેટમાં રહેમાન અને રંજન સામ સામે રહીને હોલ ગજવતા હોય.

નિહારિકા ઉર્ફે નિરુ ! એટલે એમ સમજોને કે ગગનમાં મુક્ત રીતે વિહરતું આઝાદ પંખી. એક દિવસ અબ્બાસના સ્કૂટર પાછળ બેઠી હોય તો કોઈ દિવસ એ સાયકલ ચલાવતી હોય ને રજની એની સાયકલની કેરિયર પર બેઠો હોય. ક્યારેક લતામંડપની નીચે એ રાજેશ સાથે ગીત ગાતી હોય તો વળી કોઈ દિવસ એ કોલેજ કેન્ટીનમાં રમેશની સાથે ચાની ચૂસકી લેતી હોય.

image source

સૌથી વધુ રસપ્રદ કિસ્સો તો નિહારિકા આ રજનીની ટોળકીમાં કઈ રીતે સામેલ થઈ તે વખતનો છે. રજની એન્ડ પાર્ટી રિસેશના સમયે કોલેજના નોટિશબોર્ડ પાસે ઊભા હતા, તે સમયે નિહારિકા લેડીઝરૂમમાંથી નીકળી ઉતાવળે ઉતાવળે તેમની બાજુમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેની જાણ બહાર તેનો હાથરૂમાલ નીચે સરી પડ્યો. તે થોડીક આગળ વધીને રજનીની નજર એ હાથરૂમાલ પર પડી. ” અરે બૂન આ તમારું મસોતું પડી ગયું.” રૂમાલ ઉપાડતાં તે હસતો હસતો બોલ્યો.

“થેંક્યું મી. રજની” હાથરૂમાલ પરત લેતાં એણે સ્માઈલ આપ્યું. ” અરે તમેતો મારું નામ પણ જાણો છો ને મિસ. નિહારિકા!” રજની આશ્ચર્યમાં ગરકાવ થતાં બોલ્યો. ” અને તેમે પણ ! ! !” હાસ્યનાં ફૂલ વેરતી એ બોલી. ” યાર કો યાર ઢૂંઢ લેતે હૈ ” મીઠા લહેકાથી ટોળીમાં ઊભેલી રંજન બોલી.

” ઔર અપની ગલિકા પતા પૂછ લેતે હૈ !” નિહારિકાએ રંજન સામે જોઇને પાદ પૂર્તિ કરી અને વાતાવરણ હાસ્યના ફુવારાથી ભીનું ભીનું થઈ ગયું. બસ એટલોજ સંવાદ અને આટલીજ વાર , તેજ ઘડીએ એ નિરુ એ ટુકડીમાં જેમ ખીચડીમાં ઘી ભળે તેમ ભળી ગઈ.

ખુબજ ચર્ચાસ્પદ પણ નિર્દોષ ચારિત્ર ધરાવતી એ નિરુને કોઈ સમજી શક્યું ના હતું. નિરુને ભાઈ નહીં. નજીકનો પણ કોઈ ભાઈ નહીં. એ ત્રણ બહેનો ને મમ્મી. ઘરમાં બધીજ સ્ત્રીઓ. ઘરમાં પુરુષ જાતીનું એક કપડું પણ જોવા ન મળે. પપ્પા એના સારી એવી સ્થાવર મિલકત મૂકી ગયેલા. તે મિલકતમાંથી થતી આવક અને મમ્મીને મળતું પેનસનમાંથી એમનો ગુજારો એસોઆરામથી ચાલ્યો જતો.

image source

કોલેજનું એન્યુઅલ ફંકશન આવે ત્યારે તો આ ટુકડી જાણે બેફામ બની જાતી. નાટ્ય-સ્પર્ધા, મિમિક્રી, ફેન્સીડ્રેશ, ફિશપોન્ડ કે ગીત-સંગીત કોઈ આઈટમમાં એવી ના રહે કે આ ટુકડીએ ભાગ ના લીધો હોય. રજની નાટકનો નાયક હોય તો એ નિરુ નાઈકા. છેલ્લા વર્ષેતો અંગ્રેજી પ્રોફેસર ડો. કુલશ્રેષ્ઠના નિર્દેશન હેઠળ તેમણે અંગ્રેજી દ્રારામા ” ધ મર્ચન્ટ ઓફ વેનીશ” ભજવેલુ એમાં રજનીએ હીરો બેસાનીઓને નિરુએ હિરોઇન પોરશિયાનું પાત્ર ભજવેલું. બસ ત્યારથી આ જોડી વધુ પ્રખ્યાત બની ગયેલી.

કોઈ ટીખળી કોલેજીયને આ જોડીના પ્રેમ પ્રકરણ વિશે બીભત્સ શબ્દોથી કોલેજની ભીંતો ચિતરી નાખેલી. કેટલાકે તો તેમની મીઠી મજાક કરતા ઢગલાબંધ ફિશપોન્ડ આપેલા. રજની-નિહારિકાએ સ્ટેજ પર જઈને ફિશપોન્ડના ખેલદિલી પૂર્વક જવાબ પણ આપેલા. આવી રીતે કોલેજમાં એ બંને પછી *લવબર્ડ* તરીકે ઓળખાવા લાગ્યાં.

આમને આમ કોલેજના પિરિયડ બદલાવવાના કેટલાય બેલ પડતા રહયા. કેટલાય વેકેશન વીતી ગયાં. આખો લોટ જીવનના બીજા સ્થર પર આવી ગયો. બેફિકરાઈ અને બિનજવાબદારી ભરેલો જીવનનો એ પિરિયડ પૂરો થયો. કોઈ ધંધામાં સ્થિર થયો તો કોઈ નોકરીમાં. જ્યારે રજની નિહારિકા અને રાજેશ રાજકારણના રંગે રંગાઈ ગયાં.વકીલ પુત્ર રજની નગરપાલિકામાં લોકશક્તિ પક્ષની ટીકીટ પરથી અને નિહારિકા જનહિત પક્ષ તરફથી જ્યારે રાજેશ અપક્ષમાં ચૂંટાઈ આવેલો.

કોલેજ લાઈફ દરમ્યાન પાંગરેલો પ્રેમ આગળ વધ્યો પરંતુ વચમાં પક્ષા-પક્ષીની દીવાલ અડીખમ ઊભી હતી. આ દીવાલને કારણે નિહારિકા-રજનીનો પ્રેમ લગ્નની વેદી સુધી હજુ પહોંચ્યો ના હતો. શહેરીજનોમાં ચર્ચા થતી. ભાઈ…રે…ભાઈ એક…લોકશક્તિ પક્ષનો કોડો ને એક જનહિત પક્ષની કુડી બે વચ્ચે ઇલું…ઇલું. આતો કેવું રાજકારણ ! નગરહોલમાં આમનેસામને અને બહાર હાય!….હેલો… ને ચાની ચુસકીઓ. નગરજનોને શું મૂર્ખ બનાવવા નિકળયા છે ? આ રાજકારણીયા. પાનને ગલ્લે ને ચાની કીટલી પર વાત ચર્ચાતી.

” આ બધા જનતાને મૂર્ખ બનાવવાનાં નાટક છે ! અંદરખાને એ બધા એકના એક ને શહેરની જનતા આમનેસામને ” નિહારિકા-રજની શહેરની જાણીતી હસ્તીઓ એટલે લગ્નની જેટલી એ બંનેને ઉતાવળ ના હતી તેના કરતાં ‘નવરી બજાર’ના સભ્યોને વધુ ઉતાવળ , તેથી એક યા બીજો તુક્કો આ બેયના નામે ચડી જતો.

નિહારિકા જેનું નામ ! પોતાના પક્ષને કોઈ મેણું ના મારી જાય, જનહિત પક્ષને કોઈ ધબ્બો લાગી ના જાય તેથી તે એક અન્ય પક્ષના જુવાન સાથે લગ્નની બેડીમાં બંધાવવા તૈયાર ના હતી. સામે પક્ષે રજનીના વકીલ પિતા પણ લોકશક્તિ પક્ષના મોટા ગજાના નેતા, તેઓ પણ ઇચ્છતા હતા કે જનહિત પક્ષની વિચારણા ને વરેલી લાલ ખેસ ધારણ કરતી છોકરી પોતાના પુત્રને ના વરવી જોઈએ.

મોટી ગૂંચ પડી ગઇ. બેમાંથી કોઈ એક પક્ષ પલટો કરે તો સંસાર રથનાં બંને પૈડાં એક સરખાં થાય, તેવી આશા રાખનારા તેમના નજીકના ટેકેદારો પણ કાગડોળે રાહ જોઈને બેઠેલા પરંતુ બે પ્રેમી પંખીડામાંથી કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર ના હતું. નિહારિકા-રજનીના પ્રેમમાં પક્ષ નામનો વિલન જાણે કબાબમેં હડ્ડી બનીને ઊભો હતો. આ પેચીદો પ્રોબ્લેમ હવે તો ” ટોક ઓફ ટાઉન ” બની ગયો હતો. નિહારિકા લાલ ખેસ ધારણ કરે જ્યારે રજનીના પક્ષનો લીલો ખેસ.

image source

નિહારિકાના એ કોલેજ-કાળના મિત્રો તો ક્યારેક પૂછતા, ” હેલો નિરુ નગરસેવીકા હવે ક્યારે વાજાં વગડાવો છે ? ” જવાબમાં નિરુ માત્ર થડું હસીને મિત્રને ખુશ કરવાનો પ્રયત્ન કરતી. “ક્યાં ખોવાઈ ગયો તારો પ્રેમી ? પેલા અંગ્રેજી નાટકનો હીરો, બેસાનીઓ ! ” આવા બખાળા સામેતે કહેતી, ‘થોભો અને રાહ જુઓ’ “જીંદગીનું સાચું નાટક ભજવવું બહુ અઘરું છે ને નિરુ !!! ” મિત્રો ધારદાર ટોણો મારતા.

” હશે તેનાં વસે ! મિત્રો, આપને યોગ્ય સમયે લગ્ન કંકોત્રી મળી જશે ચિંતા ના કરશો. ” નિરુ પણ જડબાતોડ જવાબ આપીને મિત્રોને હસતા કરી દેતી. બેગાની સાદીમેં અબ્દુલા દિવાનાની જેમ નગરપાલિકાનો અપક્ષ કાઉન્સિલર રાજેશ અને શહેરનો જાણીતો વેપારી બની ગયેલ રહેમાને રજની-નિહરિકાનું ઠેકાણું પાડવા ઘણી બેઠકોના દોર યોજેલા પણ કોઈ પરિણામ આવ્યું ના હતું.

તેમ છતાં તે બંને મળતાં. છાનેછપને નહીં. ખુલ્લે આમ, બિનદાસ્ત મળતાં. તેમના સાગરીતો પણ સાથે હોતા. ક્યારે એકબીજામાં ઓગળી જઈએ ! ક્યારે સંસારરૂપી મહાસાગરની મજા માણીએ ! તેવાં સોણલાં બેય જોતાં. પણ રાજકારણની દીવાલ તોડવાની વાત આવે ત્યારે, આબાદ રીતે પોતપોતાનો બચાવ કરીને છટકી જતાં. સ્થાનિક સમાચાર પત્રોની કે વાયરે ઊડતી વાતોની તેમને કોઈ પરવા ના હતી. કારણ બંને એકબીજાને દિલોજાનથી ચાહતાં હતાં.

image source

વાત વણસતી જઇ રહી હતી. ઉંમર વધતી જતી હતી, આથી નિરુના ઘરનાં અને નજીકનાં મામા-માસી જેવાં સગાં તેના પર લગ્ન કરી લેવાનું દબાણ કરી રહયાં હતાં. બીજી બાજુ છડેચોક ચર્ચાતું નિરુનું પ્રેમ પ્રકરણ જનહિત પક્ષના શહેરના ‘હાઇ કમાન્ડ’ ધ્યાન પર આવ્યું હતું. નિરુ બધી બાજુથી ઘેરાઈ ગઈ હતી.

એક દિવસ તેણે રજની અને મિત્રોને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. ચૂપચાપ કોઈના ધ્યાન પર વાત આવે નહીં તે રીતે તેણે અત્યંત ગુપ્ત રીતે બધું ગોઠવી દીધું. તેના પક્ષનું મોવડી મંડળતો તેના પર આમેય ધુવાંપૂઆં તો હતું જ. એકજ ધડાકે રાતો રાત નિહરિકાનું પક્ષમાંથી રાજીનામું મંજુર કરી દીધું. તેજ રીતે મરીયાદીત સભ્યો જાણે તે રીતે તેણે અગાઉથી ગોઠવેલ પ્લાન મુજબ લોકશક્તિ પક્ષનો લીલા રંગનો ખેશ પહેરી લીધો. બીજા દિવસે દસમી નવેમ્બરે તેના થનાર હમસફર રજનીનો જન્મદિવસ હતો ત્યારે તેને સરપ્રાઈઝ આપવા માગતી હતી.

image source

દસમી નવેમ્બરનો સૂરજ ઉગે તેના પહેલાં તે ઘણી વહેલી ઊઠી ગઈ હતી. આજે તે ઘણી ખુશ દેખાતી હતી, કારણ આજે તે મિત્રવર્તુળને અને તેના થનાર જીવનસાથીને પોતાના પક્ષ-પલટાની સૌથી મોટી ભેટ આપવાની હતી. તે પોતાનો પક્ષ તેના પ્રેમી રજનીના પક્ષનો લીલા રંગનો ખેસ તેણે પહેરી લીધો હતો. આખું ઓપરેશન ખુબજ ખાનગી રીતે પાર પડવાથી તે ઘણી ખુશ હતી. ” આજે હું ખુશ છું…

કેમ ?? અરે આજે તો રજનીનો જન્મ દિવસ…હું કેવા કપડાં પહેરું તો તેને વધુ ગમું ? કેવી રીતે શણગાર સજુ તો તેને ગમતી લાગુ ? આવા અસમંજસમાં નિહારિકા પોતાના મન સાથે વાતો કરવા લાગી.. તેનો ગમતો રંગ સફેદ… આજે હું સફેદ સલવાર કમિઝ માં તેની ચાંદની બનીને તેને મારા તેજ માં તરબોળ કરીશ.. કાનમાં મોતીના એરિંગ ના અવાજની સાથે તેનું દિલ પણ ઝૂમવા લાગશે.. અરે હાથમાં પહેરેલી સફેદ ચૂડીઓ થી તેના મનના તાર હું ઝણઝણાવી મુકીશ..! ! !!! મારા રેશમી અને કાળા લાંબા વાળની મખમલી ચાદરમાં તેને પોઢાડી અને મારા પ્રેમનું પ્રમાણ આપીશ..!!!!.”

image source

હાથમાં પર્સ ઝુલાવતી તે બહાર જવા નીકળી રહી હતી ત્યાં સ્થાનિક દૈનિક પેપરવાળાએ રૂમમાં પેપર ફેકયું. રોજની આદત મુજબ તે પેપર પર એક નજર નાખવાની લાલચ રોકી ના શકી. અખબાર હાથમાં લઈ તે હિંચકા પર બેઠી. ” શહેરની નગરપાલિકાના શાસક પક્ષમાં આવેલો હડકંપ. શાસક પક્ષના અગ્રણી શ્રી રજની ભાવસારે પક્ષપલટો કરી, વિરોધપક્ષ જનહિતના લાલ રંગનો ખેશ ધારણ કર્યો. ચર્ચાના મૂળમાં રહેલું પ્રેમ-પ્રકરણ જવાબદાર” નિહારિકાને અખબારની હેડલાઈન વાંચી ચક્કર આવી ગયા. તે ત્યાંજ ફસડાઈ પડી.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ