શર્ત – એક યુવાન તેને પસંદ કરે છે અને એ પણ તેને પસંદ કરે છે તો પછી અચાનક શું થયું…

“ઝંખના નિષ્ફળ જતા ઉઠી ગયો વિશ્ર્વાસ પણ,

મનને ભરમાવી નથી શકતો કોઇ પગરવ હવે..”

ઘણા કવિની કલ્પનાઓમાંથી ટપકતો પ્રેમનો પ્રવાહ તો કવિતા સ્વરૂપે જોવા મળે છે. પ્રેમના ગુણગાન તો ઘણા સાંભળ્યા છે. પ્રેમ મળવાથી માણસ સંપૂર્ણ થઇ જાય છે, પ્રેમ વગરનો માણસ અધૂરો છે, તેવું સાંભળ્યુ છે, પણ પોતાની કલ્પના મુજબનો પ્રેમ બહુ ઓછા લોકોને મળે છે પ્રેમની કલ્પના, જીવનસાથી વિશેના વિચારોથી દરેકના મનમાં એક મૂર્તિ બની જાય છે. દરેક વ્યકિતના મનમાં પ્રેમ અને જીવનસાથી વિશે ચોકકસ રૂપરેખા ઘડાયેલી હોય છે. પણ જયારે વાસ્તવમાં તે કોઇની સાથે જોડાયછે ત્યારે તેની કલ્પનાની મૂર્તિ પૂર્ણ થઇ શકતી નથી.

image source

કલ્પના મુજબની વ્યકિત મળવી અશકય જ છે. છતાં દરેક માણસો જીવનમાં સહજતા સાઘી લે છે કલ્પનાની મૂર્તિ નહી તચ થોડીક ઉતરતી વ્યકિત સાથે પણ જીવન પસાર કરી લે છે. પણ આકાંક્ષા એવી ન હતી. પ્રેમ અને જીવનસાથી વિશે તેના વિચારો બહુ સ્પષ્ટ હતા. નામ પ્રમાણે તેની આકાંક્ષા આભને આંબે તેવી હતી.

image source

આકાંક્ષા ગૌતમભાઇની એકની એક દીકરી, તેની માતા તો તે ‘મા’ ને ઓળખે તે પહેલાં જ દુનિયામાંથી ચાલી ગઇ. ગૌતમભાઇએ બહુ લાડકોડથી તેને ઉછેરી હતી. પુત્ર માનીને બઘી છૂટ આપી હતી. પરણવા લાયક થઇ ત્યારે ગૌતમભાઇએ કહી દીધું કે, “બેટા… તને બઘી છૂટ છે, તું કોઇને પસંદ કરતી હો તો કહી દે જે…”

પણ આકાંક્ષાને પરણવાનો બહુ મોહ ન હતો. પુરૂષો પ્રત્યે તિરસ્કાર ન હતો , પણ તેમનો અહંકાર તેને ન ગમતો. લગ્ન પછી પતિને આઘીન, તેની મરજી મુજબ રહેવું પડશે એ વિચાર જ તેના માટે અસહ્ય હતો. આકાંક્ષા કંઇ શુષ્ક ન હતી, તેને પણ જીવનસાથીની તમન્ના હતી પણ જે વિચારોને માન્યતા આપે, પત્નીને બરોબરીનો દરજજો આપે, જેના મનમાં સ્ત્રી માટે આદર હોય તેવા પુરૂષને શોધતી હતી. તે જાણતી હતી કે તેની કલ્પનાનો પુરૂષ મળવો અઘરો છે, પણ તેના મનમાં રહેલી જીવનસાથીની મૂર્તિને બઘા સાથે સરખાવતી, પણ કોઇ તેની કલ્પનાને લાયક લાગતું ન હતું.

image source

આમ તો દેખાવે સુંદર હતી. ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરેલી હતી. અને ધનવાન પિતાની પુત્રી હતી. આથી તેના માટે ઘણા માંગા આવતા, પણ તે કોઇને પસંદ ન કરતી તેને પત્ની નહી, કોઇના હ્રદયની રાણી બનવું હતું. તેને પતિના પગલે નહી, પણ તેની સાથે કદમથી કદમ મીલાવીને ચાલવું હતું, પણ તેની પસંદનો યુવક તેને મળતો ન હતો.

તેના એકલવાયા દિવસો વહી જવા લાગ્યા પુસ્તકો તેના ખાસ મિત્રો હતા. અંગત મૈત્રી કોઇ સાથે ન હતી. જેમ ઉંમર પસાર થતી ગઇ તેમ કયારેક કયારેક તેને એકલતા સાલતી, જીવન અપૂર્ણ લાગતું. પુસ્તકોની મૈત્રીથી તે થાકી હતી. તેને મિત્ર જોઇતો હતો, પણ સમાઘાન કરવા તૈયાર ન હતી એવામાં અચાનક આકાશ આવ્યો. ગૌતમભાઇના મિત્રનો પુત્ર હતો. આ શહેરમાં નોકરી મળવાથી તે આવ્યો હતો ગૌતમભાઇએ તેને સાથે રહેવાનો આગ્રહ કર્યો, પણ તે ન માન્યો. અને થોડે દુર બીજું ઘર ભાડે રાખીને રહેવા લાગ્યો. તે રોજ આકાંક્ષાના ઘરે આવતો તેના આગમનથી આકાંક્ષાના દિલમાં લાગણીના અંકુર ફુટયા, તેના મનના શાંત જળમાં વમળો શરૂ થવા લાગ્યા.

image source

આકાશનું વર્તન એકદમ શાંત હતું. તે વાતો કરતો ત્યારે આકાંક્ષા સાંભળતી રહેતી. તે આકાંક્ષા કરતા પણ વધુ ભણેલો હતો. તેનું જ્ઞાન, તેની બુધ્ધિ પ્રતિભા, તેની વાત કરવાની કળા બઘાથી આકાંક્ષા તેના પ્રત્યે આકર્ષાય હતી. પણ તેનું અભિમાન તેને આ વાતનો એકરાર કરતા રોકતું હતું. આકાશ રોજ આવતો અને થોડીવાર બેસીને આખા વાતાવરણને આનંદિત કરીને જતો રહેતો. આકાંક્ષાને તેની કલ્પનાની મૂર્તિ જીવંત થતી હોય તેવું લાગતું.

એક દિવસ ગૌતમભાઇ ઘરે ન હોય તેવા સમયે તે આવ્યો. આકાંક્ષાને આજે તે જુદો લાગતો હતો રોજ હસતો આકાશ આજે ગંભીર થઇને બેઠો હતો. આકાંક્ષાને તેના ચહેરા પરના ભાવ સમજાય ગયા આકાશ બોલ્યો, ” આકાંક્ષા, મારી જીવનસંગીની બનીશ ..? ” આકાંક્ષાના મનમાં ખુશીનો સાગર ઉમટયો. આકાશે ઘણા દિવસથી તેના દિલ પર કબજો કરેલો હતો. તેના આવા શબ્દો સાંભળવા તે તરસતી હતી. પણ હજી તેના દિલમાંથી જવાબ આવે તે પહેલા તેના અભિમાની દિમાગે જવાબ આપી દીઘો કે…, “ના… હું આ નહી સ્વીકારી શકું.”

image source

આકાશ જતો રહ્યો. જતાં જતાં કહેતો ગયો કે, “હું ફરીથી પુછીશ, હું તારી હા ની રાહ જોઇશ” આકાંક્ષા ઘણીવાર બેઠી રહી, તેનું દિલ દોડીને આકાશ પાસે જવા માંગતું હતું, પણ દિમાગ કહેતું હતું કે, “ના.. હજી રાહ જો.. તારી કલ્પના મૂર્તિ જેવો આકાશ તને જીવનસંગીની એટલે કે પત્ની તરીખે નહી પણ જીવનસાથી એટલેકે મિત્ર તરીખે અપનાવે તેની રાહ જો…”

image source

બે – ત્રણ દિવસ તે ના આવ્યો.આકાંક્ષા વ્યાકુળ બની. ચાર દિવસ પછી તે આવ્યો. થોડો ગંભીર થઇ ગયો હતો. આકાંક્ષા સામે જોતો પણ નહી. ગૌતમભાઇ સાથે વાત કરીને ચાલ્યો જતો આકાંક્ષા તેને જોઇને ખુશ થઇ જતી, પણ આકાશ તેને બોલાવતો નહી. કયારેક બન્નેની નજર અથડાતી તો આકાશની નજરમાં પ્રેમ વાંચી શકાતો હતો આકાંક્ષા માટેની આતુરતા દેખાતી, પણ તે કંઇ બોલતો નહી. ઘીમે ઘીમે આકાંક્ષાનું અભિમાન ઓગળતું ગયું. આકાશ સાથે વાત કરવા તે તડપતી, પ્રેમનો એકરાર કરવા માટે તેનું મન તરસતું, આકાશ બીજીવાર પુછે તે સાંભળવા વ્યાકુળ હતી. પણ તે કંઇ બોલતો નહી.

એક દિવસ આકાંક્ષાની ન રહેવાયું. આકાશ એક અઠવાડીયાથી આવ્યો ન હતો. તે રાહ જોઇને થાકી ગઇ આકાશ સાથે વાત કરવા તેનું દિલ અધીરૂં થયું હતું. આકાશની રાહ જોવાની તેની ઘીરજ ન હતી. અભિમાન છોડીને જાતે જ તે આકાશના ઘરે તેને મળવા ગઇ. આમ તો કયારેય આકાશના ઘરે ગઇ ન હતી, પણ આજે તેનાથી રહેવાયું નહી. બઘી જ લાજ- શરમ – અભિમાન છોડીને તે આકાશના ઘરે ગઇ. જઇને જોયું તો બારણું ખુલ્લું હતું. આકાશ તેના કોઇ મિત્ર સાથે વાત કરતો હતો. બન્ને મોટેમોટેથી હસતા હતા. આકાંક્ષા બારણે જ ઊભી રહી તેણે સાંભળ્યુ કે આકાશનો મિત્ર તેને પુછતો હતો કે, આકાશ, પછી આકાંક્ષાનું શું થયું ???

image source

આકાંક્ષાનું દિલ જોરથી ધડકવા લાગ્યુ. તેણે વિચાર્યુ કે હમણાં આકાશ તેના મિત્ર પાસે પોતાના પ્રેમના તરફના પ્રેમનો એકરાર કરશે. પણ આકાશ બોલ્યો, ” હા… મેં એકવાર પુછયું, પણ તે અભિમાનના પૂતળાને મનાવવાનું કામ અઘરૂ છે.” આકાંક્ષા પર જાણે વિજળી પડી, તે ઊભી જ રહી ગઇ. તેના મિત્રએ ફરીથી પૂછયું, “તો તું બીજીવાર પુછને..? તે તો છે જ એવી… તેણે મારૂં માંગુ પણ પાછું ઠેલ્યું હતું.”

આકાશ બોલ્યો, “ના.. બીજીવાર પુછવાની જરૂર નથી, લાગે છે કે તે અભિમાનનું પૂતળું ઘીમે ઘીમે પીગળતું જાય છે મને જોઇને તેની આંખમાં ચમક આવતી જાય છે. થોડા દિવસ જવા દે, તે જાતે જ મને કહેશે, પછી હું શર્ત જીતી જઇશ, તારે મને પાર્ટી આપવી પડશે.” તેના મિત્રએ કહ્યું, ” પાર્ટી તો પાકી જ છે, પણ ફકત શર્ત ખાતર તું તારા મહત્વના કાભ છોડીને મામુલી નોકરી સ્વીકારી અહીં રહે છે, તે મને નથી ગમતું, ચાલ હવે નોકરી અને શર્ત બન્ને મૂકી દઇએ.”

image source

આકાશ બોલ્યો, “ના… હવે એ નહી બને, શર્ત એટલે શર્ત, તારું માંગુ પાછુ વાળીને તેણે મારૂ અપમાન કર્યુ છે, હું તેનું અભિમાન ઉતારીને જ રહીશ. મારે કંઇ તેની સાથે લગ્ન નથી કરવા, ફકત મારા પ્રત્યેના પ્રેમનો એકરાર કરી અને મને હા પાડે એટલે આપણી શર્ત પૂરી….” આકાંક્ષા સ્તબ્ધ બની ગઇ. આકાશ શરત જીતવા આવ્યો હતો. તે સાંભળીને તેને તેની દુનિયા ગોળ ગોળ ફરતી હોય તેવું લાગ્યું. તે ઘીમા પગલે પાછી ફરો અને ફરી પોતાના જુના મિત્ર પુસ્તકોની દુનિયામાં ખોવાય ગઇ. હવે તેને કલ્પના મૂર્તિ પણ પૂર્ણ કરવાની ઇચ્છા થતી જ નથી…

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ