AC ખરીદતી અને વાપરતી વખતે આ ખાસ બાબતોનું ધ્યાન રાખો…

કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. બપોરે હવે રસ્તાઓ પર જાણે કર્ફ્યુ લાગ્યો હોય તેવી શાંતિ છવાઈ ગઈ છે. ગરમીનો પારો એટલો ચડી રહ્યો છે કે આજે કોઈ પણ વ્યક્તિ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું વિચારી જ નથી શકતી.તે તો માત્ર પોતાના ઘરના કે ઓફિસના એસીમાં જ રહેવાનું પસંદ કરે છે. એસી જ્યારે ઓફિસમાં ચાલતું હોય ત્યારે કંઈ ખાસ ચિંતા નથી થતી કારણ કે બિલ તો તમારા બોસે ભરવાનું હોય છે.
પણ જ્યારે વાત ઘરના એસીની થાય ત્યારે આપણે પળે પળે તેના બિલની ચીંતા કરતા હોઈએ છીએ. તેમજ એસીમાંથી વધારેમાં વધારે ફાયદો લેવાનું વિચારતા હોઈ છીએ. તો તમારી આ ચિંતાને થોડી હળવી કરવા અમે તમારા માટે કેટલીક મહત્ત્વની જાણકારી લાવ્યા છીએ.

એસી ખરીદતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવું.– ક્યારેય મોટા એસીનો આગ્રહ ન રાખો. હંમેશા તમારે જે જગ્યા એટલે કે જે રૂમમાં એસી લગાવવાનું છે તેના વિસ્તારને ધ્યાનમાં રાખો. મોટું એસી લેવાથી તમને જો એવી ભ્રમણા હોય કે રૂમ જલદી ઠંડો થઈ જશે તો તેવું નથી.

જો તમે મોટું એસી ખરીદશો તો તેનો કુલીંગ હિટીંગ પિરિયડ ખુબ નાનો રહેશે. અને આમ થવાથી તે અવારનવાર જાતે જ ઓન ઓફ થયે રાખશે એમ થવાથી ઉર્જા વધારે બળશે. માટે હંમેશા તમારા રૂમની સાઇઝ પ્રમાણે જ એસી ખીદવું જોઈએ.– એસી ખરીદતી વખતે હંમેશા એ તપાસી લેવું કે તે કેટલી ઉર્જા વાપરે છે. એસીના વિવિધ મોડેલ્સની ઉર્જા વાપરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. જેને કિલોવોટમાં માપવામાં આવે છે.

– જો શક્ય હોય તો હંમેશા એક ઇનવર્ટર એર કન્ડીશનર જ ખરીદવું જોઈએ. તમને તે મોંઘું ચોક્કસ લાગશે પણ લાંબા ગાળા માટે તે ફાયદાકારક છે કારણ કે તે તમારા ઇલેક્ટ્રીસીટીના બિલમાં બચત કરાવશે.

– એનર્જી રેટિંગ લેબલ્સની કમ્પેરિઝન કરીને જ એસીની ખરીદી કરવી. આ લેબલ્સ દરેક એસી પર લગાવવામાં આવેલા હોય છે. તે 1થી 6 સ્ટાર સુધીના હોય છે. જે તેની કુલિંગ હિટીંગ એફિશિયન્સી દર્શાવે છે. જેટલા વધારે સ્ટાર તેટલું જ તે એનર્જી એફિશિયન્ટ રહેશે.

એ.સી વાપરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો– એસી ખરીદી લીધા બાદ તેના માટે તમારા રૂમમાં યોગ્ય જગ્યા પસંદ કરો. એસીને રૂમમાં એવી રીતે ગોઠવવું જોઈએ જેથી કરીને રૂમમાં સમાન રીતે ઠંડક ફેલાય.

– તાપમાનને 25થી 27 વચ્ચે સેટ કરો, એ વાતનું ખાસ ધ્યાન રાખો કે 18 સેલ્સિયસ પર ટેમ્પ્રેચર સેટ કરવાથી એસીના વેન્ટીલેટરમાંથી હવા નહીં આવે. તેનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી રૂમનું તાપમાન 18 સેલ્સિયસ નહીં થાય ત્યાં સુધી કોમ્પ્રેસર ચાલુ રહેશે.

– ઘણા લોકો એસી ચાલુ હોય ત્યારે તેની સાથે સાથે પંખો પણ ચાલુ રાખે છે જેથી કરીને એસીની ઠંડી હવા સમગ્ર રુમમાં ફેલાય. જો કે તેમ કરવાથી સીલીંગની ગરમ હવા પણ તમારા ઓરડાની ઠંડી હવામાં ભળી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે ટોપ ફ્લોર પર રહેતા હોવ એટલે કે તમારા ફ્લોરની ઉપર તરત જ ધાબુ આવતું હોય.

– સીલીંગ ફેન ઓન રાખવાથી તમારા ઓરડામાં રહેલી ધૂળ પણ હવામાં ફેલાશે અને તેના કારણે તે એસીના ફિલ્ટરમાં પણ જશે. માટે બને ત્યાં સુધી તમારો ઓરડો સ્વચ્છ રાખો.

– વારે ઘડીએ એસી ચાલુ બંધ કરવાની જગ્યાએ તમને જે ટેમ્પ્રેચર અનુકુળ હોય તેના પર એસીને સેટ કરી દેવું અને તેમ જ ચાલવા દેવું. જ્યારે જ્યારે તમે એસી બંધ કરશો અને ફરી ચાલુ કરશો ત્યારે ત્યારે વધારે ઉર્જાની જરૂર પડે છે.

– રૂમમાં એસી ચાલુ હોય ત્યારે વારે ઘડીયે રૂમનું બારણું કે બારીઓ ખોલ-બંધ ન કરો. તેનાથી બહારની ગરમ હવા અંદર આવે છે અને અંદરના ઠંડા વાતાવરણને ગરમ કરે છે જેના કારણે એસી વધારે લાંબો સમય ચાલે છે.

– એસીને ક્યારેય ઢાંકવું જોઈએ નહીં. એટલે કે તેમાંથી આવતી હવાને અવરોધે તેવી કોઈ વસ્તુ જેમ કે કુંડા કે આર્ટિફિશિયલ છોડ વિગેરે તેનાથી દૂર રાખવા જોઈએ.

– જો તમે વિન્ડો એસી લેવાનું નક્કી કર્યું હોય તો ઘણા લોકો એક ભૂલ કરતા હોય છે કે વિન્ડો એસીને ખુબજ નીચે એટલે કે ફ્લોરથી માત્ર 1 કે 2 ફુટની ઉંચાઈ પર રાખે છે પણ તેમ ન કરવું. તેનાથી સીલીંગની ગરમ હવાને ઠંડી કરવા માટે એસીને વધારે જોર લગાવવું પડે છે અને તેમાં વધારે ઉર્જા વપરાય છે.

એસીની જાળવણીઆપણી પાસે જે કોઈ વસ્તુ હોય તેની આપણે જાળવણી કરવી જ પડે છે તો જ તે વસ્તુ લાંબી ટકે છે, તે પછી ઘરની ગાડી હોય, ફ્રીજ હોય, સ્કૂટર હોય કે પછી એસી હોય. તમારે તેની નિયમિત જાળવણી કરવી પડે છે.

– જો તમે એસીને નિયમિત રીતે વાપરતા હોવ તો દર બે અઠવાડિયે એસીના ફિલ્ટર્સ સ્વચ્છ કરો.

– એસીની ઇવેપોરેટ કોઇલને વર્ષમાં એકવાર ચોક્કર ચેક કરાવવી જોઈએ તેમજ તેને ક્લિન પણ કરાવવી જોઈએ.

જુનું એસી બદલી નવું એનર્જી એફિશિયન્ટ એસી ખરીદો. તેના માટે તમે એનર્જી સ્ટારના લેબલ જોઈ શકો છો. સામાન્ય રીતે તમારા જૂના એસી કરતાં તમારું નવું એસી જે એનર્જી સ્ટાર લેબલ ધરાવતું હશે તે 40% ઓછી ઉર્જા વાપરશે.

તમારા રૂમને ઠંડો થતાં કેટલી વાર લાગશે તેનો આધાર કેટલાક પરિબળો પર છે જેવા કેઃ

તમારા રૂમનો વિસ્તાર

કેટલો ભાગ બારીઓથી કવર કરેલો છે

તમે કયા માળ પર છો (એટલે કે તમે ટોપ ફ્લોર પર છો કે પછી તમારી ઉપર પણ બીજો કોઈ માળ હોય વિગેરે)

તમારું એસી પૂર્વ કે પશ્ચિમ કઈ દીશામાં મુકવામાં આવ્યું છે.

તમારા રૂમમાં કેટલા ઇલેક્ટ્રિકલ ડિવાઈઝ ચાલુ છે (દા.ત. ટીવી, ફ્રિજ વિગેર)

તમારા રૂમમાં બહારની હવાની અવર જવર માટેની શક્યતાઓ. દા.ત. બારણા અને બારી નીચેની જગ્યા વિગેરે)

તેનાથી પણ તમારા રૂમની ઠંડક પર અસર પડે છે.

ઓરડામાં કેટલા લોકો હાજર છે.