મા ને પત્ની વચ્ચે..સુડી વચ્ચે સોપારી થતો પુરુષ ??? કેટલું સહન કરે છે ?? જોયું ક્યારેય ?? પૂછ્યું ક્યારેય ?? એ શું ઈચ્છે છે?

માસી ની દીકરીની સગાઈ માં બધા ભેગા થઈ મજાક મસ્તી કરતા હતા ને હવે …”એ આ પરાગિયા નો વારો…’ હા બધાએ સુર મિલાવ્યો …સાચી વાત ..હેમલતા માસી,!! તમારે તો કેવી વહુ લાવવી છે ?? કે.પછી…પરાગ ને કોઈ પહેલેથી જ પસંદ છે .???..કેમ તમે કોઈ ને કહેતા નથી કે હવે પરાગ ને માટે કોઈ હોય તો બતાવો…” હેમલતા બેન બોલ્યા , “અરે , મારે તો વહુ લાવવાની બહુ ઉતાવળ છે પણ આ પરાગ લગ્ન કરવા માટે હા જ નથી કહેતો …એનું શું ?? “”


કેમ લ્યા?? બજરંગ દળ જોઈન્ટ કરવું છે કે… બીજો કાઈ પ્રોબ્લેમ છે ?? બધા મામા માસી ના છોકરા છોકરીઓ એ હવે પરાગ ને ટાર્ગેટ બનાવ્યો ..એક દોસ્તાર જેવા કઝીને તો ઠોસો મારી ને પૂછ્યું , એલા કોઈ બીજો ..લોચો …નથી ને…હમણાં થી તું તારા દોસ્ત , કોણ … પેલા ઋષિ ની સાથે ને સાથે હોય છે …ભલું પૂછો તમારું તો..”.કહી ને એક ધબ્બો માર્યો..!! બધા ખી ખી કરી હસવા લાગ્યા. બધાનું મો સિવાય ગયું જ્યારે પરાગે વાત કરવા પોતાનું પેટ ખોલ્યું…એ કહે .”.જુવો મને કોઈ પ્રોબ્લેમ નથી લગન કરવા માં ,મેં કોઈ છોકરી શોધી ય નથી અને શારીરિક ખામી પણ નથી ..અને ગે પણ નથી …” “. તો ક્યાં અટક્યો buddy ?” બીજા કઝીને પૂછ્યું.


અરે , મને ય ખૂબ જ હોંશ હતી કે સ્થિર આવક ને પગભર થાવ એટલે …આપણે ય એય ને …જોવા જવાથી માંડીને સગાઈ લગ્ન ને હનીમૂન સુધી ના સપના જોયા….,પણ મારા ફ્રેન્ડ સર્કલ માં જેમ જેમ એક પછી એક ….એક માંથી બે થતા ગયા…ને એમની વાતો સાંભળી ને …લગન કરવા ની બીક લાગવા માંડી…!!! લગન પછી પત્ની ની વાત માને તો ,..માં ને દુઃખ અને માં ને વ્હાલ કરવા જાય તો પત્ની ને પ્રોબ્લેમ !! નાની નાની વાતો માં એવા વાંધા વચકા હોય ને !! કે ન પૂછો વાત !!

સવારે ઉઠતા ની સાથે જ ચણભણ ચાલુ …ગરમ પાણી થી નાહી લેવું કે ઠંડા..ક્યાં પેન્ટ પર આ કેમ બીજો શર્ટ થી લઇ ને …..પછી તો બેલ્ટ કે બુટમોજા… કેમ બાકી રહી જાય ??બપોરનું જમવા નું કે રાત નું શુ ?? નાસ્તા કે જ્યુસ ની બાબત માય… માથાકૂટ…પછી બીજી મોટી વાતો ની તો વાત જ શુ કરવી ??


સ્ત્રી સહનશીલતા ની મૂર્તિ છે …એવું ગાઈ વગાડી ને કહે છે ..પણ બે સ્ત્રી સાથે …મા ને પત્ની વચ્ચે ..સુડી વચ્ચે સોપારી થતો પુરુષ ??? કેટલું સહન કરે છે ?? જોયું ક્યારેય ?? પૂછ્યું ક્યારેય ?? એ શું ઈચ્છે છે ? એને જન્મ દાયી માં વ્હાલી છે તો જીવનસંગીની પત્ની પણ પ્રાણપ્રિયા છે .!!! માં ને દુઃખી નથી કરવી તો પત્ની ને પણ હસતી રાખવી છે . પણ ..આ વાત કહે કોને ?? ”

પરાગે વાત આગળ વધારતા કહ્યું , ” નોકરી ધંધા ના કેટલા ટેન્શન હોય ? આ ગળાકાપ સ્પર્ધા ના સમય સાથે એ બિચારો માન્ડ તાલમેલ કરતો હોય અને શાંતિ ઝંખતો ઘરે આવે ત્યાં…એક નું મો આમ ને બીજા નું તેમ !!! અને બે માંથી એકેયને જતું કરવા માટે સમજાવવા જાય તો બે ય આક્ષેપ કરે કે …’ …”એને કે ને ,” મારે જ દર વખતે સમજવું ?? કોઈ ને કશું ન કહી શકાય …ને તોય બંને એવું જ જતાવે કે દર વખતે પોતે જ જતું કરે છે.


માં ને લાગે કે લગ્ન કરી દીધા એટલે… દીકરો “બૈરી ધેલો” થઈ ગયો ને બૈરી કહે … “માવડીયા ” છે… આમાં જાય તો ક્યાં જાય ?? “” પરાગ ની વાત સૌ સાંભળી રહ્યા…અને એક કઝીને ટેકો કરતા કહ્યું કે વાત સાવ સાચી છે તારી..સાવ ઘરઘર માં આવી જ હાલત છે પુરુષોની !! સાચી વાત છે …આના કરતાં તો લગન જ ન કરાય …ખોટી ટકટક જ નહીં ..”. ત્યાં ચુપચાપ સાંભળી રહેલા માસા બોલ્યા , “પણ પરાગ , આ કોઈ એનો ઉપાય નથી ” ” તો શું કરવું ?? તમે કહો…” મામાનો દીકરો બોલ્યો.

ત્યારે માસા એ યુવાનોને સમજાવતા કહ્યું …આ સૃષ્ટિ માં સ્ત્રી અને પુરુષ ,એકબીજાના પૂરક છે …બન્ને ને જરૂર છે એકમેક ની ..અને એ માટે બન્ને ને સાથે રાખવા , સહવાસ પામવા ..લગ્ન ની પવિત્ર વિધિ થી સ્ત્રીપુરુષ ને જોડ્યા છે એ બંધન એક પ્રેમ નું , સમર્પણ નું , કાળજી નું , વંશ વારસ આગળ વધારવાનું એક માધ્યમ છે . અને ખૂબ જરૂરી પણ છે.


બીજું યુવાનો ની ફરિયાદ ખોટી નથી ..પણ એક વાત ચોક્કસ કહીશ કે સ્ત્રીને ફક્ત ને ફક્ત પ્રેમ થી જ જીતી શકાય છે . અહીં વાત છે યુવાનની પત્ની અને માતા ની …તો એવા ઘણા ઘર મેં જોયા છે , જ્યાં પત્ની ને પતિ સંભાળી લે છે , એમ કહી ને કે ..”.એમની ઉંમર થઈ એ ન બદલે …પણ આપણે સમજી જવું “…ઘણા યુવાનો ને મેં એ રીતે પણ સમસ્યા નો ઉકેલ લાવતા જોયા છે કે ,મારા એક દોસ્ત નો જમાઈ છે …એ મારા દોસ્ત ની દીકરી એટલે કે પોતાની પત્ની ને કહે, ” તું ઘર માં બધાની પ્રિય થઈ ને રહે.. કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજે , હું મારા ઘર ની વ્યક્તિઓ ને હેન્ડલ કરી લઈશ કેમ કે કોને કેમ અને શુ કહેવું એ મને ખબર છે….એમનો સ્વભાવ પતિ જાણતો હોય અને કદાચ …બે શબ્દો કહેવા પડે અને બોલે તો પણ પોતાના દીકરાનું કોઈ ને એટલું દુઃખ નથી લગાડતા …નથી લાગતું..


અને કેટલાય , ઘણા બધા માતાપિતા ઓ ને મેં જોયા છે , દીકરા વહુ ને એમની રીતે જીવવા દે છે અમારી જ વાત કરું તો , તારી માસી જ જોઈ લેને !! જેમ દીકરી ને મોટી કરી ને સાસરે મોકલતી વખતે કહીયે કે પતિ ની સંભાળ રાખજે …થોડું એડજેસ્ટ કરવું પડે તો કરજે…કેમ કે બે અલગ ઘર માં ઉછરેલી બે વ્યક્તિ જ્યારે સાથે જોડાય ત્યારે એકબીજા ના ગમા અણ ગમા થોડો સમય લાગે સ્થિર થતા .તો શાંત રહેજે “..તો આવી જ વાત દીકરાને પણ લાગુ કેમ ન પડે ? એણે પણ પત્ની ને થોડો સમય કે થોડી મોકળાશ ન આપવી જોઈએ ?? આવી સરસ ની સમજૂતી થી મારી વ્હાલી પત્ની એમ માને છે કે મારો દીકરો હવે મારો એકલીનો નથી એના પર એની પત્નીનો હક છે..


જેવી રીતે જમાઈ મારી દીકરી ને સાચવે છે સમજે છે ખુશ રાખે છે એ જોઈ ને દિલ ને ટાઢક થાય છે તેમ વહુ ને પણ દીકરો એ જ રીતે રાખે તો શું વાંધો ?? અમે તો એ જોઈને સંતોષ પામીએ છીએ કે આપણા દીકરા વહુ ખુશ છે …તમારી માસી ઘર માં શાંતિ થી જોયા કરે છે અને પોતાનાથી થાય એટલું ઘર માં કામ કરાવે …એ પારકી દીકરી પોતાનું ઘર સમજી ને સાસરે આવી છે તો તેને આ ઘર પોતાનું બનાવવાની અનુકૂળતા પણ આપણે જ આપીએ તો ?? અને જુઓ ….અમને કેવી સરસ જિંદગી છે ને કેવા મજાના અમે ચારેય ખુશ છીએ…!!!”

બધા એકચિત્તે સાંભળી રહ્યાતા ને માસા એ વાત પુરી કરી ત્યાં જ પરાગ બોલી ઉઠ્યો ….””વાહ વાહ ,,..માસા તમે તો મારા મન નો બોજો હળવો કરી નાખ્યો…હવે મને ઘણું સમજાય છે વિચારવાની નવી દિશા મળી ..


બાકી મેં તો મારા દોસ્તો ને એમ પણ કહેતા સાંભળ્યા છે …” એ તમે બંને જાણો મને વચ્ચે ન લાવતા …અને બેઠા બેઠા કહે કે વિરાટે આમ બેટિંગ નોતી કરવાની જરૂર ..ને મેચ માં પેલા ને ઓપનિંગ માં ન મોકલાય ….અરે નરેન્દ્ર મોદી એ આમ ન કરાય !! આમ કાઈ દેશ થોડો ચાલે ??? તારું ઘર કેમ ચાલે એ ચિંતા પહેલા કર…પણ ત્યાં તો હાથ ઊંચા કરી દે..તમે બેય ફોડી લો..મને વચ્ચે ન લાવો …અરે , એ બેય ની વચ્ચે તો તું છો જ …એમની જોડતી કડી છો …”મામા માસી ની દિકરીઓએ પરાગ આગળ બોલે એ પહેલાં જ ….એલાન કર્યું …અરે હેમલતા આન્ટી , ….હવે કોની રાહ જોવો છો !!…ચાલો આપણે હવે તો પરાગ ના લગ્ન ની શરણાઈ વગડાવીએ !!…પીં…પીં…પીં……પેં..
પેં… પેં….

લેખક : દક્ષા રમેશ

દરરોજ આવી નાની નાની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.