આપણને હંમેશા બીજાની જ થાળીનો લાડવો આપણી થાળીના લાડવા કરતા મોટો જ લાગે છે, અદ્ભુત વાર્તા…

કામવાળી બાઈ રસોડામાં ચા તૈયાર કરી રહી હતી. દૂધની અંદર ઉકળી રહેલ ચાના પાંદડા અને મસાલાઓથી આખું રસોડું મહેકી રહ્યું હતું. સામે ગોઠવાયેલા મોટા ટેબલ ઉપર ચાની રાહ જોઈ રહેલ આયુષી અને વિરાજ પોતપોતાના અતીમોંઘા આઇફોનમાં જુદા જુદા પરોવાયેલા હતા. નજીક બેઠા હોવા છતાં એકબીજાથી ખુબજ દૂર બે જુદા વિશ્વમાં મગ્ન હતા.


વિરાજના મોબાઈલની ગેલેરીમાં સંગ્રહાયેલા અગણિત ફોટાઓ ઉપર ઝડપભેર એની આંગળીઓ ફરી રહી હતી. ગઈકાલેજ ગોવાના ટુર પર જઈ બન્ને પરત થયા હતા. ગોવાના સમુદ્ર કિનારે લીધેલી ઘણી બધી તસ્વીરોમાંથી કઈ તસ્વીરો ફેસબુક ઉપર અપલોડ કરવી એની પસંદગી મનોમન થઇ રહી હતી. પડખે બેઠી આયુષી ટેવ પ્રમાણે ચેટિંગ કરવામાં વ્યસ્ત હતી.


ગોવામાં પણ તો આમજ પોતાનો મોબાઈલ પકડી બેસી રહેતી . વિરાજ સાથે જીવન શણગારવા કરતા પોતાના સોસીઅલ મીડિયાના એકાઉન્ટ શણગારવામાં એને વધુ રસ હતો. પતિ જોડે ગુણવત્તાયુક્ત ક્ષણો પસાર કરવા કરતા પોતાની અતિ ઉચ્ચ કક્ષાની જીવનશૈલીની જાળવણી પાછળ એની બધીજ ઉર્જા ખર્ચાઈ રહેતી. શહેરના સૌથી ધનિક ઉદ્યોગપતિની વહુ બનવાનું આયુષીનું સ્વ્પ્ન સાકાર થયું હતું. વિરાજને જીવનસાથી તરીકે મેળવવા ઓછા ધમપછાડા કર્યા હતા ? સીધે રસ્તે આવી રાજાશાહી ભૌતિકતા મેળવવા આખું જીવન વેડફાય જાય . વિરાજ જેવો યુવક મળી જાય તો સીધી લોટરી અને એ લોટરી મેળવવા આયુષીએ પણ તો દિવસરાત એક કરી નાખ્યા હતા.


વિરાજ પણ એટલો ભોળો તો નજ હતો . આયુષીની સુંદરતા પાછળ ઘેલો જરૂર બન્યો હતો . માતાપિતા લગ્ન કરાવવા હાથ ધોઈ પાછળ પડ્યા હતા. પોતાની પસંદગીની યુવતી માતાપિતા એને માથે ચઢાવે એ પહેલાજ એણે આયુષી સાથે એમની મુલાકાત ગોઠવી દીધી. આયુષી જેવી યુવતી સહેલી અને આરામદાયક જીવનશૈલી માટે બધુજ ત્યાગવા તૈયાર થઇ જતી હોય છે અને એ સમૃદ્ધતા મેળવવા અને જાળવી રાખવા મોઢાને મૂંગું રાખતા અને કાનને બહેરા રાખતા પણ સારી પેઠે જાણતી હોય છે -એ વાત વિરાજ ઊંડાણપૂર્વક સમજતો હતો.


પોતાની આડીઅવળી લતો સામે આયુષી કદી કોઈ વાંધો ઉઠાવશેજ નહીં . સિગરેટ , શરાબ , આખીઆખી રાત ચાલતી પાર્ટીઓ અને નીતનવી યુવતીઓ વિરાજના જીવનના પ્રાણવાયુ હતા. આયુષીને વિરાજના વ્યસનોથી અને વિરાજને આયુષીના ધન અંગેના વ્યસનથી કોઈ ફેર પડતો ન હતો. લગ્નસંબંધ કરતા આ એક કરાર જેવો સંબંધ હતો જેનું ભવિષ્ય સંપૂર્ણપણે એકબીજા સાથે જોડાયેલા ફાયદાઓ ઉપર અવલંબિત હતું.

ચા ઉકળી ચુકી હતી. કામવાળી બાઈએ ચાળણી લઇ ચા ગાળી બે કપ ભરી નાખ્યા . તૈયાર થયેલી ચાનો બધોજ કુચો ચાળણી એ ઝીલવી નાખ્યો . બધોજ કુચો કચરાપેટી ભેગો થયો અને ફક્ત સુંદર મજાની ચા ટેબલ પર આવી ગોઠવાય. એજ સમયે વિરાજે પોતાની ગેલેરીમાંથી લોકોની દ્રષ્ટિમાં સુંદર મજાની દીસે ફક્ત એવીજ કેમેરામાં ઝીલાયેલી જીવન ક્ષણોને જીવનની સાચી ક્ષણોમાંથી ચાળણી સમી ગાળી ફેસબુક ઉપર અપલોડ કરી નાખી . પત્ની આયુષી અને માતાપિતાને પણ ‘ટેગ’ કરી નાખ્યા.


આયુષી અને વિરાજના ઘરથી ઘણા માઈલ દૂર અન્ય એક ઘરમાં શિવાની વેકેશનમાં માતાપિતાનાં ઘરે જવા પોતાની અને બાળકોની બેગ તૈયાર કરી રહી હતી . મધ્યમવર્ગીય મકાનનું રાચરચીલું સામાન્ય જીવનધોરણની સાબિતી આપી રહ્યું હતું . જાતે દવાની દુકાનમાં ડેટા ઓપરેટરની ફરજ બજાવતી શિવાનીના બન્ને બાળકોની પરીક્ષા હાલમાંજ સમાપ્ત થઇ હતી . મહેનતુ બાળકોનું પરિણામ પણ ગર્વ અપાવે એવું આવ્યું હતું . પતિ અવિનાશ ખુબજ મહેનતી અને પ્રમાણિક માનવી . ટેક્ષી ચલાવી પરિવાર ચલાવતા અવિનાશના જીવનનો ખજાનો એટલે પત્ની શિવાની અને પોતાના બે માસુમ બાળકો.


પોતાના પરિવારના યોગ્ય જતન માટે જાતને ઘસી નાખતા અવિનાશના જીવનનું એકજ ધ્યેય – શિવાનીના ચ્હેરા ઉપરનું હાસ્ય અને બન્ને બાળકોનો સુંદર ઉછેર . પોતાના આ ધ્યેય માટે પોતાની જીવન સગવડો અને આરામની હસતા ચહેરે અવગણના કરતા અવિનાશને શિવાની તરફથી પણ સમાન સાથસહકાર અને હૂંફ મળી રહેતા . જીવનમાં થોડું હતું અને થોડાની જરૂરત હતી . પણ અગણિત કમીઓની વચ્ચે પણ સંપૂર્ણ પ્રેમ હતો.


તૈયાર થયેલી બેગ જોડે અવિનાશની રાહ જોઈ રહેલ શિવાનીએ પોતાના સસ્તા સાધારણ મોબાઇલમાંથી ફેસબુકમાં લોગ ઈન કર્યું . પોતાની કૉલેજકાળની સહેલી આયુષી પતિની પોસ્ટમાં ‘ટેગ ‘થઇ હતી . ગોવાનાં રમણ્ય પ્રાકૃતિક સાનિંધ્યમાં ઝીલાયેલી આંખો અંજાઈ જાય એવી મોહક તસ્વીરો. આયુષીના ડિઝાઈનર વસ્ત્રો અને બ્રાન્ડેડ સનગ્લાસ . અનાયાસે શિવાનીની નજરો પોતાના વસ્ત્રો પર ફરી વળી . પોતાના થાકેલા ચ્હેરાની સરખામણી આયુષીના તદ્દન કાળજી અને જતન લેવાયેલા ચ્હેરા જોડે થઇ રહી . પોતાની આર્થિક પરિસ્થિતિ અને જવાબદારીઓનો ભાર શહેરથી દૂર વેકેશન માણવાની અનુમતિ ક્યાંથી આપે ? હ્ય્યું વલોવાઇ રહ્યું . એક આછી ઈર્ષ્યાની કિરણ એના સંતોષભર્યા જીવન પર અજાણ્યે ફરી રહી .


અવિનાશ આવી પહોંચ્યો અને સામાન ટેક્ષીમાં ગોઠવાઈ ગયો. દર વર્ષ પ્રમાણે બાળકો અને પત્નીથી થોડા સમય દૂર રહેવાની બેચેની અવિનાશના ચ્હેરા ઉપર સ્પષ્ટ ડોકાય રહી હતી .પાછળની સીટ ઉપર ગોઠવાયેલા બાળકોને વારંવાર બૅકગ્લાસ દ્વારા મન ભરીને જોઈ રહેલા અવિનાશની પરિવાર અંગેની ચિંતા શબ્દોમાં સરી રહી હતી . શિવાનીને પોતાનો અને બાળકોનો ખ્યાલ રાખવાની પ્રેમ અને સ્નેહપૂર્ણ સૂચનાઓ આપતો અવિનાશ ટેક્ષી હાંકી રહ્યો હતો . પણ અવિનાશના કાળજીભર્યા શબ્દો આજે શિવાનીના કાન સાથે અથડાઈ બહારથીજ લુપ્ત થઇ રહ્યા હતા . જીવનના સંતોષ અને શાંતિ વીંધાયા હતા . શિવાનીનું હૃદય તો પાછળ ગોવાની તસ્વીરો પર થંભી ગયું હતું અને આંખો સામે ફક્ત વિરાજનું સ્ટેટ્સ છવાઈ ચૂક્યું હતું .

” અ બ્લેસ્ડ લાઈફ ”

લેખક : મરિયમ ધુપલી

ઓહ કેવું છે જીવન નહિ દરેકને પોતાની જિંદગીથી થોડું વધારે જ જોઈતું હોય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ