કોરોનાએ દેશ પર પકડ મજબૂત બનાવી છે તો સામે વેકસીનેશન કાર્યક્રમ પણ પુરજોશમાં ચાલો રહ્યો છે. અગાઉ 45થી વધુ ઉંમરના લોકોને વેકસીન અપાઈ ચુકી છે ત્યારે હવે દેશમાં 18 અને એનાથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન 1 મેથી શરૂ થવાનું છે. એના માટેનું રજિસ્ટ્રેશન આજથી એટલે કે 28 એપ્રિલથી શરૂ થવાનું છે.

તમને જણાવી દઈએ કે સરકારે વેકસીનેશનના રજિસ્ટ્રેશનની તારીખની તો જાહેરાત કરી દીધી હતી, પરંતુ કયા સમયથી રજિસ્ટ્રેશન શરૂ થશે એ વિશે કોઈ માહિતી આપવામાં નહોતી આવી. આ સંજોગોમાં લોકોએ મોડી રાતથી જ કોવિન પોર્ટલ, આરોગ્ય સેતુ કે ઉમંગ એપ પર રજિસ્ટ્રેશનના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. અને જ્યારે પ્રોસેસ શરૂ ન થઈ તો લોકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદો કરવાનું પણ શરૂ કર્યું હતું. ત્યાર પછી આરોગ્ય સેતુ એપ દ્વારા સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

સરકારે આરોગ્ય સેતુ એપ પર સ્પષ્ટતા કરી હતી કે 18+ ઉંમરના જે લોકો વેક્સિન લગાવવા ઇચ્છુક છે તેમના માટે બુધવારે સાંજે 4 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. આવા લોકોને અપોઈન્ટમેન્ટ પણ પ્રાઈવેટ કે પછી રાજ્ય સરકારનાં જે સેન્ટર્સમાં જગ્યા હશે એ આધારે મળશે, એટલે કે રાજ્યમાં એક મેના રોજ વેક્સિનેશન માટે તૈયાર સેન્ટર્સના આધારે જ લોકોને અપોઈન્ટમેન્ટ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 4 વાગે 18થી વધુ ઉંમરના લોકોને વેકસીનેશન મળી રહે તે માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું એ સાથે જ કોવિન પોર્ટલ ક્રેશ થઈ ગયું છે. લોકોને આરોગ્ય સેતુ અને ઉમંગ એપ પર પણ આ સમસ્યાનો જ સામનો કરવો પડી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 18થી 44 વર્ષના લોકો રજિસ્ટ્રેશન વગર વેક્સિન નહીં લગાવી શકે. આવામાં પોર્ટલ ક્રેશ થવાથી લોકોને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Registration for 18 plus to begin on https://t.co/S3pUooMbXX, Aarogya Setu App & UMANG App at 4 PM on 28th April. Appointments at State Govt centers & Private centers depending on how many vaccination centers are ready on 1st May for Vaccination of 18 plus. #LargestVaccineDrive
— Aarogya Setu (@SetuAarogya) April 28, 2021
તમને જણાવી દઈએ કે સાંજે 4 વાગે રજીસ્ટ્રેશન શરૂ થશે એ અંગેની જાહેરાત આરોગ્ય સેતુના ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવી હતી. જેના કારણે આ સમય અગાઉ જે લોકોએ રજીસ્ટ્રેશન માટે પ્રયત્ન કર્યા હતા એ લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે તેમની ફરિયાદ છે કે સરકારે રજીસ્ટ્રેશનના સમયની પહેલેથી જ જાણ કરી દેવી જોઈતી હતી. લોકો 28 એપ્રિલ રાતે 12 વાગ્યાથી જ રજિસ્ટ્રેશનનો પ્રયત્ન કરતા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગયા અઠવાડિયે જે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી એમ દેશની 18+ વસતિને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ ઘણો જટિલ છે. પોલિસી અંતર્ગત કસૌલીની સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીની મંજૂરી લીધા બાદ 50% ડોઝ કેન્દ્રની પાસે જશે અને બાકીના ડોઝનું વિતરણ રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કરવામાં આવશે.કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને કોવેક્સિન માટે ભારત બાયોટેક પાસેથી પ્રતિ ડોઝ150 રૂપિયા કિંમત ચૂકવવાની ડીલ કરી છે તેમજ રાજ્યો માટે કોવિશીલ્ડનો એક ડોઝ 400 રૂપિયા અને કોવેક્સિનનો એક ડોઝ 600 રૂપિયાનો પડશે.

વેકસીનના ડોઝની આ કિંમતોને લઈને હવે ઘણા સવાલ છે, જેના જવાબ અત્યારે કોઈની પાસે નથી, જેમ કે… કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે કિંમત અલગ અલગ કેમ? કેન્દ્ર જાતે કેમ ખરીદીને રાજ્યોને વેક્સિન ડોઝ નથી આપી રહ્યું? રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોને મળનાર વેક્સિન ડોઝનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે?

વેકસીનના આ મુદ્દે રાજકારણ પણ ગરમાયુ છે. રાજસ્થાન, ઝારખંડ, પંજાબ અને છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રીઓએ સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સ યોજી અને કહ્યું છે કે કેન્દ્ર તેમની સાથે પારકા જેવો વ્યવહાર કરી રહ્યું છે.

આ રાજ્યોનું કહેવું છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી જ્યારે તેમને ડોઝ માગ્યા ત્યારે જવાબ મળ્યો કે 15 મે પહેલાં એ શક્ય નથી. હવે આ રાજ્યો કહી રહ્યાં છે કે બજેટમાં નથી તેમ છતાં ગમે તેમ કરીને પૈસા તો ભેગા કરી લઈશું, પરંતુ વેક્સિન ડોઝ મળશે જ નહીં તો 18+ને રસી કેવી રીતે આપીશું?