સોના ગ્રુપ’ના આ મિત્રો પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વગર પોતાની બચત રકમમાંથી કરી રહ્યા છે અદભૂત સેવા

આ ફોટોમાં દેખાય છે તે તમામ મિત્રો અન્ય લોકોની જેમ જ પોતાનું જીવન વિતાવતા, રાજકોટના સામાન્ય વિસ્તારમાં રહેનારા સામાન્ય માણસો છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈ વડાપાઉંની લારી ચલાવતું તો કોઈ વાહન ચલાવતું. કોઈને નાની દુકાન તો વળી કોઈને નાનો ધંધો. કોરોનાની મહામારીએ બધાને નવરા કરી દીધા. સમૃદ્ધ લોકો પણ સરકાર પાસે જુદા જુદા પેકેજની માંગણી કરે છે ત્યારે ‘સોના ગ્રુપ’ના આ સૌ મિત્રો પોતાના ભવિષ્યનો પણ વિચાર કર્યા વગર પોતાની બચત રકમમાંથી અદભૂત સેવા કાર્ય કરી રહ્યા છે.

image source

10 રૂપિયા લઈને શાકભાજી ખરીદવા આવેલી એક દીકરીને શાકભાજી વાળા ભાઈએ એમ કહ્યું કે ’10 રૂપિયામાં કાંઈ ન આવે’ ત્યારે ત્યાં હાજર આ ગ્રુપના એક સભ્યનું હૃદય ભીનું થઈ ગયું. બધા મિત્રોને ભેગા કરીને જરૂરિયાતમંદ ઘરે વિનામૂલ્યે શાકભાજી પહોંચાડવાની સેવા કરવાનું સૂચન કર્યું , બધા મિત્રોએ એ સૂચન સ્વીકાર્યું અને એમનો સેવા યજ્ઞ ચાલુ થયો.

રોજ સવારે માર્કેટયાર્ડમાંથી શાકભાજી લાવે અને એની કિટ બનાવી ઘરે ઘરે પહોંચતી કરે. આ મિત્રોએ એવું સાંભળેલું કે પ્લાસ્ટિક પર કોરોના વાઇરસ લાંબુ ટકે એટલે શાકભાજી કાપડની થેલીમાં આપવાનું નક્કી કર્યું. આસપાસના વિસ્તારની બહેનોને એની જૂની અને બિનઉપયોગી સાડી આપવા વિનંતી કરી જેથી તેમાંથી થેલી બનાવી શકાય. 300 સાડીઓ મળી. ઘરે જ રહેલા મશીનનો ઉપયોગ કરીને હાથે જ થેલીઓ બનાવી લીધી.

image source

બે દિવસ ચાલે એટલા શાકભાજીની થેલી ભરીને આપી આવે બે દિવસ પછી ફરી પાછા જાય ત્યારે ખાલી થેલી પરત લેતા આવે અને ગરમપાણીથી ધોઇને એનો પાછો ઉપયોગ કરે.

થોડા દિવસ પછી જે રસોઈ બનાવવા માટે પણ સક્ષમ ન હોય એને જમવાનું આપવાનું ચાલુ કર્યું. આ માટે આસપાસની બહેનો રોટલી વણી આપે અને રસોઈમાં પણ મદદ કરે અને એ રીતે જેટલા લોકોને જમાડી શકાય એટલાને દાળ, ભાત, શાક-રોટલી જમાડવાની સેવા કરે છે.

image source

સૌથી મહત્વની વાત એ છે કે પોતાના રોજગાર કે ધંધાનો વિચાર કર્યા વગર પોતાના જ ખર્ચે આ સેવા કરે છે. મિત્રો અને પરિચિતો આ સેવા યજ્ઞમાં સહકાર આપે છે. કોઈ જગ્યાએ એની સેવાની નોંધ લેવાય એવી કોઈ જ લાલસા પણ નહીં. ગ્રુપ ફોટોના ઉપરના ભાગે મારેલું ‘માનવધર્મ’નામનું નાનકડું બોર્ડ જ ઘણું બધું કહી જાય છે.

આવા કપરા સમયમાં પણ લોકોને લૂંટનારા, લોકોની મજબૂરીનો લાભ લૂંટનારા અને લોકોને આપવાનો લાભ લૂંટનારા પણ ઘણા છે ત્યારે આવી માનવતાની સુગંધ મનને થોડી શાંતિ આપે છે.

મિત્રો આપના ‘સોના ગ્રુપ’ને સો સો સલામ.

મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન.

સૌજન્ય : શૈલેષ સગપરીયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ