રૂપાની મહેનત અને શંકરલાલનો સંધર્ષ, આખરે મહેનત લાવી રંગ, આ દરમિયાન ભગવાને કરી અનેક કસોટી તેમ છતા પતિના સપોર્ટથી રૂપા બની ડોક્ટર

રાજસ્થાનના અંતરિયાળ ગામ કરેરીમાં રહેતી 8 વર્ષની રૂપા યાદવના લગ્ન 12 વર્ષના શંકરલાલ યાદવ સાથે થઈ ગયા. રૂપાના લગ્ન થયા ત્યારે તે હજુ ત્રીજા ધોરણમાં ભણતી હતી. લગ્ન પછી રૂપા પિયરમાં રહીને જ ઘરકામ સાથે અભ્યાસ કરતી.

રૂપા છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે એના કાકા ભીમરાવ યાદવને હાર્ટ એટેક આવ્યો. ગ્રામ્ય વિસ્તારમાં સારવારના અભાવે કાકાનું અવસાન થયું જેનાથી નાની રૂપા ખૂબ દુઃખી થઈ, એણે સંકલ્પ કર્યો કે ખૂબ અભ્યાસ કરીને પોતે ડોક્ટર બનશે.

રૂપાએ 10માં ધોરણની પરીક્ષા આપી ત્યાં એને સાસરે વળાવવાનો સમય થયો. પોતાના સપનાઓને સંકેલીને રૂપા સાસરે આવી ગઈ અને ખેતીવાડીના કામમાં લાગી ગઈ. પિયરમાં હતી ત્યારે 10માં ધોરણની પરિક્ષા આપેલી અને સાસરે આવી ગયા પછી એનું પરિણામ આવ્યું જેમાં રૂપાને 84% માર્ક્સ આવ્યા હતા.

image source

રૂપાએ પતિ શંકરલાલ પાસે આગળના અભ્યાસ માટેની ઈચ્છા દર્શાવી. શંકરલાલ અને એના પરિવારે રૂપાને ભણવા માટેની મંજૂરી આપી. પતિએ સાથે જઈને રૂપાને એક ખાનગીશાળામાં એડમિશન અપાવ્યું. શાળાએ પહોંચવા માટે રૂપાએ ત્રણ કિલોમીટર ચાલીને સ્ટેશન સુધી જવું પડે ત્યાંથી વાહનમાં બેસી શાળાએ પહોંચે. સાયન્સના બી ગ્રુપમાં 11માં ધોરણમાં 81% અને 12માં ધોરણમાં 85% આવ્યા.

મેડિકલમાં એડમિશન મેળવવા માટે NEETમાં સારો સ્કોર કરવો પડે. પરીક્ષાની સારી તાલીમ માટે કોટા જવું હતું પણ સાસરિયા પક્ષની નાણાકીય સ્થિતિ એવી નહોતી કે કોટાના કોચિંગનો ખર્ચ ઉપાડી શકે. પતિ શંકરલાલે પત્નીનું સપનું પૂરું કરવા પોતાનો અભ્યાસ બંધ કરી દીધો. ખર્ચને પહોંચી વળવા બેન્કમાંથી લોન લઈને ભેંસ લીધી જેથી એનું દૂધ વેંચીને અને ખેતીની આવકમાંથી પત્નીના ટ્યુશનનો ખર્ચ નીકળે.

ભગવાન પણ કસોટી કરવા માંગતા હોય તેમ ભેંસ માત્ર 15 દિવસમાં મૃત્યુ પામી. એક બાજુ બેન્ક લોનનો હપ્તો ભરવાનો અને બીજી બાજુ પત્નીના અભ્યાસનો ખર્ચ. શંકારલાલે આ ખર્ચને પહોંચી વળવા માટે રિક્ષા ચલાવવાની ચાલુ કરી. શંકરલાલ રાત-દિવસ રિક્ષા ચલાવે, આરામને પણ અવગણે કારણકે એને પત્નીનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવું હતું.

પતિનું સમર્પણ અને રૂપાની મહેનત રંગ લાવી. રૂપાએ બીજા પ્રયાસમાં NEETમાં 603 માર્ક્સ મેળવી સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. રૂપાની કાર્ડિયોલોજીસ્ટ બનવાની સફર શરૂ થતાની સાથે એને સ્કોલરશિપ મળી એટલે એણે પતિનો બંધ થયેલો અભ્યાસ પણ પાછો શરૂ કરાવ્યો.

ડો.રૂપા યાદવના સંકલ્પને સલામ અને એના પતિ શંકરલાલે પત્નીને મિત્ર બની આપેલા સહયોગને તો સો સો સલામ.

સાભાર : શૈલેષ સગપરીયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ