અધિકારીઓ-કર્મચારીઓની માનવતાનો પરિચય કરાવે છે આ વાત, નાયબ મામલતદાર વનરાજસિંહે પોતાના પગમાંથી પગરખાં કાઢીને આપી દીધા મજૂરને

લોકડાઉનને કારણે પોતાના વતનમાં જવા માંગતા પરપ્રાંતીય મજૂરો માટે સ્પેશ્યલ ટ્રેઈનો શરૂ થઈ છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આ કામની જવાબદારી નાયબ મામલતદાર વનરાજસિંહ મોરીને સોંપવામાં આવી છે. ઉત્તરપ્રદેશના મજૂરોને એમના વતન મોકલ્યા પછી ઓરિસ્સાના મજૂરોને વતનમાં મોકલવાની કામગીરી ચાલુ હતી.

ગઢડાથી બસ મારફત મજૂરોને થાન રેલવે સ્ટેશન સુધી પહોંચાડવાના અને ત્યાંથી ટ્રેઈન મારફત ઓરિસ્સા. થાન જવા માટે બસ ઉપાડવાની હજુ વાર હતી ત્યારે 5-6 મજૂરો મામલતદાર કચેરીએ આવ્યા. ગઢડાથી 21 કિમી દૂરના ઢસા પાસેના ગામડેથી આ મજૂરો ઉનાળાના બળબળતા બપોરે ચાલીને આવેલા. એમને જાણવા મળ્યું કે ઓરિસ્સાની ટ્રેઈન જાય છે એટલે તપાસ કરવા આવેલા.

image source

આ લોકોએ નિયમ મુજબ કરવાની અરજી કે એવું કંઈ કરેલું નહીં પણ વનરાજસિંહે જોયું કે આટલું ચાલીને આવ્યા છે તો આપણાથી થાય તે બધી જ મદદ કરવી જોઈએ. બધી તપાસ કરી તો આ 6 મજૂરોનો સમાવેશ થઈ શકે તેમ હતો. મજૂરોને પૂછ્યું કે ‘બધું સાથે લઈને આવ્યા છો ?’ તો એ કહે, ‘ ના સાહેબ, સામાન તો બધો અમે રહીએ છીએ ત્યાં છે પણ બસ ઉપડે એ પહેલાં અમે સામાન લઈને આવી જશું.’

image source

એમની જરૂરી વિગતો નોંધીને એમને સામાન લાવવા મોકલ્યા. થોડી વાર પછી બીજા એક કર્મચારી કનકસિંહ પરમારને વિચાર આવ્યો કે લોકડાઉનમાં વાહન તો મળશે નહીં તો ગામડે જશે કેમ અને પાછા આવશે કેમ ? લીધેલી વિગતમાંથી એક મજૂરના મોબાઈલ પર કોલ કરીને પૂછ્યું તો જાણવા મળ્યું કે એ લોકો તો ચાલતા-ચાલતા જ પોતાનો સમાન લેવા જાય છે.

image source

21 કિલોમીટર ચાલીને જાય અને પાછા 21 કિલોમીટર ચાલીને આવે તો બસ ઉપાડવાના સમયે પહોંચી જ ન શકે. તાત્કાલિક ઢસાના તલાટી શિવરાજભાઈ કટારીયાને ફોન કરીને બધી વાત કરી અને મજૂરો માટે કોઈ વાહનની વ્યવસ્થા કરવાનું કહ્યું. શિવરાજભાઈ પોતાનું અંગત વાહન લઈને જ મજૂરો સુધી પહોંચી ગયા અને મજૂરોને સમાન સાથે ગઢડા લઇ આવ્યા.

બસ ઉપાડવાનો સમય થઇ ગયો હતો એટલે બાકીની વિધિ પૂરી કરીને મજૂરોને બસમાં ચડાવતા હતા ત્યારે નાયબ મામાલતદાર વનરાજસિંહનું ધ્યાન ગયું કે એક મજૂરના પગમાં ચપ્પલ જ નથી. આ બાબતે પૂછ્યું તો મજૂરે કહ્યું કે ચાલતા જતા હતા ત્યારે રસ્તામાં ચપ્પલ તૂટી ગયું અને પહેરવા માટે બીજી જોડી ચપ્પલ નથી. વનરાજસિંહે તુરત જ પોતાના પગમાંથી પગરખાં કાઢીને મજૂરને આપી દીધા અને બસમાં બેસાડી બધાને રવાના કરી સમયસર રેલવે સ્ટેશન સુધી પહોંચાડી દીધા.

image source

લોકડાઉનના આ સમયમાં, અગાવના અનુભવના અભાવે વહીવટીતંત્રની ઘણી ભૂલો પણ થાય છે પણ એની સામે આવી ઘટનાઓ પણ બને છે કે અધિકારીઓ-કર્મચારીઓની માનવતાનો પરિચય કરાવે છે.

સૌજન્ય : શૈલેષ સગપરીયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ