ઘરના મંદિરમાં જો શિવલિંગ સ્થાપીને પૂજા કરવી હોય તો આ બાબતોને અચૂક ધ્યાનમાં રાખવી…

આપણે ઘરના મંદિરમાં અનેક ભગવાનની છબીઓ અને મૂર્તિઓ રાખીએ છીએ. ક્યારેક પૂજારીઓ પાસે આપણે વિધિવિધાન સહિત એ મૂર્તિ કે છબીની પૂજા કે પ્રાણપ્રતિષ્ઠા કરાવીએ છીએ. પરંતુ જેઓ શિવની આરાધના ઘરમાં જ કરવા ઇચ્છતા હોય તેમણે શિવલિંગની સ્થાપના ઘરમાં કરાવવી જોઈએ. જેને માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

ખરેખર તો એવી માન્યતા છે કે ઘરમાં ગૃહસ્થે શિવલિંગની સ્થાપના કરવી જોઈએ નહીં. અમુક શિવ ભક્તો તેમના આરાધ્ય દેવની છબી કે મૂર્તિને બદલે તેમનું નિરાકાર સ્વરૂપ શિવલિંગની સ્થાપના કરવાની ઇચ્છા હોય છે. જે રીતે મંદિરોમાં શિવલિંગની પૂજા અને અભિષેક કરાતો હોય છે એજ રીતે જેમને પોતાના ઘરમાં પણ સ્થાપના અને પૂજા – વિધિ કરવાની ઇચ્છા હોય છે. મંદિરોમાં ભગવાનની મૂર્તિઓ અને શિવલિંગની ત્રિકાળ સંધ્યાની પૂજા, આરતી અને થાળ – નૈવેધ્ય થાય છે. ધૂપ – દીવા નિયમિત કરાય છે અને મંદિરની સ્વચ્છતાનું તથા સમયપાલનનું પણ ખાસ ધ્યાન રખાય છે.

એજ રીતે જો ઘરમાં પણ શિવલિંગની વિધિસર સ્થાપના કરવાની ઇચ્છા હોય તો સૌ પ્રથમ આ પાંચ એવા મુદ્દાઓ છે જેને અચૂક ધ્યાનમાં લેવા જોઈએ.

– શિવલિંગની સ્થાપના ઘરના બંધ ઓરડામાં ન કરવું જોઈએ. તેને ઘરની બહાર ખુલ્લી જગ્યાએ કરવું જોઈએ. ઘરની બહાર ક્યારી પાસે આંગણાંમાં અને હવા ઉજાસવાળી જગ્યાએ કરવું જોઈએ.

– શિવલિંગની સ્થાપના આપ જ્યાં કરવા ઇચ્છો ત્યાં નજીકમાં તુલસીજીનો છોડ ન હોવો જોઈએ. કેમ કે તુલસીજીને આપણે માતા કહીએ છીએ અને તેમના વિવાહ શાલિગ્રામ સાથે થયા છે તેથી તેમને તેની પાસે રાખવામાં આવે છે.

– શિવજીના પ્રતિક સમાન શિવલિંગની સ્થાપના કરતી વખતે એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું કે તેમને સ્વચ્છ અને શાંતિમય વાતાવરણ ખૂબ પસંદ છે. તેથી એવું સ્થાન પસંદ કરવું જ્યાં ભક્તો શાંતિથી પૂજા – મંત્ર, જાપ અને ધ્યાન – ધર્મ કરવા નિરાંતે બેસી શકે.

– સૌથી મહત્વની અને અગત્યની વાત કે મંદિરમાં કોઈ પણ આકાર અને કદનું શિવલિંગ સ્થાપિત કરી શકાય છે. પરંતુ કોઈ ગૃહસ્થના ઘરમાં મર્યાદિત જગ્યા હોવાથી તે નાનું જ સ્થાપના માટે પસંદ કરી શકાય. વધુમાં વધુ ૬ ઈચનું શિવલિંગ ઘરમાં પૂજામાં રાખવા માટે યોગ્ય રહે છે.

– જ્યારે ભગવાન શંકરના ભક્તો તેમના શિવલિંગની વિધિવત પ્રતિષ્ઠા કરે છે ત્યારે માત્ર શિવલિંગ જ નહિં પણ ગૌરી શંકર એકસાથે સ્થાપના કરવાની રહે છે. સુખદ દાંપત્ય જીવનની કામના માટે આ ભૂલવું નહીં. સાથે જેમ રામ દરબાર હોય, રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી સહિતની સ્થાપના થાય તેમ શિવદરબાર પણ હોય છે. તેમાં પોઠિયો, કાચબો, મા ગંગાની પ્રતિમા, પાર્વતીજીની મૂર્તિ અને શ્રી ગણેશ તથા હનુમાનજીની મૂર્તિ પણ અચૂક હોવી જોઈએ.

– શિવલિંગ જે ગૌમુખી પર સ્થાપિત કરવાનું હોય તેની દિશા ઉત્તર એટલે કે આપણી જમણી તરફ હોવી જોઈએ. સાથે ડમરું બાંધેલું ત્રિશૂળ તામ્ર કે સોના – ચાંદીનું નાગ અને જળાધારી હોવા જોઈએ.

શિવલિંગના ખાસ પ્રકારઃ

ભગવાન શિવની ઉપાસના કરવા તેમના નિરાકાર સ્વરૂપની સ્થાપના કરવી એ સૌથી ઉત્તમ છે. આખા શિવદરબારની પૂજાથી શિવ અને શક્તિ બંનેનું આપ સ્મરણ કરી શકો છો. જે ખૂબ જ ફળદાયી છે. અનેક પ્રકારના શિવલિંગની સ્થાપના અને પૂજા કરવાનું પ્રવધાન છે પરંતુ તેમાં સ્વયંભૂ શિવલિંગ, જનોઈધારી શિવલિંગ, નર્મદેશ્વર શિવલિંગ, સ્ફટિકના શિવલિંગ અને સોના – ચાંદીના શિવલિંગ મુખ્ય હોય છે. તેમાં પણ નર્મદા નદીમાંથી મળી આવતા નર્મદેશ્વર શિવલિંગ સૌથી પવિત્ર મનાય છે. કારણ કે ભગવાન શિવના પવિત્ર નદી નર્મદાને તેનું વરદાન છે તેના દરેક બુંદમાં શિવજી વસે છે. જે શિવલિંગ નર્મદેશ્વર લિંગ હોય તેની પ્રાણપ્રતિષ્ઠા કરાવવાની પણ આવશ્યકતા નથી, સીધું જ ઘરમાં સ્થાપિત કરી શકો છો.

ધ્યાનમાં લેવા જેવી વાતઃ

કોઈ વિશિષ્ઠ અવસર કે વ્રત હોય જેમ કે જયાપાર્વતી એવા તહેવારોમાં પાર્થિવ શિવલિંગ પણ બનાવીને તેની પૂજા કરાય છે.

પ્રાતઃ કાલ સ્નાનાદિ પતાવીને પૂજા કરતી વખતે નાનું શિવલિંગ હોય તો તાંબાના પાત્રમાં કે થાળીમાં લઈને જળાભિષેક કરવું. તે પાણીને નમોણ કહે છે જેને પૂજા બાદ ઘરની ક્યારીના ઝાડ – છોડમાં પધરાવી દેવું.

શિવલિંગ પર અભિષેક બિલિપત્ર ચડાવીને શાંત ચિત્તે મંત્ર જાપ કરીને આરાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આપના ઘરમાં ભગવાન શિવના હંમેશા આશીર્વાદ રહેશે.