શિકાર – શેરના માથે સવા શેર આને જ કહેવાતું હશે, વાર્તાનો અંત ચુકતા નહિ…

રાજેશ એન્ડ કમ્પનીના ત્રણ સભ્યો. રાજેશ પોતે, આબીદ અને અંકિતા. રાજેશ પોતે ઊંચી પડછંદ કાયા, અને ગજબની પર્સનલિટી ધરાવતો ગ્રેજ્યુએટ યુવાન. શિકાર શોધવાનું કામ આબીદ અને અંકિતાનું . આ બન્ને જણ શહેરના લવર્સ પોઇન્ટ , જેમકે જાહેર બાગ, નદી કિનારાનો રિવર ફ્રન્ટપાર્ક , રમતનાં ખુલ્લા મેદાનોની રેકી કરે. પ્રેમી-પંખીડાંની નોંધ રાખે. એટલુંજ નહીં આ પંખીડાં કયા વિસ્તારમાંથી આવ્યાં અને એ બે વચ્ચે કેવા પ્રકારનો સબંધ છે, તેની પુરી બાતમી મેળવવાનું કામ આબીદ અને અંકિતાનું. અંકિતા સિફતથી છોકરીની પાછળ લાગી જાય ને આબીદ છોકરાનો ઘર સુધી પીછો કરે. બન્નેની વિગત એકત્ર કરવામાં આવે. આગળનું કામ પછી રાજેશે સંભાળી લેવાનું રહેતું. જ્યારે આ પંખીડાં એકાંતમાં બેઠાં હોય ત્યારે તે બનાવટી પોલીસ ઇન્સ્પેકટર બની બેરહેમીથી તેમના પર ત્રાટકતો. આમ પોલીસનો સ્વાંગ રચી પૈસા પડાવવાનો તેમનો ધંધો સારો એવો ફૂલ્યો ફાલ્યો.

image source

અનઅધિકૃત પ્રેમીપંખીડા ચોરીછુપીથી જ્યારે એકબીજાને મળે અને જો રાજેશના સકંજામાં આવી જાય ત્યારે તેઓ થરથર ધ્રુજવા લાગતાં. મોટાભાગે છોકરી રડવા લાગે અને છોકરો સકંજામાંથી છૂટવા પોલીસના સ્વાંગમાં આવેલ રાજેશ સામે પોતાના પૈસાનું પાકીટ ધરી દે. એમાંય જો મોટી ઉંમરનાં પરણિત અને આડોસબંધ ધરાવતાં સ્ત્રી-પુરુષ પ્રેમલીલા આચારતાં ઝડપાઈ જાય ત્યારે રાજેશને બખ્ખાં થઈ જતાં. અનૈતિક આડોસીધો સબંધ ધરાવતાં સ્ત્રી-પુરુષ પોતાનો પાપાચાર ઢાંકવા મોં માગી રકમ આપવા સહેલાઈથી તૈયાર થઈ જતાં. ઓછી મહેનતે સારો માલ મળી જતો. રવિવાર કે તહેવારોમાં કંપનીનો ધંધો તેજીમાં આવી જતો. આમ પણ ઓછા જોખમે આવા ધંધામાં વકરો એટલો નફો રહેતો.

શહેરની એક જાણીતી કોલેજની ઘણા દિવસની રેકી અને આંટા ફેરાને અંતે અંકિતા બહુજ મસાલેદાર માહિતી લાવી હતી. કોલેજમા બ્યુટી કવિન તરીકે ઓળખાતી, ગર્ભશ્રીમંત માણેકલાલની લાડલી બેટી શેલા આજે તેના ત્રીજા નંબરના પ્રેમી વિશાલને મળવાની હતી. પ્રેમી-પંખીડાં આજે પહેલીજ વખતે રમતના એક મેદાન નજીકની પ્રેમગલીમાં સાંજે અંધારું થયા બાદ મળવાનાં હતાં. આ બાબતની ખબર રાજેશને આપવામાં આવી. છોકરા છોકરનું પૂરું સ્ટેટ્સ તેને આપવામાં આવ્યુ.

image source

રાજેશ આમતો શહેરના એક હીરા ઘસવાના કારખાનામાં કામ કરતો હતો. તેની પત્ની લોપા અને તે પોતે ઘરનાં બે જ સભ્યો. તે સારું કમાતો પણ પતિ-પત્ની બન્ને હાથનાં છૂટાં. પત્ની લોપા સારાં સારાં કપડાં અને જવેલરીની શોખીન. સારી સારી હોટેલોમાં જમાવની ટેવ. રાજેશને પણ આવો ચસ્કો લાગી ગયેલો. મિડલ કલાસના લોકોની આજ એક નબળી નસ. નબળું ગમે નહીં ને સારું મેળવવા નાણાં ના હોય. દેખાદેખીથી પીડાતાં આવાં મિડલ કલાસીયા માણસો પોતાની ચાદરના પનાથી વધુ પગ પહોળા કરે. પૈસા મેળવવા પછી કોઈ પણ રસ્તો પકડી લે. આમ રાજેશ પોતાનો શોખ પોષવા લાફો મારીને તે ગાલ રાતા રાખતો અને લોપાના લક્ઝુરિયસ શોખને તે પોષતો.

રાજેશ તેની લોપાને ખૂબ પ્રેમ કરતો હતો. સામે લોપા પણ ક્યાં કમ હતી. બન્ને જાણે આ શહેરમાં એક બીજા માટે સર્જાયાં હોય તેવું તેઓ સમજતાં. રાજેશ લોપાનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહેતો. સાથે સાથે પોતાના બે નંબરના ધંધાની લોપાને જાણ ના થાય તેની પુરી તકેદારી પણ રાખતો. જ્યારે પણ પોલીસનો સ્વાંગ રચી શિકાર પર જવાનું થાય ત્યારે તે બહુજ સિફતથી પત્ની લોપાને બહાનું બતાવી ઘેરથી વહેલો નીકળી જતો.

image source

ગોઠવેલા પ્લાન પ્રમાણે, બરાબર સાંજના સાત વાગે રાજેશ લોકેશન પર આવી ગયો. સ્ટેડિયમનો જ્યાં ખૂણો પડતો હતો, તેના પર દૂરથી આબીદ નજર રાખી રહ્યો હતો. સ્ટ્રીટ લાઈટ ચાલુ હતી. છોકરી લાઈટથી સહેજ દૂર ઊભી ઊભી કોઈની રાહ જોતી હોય તેમ લાગ્યું. થોડી વારમાં એક બાઇક આવ્યું. તે કોર્નર પર પાર્ક થયું. બન્ને જણ બાઇક પાસે થોડી વાર ઊભાં રહયાં. અને સ્ટેડિયામના ખૂણાની જાણીતી પ્રેમગલી તરફ સરક્યાં.

આબીદે રિંગ કરી. રાજેશ ખાખી પેન્ટમાં તો હતોજ. ઝડપથી તેણે સ્ટ્રીટલાઈટથી સહેજ દૂર ,અંધારા વાળા ભાગમાં આવી. ઉપરનું સર્ટ કાઢી લીધું . નીચે ખાખી સર્ટ પહેરેલું હતું. ખભા પરના મોનો ગ્રામથી તે અદલ એક પોલિસ ઇન્સ્પેકટર જેવોજ દેખાઇ રહ્યો હતો. કોર્નર નજીક જઇ ગલીમાં તેણે એકદમ ટોર્ચનો તેજ લીસોટો માર્યો. મોંમાં મો નાખી ઊભેલાં છોકરો- છોકરી હેબતાઈ ગયાં. ” તમે લોકો જાહેરમાં બીભત્સ ચેનચાળા કરી રહયાં છો, તમને શરમ નથી આવતી ?” રાજેશે પોલીસ ઓફિસરના સ્વાંગમાં રુઆબ છાંટયો.

image source

” સાહેબ આતો મારી મંગેતર છે” છોકરો ગભરાટમાં બોલ્યો. ” એ બધો જવાબ તમે પોલીસ સ્ટેશનમાં લખાવજો ચાલો પોલીસ સ્ટેશન.” ” ભૂલ થઈ ગઈ સાહેબ, સોરી અમને જવાદો.” છોકરી રડવા જેવી હાલતમાં બોલી. ” સાહેબ”, છોકરો પોકેટ ખોલતાં ખોલતાં બોલ્યો. ” મારા વિસ્તારમાં આવી લફડાબાજી નહીં ચલાવી લાઉ.” એ નજીક સરકીને તાડુક્યો. છોકરીએ રડવાનું ચાલુ કર્યું. “સાહેબ પ્લીઝ” એણે પાકિટમાંથી પૈસા કાઢીને ધર્યા. “કેટલા છે ?”

” ચાર હજાર” તે ધ્રૂજતો ધ્રૂજતો બોલ્યો, ” રાખીલો સાહેબ.” ” છૂટવું હોય તો દસ કરી દે ” એણે રોંફ માર્યો. ” આ સાત રાખો સાહેબ વધારે નથી ” રાજેશને ખ્યાલ આવી ગયો. કે આથી વધારે કસ નીકળે તેમ નથી. ” બેબી, તમે લોકો શહેરની હોટલનો કોઈ રૂમ રાખીને કામ કેમ નથી ચલાવતાં ?” સલાહ આપતાં આપતાં તે રૂપિયા પર ધાપ મારી ચાલતો થયો.

આમ અઠવાડિયે એકાદ આવો કેશ તો સહેલાઈથી મળી જતો અને રાજેશ એન્ડ કું. નો કારોબાર આસાનીથી ચાલતો. પરિસ્થિતિ પારખીને આગળ વધવાનું રહેતું. જેવું વાતાવરણ . ક્યારેક સમય પારખીને માત્ર વોર્નિંગ આપીને ચાલતા થવું પડતું. એમાં સાચાં કપલ પણ ક્યારેક જાળમાં ફસાઈ જાય તો ધીમે રહીને સરકી જવું પડતું. ક્યારેક વળી મોટી ઉંમરના લફરાં બાજો પણ મળતાં એવાંને સારી રીતે ખંખેરી લેવામાં આવતાં. ત્રણની ભાગાદારીથી કમ્પની હાલતો નફામાં ચાલતી હતી.

image source

રાજેશની પત્ની , લોપા આજે ઘણી મૂડ માં હતી. ” રાજુ ડિયર જો આજતો અષાઢી બીજ શહેરમાં રથયાત્રા, બપોરનું જમવાનું આજે બહાર રાખીયેતો ? અને હા સાંજે મારી બેનપણી ને ત્યાં મારે જવાનું છે, તો સાંજે મોડું થાય તો રાત્રે નાસ્તાથી ચલાવી લઈશું”. લોપા સવારનો નાસ્તો આપતાં બોલી.” હા, હા..જરૂર” આમ પણ રાજેશની કંપનીનો આજે સાંજનો પ્રોગ્રામ ફિક્સ હતો. તેને તો દોડતો હતો ને ઢાળ મળી ગયો.

આજે શહેરનો મોટા ભાગનો પોલીસ સ્ટાફ રથયાત્રાના બંદોબસ્તમાં રોકાયેલ હતો. કંપનીના નિયમો પ્રમાણે આજે રેકી કરવાનો ને બાતમીનો કોઈ સવાલ ના હતો. આજે સારો એવો શિકાર મળવાની વક્કી હતી. નદી વિસ્તારમાં પોલીસની ઘોંસ ઓછી રહેવાની હતી. તે ખુશીમાં લોપાને આલિંગનમાં લઈ એક ગરમા ગરમ કિસ આપીને બોલ્યો, ” લોપા ડાર્લિંગ આ તારા પ્રેમમાં હું ક્યારેક પાગલ થઈ જઈશ” સામે ચાલીને લોપાએ તેને આજ સાંજની સગવડ કરી આપી, તેથી તે લોપા પર ઘણો ખુશ હતો.

image source

શહેરની જાણીતી હોટલ પતંગ પાસે તેમની કંપનીની આજે બેઠક હતી. આબીદ આવી ગયો હતો. અંકિતાની રાહ જોવાતી હતી. કદાચ તે ટ્રાફિકમાં અટવાઈ હોય. સાંજ ઢળવાની તૈયારી હતી. રિવરફ્રન્ટ પર આજે ભીડ પણ બહુ ઓછી હતી. આજે એક નહીં, પણ બન્ને છેડે બે શિકાર કરવાનું તેમણે નક્કી કર્યું. રિવરફ્રન્ટનું વાતાવરણ ખુબજ અનુકૂળ હતું. નદીનું પારદર્શક પાણી અને અષાઢી પવન મૌસમને માદક બનાવી રહયાં હતાં.

અંકિતા આવી ગઈ. ચાની ચૂસકી લેતાં લેતાં, સાંકેતિક ભાષામાં પ્લાન તૈયાર થયો. એક ઉત્તર બાજુ એક દક્ષીણ બાજુ જાય. પોતે મિડલમાં રહે. જ્યારે પણ પક્ષી જાળમાં ફસાય તેવા સંજોગો ઊભા થાય ત્યારે સિગ્નલ આપવાનું નક્કી થયું.

image source

રિવરફ્રન્ટની લાઈટો થઈ ગઈ હતી. અંકિતાને શિકાર મળી ગયો હોય તેમ જણાતું હતું. મોટી ઉંમરના સ્ત્રી-પુરુષ ડરતાં ડરતાં હાથમાં હાથ નાખી લટાર મારી રહયાં હતાં ” બોસ તૈયારીમાં રહેજો, પંખીડાં શંકાસ્પદ સંકેત આપી રહયાં છે. હું જેનું નિરીક્ષણ કરી રહી છું તે એ ગ્રેડનાં મતલબ આડાસબંધ વાળાં પંખીડાં છે.” અંકિતાનો સંદેશો આવતાં તે ખુશીથી ઝૂમી ઊઠ્યો.

પી. એસ.આઈનો ડ્રેસતો આજે તેણે ઘણી આસાનીથી પહેરી લીધો હતો. બસ ઈશારો મળે તેની રાહ જોતો હતો. અંકિતાએ જણાવેલ સ્થળ તરફ એ ઉતાવળી ચાલે ગયો. પ્રેમી-પંખીડાંએ જે અંધારીયો ખૂણો પકડ્યો હતો તે સ્થળ અંકિતાએ ઇશારાથી બતાવ્યું. થોડી રાહ જોઇને દ્રસ્ય ચરમસીમાએ પહોંચે ત્યારે ત્રાટકવાનું હતું. આજે કમર પર બનાવટી રિવલવોર પણ ઝૂલતી હતી.

image source

એણે આંખો ઝીણી કરી પીલ્લરની આડશના આછા અજવાળામાં ભજવાતું દ્રસ્ય છુપાઈને થોડીવાર નિહાળ્યું. છેલ્લા સ્ટેજ પહેલાંની પ્રાથમિક હરકતો ચાલી રહી હતી. એ ગરમ થઇ ગયો. તરતજ એણે મન પર કાબુ મેળવી લીધો અને ઝડપથી એકી સાથે બે પગથિયાં ઉતર તો ઉતરતો પંખીડાં તરફ સરકયો. એક દમ નજીક જઈ તેણે કઢંગી હાલતમાં પડેલ સ્ત્રીના ચહેરા પર લાઈટ મારી તો તેના પગ જમીન સાથે જડાઈ ગયા. તેના મોમાંથી એક ચીસ નીકળી ગઈ, “ઓહ…નો !!!…લોપા…તું…અ !!!

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ