ચીઝ નમકીન શક્કરપારા – શક્કરપારાને બનાવો વધુ ટેસ્ટી ચીઝ સાથે મિક્સ કરીને અત્યારે જ બનાવતા શીખો…

મિત્રો, આપણે શક્કરપારા તો અવારનવાર બનાવીએ છીએ, પણ કોઈએ ક્યારેય ચીઝ નાખીને બનાવ્યા છે ખરા? તો ચાલો આજે આપણે બનાવીયે ચીઝ નમકીન શક્કરપારા

સામગ્રી :


250 ગ્રામ મેંદો

100 ગ્રામ ચીઝ

1 ટેબલ સ્પૂન સુજી ( રવો )

ચપટી મરી પાવડર

ચપટી બેકિંગ પાવડર

મીઠું સ્વાદ પ્રમાણે

તેલ – મોણ તેમજ તળવા માટે

તૈયારી :


ચીઝને ખમણી લેવું.

રીત :


એક વાસણમાં મેંદો લો, તેમાં બકીંગ પાવડર નાખી મિક્સ કરો, ત્યારપછી તેને ચાળી લો જેથી મેંદામાં બેકિંગ પાવડર બરાબર મિક્સ થઇ જાય. પછી તેમાં રવો, મરી પાવડર, મીઠું અને ચીઝ નાખી મિક્સ કરી લો. તેમાં 3 ટેબલ સ્પૂન તેલનું મોણ આપો. ચીઝ સોલ્ટી હોય છે એ ધ્યાનમાં રાખી મીઠું નાખવું.


થોડું થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધવો. લોટ બાંધીને તેને 15 મિનિટ્સ માટે ઢાંકીને રહેવા દેવો જેથી કરીને લોટ બરાબર સેટ થઇ જાય.


15 મિનિટ્સ પછી લોટને મસળી લેવો અને તેમાંથી લુઆ લઈને જાડી રોટલી વણવી, પાટલી – વેલણ પર તેલ લગાવી લેવું જેથી રોટલી વણવામાં આસાની રહે. રોટલી પર મનપસંદ આકારમાં કાપા પાડી મૂકીને શક્કરપારા તૈયાર કરવા.


કડાઈમાં તેલ ગરમ કરીને શક્કરપારા ડીપ ફ્રાય ( તળવા) કરવા. સક્કરપારાનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી ફેરવીને તળવા.


તો તૈયાર છે ચીઝ નમકીન સક્કરપારા, ચા કે કોફી સાથે સર્વ કરી શકાય.


તો આજે જ બનાવજો,ચીઝ હોવાથી બાળકોને તો ખુબ જ ભાવશે તો નાસ્તાબોક્સ માટે સારો એવો ઓપ્શન મળી રહેશે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વીડિયો જોવા અંતે આ લિંક પર ક્લિક કરો :