વિશ્વની અડધી આબાદી એટલે નારી, મહિલા શક્તિ. ભારતીય સંસ્કૃતિમાં પહેલાથી જ કહેવાયુ છે કે, યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા. ભારતમાં નારીનું સન્માન કરવામાં આવે છે, નારીને આદર આપવામાં આવે છે આવી વાતચીત ફિલ્મ જોવા ગયેલા પ્રેમી યુગલ વચ્ચે ચાલી રહી છે. રાગેશને તેની પ્રેમીકા સેજલ નારીશક્તિના ગુણગાન સંભળાવી રહી છે. પરંતુ રાગેશ સેજલની વાતો સાંભળવા કરતા ફિલ્મ જોવામાં વધુ તલ્લીન હોય છે એટલે સેજલની વાતો સાંભળવામાં બહું ધ્યાન આપતો નથી.

જેથી સેજલ ગુસ્સે થાય છે અને કહે છે કે તને તો ફિલ્મ જોવામાં જ રસ છે, મારી વાતો સાંભળવામાં સહેજ પણ રસ નથી. લગ્ન પછી હું તને ફિલ્મો નહિ જોવા દઉ અને ફજીયાત મારી વાતો જ સંભળાવીશ. રાગેશે કહ્યુ કે આવો અત્યાચાર ન કરતી, તારે જે સંભળાવવું હોય તે અત્યારે સંભળાવી દે પરંતુ લગ્ન પછી આપણે તો પ્રેમની, પરીવારની વાતો કરીશુ. સેજલે કહ્યુ કે, તો સાંભળ ભારતીય નારી શક્તિની વાત. પણ કેવી નારીઓની વાત તેમ રાગેશે પ્રશ્ન કર્યો. સેજલે કહ્યુ કે, ભારત દેશમાં વીરાંગનાઓની અનોખી પરંપરા ચાલી આવે છે.

ભારતના દરેક રાજ્યમાં એવી વીરાંગના થઈ છે, જેણે ઇતિહાસના પાને પોતાનું નામ સુવર્ણઅક્ષરે લખાવ્યું છે. રાની અમ્બકા દેવી, ચાંદબીબી, કિતૂરની રાણી ચેન્નમા દુર્ગાવતી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જીજાબાઈ, રાની વેલૂ નચિયાર, રાણી ગાઈદિનલ્યૂ, મહારાણી તારાબાઈ, રુદ્રમા દેવી, વેલાવાડી મલ્બમા. આ તમામ નામો એવાં છે કે જેમને ક્યારેક અંગ્રેજો વિરુદ્ધ તો ક્યારેક જુલ્મી શાસન વિરુદ્ધ જંગે ચડ્યાં અને સફળતા મેળવી છે. ત્યારે રાગેશે કહ્યુ કે સેજલ આજે તને પણ સફળતા મળી જ છે અને મારે નારી શક્તિની વાત સાંભળવી પડી રહી છે. આ સાંભળીને સેજલ અને રાગેશ હસી પડે છે.
રાગેશે પુછ્યુ કે, ભારતીય સૈન્યમાં મહિલાઓનુ શુ યોગદાન છે. ત્યારે સેજલે જણાવ્યુ કે, વીરાંગનાઓના ઇતિહાસની આ જ પરંપરાને હાલ ભારતીય સૈન્યમાં મહિલા સૈનિકો બખૂબી નિભાવી રહી છે. ભારતીય સૈન્યની ત્રણેય પાંખોમાં હાલ આવી અનેક વીરાંગનાઓએ પોતાનો સિક્કો જમાવ્યો છે. ભારતીય સૈન્યમાં મહિલા અધિકારીઓને સામેલ કરવાની શરૂઆત નરસિંહા રાવના સમયગાળા દરમિયાન ૧૯૯૨માં થઈ હતી. આ પહેલાં મહિલાઓ માત્ર નર્સ કે ડૉક્ટર તરીકે જ સૈન્યમાં સામેલ થતી. જોકે ભારતીય સૈન્યમાં મહિલાઓ ડૉક્ટર કે નર્સ તરીકે ૩૦૦ વર્ષથી કામ કરતી હતી.

ડૉ. પુનિતા અરોડા ભારતીય સૈન્યની ચિકિત્સામાં લેફ્ટનન્ટ જનરલ અને ડૉ. પદ્માવતી બંદોપાધ્યાય એયર માર્શલ જેવાં ઉચ્ચ પદો પણ સંભાળી ચૂકી છે. ભારતીય સૈન્યમાં લગભગ ૬૦૦૦ ડૉક્ટર છે, જેમાંથી ૧૦૦૦થી પણ વધુ મહિલાઓ છે. આ સિવાય સૈન્યમાં ૩૫૦૦ જેટલી મહિલા નર્સ છે. આમાંની અનેક મહિલાઓને સંગ્રામ મોર્ચે પણ તૈનાત કરવામાં આવે છે. ભારતીય થલ સેનાની પ્રથમ મહિલા અધિકારી બનવાનું શ્રેય પ્રિયા ઝિંગનને જાય છે. તેઓ ૧૯૯૨થી ૨૦૦૨ સુધી ભારતીય થલસેનામાં સેવા આપી મેજર તરીકે સેવાનિવૃત્ત થયાં. સૈન્યમાં ભરતી થવા માટે મહિલાઓના રસને જોતાં ૧૯૯૫માં ભરતી માટેની જગ્યાઓ ૧૦૦ અને ૨૦૦૨માં ૨૫૦ કરી દેવાઈ. આ મહિલાઓને શોર્ટ સર્વિસ તરીકે કમિશન આપવામાં આવતું.

રાગેશે ફરી પ્રશ્ન કર્યો કે આ તો તે સૈન્યની વાત કરી છે એટલે પુછુ છુ કે નારી ખરેખર શક્તિશાળી છે તો યુધ્ધના મેદાનમાં કેમ ઉતરતી નથી. આ સાંભળીને સેજલે મક્કમતાથી કહ્યુ કે, વ્યવહારિક કારણોથી થલસેનામાં મહિલા અધિકારીઓની જંગી ભૂમિકાઓમાં ઉતારવામાં આવતી નથી. થલસેનામાં મહિલા અધિકારીઓ સાથે બદસલૂકીની ઘટના બનવાની શક્યતા વધુ રહે છે. એવી ઘટનાઓ યુરોપીય દેશો તથા અમેરિકી સેનામાં પણ બનતી રહે છે. થલસેનામાં મહિલાઓને જંગી ભૂમિકાથી દૂર રાખવા માટેનું કારણ એ પણ છે કે, યુદ્ધ દરમિયાન જો તોપમાં ગોળો ભરનાર સૈનિક ઘાયલ થઈ જાય તો કમાન્ડિંગ ઑફિસર ખુદ તે કામ કરવા લાગે છે.

એક એક ગોળો ૧૫-૨૦ કિલોગ્રામનો હોય છે, જેને તોપમાં ભરવો મહિલાઓ માટે આસાન નથી. પુરુષ સૈનિક ખુલ્લા આસમાન નીચે જંગલોમાં સૂઈ શકે છે પરંતુ મહિલાઓ માટે આમ કરવું થોડુ અઘરું છે. સાથે જ યુદ્ધ દરમિયાન જવાનોની કોશિશ પણ એ રહે છે કે તેમની મહિલા સાથી સુરક્ષિત રહે અને દુશ્મનના હાથમાં ન આવી જાય, કારણ કે દુશ્મન દ્વારા કબજે કરાયેલી મહિલા સૈનિક સાથે જે દુર્વ્યવહાર થાય છે તેનાથી સૈનિકોના મનોબળ પર વિપરીત અસર પડી શકે છે. જે યુદ્ધનાં પરિણામોને પ્રભાવિત કરે છે. આવી મુશ્કેલી માત્ર ભારતીય સૈન્યમાં જ થાય છે એવું નથી.

અમેરિકન સેનામાં તો કાયદો છે કે મહિલાઓને ઇનફેન્ટ્રી આર્ટિબરી, આર્મ્ડ તથા સ્પેશિયલ ફોર્સમાં લઈ શકાતી નથી. બ્રિટનમાં પણ મેરિન કમાંડો ઇનફેન્ટ્રી તથા આર્મ્ડ કોરમાં મહિલાઓને લેવામાં આવતી નથી. ફ્રાન્સમાં સેનાના તમામ વિભાગોમાં મહિલાઓ છે, પરંતુ દુશ્મન સાથે સીધા અને લાંબા જંગમાં તેમને સામેલ કરવામાં આવતી નથી. પુર્તગાલમાં પણ કેટલાંક યુદ્ધોમાં મહિલાઓને દૂર જ રાખવામાં આવે છે. સ્પેનમાં પણ લગભગ આ જ સ્થિતિ છે. હા, ઇઝરાયેલમાં જરૂર મહિલા સૈનિકોને યુદ્ધમાં સામેલ કરવામાં આવે છે, પરંતુ અહીં પણ મહિલાઓને સામા પોલીસ સુધી જ મર્યાદિત રાખવામાં આવે છે. નોર્વે અને કેનેડામાં પણ મહિલા અધિકારીઓ જંગમાં સામેલ જરૂર થાય છે, પરંતુ આ દેશોને કોઈપણ દેશ સાથે ઝઘડો કે વિવાદ નથી.

પરિણામે અહીં ક્યારેય યુદ્ધની પરિસ્થિતિ જ ઊભી થતી નથી, પરંતુ ભારતની વાત જુદી છે. તે ચીન અને પાકિસ્તાન સાથે પાંચ લડાઈ લડી ચૂક્યો છે અને હમેશાં ભારત પર યુદ્ધનો ખતરો છવાયેલો રહે છે. કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્યના હાથે પકડાયેલા ભારતીય અધિકારીઓ અને જવાનો સાથે જે પ્રકારે અમાનવીય વ્યવહાર થયો હતો તે અકલ્પનીય છે. તેમના શરીરને ક્ષત-વિક્ષત કરી નાખવામાં આવ્યાં માટે જ ભારતીય સૈન્યમાં મહિલાઓને યુદ્ધમાં ઉતારવા તૈયાર નથી. થલસેના મહિલા અધિકારીઓ પાસે જોખમી કાર્ય કરવા માટે તૈયાર નથી.

પરંતુ એ વાતને નજર અંદાજ ન કરવી જોઇએ કે આજે ભારતીય સૈન્યની મહિલાઓ માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવી રહી છે. નૌસેનાની મહિલા અધિકારી મ્હદેઈ જહાજ મારફતે સમગ્ર વિશ્ર્વ ફરી વળે છે અને વાયુસેનાની મહિલાઓ ફાઈટર વિમાન પણ ઉડાડી શકે છે. દરેક ભારતીયે આ મહિલા અધિકારીઓનાં મજબૂત કદમો અને ફોલાદી ઇરાદાને સલામ કરવી જોઈએ.

વળી પાછુ રાગેશે કહ્યુ કે, કેટલીક મહિલાઓ જરૂર ફોલાદી હશે પરંતુ બધા કામમાં મહિલાઓ શક્તિશાળી નથી ત્યારે સેજલે જણાવ્યુ કે, થોડાં વર્ષ પહેલા થયેલા એક અભ્યાસમાં સેનામાં મહિલા અધિકારીઓને લઈને કેટલાંક રસપ્રદ તથ્યો બહાર આવ્યાં છે. પુરુષ અધિકારીઓને મુકાબલે મહિલા અધિકારીઓ વધારે સ્વસ્થ, ઈમાનદાર, અનુશાસિત અને કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાન સાબિત થઈ છે. આ તથ્યો સશસ્ત્ર સેના ચિકિત્સા સેવા મહાનિર્દેશાલય (ડીજીએએફએમએસ) દ્વારા પાંચ વર્ષ (૨૦૦૧-૨૦૦૫) વચ્ચે સેનાની મહિલા તબીબો અને મેડિકલ છાત્રાઓ પર થયેલા સંશોધનમાં ઉજાગર થયાં છે.

તારી બધી વાત સાચી અને હવે હું માની ગયો કે ખરેખર મહિલાઓ તારા જેવી શક્તિશાળી છે તેમ રાગેશ કહ્યુ. સેજલે જણાવ્યુ કે, માનવું જ પડે ને તારે નહિતર તો ફરી આનાથી પણ મોટી અને રોચક મહિલાઓની વાતો તારે સાંભળવી પડત. નારી શક્તિ આગળ નતમસ્તક છું તેમ રાગેશે કહ્યુ ત્યારે સેજલે કહ્યુ કે, પ્રેમીકાની વાતો પ્રેમથી સાંભળતા રહેવુ નહિતર આખો ઇતિહાસ સાંભળવો પડે. (માહિતી સ્ત્રોતઃ- વરીષ્ઠ પત્રકારો)
લેખક : નીલકંઠ વાસુકિયા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ