ઓહો.! ડિયર, લોકડાઉન થાય ક્લીયર તો અવાય નિયર બાકી અત્યારે તો લાગી રહ્યો છે નોવેલ કોરોનાનો ફીયર

“કોલેજ એટલે મસ્તીની પાઠશાળા. કોલેજમાં તો મસ્તીની સાથે જ ભણવાનું હોય. આ થોડી નિશાળ છે કે માત્ર ભણવાનું જ કામ કરવાનું હોય. કોલેજમાં તો મિત્રોની સાથે ધમાલ ગમ્મત મજાક મસ્તી જ કરવાની હોય અને સાથે થોડુ ભણવાનું હોય. શાળામાં આપણી બંધીયાર જીંદગી હતી અને અહિ કોલેજમાં તો આપણે સંપુર્ણ મુક્ત છીએ. શાળામાં તો માસ્તર મારતા હતા પરંતુ કોલેજમાં તો પરીઓ બોલાવે છે” આ શબ્દો છે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી અક્ષયના. અક્ષય બસ સ્ટોપ પર ઉભો રહીને તેના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો છે અને આ વાતચીત શ્રેયા સહિતની યુવતીઓ પણ સાંભળી રહી છે. બસ સ્ટોપ પર અક્ષય બસની રાહ જોતી વખતે મિત્રો સાથે હંમેશા મજાક મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

image source

અક્ષયની મસ્તી કરીને સૌને હસતા રાખવાનો અંદાજ શ્રેયાને પસંદ આવી જાય છે. કોલેજ જવા માટે બસ સ્ટોપ પર શ્રેયા જ્યારે પણ અક્ષયને જોવે છે ત્યારે તે તેની મસ્તીમાં જ મસ્ત હોય છે. બસ સ્ટોપ શ્રેયા અક્ષયની પાસે જાય છે અને તેની સાથે વાતચીત કરે છે. અક્ષયને પણ શ્રેયા સાથે વાત કરવાની મજા આવે છે અને પછી તો બન્ને દૈનિક બસ સ્ટોપ પર મળે ત્યારે એકબીજા સાથે વાતો કરવા લાગે છે. થોડા દિવસોની વાતચીત પછી અક્ષય અને શ્રેયા મિત્ર બની જાય છે. બસ સ્ટોપ પરથી શરૂ થયેલી આ દોસ્તી કોલેજમાં પણ જોવા મળી રહી છે.

અક્ષય અને શ્રેયા બન્ને કોલેજમાં સાથે આવી રહ્યા છે અને આખો દિવસ સાથે જ રહે છે. અક્ષય અને શ્રેયા કોલેજમાંથી સીધા ફિલ્મ જોવા માટે ઉપડી જાય છે અને ક્યારેક તો કોલેજ પણ જતા નથી. રીવરફ્રન્ટ પર અક્ષય અને શ્રેયા લટાર મારતા પણ જોવા મળી રહ્યા છે. થોડા દિવસોની ઓળખાણ પછી શ્રેયા કાંઇ પણ વિચાર કર્યા વગર અક્ષયને પ્રપોઝ કરે છે અને અક્ષય પણ તેનો સ્વીકાર કરી લે છે.

image source

અક્ષય શ્રેયાને કહે છે કે, તું મને પહેલી નજરમાં જ ગમી ગઇ હતી મેં જ્યારે બસ સ્ટોપ પર પહેલી વખત તને જોઇ ત્યારથી હું તને પ્રેમ કરૂ છુ. પરંતુ તને પામવા માટે મેં કોઇ ઉતાવળ ન કરી. આ સાંભળીને શ્રેયાએ કહ્યુ કે, હું પણ તને પહેલી નજરથી પ્રેમ કરૂ છુ અને તને પામવાની હું ધીરજ ન ધરી શકી એટલે જ મેં તને પ્રપોઝ કરી દીધુ. અક્ષય અને શ્રેયા કોલેજના પહેલા વર્ષથી જ પ્રેમના તાંતણે બંધાઇ જાય છે અને આજીવન એકબીજાની સાથે જ રહેવાનું વચન પણ આપે છે. કોલેજના ત્રણ વર્ષ સાથે રહીને બન્ને ખુબ મજા કરે છે અને સાથે થોડો અભ્યાસ પણ કરી રહ્યા છે.

કોલેજના છેલ્લા વર્ષની ફાઇનલ પરીક્ષા નજીક આવતા અક્ષય અને શ્રેયા બન્ને પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત બની જાયછે ને સાથે પ્રેમમાં મસગુલ થઇ જાય છે. પરીક્ષાની તૈયાઓમાંથી સમયકાઢીને પણ અક્ષય અને શ્રેયાને ભરપુર પ્રેમ કરી રહ્યા છે. આખી કોલેજમાં અક્ષય અને શ્રેયાના પ્રેમની ચર્ચા થઇ રહી છે. કોલેજમાં બધા વિદ્યાર્થીઓ મજાકમાં કહી રહ્યા છે કે, તમે બન્ને કોલેજ પુરી થયા પછી ક્યા મળશો? કેવી રીતે મળશો? ત્યારે અક્ષય કહે છે કે, અમારી ચિંતા તમે બધા ન કરશો, અમે તો ચોક્કસ મળતા જ રહીશું. આમ તો અક્ષય અને શ્રેયા એક પણ દિવસ મળ્યા વગર નથી રહી શકતા.

રવિવારે કોલેજમાં રજાના દિવસે પણ કાંઇને કાંઇ બહાનું કાઢીને બન્ને ઘરેથી બહાર નિકળે છે અને નજીકમાં આવેલા ગાર્ડનમાં મળે છે. પછી અક્ષય અને શ્રેયા સાથે બ્રેક ફાસ્ટ કરી ને જ છુટા પડે છે. કોલેજની ફાઇનલ પરીક્ષા નજીક આવી ગઇ છે અને બન્ને ઘરે રહીને અભ્યાસમાં ખુબ મહેનત કરી રહ્યા છે. ચીનથી બહાર નીકળીને નોવેલ કોરોના વાયરસ વિશ્વભરમાં હાહાકાર મચાવવા લાગે છે ત્યારે અક્ષય અને શ્રેયા પણ વૈશ્વિક મહામારીથી થોડા ચિંતીત થઇ જાય છે. અચાનક જ દેશમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેર કરવામાં આવે છે અને તમામ વાહન વ્યવહારથી લઇને કામધંધાઓ બંધ કરવાની ફરજ પડે છે. માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહે છે.

image source

સરકાર દ્વારા આપવામાં આવતી વારંવારની ગાઇડ લાઇનનું બન્ને દ્વારા અક્ષરસહ પાલન કરવામાં આવે છે, જેથી અક્ષય અને શ્રેયા રૂબરૂ મળી શકતા નથી. એક પણ દિવસ મળ્યા વગર રહી ન શકતા અક્ષય અને શ્રેયા કોરોના વાયરસના કારણે હવે રૂબરૂ મળી શકતા નથી. બન્ને વિડીયો કોલ કરીને કલાકો સુધી વાતો કરી રહ્યા છે અને ટેકનોલોજીના માધ્યમથી એકબીજાને પ્રેમથી નિહાળી રહ્યા છે. લોકડાઉનને એક અઠવાડીયા જેટલો સમય વિત્યા પછી શ્રેયા અક્ષયને મળવા માટે ઘરની બહાર બોલાવે ત્યારે અક્ષય કહે છે કે, આપણે પ્રેમી હોવા ઉપરાંત દેશના જવાબદાર નાગરીક પણ છીએ એટલે આપણો અત્યારે પ્રથમ ધર્મ સરકારના આદેશનું અક્ષરસહ પાલન કરવાનો છે. આપણી નાનકડી ભુલ પરીવાર સહિત સમાજને ભારે પડી શકે છે.

તેમ છતાં પણ શ્રેયા મળવાની જીદ કરે છે ત્યારે અક્ષય કહે છે કે, “ઓહો.! ડિયર, લોકડાઉન થાય ક્લીયર તો અવાય નિયર, બાકી અત્યારે તો લાગી રહ્યો છે નોવેલ કોરોનાનો ફીયર” આ સાંભળતાની સાથે જ શ્રેયા ખડખડાટ હસવા લાગે છે. અક્ષય કહે છે કે, તું ફક્ત પ્રેમમાં જ ગંભીર છું પરંતુ નોવેલ કોરોના વાયરસ અંગે ગંભીર નથી ત્યારે શ્રેયા કહે છે કે, તે મને ક્યારેય ક્યાં કોઇ ગંભીરતા સમજાવી છે. તારી પણ ફરજ બને છે કે મને કોરોના વાયરસ અંગેની ગંભીરતા સમજાવવી જોઇએ. તો સાંભળ તેમ કહીને અક્ષય જણાવે છે કે, “તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. નોવેલ કોરોના વાયરસ એ વાઇરસથી થતો એક પ્રકારનો રોગ છે. તે પ્રાણીઓથી માણસને અને માણસથી માણસને ફેલાતો રોગ છે. હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે.

કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢુ ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. કોરોના વાયરસના ચેપથી વિશ્વભરમાં અનેક લોકો મૃત્યુના મુખમાં ધકેલાઇ રહ્યા છે. કોરોના વાયરસની કોઇ જ સારવાર નથી અને માત્ર ઘરમાં જ રહીને કોરોના વાયરસના કહેરથી બચી શકાય છે.” કોરોના અંગે જાણકારી સાંભળીને શ્રેયા કહે છે કે, અક્ષય હવે હું ક્યારેય મળવાની જીદ નહી કરૂ પરંતુ કોરોનાનો ભય ઓછો થયા પછી તો મળીશું જ.

અક્ષય અને શ્રેયા લોકડાઉનમાં મળવાનું ટાળી રહ્યા છે અને ઘરમાં રહીને જ વિડીયો કોલ કરીને એકબીજાને જોવાની સાથે પ્રેમથી વાતચીત કરી રહ્યા છે. અક્ષય અને શ્રેયાના પરીવારજનો પણ કહી રહ્યા છે કે તમને લોકડાઉન પછી પરણાવી દેવા છે પછી જીવનભર સાથે રહેજો. પરીવારની સંમતી મળતા અક્ષય અને શ્રેયા બન્ને હરખાઇ જાય છે પરંતુ અત્યારે રૂબરૂ નહી મળી શખવાનો અફસોસ કરી રહ્યા છે તેમ છતાં અક્ષય અને શ્રેયા સરકારના આદેશોનું અક્ષરસહ પાલન કરી રહ્યા છે.

લેખક- નીલકંઠ વાસુકિયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ