એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના, લોકોની સેવા કરી ? વાત અમદાવાદના રીક્ષાવાળા સંજુભાઈ બ્રહ્મભટ્ટની…
લોક-ડાઉનના 65-70 દિવસોમાં ગરીબો અને નિમ્ન મધ્યમ વર્ગના લોકોએ જરૂરિયાતમંદોને સવિશેષ મદદ કરી છે. એવી જ એક વાત તમારી સાથે વહેંચું.

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા સંજુભાઈ બ્રહ્મભટ્ટ ઓટો રીક્ષા ચલાવે છે. આજે સવારે સત્તાધાર રસ્તા પાસે તેમને મળવાનું થયું. હું ચાલીને પરત ફરતો હતો ત્યારે તેમને મુસાફરની પ્રતીક્ષામાં એક સ્થળે બેઠેલા જોયા. મેં શુભ સવાર કહીને વાત કરી.
પૂછ્યું કે લોકડાઉનમાં કેવી રીતે દિવસો કાઢ્યા ? સંજુભાઈએ હસીને જવાબ આપ્યોઃ ટકી ગયા. થોડી તકલીફ પડી પણ વાંધો ના આવ્યો. મેં પૂછ્યુંઃ ખાવા-પીવામાં તકલીફ પડી હતી ? તો તેમણે કહ્યું કે ના. અમારે તો ગામડે ખેતી છે. ઘઉં અને ડાંગર થાય છે. ભગવાનની કૃપા છે. અમે તો ઉપરથી બીજાને મદદ કરી.

સંજુભાઈએ પોતાના સ્વજનો-મિત્રોને કહી રાખ્યું હતું કે રસોડામાં રાશનની તકલીફ પડે તો કહેજો. આ દિવસોમાં ગામડેથી પોતાના ખેતરેથી લાવેલા ઘઉં અને ચોખા તેમણે ગરીબોને સામે જઈને આપ્યા. તેઓ હરતા-ફરતા રહેતા હતા. તેમને જણાય કે આ પરિવારને જમવાની તકલીફ છે તો તરત જ જમવાનું પહોંચાડતા હતા.

સંજુભાઈએ જોયું કે તેમની સોસાયટીમાં રહેતા એક ભૈયાજી (મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી)નો પરિવાર સંકટમાં હતો. એક દિવસ સંજયભાઈએ જોયું. તેમને પૂછવાનું મન થયું પણ ના પૂછ્યું. જોકે બીજા દિવસે તો તેમણે જઈને પૂછ્યું જ કે તમને કોઈ તકલીફ છે ? ભૈયાજીએ ના પાડી. સંજુભાઈ પામી ગયા કે કંઈ તકલીફ તો છે જ. તેમણે દબાણ કરીને પૂછ્યું તો જાણવા મળ્યું કે એ પરિવારે બે દિવસથી કશું ખાધુ નહોતું. સંજુભાઈ ફટાફટ ઘરે ગયા અને પોતાની પત્નીને કહ્યું કે ફટાફટ છ-સાત જણનું ખાવાનું બનાવ. એમનાં પત્નીએ જમવાનું બનાવ્યું અને સંજુભાઈ આખા પરિવાર માટે જમવાનું આપી આવ્યા. ભૈયાજીએ કહ્યું કે તમે તો ભાડે રહો છો તો પણ બીજાને મદદ કરો છો. એ પછી તો તેમણે સોસાયટીના અન્ય સભ્યોને જાણ કરી અને બધાએ જુદી જુદી મદદ કરી અને ભૈયાજીનો પરિવાર સચવાઈ ગયો.
સંજુભાઈ આ વાત કહે છે ત્યારે સહજ છે. આમ તો કરવાનું જ હોય તેવો ભાવ તેમના શબ્દોમાં છે, ચહેરા પર છે. તેઓ કહે છે, સાહેબ, તેમના જે પરિવારમાં મા હતી તેને તો જોડિયાં બાળકો હતાં, જો એ પોતે ના જમે તો પોતાનાં બાળકોને કેવી રીતે જમાડી શકે ? આવું બોલતી વખતે સંજુભાઈ થોડી વાર ચૂપ થઈ જાય છે. જ્યારે વ્યક્તિની આંખ ભીની થાય છે ત્યારે વ્યક્તિ બોલી શકતી નથી હોતી.
આ છે નાના માણસોના હૃદયની મોટાઈ. આ છે મૂળ ભારતીય સંસ્કૃતિ. આ છે ગરીબોના હૃદયની અખૂટ અમીરી.
હવે તેમને અજબ જેવી વાત કરું.

નવાઈ લાગે એવી વાત એ છે કે અમના હૃદયમાં કરુણાનો, ઘરમાં અનાજનો સ્ટોક હતો, પણ ઘરમાં પૈસા નહોતા કારણ કે રીક્ષા ચલાવવાનું બંધ થઈ ગયું હતું. ધંધો ઠપ્પ હતો. ખાનગી ફાયનાન્સ કંપનીમાંથી લોન લઈને રીક્ષા લીધેલી હતી એટલે હપ્તો ભરવો તો અનિવાર્ય હતો. તેમણે મિત્રો-સ્વજનો પાસેથી પૈસા લઈને હપ્તા ભર્યા હતા. હપ્તા ભરવાનો તનાવ એટલા માટે હતો કારણ કે ફાયનાન્સ કંપની મોટી પેનલ્ટી વસૂલ કરે છે. તેમના એક ઓટો રીક્ષાવાળા મિત્ર થોડા હપ્તા ના ભરી શક્યો તો કંપનીએ 70 હજાર રૂપિયા પેનલ્ટી ઠપકારી છે. સંજુભાઈ કહે છે કે નવી ઓટો રીક્ષા 1,85,000 રૂપિયાની આવે છે. તેમણે 30 મહિના માટે લોન લીધી છે, વ્યાજ ખાતે તેઓ 60-70 હજાર ચૂકવશે.
પોતાની થાળીમાં રોટલીઓનો થપ્પો હોય તો તેમાંથી કોઈ ભૂખ્યાને એક રોટલી આપવી સહેલી નથી હોતી, સંજુભાઈ જેવા હોય છે જે પોતાની થાળીમાં એક રોટલી હોય તો તરત અરધી રોટલી બીજાને આપે છે.
આજે, આઠમી જૂન, 2020થી મંદિરો ખુલવાનાં હતાં, સવાર સવારમાં સંજુભાઈને મળીને મને થયું કે ભગવાન ઓટો રીક્ષાવાળાના સ્વરૂપમાં બેઠો છે. તેમનાં દર્શન કરીને મેં ધન્યતા અનુભવી.
સંજુભાઈની દરિયાદિલીને, તેમના હૃદયમાં છલકાતી વિશાળતા-સંવેદનશીલતાને વંદન.
( સંજુભાઈ બ્રહ્મભટ્ટનો સંપર્ક નંબર 9727889110 છે.)
આલેખનઃ રમેશ તન્ના
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ