પાકી કેરીનું સ્ટોરેજ શરબત – આજે બનાવતા શીખો પાકી કેરીના શરબતને આખું વર્ષ કેવીરીતે ફ્રેશ રાખશો…

મિત્રો, આપણે કાચી કેરીનું શરબત કઈ રીતે બનાવવું તેમજ તેને આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવું તે અગાઉ જોઈ લીધું, હવે આપણે પાકી કેરીનું શરબત કઈ રીતે બનાવવું અને આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવું તે બતાવવા જઈ રહી છું. જે બહાર મળતા ડ્રિંક્સ જેમ કે ફ્રૂટી જેવુંજ સ્વાદમાં લાગે છે અને ફ્રૂટી એ સૌને પસંદ પડે એવું જ પીણું છે. અને એમાંય બાળકોનું તો પૂછવું જ શું ? તો ચાલો બનાવીએ પાકી કેરીનું મીઠું મધુર શરબત સ્ટેપ બાય સ્ટેપ અને એ પણ વિડીઓ સાથે

સામગ્રી :


* પાકી કેરીના 1 કિલો ઝીણા સમારેલા ટુકડા

* 1 કિલો ખાંડ

* મેંગો ફ્લેવરનું ઇન્સ્ટન્ટ શરબત જેમાં પાવડર 12 ગ્રામ અને લીકવીડ 10 મિલી જેટલું (કોઈપણ બ્રાન્ડનું લઈ શકાય )

તૈયારી :

કેરીને સાફ પાણીથી ધોઈ કોરી કરી લેવી ત્યારપછી તેના નાના ટુકડા કરી લેવા.

રીત :


1) સૌ પ્રથમ જાડા તળિયાવાળા મોટા વાસણમાં કેરીના ટુકડાઓ લો. તેમાં એક કિલો ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.


2) ત્યારપછી તેમાં બ્લેન્ડર ફેરવો. બધું એકરસ થઈ જાય ત્યાં સુધી બ્લેન્ડર ફેરવીને સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લો.


3) આ પેસ્ટને સ્ટવ પર મૂકી ગરમ કરો, શરૂઆતમાં સ્ટવની ફ્લેમ વધુ રાખીશું, ગરમ થઈ ગયા બાદ સ્ટવની ફ્લેમ ઘટાડતા જઈશું અને મીડીયમ રાખીશું. સતત હલાવતા રહેવું, વાસણના તળિયે બેસી ના જાય તેનું ધ્યાન રાખવું. વાસણમાં ઉપર બબલ્સ દેખાય ત્યાંસુધી ઉકાળવા દો.


4) બબલ્સ દેખાયા બાદ સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને તેને ઠંડુ પાડવા દો. ગેસ બંધ કર્યા પછી પણ થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી જલ્દી ઠંડુ પડી જાય.


5) પાંચેક કલાક પછી સાવ ઠંડુ પડી જાય છે. ઠંડુ પડી ગયા બાદ તેમાં ઇન્સ્ટન્ટ શરબતનો પાવડર અને લીકવીડ ઉમેરી હલાવીને બરાબર મિક્સ કરી લો.


6) તૈયાર છે પાકી કેરીનું સ્ટોરેજ શરબત જેને એર-ટાઈટ ડબ્બામાં અથવા ઝીપલોક બેગમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી દો. આ શરબતને ફ્રીઝરમાં સ્ટોર કરવાની જરૂર નથી. ફ્રીજમાં પણ આખું વર્ષ સારું રહે છે અને જામી પણ જતું નથી, તેનું ટેક્ચર જેલી જેવું દેખાય છે.


7) જયારે પણ શરબત બનાવવું હોય ત્યારે એક ગ્લાસ પાણીમાં દોઢ થી બે ટેબલ સ્પૂન સ્ટોરેજ શરબત નાખી મિક્સ કરો અને ઠંડુ ઠંડુ સર્વ કરો.
મિત્રો, સાવ આસાનીથી બની જાય છે અને બનાવવા માટે વધુ સામગ્રીની પણ જરૂર નથી, હજુ પણ માર્કેટમાં પાકેલી કેરીઓ મળે છે તો બનાવીને સ્ટોર કરી લો. ફ્રૂટી જેવો જ ટેસ્ટ આવે છે તેથી બાળકોને પણ ખુબ પસંદ પડશે તો જયારે પણ બાળકો ફ્રૂટી પીવાની માંગ કરે તો આ શરબત બનાવીને આપી શકાય અને મહેમાનોનું પણ કંઈક અલગ શરબતથી સ્વાગત કરી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :