પાલક પુલાવ – આયર્ન, કૅલ્શિયમ, મેગ્નેશીયમથી ભરપુર આ પુલાવ બાળકોથી લઈને વડીલોને પણ પસંદ આવશે…

પાલક એક સુપર ફૂડ છે આપણે સૌ જાણીએ છીએ. પાલક એ આયર્ન, કૅલ્શિયમ, મેગ્નેશીયમ નો ભરપૂર સ્ત્રોત છે. આપણે તો કોઈ ને કોઈ રીતે પાલક ખાઈ લઈએ પણ બાળકો ને તો લીલા શાકભાજી ખાવા જ નથી ગમતા હોતા. બધી મમ્મીને આ સવાલ હશે કે બાળકો ને લીલા શાક કઈ રીતે ખવડાવા. તો ચાલો આજે આપણે બાળકો માટે સ્પેશ્યિલ એક ડીશ બનાવીએ. “પાલક પુલાવ”. ભાત તો લગભગ દરેક બાળક ને ભાવતા હશે તો ચાલો બનાવીએ સુપર હેલ્થી ડીશ.

૧ કપ – બોઈલ કરેલા ચોખા એટલે કે ભાત (બાસમતી ચોખા)

૧ કપ – પાલક ની પેસ્ટ

૨ ચમચી – તેલ

૨ ચમચી – ઘી

૧/૪ કપ કાજુ

મીઠું સ્વાદ મુજબ

૧ ચમચી – હળદર

૨ ચમચી – ગરમ મસાલો

સૌ પ્રથમ એક નોન સ્ટિક પેન માં તેલ અને ઘી ગરમ કરવા મુકો, ગરમ થાય એટલે તેમાં પાલક ની પેસ્ટ નાખો અને ૧ મિનિટ ધીમા ગેસ પર સાંતળો, કાજુ ના ટુકડા નાખી દો અને બરાબર સાંતળવા દો. બરાબર સંતળાઈ જાય એટલે મીઠું, હળદર અને ગરમ મસાલો નાખી દો, બધું બરાબર મિક્સ કરી અને ભાત નાખી દો. અને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લો. આ રેસીપી ખાસ બાળકો માટે છે એટલે મેં તેમાં બીજા કઈ વધારે મસાલા નાખી યુઝ કર્યા, રોજ વપરાતા મસાલા જ નાખ્યા છે છતાં પણ ખાવા માં ખૂબ જ સરસ લાગશે. બસ તૈયાર છે તમારા ગ્રીન પુલાવ – પાલક પુલાવ. ગ્રીન કલર જોઈ ને બાળકો હોંશે હોંશે ખાશે. હું તો અવાર નવાર આ રેસીપી બનવું છું બાળકો માટે. તમે પણ આજે ટ્રાય કરો અને બાળકો ને ખવડાવો. આ પુલાવ ને દાળ કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

નોંધ: ભાત બાસમતી જ લેવા , અને પાણી કાઢી લેવું ભાત બન્યા પછી. તમે ભાત વધારે લો તો ગ્રેવી અને મસાલા નું પ્રમાણ વધારી દેવું. વેરિએશન માટે ડુંગળી ની ગ્રેવી પણ પાલક સાથે મિક્સ કરી શકો.
રસોઈની રાણી : નિરાલી કોરાટ