મીઠો સથવારો – રોજ રોજ એ કાંઈકનું કાંઈક માંગવા આવી હતા કેવી બાઈ છે આ શરમ નથી આવતી…

રાત્રે નવ વાગ્યા અને નિકીતાએ ઘરનું બારણું બંધ કર્યુ. હજી તો સુવા માટે બેડરૂમમાં જાય ત્યાં ડોરબેલ વાગી. તેને પાકકી ખાત્રી હતી કે આ ડોરબેલ બાજુવાળા આશાબેનની જ હતી. ખરેખર તો નિકીતા આશાબેનથી સખત કંટાળી હતી. આશાબેન પોતાના દીકરા-દીકરી સાથે રહેતા હતા. બાળકો હજી નાના હતા. આશાબેનના પતિ નોકરી માટે દુબઇ ગયા હતા. આશાબેન સિલાઇકામ કરીને, પાપડ-અથાણા-વેફર બનાવીને પોતાનું અને બન્ને બાળકોનું પુરૂ કરતા હતા. આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. રોજ કંઇકને કંઇક માંગવા આવતા જ હોય. નિકીતા તેની માંગણીથી કંટાળી ગઇ હતી.

image source

એક દિવસ લોટ, તો બીજા દિવસે ખાંડ, વળી ત્રીજા દિવસે બે બટેકા… રોજ કંઇકને કંઇક ચાલુ જ હોય. નિકીતાને ગુસ્સો આવ્યો કે રાત્રે નવ વાગ્યે શું લેવા આવ્યા હશે ? તેણે બારણું ન ખોલ્યું. બે મિનિટ પછી ફરીથી બેલ વાગી એટલે તેના પતિ નરેશે કહ્યું, “જો તો ખરા કોણ છે ??” “મને ખબર છે આશાબેન જ હશે” એમ કહેતા નિકીતાએ બારણું ખોલ્યું, તો સામે આશાબેન… ‘જો હું સાચી છું ને’ એવા ભાવ સાથે નિકીતાએ નરેશ સામે જોયું. પછી આશાબેન સામે જોયું. આશાબેન હાથમાં વાટકી લઇને ઊભા હતા, “નિકીતાબેન, થોડી ખાંડ આપો ને.. સવારમાં બાળકોને સ્કૂલે જતી વખતે ચા બનાવી આપવી પડશે ને ! ”

નિકીતાએ નારાજગીના ભાવ સાથે કંઇ બોલ્યા વગર વાટકી લીઘી અને ખાંડ આપી.. આશાબેન કંઇ બોલે તે પહેલા બારણું બંધ કરી દીઘું. “આ તેનો પતિ ત્રણ વર્ષથી દુબઇ ગયો છે તો કંઇ પૈસા મોકલતો નહી હોય ? કેવો પથ્થરદિલનો માણસ છે ? આશાબેન મજૂરી કરીને ઘર ચલાવે છે અને આપણા બઘાના લોહી પીવે છે..” નિકીતાનો બડબડાટ ચાલુ હતો.

image source

“હશે હવે… આપણે પાડોશી છીએ તો એટલું તો કરવું જોઇએ ને.. ભગવાન પણ જોતા જ હશે ને.. કરેલી મદદ કયાંય જતી નથી.. તું જીવ ન બાળ… તેમની પાસે નથી ત્યારે આવતા હશે ને… તેમને પણ માંગવા આવવું નહી જ ગમતું હોય ને… આપણાથી થાય એટલી મદદ કરવાની… ” નરેશે નિકીતાને શાંત પાડતા કહ્યું.

નિકીતા બડબડાટ કરતા સુઇ ગઇ. બીજા દિવસે બપોરે સોસાયટીની પંચાતમાં આશાબેનની વાત નીકળી. બઘાના મનમાં એક જ વિચાર હતો કે આશાબેનનું ઘર કેવી રીતે ચાલતું હશે ? તેનો પતિ કેમ કંઇ મોકલતો નહી હોય ? આટલી આર્થિક સંકડામણ છતાં આશાબેનના ચહેરાપર કયારેય દુ:ખ, શોક ન હોય. હમેંશા હસતા જ હોય, કયારેય પતિનું ખરાબ ન બોલે. બઘા હજી વાતો કરતા હતા, ત્યાં આશાબેન પાપડનો લઇને પહોંચાડવા નીકળ્યા. કોઇએ પૂછી લીધુ કે, “આશાબેન આટલી મહેનત શું કામ કરો છો ? તમારા પતિ દુબઇ છે તો કંઇ મોકલતા નથી ?”

image source

આશાબેન બોલ્યા , “મારૂં અહીં પૂરૂં થઇ જાય છે, અને બાળકો માટે મહેનત કરવામાં શું શરમ ? મેં જ તેના પપ્પાને કંઇ મોકલવાની ના પાડી છે , બાકી એ તો અમારી બહું કાળજી લે છે” આટલું બોલીને આશાબેન જતા રહ્યાં, પણ તેમની પીઠ પાછળ તેમને વાત સંભળાય કે , “કાળજી ? શું ધૂળ કાળજી ? કાળજી લેતા હોય તો રૂપિયા ન મોકલે ? રોજને રોજ બઘાના ઘરેથી કંઇક ને કંઇક માંગતા જ હોય, શરમ પણ નથી આવતી.. મારીથી થોડા દિવસ પહેલા પાંચસો રૂપિયા લઇ ગયા હતા, હજી પાછા નથી આપ્યા.” આશાબેને સાંભળ્યુ ન સાંભળ્યુ કર્યુ અને આંખમાં આવેલું આંસુ લૂછી નાખ્યું.

આશાબેન સિલાઇ કામ સરસ કરતા હતા. નિકીતાની દીકરીના કપડાં તે જ સીવી આપતા. ચાર પાંચ દિવસ પછી આશાબેન નિકીતાની દીકરીનું સીવેલું ફ્રોક આપવા આવ્યા, ત્યારે પાંચસો રૂપિયા લેતા આવ્યા. નિકીતાને જરાક દુ:ખ થયું કે બઘાની વચ્ચે વાત કરી એ આશાબેને સાંભળી હશે. તેણે સિલાઇના રૂપિયા પૂછયા, તો આશાબેને ના પાડી કે જેવી મારી દીકરી તેવી તમારી દીકરી, દીકરી માટેના કામના પૈસા નહીં લઉં. નિકીતાએ તેમને પરાણે બેસાડયા, અને થોડી વાતો કરી, વાતવાતમાં પૂછી લીધું કે, “તમારા પતિ દુબઇમાં સારૂં કમાતા હશે, તમને પૈસા કેમ નથી મોકલતા ? ”

image source

આશાબેન બોલ્યા, “હા.. ભગવાનની મહેરબાની છે, તેમની આવક સારી છે, પણ સાચુ કહું તો મેં જ પૈસા મોકલવાની ના પાડી છે, અમે પહેલેથી જ સાઘારણ સ્થિતિમાં જીવેલા છીએ એટલે હજી તેમ જ જીવવામાં કંઇ વાંધો નથી, તે કમાઇને પૈસા ભેગા કરે છે, અમારૂં ઘર તો તમે જોયું છે, કેવું જુનું છે ? તે પાડીને નવું બનાવવું છું, તેના માટે પૈસા ભેગા કરીએ છીએ. આ દીવાળીમાં તે આવવાના છે, તે પછી ઘર ફરીથી બંધાવશું.”

નિકીતાને આશાબેન પર માન થયું. આટલી નબળી સ્થિતિમાં, ત્રણ વર્ષથી પતિ વગર મહેનત કરીને બન્ને બાળકોને સાચવે છે, છતાં કયારેય દુ:ખી નથી હોતા, કયારેય પતિ વિશે ઘસાતું નથી બોલતા.. હમેંશા હસતાને હસતા.. અને દિવાળી આવી પહોંચી.. દિવાળીના ચાર દિવસ પહેલા જ આશાબેનના પતિ અમરભાઇ દુબઇથી આવ્યા. આશાબેનના ઘરે આનંદ છવાય ગયો. અમરભાઇ દુબઇથી બઘા માટે કંઇકને કંઇક લાવ્યા હતાં. નિકીતા, નરેશભાઇ અને તેમના બન્ને બાળકો માટે કપડાં-મીઠાઇ લાવ્યા હતા. નિકીતા માટે તો સોનાની ચેન લાવ્યા હતા તેમણે કહ્યું કે, “આશા મને બઘી વાત કરતી, તમે તેનું બહું ધ્યાન રાખ્યું છે” નિકીતાએ બહુ ના પાડી, પણ આશાબેનના આગ્રહ સામે તેને ચેન લેવી પડી.

image source

દિવાળી પછી થોડા દિવસ પછી આશાબેનના ઘરનું કામ શરૂ કરવાનું હતું. અને એક ખરાબ ઘટના બની… નરેશભાઇ રાત્રે ઓફિસથી આવતાં હતાં ત્યારે સ્કુટર સ્લીપ થઇ જતાં એક્સિડન્ટ થયો… તેમને માથામાં સખત ઇજા થઇ. તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવા પડયા… ઓપરેશનનો ખર્ચ સાંભળીને નિકીતાના હોશ ઊડી ગયા. તેની પાસે તો એટલી બચત પણ ન હતી, પણ આશાબેન અને અમરભાઇ તેમની સાથે આવ્યા. અમરભાઇએ હોસ્પિટલમાં ઓપરેશનના સાડાત્રણ લાખ ભરી દીઘા. પચાસ હજાર નિકીતાના હાથમાં આપ્યા કે ઘરખર્ચ અને હોસ્પિટલના વધારાના ખર્ચ માટે… નિકીતા પાસે તો આભાર માનવાના શબ્દો ન હતાં.

ઓપરેશન થઇ ગયું. થોડા દિવસોમાં નરેશભાઇ ઘરે આવી ગયા. હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી બન્ને બાળકોને આશાબેને સાચવ્યા. બઘાનું જમવાનું પણ તેમના ઘરે જ કર્યુ. ઘરે આવીને નરેશભાઇએ અમરભાઇને કહ્યું કે તે થોડાથોડા કરીને રૂપિયા પરત કરી દેશે. પણ અમરભાઇએ ના પાડતા કહ્યું, “મુસીબતમાં પાડોશીની મદદ કરવી એ જ તો પાડોશી ઘર્મ છે, તમે સાજા થઇ ગયા એ જ બસ છે”

image source

“… પણ અમરભાઇ એ પૈસા તો તમારા ઘર માટે હતા ને..” નિકીતાનું વાકય પૂરૂં થાય તે પહેલા આશાબેન બોલી ઊઠયા, “બેન.. ઘર માટે તો બીજીવાર કમાઇ લેવાશે.. આ પૈસામાંથી નરેશભાઇનું જીવન બચી ગયું, તમારો સંસાર બચી ગયો એ જ બસ છે..” નિકીતા અને નરેશભાઇ પાસે આભાર માનવાના શબ્દો ન હતા. આ સ્વાર્થી દુનિયામાં આવા લોકો પણ છે અને કદાચ એટલે જ દુનિયા ટકી છે…

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ