મારી બાનું હેત.. – આજની વાર્તા એક શ્યામલી દિકરીની, જેને વર્ષો સુધી નથી મળ્યું બાનું હેત…

“હે ઠાકોરજી હવે મારો પોતરો કે પોતરી આ શ્યામલી જેવા કાળા ના અવતરે એટલી કિરપા કરજો.. મોટી અગિયારસે હું હવેલીમાં 1151નો ભોગ ધરાવીશ..!!” સુનયનાબહેન હોસ્પિટલમાં બેઠા બેઠા પોતાના ઠાકોરજીને યાદ કરીને વિનવણી કરી રહ્યા હતા અને તેમના દીકરા વહુ અંદર ઓપરેશન થિયેટરમા હતી..!


સુનયનાબહેન એટલે ગુજરાતના સર્વોત્તમ સાહિત્યકાર, કેળવણીકાર અને વાર્તાકાર! તેમના નામે દેશ-વિદેશના ગુજરાતીઓ પણ સાહિત્યના કોઈ કાર્યક્રમમાં અચૂક પધારે. પોતાના વ્યવસાયિક જીવનમાં ખ્યાતિ મેળવી ચૂકેલા સુનયનાબહેનના પતિ નવીનભાઈ તેમના લગ્નના બે જ વર્ષમાં એક અકસ્માતમાં અવસાન પામેલા. એ પછી સુનયનાબહેને તેમનું સઘળું જીવન પોતાના લેખનને અર્પણ કરી દીધું.

ગુજરાત વિદ્યાપીઠમાં એક શિક્ષિકા તરીકે શરૂઆત કરીને આજે તેઓ પચીસ વર્ષે ડિરેક્ટર પદ સુધી પહોંચ્યા હતા. તેમનું લેખન એટલે જાણે માનવજીવનની અભિન્ન દાસ્તાન..! તેમના ઘણા શિષ્યો વિદેશમાં પણ વસતા..! તેમને પોતાના વિદ્યાર્થીઓ અને શિષ્યો પર અપાર હેત..! કેટલાયને તો તેઓ મળ્યા પણ ના હોય અને મેઈલ અને મેસેજીસથી જ ઓળખાણ હોય.. અમુક તો તેમના ચાહક પણ હોય..! પારકા છોકરાઓને અમાપ વહાલ કરનારા સુનયનાબહેનને પોતાના દીકરા માટે અનહદ લાગણી..! તેમનો દીકરો કૃષ્ણમ નવીનભાઈનું અવસાન થયું તે સમયે છ મહિનાનો હતો. નવીનભાઈના અવસાન બાદ કૃષ્ણમને ઉછેરવામાં અને સાહિત્યને સમજવામાં વ્યસ્ત રહેતા સુનયનાબહેનને બીજા લગ્ન કે પરિણયનો કદી વિચાર નહોતો આવ્યો. તેમણે નાનપણથી સતત કૃષ્ણમને પોતાની છત્રછાયામાં રાખીને ઉછેર્યો હતો. બે વર્ષ પહેલા જ્યારે કૃષ્ણમે પોતાનું એમબીએ સમાપ્ત કર્યું ત્યારે તેઓએ સમાજમાં પોતાના દીકરાનો બાયોડેટા મુક્યો અને તેના માટે છોકરીઓ જોવાની શરૂઆત કરી.


પરંતુ કૃષ્ણમ દરેક છોકરીને જોઈને તેમાં કઈ ને કઈ ખામી કાઢતો રહે. એક વર્ષમાં ત્રીસ છોકરીઓ જોયા પછી કૃષ્ણમે એક દિવસ તેની માઁને કહ્યું કે તે પોતાની સાથે કામ કરતી શ્યામલીના પ્રેમમાં છે ત્યારે સુનયનાબહેનને વસમો આઘાત લાગેલો.. પરંતુ દીકરાની વાત કઠણ મને સ્વીકારીને આખરે તેમણે શ્યામલીને ઘરે મળવા બોલાવી હતી..! હોસ્પિટલમાં ઠાકોરજીને યાદ કરી રહેલા સુનયનાબહેનને એ દિવસ ફરી યાદ આવી ગયો જયારે પહેલી વાર તેમણે શ્યામલીને જોયેલી..

આછા પીળા રંગના સલવારસુટમાં સજ્જ શ્યામલીએ કૃષ્ણમના ઘરમાં દાખલ થઇ કે સુનયનાબહેનની આંખો પહોળી થઇ ગયેલી ને તરત મોંમાંથી ઉદગાર સરી પડ્યા, “અરરર ઠાકોરજી.. આ શું આવી કાળી-કલુટી છોકરી મારી વહુ બનશે..! હાય પ્રભુ!” શ્યામલીને સુનયનાબહેનની વાત સંભળાઈ હોવા છતાં પણ નીચે નમીને તેમના ચરણસ્પર્શ કર્યા અને નજર નીચી ઢાળીને ઉભી રહી.

“મમી… આ છે શ્યામલી.. તારી જેમ જ વાંચવાનો અને લખવાનો જબરો શોખ છે એને..ને બસ આ જ વાતે હું એના પ્રેમમાં પડ્યો હતો. તેના દરેક શબ્દમાં આશા હોય છે.. કંઈક સારું થવાની આશ. શબ્દોના તાણાવાણા ગુંથીને તે વાચકના હૃદયની આરપાર નીકળે તે રીતે શ્યામલી તેની ગોઠવણી કરે છે. વાક્યનો આમ કઈ અર્થ ના હોય પરંતુ આખી વાર્તા વંચાયા બાદ તમને લાગે કે પેલું વાક્ય તો આ વાત કહેવા માગતું હતું. ને તે વાક્ય અને આખી વાર્તા ફરી ફરી વાંચવાની ઈચ્છા થાય..! પોતાનું એમબીએ પૂરું કરીને હવે તે મારી કંપનીમાં જોબ કરે છે અને એક બુક પણ લખી રહી છે..!


બસ હવે તારા આશીર્વાદ આપ અને તેને વહુ તરીકે સ્વીકાર..! શ્યામલીની લાંબીલચક ઓળખાણ આપી રહેલા પોતાના દીકરાને સુનયનાબહેન નીરખી રહ્યા.. લિસા ને મુલાયમ કાળા વાળ, એક ગાલ પર પડતું બદામ જેવડુ ખંજન, દાડમના દાણા જેવા એકસરખા સફેદ દાંત અને તેની ઘાયલ કરી મૂકે તેવી મુસ્કાન…!!! કૃષ્ણમ ઈચ્છે તો તેને કોઈ પણ રૂપની રાણી મળી શકે તો આ સરગવાની સીંગ જેવી પાતળી ને શામળી છોકરીને પ્રેમ કરવાની શું જરૂર હશે તેવું વિચારતા સુનયનાબહેન શ્યામલીને આંખો ઝીણી કરીને તપાસી રહ્યા..

શ્યામલીના ગયા બાદ દીકરાને લાખ સમજાવ્યો છતા શ્યામલીને પરણવાની વાત પર મક્કમ કૃષ્ણમ સામે તેમનું કઈ ના ચાલ્યું. પોતાની હજાર દલીલો સામે દીકરાની દલીલ હંમેશ એ જ રહેતી.., “તારો આ કાનુડો પણ કાળો જ હતો..!” આ સાંભળતા જ સુનયનાબહેન ચૂપ થઇ જતા.. બસ પછી તો કૃષ્ણમ અને શ્યામલીના લગ્ન થયા ને શરૂ થઇ જીવનની રોજિંદી ઘટમાળ..!

સુનયનાબહેન રોજ જ શ્યામલી સામે નાકનું ટેરવું ચડાવીને ફરતા. પરિવારમાં કોઈ પ્રસંગ હોય કે તેમનું ક્યાંય વ્યાખ્યાન.. વહુની ઓળખાણ કરાવતી વખતે તેમની આંખો નીચી નમી જતી.. તેમને શરમ આવતી એ કાળી છોકરીને વહુ કહેતા.. જાણે એ શ્યામ છોકરી ઓળખાણને પાત્ર જ ના હોય…! બને ત્યાં સુધી તેઓ કૃષ્ણમ સામે શ્યામલીને વગોવાનું ઓછું રાખતા.. પરંતુ દીકરાની ગેરહાજરીમાં શ્યામલી પર હંમેશા તેઓ ગુસ્સો કાઢતારહેતા.. તેના રૂપરંગ માટે તેને હંમેશ કોસતા રહેતા..!


ને આજે પણ જ્યારે લગ્નના ત્રણ વર્ષ બાદ શ્યામલીની સુવાવડ હતી ત્યારે સુનયનાબહેન શ્યામલીની તબિયતની ચિંતા કરવાને બદલે તેની કૂખેથી જન્મનાર બાળકના રંગ વિશે વિચારી રહ્યા હતા…! ઠાકોરજીના નામની માળા ફેરવી રહેલા મમીને દીકરા કૃષ્ણમે હલબલાવ્યાં ત્યારે તેઓ વિચારોમાંથી બહાર આવ્યા.. “મમી.. શું વિચારતી હતી? ક્યાં ખોવાઈ ગઈ હતી? ક્યારનો તને બૂમો પાડી રહ્યો હતો.. આમ સામે ઓપેરેશન થિયેટર સામે નજર નાખ. લાઈટ બંધ થઇ ગઈ છે. કદાચ ઓપેરેશન પૂરું થઇ ગયું હશે.. ડોક્ટર આવતા જ હશે.. શું તને ઉત્સુકતા નથી??”

સુનયનાબહેન દીકરાની વાત સાંભળીને કઈ બોલે તે પહેલા જ દરવાજો ખોલીને ડોક્ટર હાથમાં બાળકને લઈને નીકળ્યા.. હર્ષઘેલો કૃષ્ણમ તરત જ ડોક્ટર નજીક દોડ્યો…! “મારું બાળક મારા શરીરનો આ અંશ! મારુ સર્વસ્વ હવે તને સમર્પિત..!!!!” લોહી નીકળતા અને ટુવાલમાં લપેટાયેલા એ બાળકને જોઈને કૃષ્ણમના મોંમાંથી આ વાક્યો સરી પડ્યા.. સુનયનાબહેન પણ ઉત્સુકતા સાથે આગળ આવ્યા. “અભિનંદન..!!

બે કુળને ઉજાડનાર એવી દીકરી તમારે ઘેર પધારી છે. સાક્ષાત જગદંબાનું સ્વરૂપ એવી આ દીકરીને આનંદથી વધાવી લો..!” ડોકટરે બંને માઁ-દીકરાને અભિનંદન આપતા કહ્યું. સુનયનાબહેન દીકરી અવતરી છે તે સાંભળીને સહેજ ઝાંખા થઇ ગયા. પરંતુ તેમને ઉત્કંઠા તો તેનો રંગ કેવો છે તે જાણવાની હતી.. કૃષ્ણમ તો ક્યારનો શ્યામલી પાસે પહોંચી ગયો હતો. સુનયનાબહેન પણ ઓપેરેશન થિયેટરમાં આવીને બેઠા. તેમને રાહ હતી કે ક્યારે ડોક્ટર બાળકને સાફ કરીને લાવે અને તેનો રંગ જોવા મળે..!


એક લેખક અને વિચારક તરીકે તેમની આ માનસિકતા અત્યંત નિમ્ન કક્ષાની હતી તે જાણતા હોવા છતાં પણ તેઓ તેમાંથી બહાર નહોતા નીકળવા માગતા..!!! “આવો આવો ડોક્ટર. મારી દીકરીનું મોં જોવા દો મને..! મારી ઢીંગલી!” કૃષ્ણમે ડોક્ટરને જોતા જ કહ્યું. ને સુનયનાબહેનની આંખો પણ ચમકી.. પૌત્રીનું મુખ જોવા આતુર સુનયનાબહેને તેના તરફ નજર કરી કે તેમનું મોઢું વાંકુ થઇ ગયું.

“ચહેરે મહોરે અદ્દલ કૃષ્ણમ જેવી લાગતી તે બાળકી રંગે એકદમ શ્યામલી જેવી હતી.. ધ્યાનથી નજર કરતા તેના ગાલ પર પડતું ખંજન પણ મોહક લાગતું.. આંખો બિલકુલ કૃષ્ણમ જેવી અને હોઠ નાજુક નમણા.. પરંતુ સુનયનાબહેન આ બધું નિહાળવાને બદલે તેનો રંગ જ જોઈ રહ્યા હતા અને હૃદયમાંથી મૂક નિસાસા નાખી રહ્યા હતા.. તે દિવસે સુનયનાબહેનને જબરો આઘાત લાગેલો..! તેમણે વિચાર્યું હતું કે રૂપાળું બાળક અવતરે એટલે પોતાની બધી મંછાઓ પુરી થઇ જશે. રૂપાળી વહુની ખેવના તે આ તેના બાળકમાં જ મેળવી લેશે..! પરંતુ આ તો સાવ ઊંધા પાસા પડ્યા. આવનાર બાળક તો શ્યામલી જેવું જ શ્યામ હતું. પોતાના દીકરાના એ અંશ પર એમને જરાસરખુંય વહાલ ના આવ્યું..! તે દિવસે પણ નહી અને પછી પણ નહી…!!

બસ પછી તો વર્ષો વહી ગયા..


સુનયનાબહેન હવે સમગ્ર દેશમાં નામના મેળવી ચુક્યા હતા. શ્યામલી સુનયનાબહેનની જગ્યાએ ડિરેક્ટરપદ સુધી પહોંચી ગઈ હતી અને કૃષ્ણમ પણ પોતાની નોકરીમાં પ્રમોટ થઈને સીઈઓ બની ચુક્યો હતો. અને તેમની દીકરી પદ્યજા અઢાર વર્ષની થઇ ગઈ હતી..! સુનયનાબહેનને પોતાની પૌત્રી પ્રત્યે જરાય પ્રેમ કે લાગણી ના હતા. ત્યાં સુધી કે જન્મથી લઈને આજ સુધી તેઓએ પૌત્રીને વહાલથી પસવારી પણ નહોતી.. કિશોરાવસ્થામાં પદ્યજાને ક્યારેય પોતાની દાદીનો પ્રેમ નહોતો મળ્યો. મિત્રો અને સંબંધીઓ તેને કહેતા કે તે બહુ નસીબદાર છે કે સુનયનાબહેન જેવા સાહિત્યકાર તેના દાદી છે.. પરંતુ તે દાદીમાના એ અપાર જ્ઞાનના સાગરમાંથી ક્યારેય નાનકડી બુંદ પણ નહોતી પામી..! સમાજદર્શનનો શોખ રાખતા અને શબ્દોની કરામત વડે સાહિત્યનું સર્જન કરતા તેના દાદીમાએ ક્યારેય તેની પાસે બેસીને હેતનું હાલરડું નહોતું ગાયું. હંમેશ પોતાના અહંકારમાં મદમસ્ત સુનયનાબહેન માટે જાણે પદ્યજાનું કોઈ અસ્તિત્વ જ નહોતું..!!

તે દિવસે રવિવાર હતો.. અઢાર વર્ષની પદ્યજાને તેની માઁ શ્યામલી તૈયાર કરી રહી હતી. દીકરીને પાર્ટીમાં જવાનું હોય તેની માટે સરસ મજાના કપડાં અને અને મેચિંગ ઓર્નામેન્ટ્સ શ્યામલી લઇ આવી હતી. “માઁ, પ્લીઝ આ જરા પાવડર લાઈટ કર.. મને મારો જે રંગ છે તે બતાવવામાં કોઈ નાનમ નથી. આટલો હેવી મેકઅપ કરીને તું મને તૈયાર નહિ કર. ડેડી મને હંમેશા કે છે કે હું દુનિયાની સુંદર યુવતી છું. તો પછી મારે આ પાવડરની જરૂર જ નથી. એટલે પ્લીઝ ડોન્ટ ડુ ધીઝ..!”


આ સાંભળીને શ્યામલીને અચાનક જ પોતાની દીકરી પર વહાલ આવી ગયું..! જે વાતની લઘુતાગ્રંથિ તેને બાળપણથી હતી તે વાત તેની દીકરીમાં રતીભાર પણ નથી તે સાંભળીને તેને પદ્યજા પર બહુ ગર્વ થયો. પોતાના કાળા રંગને હંમેશ કોસતી શ્યામલીના જીવનમાં કૃષ્ણમ આવ્યો તે પછી તેને પોતાની સુંદરતાની વ્યાખ્યા ખબર પડી. પોતાની દીકરીને એનું સૌંદર્ય સમજવા માટે કોઈ પુરુષની જરૂર નથી એ જાણીને શ્યામલીને ખુશી થઇ. દીકરીને તૈયાર થયેલી જોઈ શ્યામલીએ તેના માથે હેતથી હાથ પસવાર્યો..!

પદ્યજાએ કહ્યું હતું કે તે એક સ્પેશિયલ ગેટટુગેધરમાં જાય છે તેથી શ્યામલી તેને વ્યવસ્થિત આઉટફિટ સાથે મોકલવા માગતી હતી. પદ્યજાને બાળપણથી પેઇન્ટીંગનો બહુ શોખ હતો. પરિવારના દરેક સભ્યની જેમ તેને પણ કળા વારસામાં મળી હતી. અને આજે આ પાર્ટી તેના પેઈંટીંગ્સના એક્ઝિબિશનને લગતી હોય શકે તેમ વિચારીને શ્યામલી કોઈ કસર છોડવા નહોતી માગતી..! “માઁ, ચિંતા નહિ કરતી. હું સમયસર આવી જઈશ…!” કહીને પદ્યજા ઘરેથી નીકળી..

શહેરના છેવાડે આવેલા તે ફાર્મહાઉઝમા તે દિવસે ટોચના તમામ સાહિત્યકારોનો મેળો ભરાયેલો હતો..! સાહિત્ય, કળા અને સંસ્કૃતિની સેવા કરવાનું પ્રણ લઈને બેઠેલા તે સાહિત્યકારો નવોદિતોને વધાવવા ખુબ ઉત્સાહિત હતા..! આ ટોચના સહુ સાહિત્યકારોમાં સુનયનાબહેન પણ સમાવિષ્ટ હતા..! તે લોકોએ આજે ખાસ નવોદિતોને આમંત્રિત કર્યા હતા કે જેથી તેમની આવનારી પેઢીની પ્રતિભા વિશે જાણી શકાય..! તેમાં દરેક ક્ષેત્રના નવોદિત ધુરંધરો હતા…!


“આદરણીય મહેમાનો…આ કાર્યક્રમની શરૂઆતમાં જ આપણે એક બહુમુખી પ્રતિભાને સાંભળવા જઈ રહ્યા છીએ..! તેઓ લેખક, નૃત્યકાર, ચિત્રકાર અને ગાયિકા પણ છે..! તો આવો તેમના મુખેથી તેમની લખાયેલી કવિતાનું પઠન સાંભળીએ.. તેઓ તેમના તખલ્લુસથી જ ઓળખાય છે.. સ્વાગત છે “સુશ્યામા” નું…! કાર્યક્રમનો આદર કરતા એનાઉન્સરે કહ્યું..!

સુનયનાબહેનના કાન આ નામ સાંભળી સરવા થઇ ગયા.. લગભગ છેલ્લા પાંચ વર્ષથી તેઓ આ નામની વ્યક્તિ સાથે મેઈલ દ્વારા વાતચીત કરી રહ્યા હતા.. સુનયનાબહેન તેની વર્ણનશક્તિથી અત્યંત પ્રભાવિત હતા..! ક્યારેય તે શિષ્યને મળવાનું નહોતું બન્યું પરંતુ તે શિષ્યના મેઈલ રોજ અચૂક હોય..! તેમને પોતાના વણજોયા તે શિષ્ય માટે બહુ હેત હતું.. તે શિષ્ય હંમેશા સુનયનાબહેનને કહેતી કે “તેમના થકી જ તે સઘળું શીખવા પામી છે“ ને આજે તે જ અહીં છે તે જાણીને સુનયનાબહેનને સાનંદાશ્ચર્ય થયું..! તેઓ “સુશ્યામા” ને સાંભળવા આતુર હતા..

“શ્યામરંગ એણે ના માગ્યો કદી, તોય પીડા સઘળી કેમ એને જ મળી???

પોતાના સમજીને ચાહવા છતાંય પારકાની જેમ અવગણના કરી..

મીરાંએ તો સદૈવ ચાહ્યા શ્યામને, ત્યાં કદીય રુપરંગની વાત ન નડી..

યશોદાએ ન કરી કદી ફરિયાદ, કેમ શ્યામરંગ પુત્રની તે માઁ બની..

શ્યામ જે તે પુજાયોં સર્વજગતમાં, તેના સરીખું રૂપ ધરાવનારાને કેમ ટીકા મળી…!”

ને તાળીઓના ગડગડાટ સાથે તે જગ્યાએ હાજર સૌએ તેને વધાવી લીધી.. એકમાત્ર સુનયનાબહેન તાળી ના પાડી શક્યા.. તેમની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા.. તેમને આંખો ઊંચી કરીને જોવાની પણ જરૂર ના હતી કારણકે આ અવાજ તેમની પોતાની પૌત્રી પદ્યજાનો હતો.. તેનું પઠન પૂર્ણ થયા બાદ સૌએ ઉભા થઈને તેને વધાવી..! પદ્યજાની નજર તો તેના દાદી તરફ જ હતી પણ સુનયનાબહેન નીચી નજર કરીને બેઠા હતા.. પદ્યજાએ માઈક લઇ અને બોલવાનું શરૂ કર્યું,


“વડીલો હું તમને મારી એક વાત કહેવા માંગુ છું.. હું શ્યામ છું તેથી મેં આજ સુધી ઘણાનો પ્રેમ નથી માણ્યો. ઘણી જગ્યાએ મને અવગણના પણ મળી છે.. અવહેલના તો સતત થઇ છે.. પરંતુ મને હંમેશ મારા પરિવારનો સધિયારો રહ્યો છે.. મારા માઁ-પાપા અને…અને મારા દાદીમા સુનયનાબહેન..!! હા અહીં હાજર છે તે જ જાણીતા સાહિત્યકાર સુનયના ઠક્કર..! મારા દાદીમા.. મારા ગુરુ..! મારી પ્રેરણા..! અને મારું બળ..! તેમણે મને આડકતરી રીતે બહુ મદદ કરી છે. મને સતત અવગણીને આ દુનિયા સામે મજબૂત બનાવી છે.. જયારે તમારા ઘરમાં જ તમારી અવહેલના થાય ત્યારે બહારના લોકોની ટીકાથી તમને કોઈ ફર્ક નથી પડતો..!

તેમના વિવેચનો તમને પ્રોત્સાહન આપે છે.. તમારી જાતને પુરવાર કરવાનું પ્રોત્સાહન..! ને બસ આ જ પ્રોત્સાહન મને મારા દાદીમા પાસેથી મળ્યું છે…!” ના એ કટાક્ષમાં નહોતી બોલી રહી.. સુનયનાબહેનને લાગ્યું તે પોતાની લાગણી વર્ણવી રહી હતી..! પોતાની વાત આગળ વધારતા તે બોલી.. “મેં એક ચિત્ર બનાવ્યું છે જે આપ સૌને બતાવવા ઈચ્છું છું..!” આટલું કહીને પદ્યજા સ્ટેજની સાઈડમાં રહેલું પોતાનું પેઇન્ટિંગ લઇ આવી..!
અદભુત કલાકારી ધરાવતા એ પેઇન્ટિંગમાં એક કોરું સફેદ પાના ધરાવતું પુસ્તક અને બાજુમાં એક કાળી શાહી ભરેલો ખડિયો પડ્યા હતા..! “આ બંને એકબીજાના પૂરક છે.. સફેદ પાનાં પર જ્યાં સુધી કાળી શાહીના અક્ષરો ના છપાય ત્યાં સુધી તેનું મૂલ્ય શૂન્ય છે.. તેનો મતલબ પણ શૂન્ય છે..!


આ સફેદ પાનું ક્યારેય એમ નથી કહેતું કે તે કાળી શાહીને પોતા પર નહિ જીલે.. કારણકે તે જાણે છે કે સફેદ શાહીથી લખાયેલા કોઈ અક્ષરો તેમાં નહિ વંચાય..! બસ માનવ સમુદાયનું પણ બિલકુલ આવું જ છું..! એકબીજા સાથે હળીમળીને રહેવા ભગવાને કોઈને ગોરા તો કોઈને શ્યામ તો ઘઉંવર્ણો રંગ આપ્યો છે.. એકબીજા થકી તેઓ છે..! એકબીજામાં ભળવા અને સમાવા માટે આ અલગ અલગ રંગ મળ્યા છે..! તેનો મતલબ એવો નથી હૃદય દરેકના જુદા રંગના છે..

જેમ કાળી શાહી અને સફેદ પાનું એક પુસ્તકના ભાગ છે તેમજ આ વિશ્વના દરેક માનવનું હૃદય સ્વચ્છ અને લોહી લાલ છે..! એટલે જ હું કહેવા માંગુ છું કે શ્યામ રંગના તમારા કોઈ વ્યક્તિને તરછોડો નહીં.. તે પણ પ્રેમના હકદાર છે..!” ને આટલું બોલતા બોલતા તો પદ્યજા રડી પડી. સુનયનાબહેન દોડતા સ્ટેજ પર ગયા અને પોતાની પૌત્રીને છાતીએ વળગાડી દીધી..! તેમને અને ત્યાં હાજર સૌને વિશ્વાસ હતો કે હવે આવનારી પેઢીના હાથમાં સાહિત્ય સુરક્ષિત છે..!

પદ્યજા અને સુનયનાબહેન સાથે જ ઘરે પહોંચ્યા..! શ્યામલીને પણ તે દિવસે પહેલી વાર સુનયનાબહેને પ્રેમથી પસવારી.. બાજુમાં બેઠા અને અગણિત વાતો કરી.. માઁ પાસેથી બધી હકીકતની જાણ થતા જ કૃષ્ણમને પોતાની દીકરી પર ગર્વ થયો..! દીકરાના લગ્નના એકવીસ વર્ષ પછી તે દિવસે સુનયનાબહેનના સંપૂર્ણ પરિવારે સાથે બેસીને નિર્દોષ હાસ્ય માણ્યું..!!!!!

લેખક : આયુષી સેલાણી

દરરોજ આવી અનેક વાર્તા વાંચો તમારા ફેસબુક પર લાઇક કરો અમારું પેજ.