મૈસુર મસાલા ઢોસા – શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે સેમ ટુ સેમ સાઉથ ઇન્ડિયન જેવા જ…

મૈસુર મસાલા ઢોસા , આપણા મસાલા ઢોસા કરતા અલગ હોય છે , કેવી રીતે !!?? એની લાલ લસણ ની ચટણી ના લીધે …. એકદમ ટેસ્ટી, તીખી અને મસ્ત આ ચટણી ,ઢોસા નો સ્વાદ જ ઉત્તમ બનાવી દે છે. સાથે બટેટા નો મસાલો ઢોસા ને સંપૂર્ણ બનાવે છે. આ ઢોસા ને ટોપરા ની ચટણી સાથે પીરસાય છે.
તો ચાલો આજે જોઇયે મૈસુર મસાલા ઢોસા ની રીત

સામગ્રી :
લાલ લસણ ની ચટણી માટે

1/4 વાડકો ચણા ની દાળ,

15-17 લાલ સૂકા મરચા,

10-12 લસણ ની કળી,

1/2 વાડકો સમારેલી ડુંગળી અથવા 7 થી 8 ઝીણી ડુંગળી,

નાનો ટુકડો આમલી,

મીઠું, સ્વાદ મુજબ,

બટેટા ના મસાલા માટે,

3-4 મોટા બટેટા,

1/2 વાડકો સમારેલી ડુંગળી, બારીક અથવા સ્લાઈસ,

2 મોટી ચમચી બારીક સમારેલા ગાજર,

1 ચમચી લીલા મરચાં, બારીક સમારેલા,

1 ચમચી છીણેલું આદુ,

1/6 ચમચી હળદર,

મીઠું,

વઘાર માટે,

1 ચમચી તેલ,

2/3 ચમચી રાઈ,

1 ચમચી અડદ ની દાળ,

2 ચમચી ચણા ની દાળ,

થોડા લીમડા ના પાન,

1/4 ચમચી હિંગ,

રીત ::
બટેટા ધોઈ , 2 કટકા કરી બાફી લેવા. ધીમી આંચ પર 3 સીટી સુધી બાફવા. ત્યાર બાદ છાલ ઉતારી ખમણી લેવા.

એક કડાય માં તેલ ગરમ કરી તેમાં અડદ ની દાળ અને ચણા ની દાળ ઉમેરો . દાળ થોડી બ્રાઉન થાય એટલે એમા રાઇ , લીમડા ના પાન અને હિંગ ઉમેરો. ત્યારબાદ એમાં સમારેલી ડુંગળી, આદુ, લીલા મરચા , ગાજર ઉમેરી એકાદ મિનિટ માટે શેકો ..

હવે એમા છીણેલા બટેટા , મીઠું ઉમેરી 1/4 વાડકો પાણી ઉમેરી સરસ મિક્સ કરો. 2 થી 3 મિનિટ માટે થવા દો ..

તૈયાર છે ઢોસા માં ભરવાનો બટેટા નો મસાલો ..

લાલ લસણ ની ચટણી માટે..

ચણા ની દાળ અને લાલ સૂકા મરચા ને 2 થી 3 ટીપા તેલ માં શેકી લો ..

ત્યારબાદ તેમાં ડુંગળી અને લસણ પણ ઉમેરી 2 મિનિટ શેકી લો..

મિક્સર માં બધું ભેગુ કરી તેમાં મીઠું અને આમલી નો ટુકડો ઉમેરી વાટી લો. પાણી થોડું જ ઉમેરવું. ચટણી જાડી પણ પાથરી શકાય એવી હોવી જોઈએ .. આ ચટણી એકદમ તીખી જ હોય , નહીં તો સાદા મસાલા ઢોસા જેવો જ ટેસ્ટ આવશે.

હવે ઢોસા નું ખીરું તૈયાર કરો. ગરમ નોન સ્ટિક તવા પર ઢોસો પાથરો. થોડી સેકેન્ડ પછી જ્યારે ઢોસો થોડો શેકાય એના પર ચમચી થી લસણ ની ચટણી પાથરો. ઢોસા ની કિનારી પર ઘી કે તેલ નાખો.

ત્યારબાદ તેના ઉપર 2 થી 3 ચમચી બટેટા નો મસાલો પાથરો.. ઢોસા ને ઉલટો કરવાની જરૂર નથી.

બસ ઢોસા ને વાળી ને ચટણી ની સાથે પીરસો…

આશા છે આપ સહુ ને પસંદ પડશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

આપને આ વાનગી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો, ફરી મળીશું બીજી ટેસ્ટી વાનગી સાથે,