મહેંદી રંગ લાગ્યો – એક જ અનાથઆશ્રમમાં મોટી થયેલ અને આપલે એક વચન હવે કેવીરીતે કરશે પૂરું…

“અરે માઈરા, મહેંદી જ તો છે.. સવારે લગાવી લેજે ને.. કેમ એટલામાં રડી રહી છે??” “મહીશા, મહેંદી ફક્ત લાલ રંગ કે કાળો રંગ નથી મારા માટે. નાની-મોટી આડી-અવળી ડિઝાઇન નથી આ મહેંદી. મહેંદી સાથે તો મારું બાળપણ જોડાયેલું છે. સંભારણા જોડાયેલા છે.. તને ખબર તો છે કે મહેંદી લગાવ્યા પછી મહેંદીનો રંગ જ્યાં સુધી ઘાટો ના થાય ત્યાં સુધી હું કંઈ કરતી પણ નથી.. અને આ તો તારા લગ્નની વાત છે.. મારી બેસ્ટ ફ્રેન્ડના લગ્ન હોય અને હું મહેંદી સવારે લગાવું એમ કેમ બને..!”


માગશર મહિનાની તે સવાર ખુશીઓનું ટોપલું ભરીને આવી હતી.. માઈરાની ખાસ મિત્ર મહીશાના લગ્ન હતા. બન્ને બાળપણથી જ સાથે રમેલા. ઘર-ઘર રમતા ત્યારે હંમેશા મહીશા પતિ બનતી અને માઈરા પત્ની. અદ્દલ સાચા પતિ-પત્ની જેવી જ બંને એક્ટિંગ કરતા. આજે એ જ મહીશા પોતાના જીવનના અસલ પતિદેવને વરવા જઈ રહી હતી.. ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ ગોઠવાયેલી હતી. મહિશાનો પતિ માહિર દિલ્હીમાં એડવોકેટ હતો.. બન્ને એક સમર કેમ્પમાં મળ્યા અને પ્રેમ થઇ ગયો.. પહેલોવહેલો ફોન મહિશાએ માઇરાને જ કર્યો હતો..

બાળપણથી જ અનાથાશ્રમમાં ઉછરેલી બંને બહેનપણીઓ વચ્ચે અપાર હેત હતું.. માઈરા જ્યારે નવ વર્ષની હતી ત્યારે તે આશ્રમમાં આવેલી. મહીશા તો પહેલેથી જ અમદાવાદના તે આશ્રમમાં મોટી થઇ હતી.. માઈરા આવતા જ મહીશા તેનામા ઓતપ્રોત થઇ ગયેલી. પછી તો બંને આખો દિવસ સાથે જ હોય.. સાતમ-આઠમના મેળાથી લઈને ગામમાં કોઈ મઁગળફેરા ફરતા હોય તેમાં પણ બંને સાથે ને સાથે જ.. બંને કહેતી કે અમે લગ્ન તો એક જ ઘરમાં કરીશું કે જેથી જુદા ના થઈએ.. આજે મહીશાને પ્રેમ થઇ ગયો તેમાં કદાચ ક્યાંક તે વચન તૂટી ગયું પરંતુ માઈરા મહીશા માટે ખુબ ખુશ હતી.. બસ આ મેહંદીનો લગાવ તેનો છૂટતો ના હતો.


“હા માતાજી.. બસ કરો હવે. ચાલ આમ પણ રાજસ્થાની લોકો મહેંદી માટે બહુ પ્રખ્યાત હોય છે.. નીચે ઉતરીને હોટેલમાં પુછપરછ કરીએ. કોઈ તો મળી જ જશે..!” એમાં એવું થયું હતું કે મહીશાની મહેંદી મુકવા વાળી છોકરી આવીને એને મહેંદી મૂકી અને બીજા બધા સંબંધીઓને મહેંદી મૂકીને ચાલી ગયેલી. તે સમયે માઈરા ઉદયપુરમાં બધું જોવા ગઈ હતી.. તેથી તે મહેંદી ના મુકાવી શકી. અત્યારે એટલે જ તે ખુબ ઉદાસ હતી.

કારણકે તેની બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં તેનો હાથ ખાલી હતો. કોરો હતો. ડેસ્ટિનેશન વેડિંગમાં આમ તો બધા જ ફન્કશન હોય.. મહેન્દીથી લઈને સંગીત સુધી.. પરંતુ માહીરના ઘરના કોઈ મહેંદી ના લગાવતા એટલે મહિશાએ નાનકડું ફન્કશન જ રાખ્યું હતું અને એમાંય માઈરા તો ઉદયપુર જોવા ચાલી ગયેલી. અત્યારે રાતના એક વાગ્યે બંને બહેનપણીઓ રૂમમાંથી નીકળીને હોટેલના રીશેસ્પશન કાઉન્ટર પર આવી હતી..

“એકસ્ક્યુઝ મી.. અહીં અત્યારે કોઈ મહેંદી લગાવવા માટે મળશે કે..?!” મહીશાએ કાઉન્ટર પર હાજર છોકરીને પૂછ્યું. “અરે હા હા મેડમ. અમારા મેનેજર સાહેબના બહેન બહુ જ સરસ મહેંદી મૂકે છે. આમ એ કોઈને મૂકી નથી આપતા પરંતુ આપ અમારા વેલ્યુએબલ ગેસ્ટ છો એટલે હું મેનેજર સાથે વાત કરું છું..”


રીસેપ્નીશ્ટની વાત સાંભળી મહીશાને થોડું સારું લાગ્યું કે ચલો વાંધો નહિ આવે હવે માઇરાને…! મહીશા વિચારોમાં ખોવાયેલી હતી ને માઈરા પોતાના મોબાઈલમાં ત્યાં જ રીસેપ્નીશ્ટ આવી અને તેણે કહ્યું કે મેનેજર સાહેબે હા કહી છે અને તેમની જ કેબિનમાં થોડી વારમાં તેમની બહેન આવે છે..

માઈરા આ સાંભળી ખુબ ખુશ થઇ અને મહીશાને પણ હાશ થઇ.. આમ તો અહીં ઉદયપુરની આ રિસોર્ટમાં ઘણા બધા મહેમાનો હાજર હતા.. પરંતુ તે બંને અનાથ છોકરીઓનું પોતાનું કહેવાય તેવું કોઈ પિયરિયાનું ના હતું.. માહિર પણ તે જ રિસોર્ટમાં હતો પરંતુ મહીશાએ તેને કંઈ જ જાણ નોહતી કરી. તે બંને છોકરીઓ એકલી જ આ રીતે નીચે આવી ગયેલી.

“માહી, જ્યાં સુધી મેનેજર ના બોલાવે ત્યાં સુધી ચાલને જઈને બહાર તળાવની પાળે બેસીએ..” માઇરાએ મહીષાને કહ્યું. મહીશા અમદાવાદમાં ફેશન ડિઝાઈનર હતી.. તેનું પોતાનું બુટિક પણ હતું. એટલે તેની આવક વ્યવસ્થિત હતી પરંતુ માઈરા હંમેશા ક્યાંક ને ક્યાંક રખડતી રહેતી. તેને પહાડોમાં અને પર્વતોમાં ફરવું ખુબ જ ગમતું. દુનિયાથી દૂર પોતાનામાં ઓતપ્ર્રોત થઈને તે જિંદગીને જીવી રહી હતી.. ક્યારેક ક્યારેક બાળપણની ધૂંધળી વાતો તેના મગજમાં છવાઈ જતી પરંતુ તેને કશુંય સ્પષ્ટ યાદ ના આવતું. નવ વર્ષની ઉંમરે આ અનાથાશ્રમમાં તે આવી હતી.. તેને યાદ આવી ગઈ તે દિવસની સવાર..


ત્યારે તે ફક્ત નવ જ વર્ષની હતી.. અચાનક ટ્રેઈનની વહીસલ વાગતા જ તે સફાળી બેઠી થઇ ગઈ.. તેના માથામાંથી લોહી વહી રહી હતું અને કપડાં પણ ઠેરઠેરથી ફાટી ગયેલા હતા. ટ્રેનના બાથરૂમ પાસે તે સાવ નંખાઈ ગયેલી હાલતમાં ટૂંટિયું વાડીને પડી હતી.. તેને પોતાને પણ ખબર નહોતી કે તે અહીં કેવી રીતે પહોંચી. તેની આંખ ઉઘડતા જ તેણે જોયું તે અમદાવાદ રેલવે સ્ટેશન હતું..

ટ્રેનમાંથી ઉતરીને તેણે સ્ટેશનમાં બોર્ડ વાંચ્યું. કેટલીય વાર અન્યમસ્ક બનીને પોતે તે બોર્ડને તાકી રહેલી.. તેના હાથ પર નજર પડતા જ તેણે જોયું કે હાથમાં કેસરી કલરની અલગ અલગ ડિઝાઇન બનાવેલી હતી. એક પર એક બનાવવાના લીધે તે બધી જ ડિઝાઇન્સ એકબીજામાં ભળી ગયેલી… તેને થયું કે મહેંદી છે આ તો જે પોતાને બહુ જ પ્રિય છે.. પરંતુ મહેંદી સિવાય કશું યાદ નહોતું આવતું.. તેના માઁ-બાપ ક્યાં હશે કોણ હશે બધું જ જાણે તે ભૂલી ગયેલી. ઘણી વાર થયા પછી કોઈકે તેને લોહી નીકળતી હાલતમાં જોઈને પાસે બોલાવેલી અને કહ્યું કે બેન શું નામ તારું..

આ સ્ટેશનને અડીને જ અનાથાશ્રમ છે.. ત્યાં હોસ્પિટલ પણ છે. તને સારું ના લાગતું હોય તો ત્યાં જતી રે.. તેમની વાત સાંભળીને પોતે તે અનાથશ્રમમાં ગઈ હતી.. ઓફિસના મેડમે જયારે પૂછ્યું કે તારું નામ શું.. ત્યારે પોતે ફટાક દઈને જવાબ આપેલો કે માઈરા.. બસ તે દિવસ અને આજનો દિવસ. નામ સિવાય તેને કશું યાદ નહોતું.. ત્યારબાદ માઈરા અને મહીશાની જોડી બની ગયેલી. ત્યાં સુધી કે માઇરાને હાથખર્ચી પણ મહીશા જ આપતી.


“માઈરા.. શું વિચારે ચડી ગઈ છે ક્યારની.? જો ને કેવો સરસ ચાંદો છે.. મને માહીરની યાદ આવી રહી છે.. ચાલ હું એને ફોન કરી લઉં.. રૂમથી બહાર બોલાવી લઉં..!!”” મહીશાએ માઇરાને કહ્યું… માઇરાએ હસીને હા કહી.. તેના મગજમાં વિચારો ઘૂમરાવા લાગ્યા.

“સંબંધની આ ચરમસીમા હશે ને જ્યારે એકબીજાનો સાથ જ ઝંખવાની આકાંશા હશે….!!!! આ છોકરી જે કદીયે કોઈ છોકરા સામે નજર ના કરતી.. હંમેશા મારી સાથે રહેવાની વાતો કરતી.. ત્યાં સુધી કે લોકો અમને લેસ્બિયન કહેતા એ જ છોકરી આજે એક છોકરા માટે પાગલ થઇ રહી હતી.”

ઓળખાણ વગરની, અટક વગરની તે બંનેની આ મિત્રતા પણ અજીબ હતી. માઈરા ક્યારેક ક્યારેક પોતાનું બાળપણ યાદ કરવા પ્રયત્ન કરતી પરંતુ તેને હંમેશા મહેંદી જ દેખાતી.. નાનકડા નાજુક હાથમાં કોઈ સરસ મજાની ભાત પાડી રહ્યું હોય તેવું તેને સ્વ્પ્ન આવતું.. સામેવાળી સ્ત્રીનો હાથ પણ આખો મ્હેંદીથી ભરાયેલો હોય અને તેના હાથમાં લાલ રંગનો ચૂડો અને ચારેય આંગળીઓમાં મસમોટી વીંટી હોય તેવું તેને દેખાતું.. પરંતુ આ સિવાય તેને બીજું કશુંય યાદ ના આવતું.. એટલે જ તે હંમેશા બધાને કહેતી કે પોતાને મ્હેંદીથી ગજબનો લગાવ છે.. અને આ જ માન્યતાના કારણે તે જયારે પણ મહેંદી લગાવતી ત્યારે તે મહેંદીને, પોતાની હથેળીને, એ લાલ રંગને એકીટશે નીરખી રહેતી. કેમ જાણે તેના સઘળા સવાલોનો જવાબ તે મ્હેંદીના રંગમાં સમાયેલો હોય..


આકાશના એક તારા તરફ તાકીને બેઠેલી માઇરાને અચાનક જ રીસેપ્નીષ્ટએ બોલાવી. મહીશા તેની પાસે આવીને બેઠેલા માહિર જોડે વાતો કરવામાં મશગુલ હતી તેથી તેને દૂરથી જ “હું મહેંદી મુકાવી આવું.” તેવો ઈશારો કરી માઈરા અંદર ગઈ..

મેનેજરની કેબિનમાં જતા જ પહેલા તેની નજર ત્યાં બેઠેલી એક સુંદર યુવતી પર પડી.. રાજસ્થાની ચણિયાચોળીમાં સજ્જ તે યુવતી બાવીસેક વર્ષની હશે. કાનમાં તેણે પહેરેલા ઝૂમકાનું વજન તેના સપાટ પેટ કરતા વધારે હશે. લાંબા વાળને તેણે ચોટલામાં ગુંથ્યા હતા અને અને આગળની તેની લટો કપાળ પર આવી તેને વધારે નાજુક-નમણી બનાવી રહી હતી.. તેના સૌંદર્યને નિહારવામાં વ્યસ્ત માઈરાનું ધ્યાન તેની પાછળ આવીને ઉભેલા મેનેજર તરફ પડ્યું જ નહિ..

“મેડમ. મારી બહેન ખાસ આપના માટે અહીં મહેંદી મુકવા આવી છે.. મારી માઁને પસંદ નથી છતાં પણ મેં બોલાવી છે.. એટલે આપ જરા જલ્દી કરશો તો વધારે સારું રહેશે…!” મેનેજરની ટકોરે માઇરાને સજાગ કરી.. “અરે જી જી બિલકુલ. આપને તકલીફ આપવી મને પણ નહિ જ ગમે. પરંતુ આપના બહેન એટલા સુંદર છે કે તેમને જોવામાં જ હું મશરૂફ થઇ ગઈ..! તેમનું નામ શું છે..?!”

“મૃતંગી…! અને હું માર્દવ. માર્દવ ભટનાગર…!” મેનેજરનું નામ સાંભળીને અચાનક માઇરાને કંઈક ખુંચ્યુ. પરંતુ તે કળી ના શકી કે એ શું હતું. હૃદયમાંથી જાણે એક ટીસ ઉઠી. તેની ચકોર નજર મેનેજરને તાકી રહી હતી.. છ ફૂટની હાઈટ, સપ્રમાણ બાંધો, શરીર સૌષ્ઠવ જાણે કામદેવ જેવું અને તેની માછલી જેવી તીણી ભૂરી આંખો માઇરાને અંદર સુધી હલબલાવી ગઈ..! અચાનક જ કશુંક પડવાનો અવાજ આવતા માઈરા સજાગ થઇ અને તેણે પોતાનો હાથ આગળ કર્યો.

Hands Bangles Design Festive Mehndi

મ્રુતંગીના હાથમાં જાદુ હતો. વીસ મિનિટમાં તો બંને હાથ અડધા સુધી તેણે ભરી દીધા. બારીક એવી ડિઝાઇનથી માઈરાનો નાજુક હાથ વધારે અણિયાળો લાગી રહ્યો હતો.. મૃતંગી ચુપચાપ માઈરાના હાથમાં ભાત પાડ્યે જતી હતી.. કેમ જાણે તેને રોજની આદત હોય..!

મહેંદી પુરી થતા જ માઇરાએ મૃતંગી અને માર્દવનો આભાર માન્યો અને કેબિનમાંથી નીકળીને પોતાના ઓરડા તરફ ગઈ.. પરમ દિવસે મહીશાના લગ્ન હતા અને કાલે સાંજે સંગીત… માઈરા છેલ્લા એક મહિનાથી સંગીતમાં ડાન્સ કરવા માટે પ્રેક્ટિસ કરી રહી હતી… પરંતુ અત્યારે તેને લાગ્યું કે કાલનો દિવસ તેણે ઉદયપુરને ફરી જોવામાં, આ મેનેજરની બહેનને મળવામાં ગાળવો પડશે. કશુંક ખોવાયેલું જડી જવાનું હોય તેવી આશા બંધાઈ રહી હતી માઇરાને. કેબીનમાથી નીકળીને તે બહાર તળાવની પાળે બેઠી. મહીશા કદાચ અંદર ચાલી ગઈ હતી. આમ પણ માહીરના પરિવારથી છુપાઈને આ સમયે બંને મળ્યા હતા તેથી વધારે સમય સાથે રહેવું ઉચિત નહોતું જ..

તળાવની પાળ પર બેસીને માઈરા વિચારોમાં ખોવાઈ ગઈ. સોથી પણ વધુ તળાવ ધરાવતું આ ઉદયપુર કેમ પોતાને આટલું આકર્ષિત કરે છે તે માઇરાને સમજાતું નહોતું. આ ગલીઓ, આ તળાવ, તળાવનું પાણી અને ઉદયપુરની હવા શ્વાશમાં ભરીને કેમ ઉછળવાની ઈચ્છા થાય છે તે માઈરા સમજી નહોતી શકતી… આજ સુધી લગ્ન, છોકરાઓ કે વિવાહિત જીવન વિશે વિચાર્યું પણ નહોતું અને આજે પોતાને આ માર્દવને જોઈને કેમ તેની સાથે હંમેશ બંધાઈ જવાની મહેચ્છા જાગી રહી છે તે માઇરાને સમજાતું નહોતું. ક્યાંય દૂર સુધી ક્ષિતિજમાં તાકી રહેલી માઇરાને ઊંઘ આવતા તે રિસોર્ટમાં આવીને પોતાના ઓરડાના ચાલી ગઈ..


કદાચ પાછળ વળીને જોયું હોત તો તેને ખ્યાલ આવત કે પોતે એકલી જ પ્રેમ અને હૃદયના એ ઘમાસાણ યુદ્ધમાં ઘેરાયેલી નથી.. માર્દવની પણ એ જ હાલત હતી.. બીજા દિવસની સવાર સોનેરી હતી અને માઈરાના સપનાઓને ચળકાટ આપવા માગતી હોય તેમ ઝાંકળભરી ખીલી હતી.. “માહી, સાંભળને તું આજે તારા સાસરિયાઓ અને અનાથશ્રમના બીજા લોકો જોડે રહેજે હો.. મારે અગત્યનું કામ પતાવવાનું છે તેથી હું કદાચ આખો દિવસ બહાર જ રહું..!”

જાગીને તૈયાર થઈને બેઠેલી મહીશાને માઇરાએ કહ્યું. માઈરા આજનો આખો દિવસ ઉદયપુરમાં ફરવા માગતી હતી. તેના મનમાં જાગેલા સવાલોના તે જવાબ ખોજવા માગતી હતી. મહીશાએ માઈરાની તે વાત સાંભળી ગુસ્સો કર્યો પરંતુ જ્યારે માઇરાએ ખુલાસો આપ્યો ત્યારે મહીશાને પણ તેની વાત યોગ્ય લાગી.. રિસેપશન કાઉન્ટર પર જઈને તેણે માર્દવના ઘર વિશે પૂછ્યું. માર્દવ કદાચ તેની કેબિનમાં જ હતો.. તેને કહેવાનું યોગ્ય ના લાગતા માઈરા સીધી કાઉન્ટર પરથી એડ્રેસ લઈને નીકળી પડી. રીસેપ્નીશ્ટને તેણે કહ્યું કે તે માર્દવની બહેન મૃતંગીને આભાર કહેવા ઈચ્છે છે..

ઉદયપુરમાં તેની કોઈ જ ઓળખાણ નહોતી એટલે માઇરાને માર્દવના ઘરથી જ શરૂઆત કરવાનું મુનાસીબ લાગ્યું. સાઇકલ રિક્ષામાં તે શહેરના છેવાડે આવેલી એક નાનકડી બંગલી પાસે પહોંચી. શાંત વાતાવરણ અને બંગલીની આગળ ખુબ મોટો બગીચો હતો.. જાતજાતના પુષ્પોથી મઘમઘતો આ બગીચો તેને કંઈક પરિચિત લાગ્યો. તેના મનમાં વિચારો વાયુવેગે ફરી રહ્યા હતા.. એવું લાગી રહ્યું હતું જાણે તેના સઘળા સવાલોનો જવાબ અહીં જ કશે છે..

બંગલીનો દરવાજો ખુલ્લો જ હતો.. એ ધક્કો મારીને અંદર પહોંચી. હોલમાં એકદમ સાદું ફર્નિચર હતું.. ઘરની દીવાલો સફેદ રંગની હતી અને દરેક જગ્યાએ સ્વ્ચ્છતા અને સાદગી ઉભરીને દેખાઈ રહી હતી.. માઈરા ઘરમાં ફરીને બધું જોઈ રહી હતી ત્યાં જ અચાનક મૃતંગી આવી અને બોલી.. “અરે માઈરા.. તમે અહીં??? આવો આવો.. બેસોને..! તમને અહીંનું એડ્રેસ ક્યાંથી મળ્યું?? કંઈ કામ હતું તો મને જ બોલાવી લેવાય ને તો હું આવી જાત રિસોર્ટ પર..!”


“ઓહ મૃતંગી. મેં કાઉન્ટર પરથી જ એડ્રેસ લીધું અહીંનું. આ તો મને તને મળવાનું મન થયું એટલે આવી પહોંચી.. તને ગઈકાલે જોઈ ને ત્યારથી આમ મનમાં અજંપો રહ્યા કરે છે.. થયું એક વાર તને મળી જ લઉં..!” માઈરાની વાત સાંભળી મૃતંગીને પણ નવાઈ લાગી. તેણે માઇરાને બેસાડી અને કહ્યું કે પોતે આવે છે તેની માઁને લઈને..

માઈરા સોફા પર બેસીને બધું ધ્યાનથી જોઈ રહી હતી. ત્યાં જ મૃતંગી આવી… તેનો હાથ પકડીને એક સીતેર વર્ષના માજી આવી રહ્યા હતા. નિસ્તેજ ચહેરો અને ઊંડી ઉતરી ગયેલી આંખોમાં વૃદ્ધત્વ દેખાતું હતું. આખા શરીરે તેમને કોઢ થયેલો. તે માજીને જોઈને માઈરા ચોંકી ગઈ.. તેને લાગ્યું જાણે પોતે તેમને બહુ નજીકથી ઓળખે છે.. માઇરાને જોઈને એ માજી પણ હરખાઈ ગયા હોય તેમ સહેજ વાંકા હોઠ કરીને હસી પડ્યા. મૃતંગીને હજુ પણ આ અજીબ લાગતું હતું…

તે માજી ધીરે ધીરે કરતા માઈરાની નજીક આવ્યા અને તેને મનભરીને નીરખી રહ્યા. “દીકરી તું માઈરા છે ને..?! તું મારી માયું છે ને? મારા ચરણસિંહ અને લીલાવતીની માયું છે ને તું???” તે માજીની વાત સાંભળી માઇરાને કઈ જ સમજાતું નહોતું. ચરણસિંહ કોણ અને લીલાવતી કોણ..!! મૃતંગી પણ અચંબિત હતી.. એ બંનેનો ચહેરો જોઈને તે માજી ઉર્ફે શાંતાતાઈને લાગ્યું કે માંડીને જ વાત કરવી પડશે..

“માઈરા દીકરી. આ મૃતંગી છે ને એ તારી બહેન છે.. તારી નાની બહેન. તારી પોતાની સગી બહેન. તને જોઈ ને ત્યારે જ મને વિશ્વાસ આવી ગયો કે તું માઈરા જ છે કારણકે તારા ચહેરામાં લીલવતીનો જ અણસાર હતો અને ઉપરથી લીલાવતી પહેરે તેવી કાનની કડી તે પહેરી છે.. આ કડી લેવા લીલા ભેગી હું જ તો ગઈ હતી. આવી ભાત હવે ક્યાંય ના મળે… અને પાછું મેં જયારે તને માઈરા કહ્યું ત્યારે તે વિરોધ પણ ના કર્યો કે તારું નામ માઈરા નથી.. એટલે તો મને પાકી ખાતરી થઇ ગઈ કે તું જ માયું છે.. મારી માયું.”


માઇરાને યાદ આવ્યું કે હા આ કડી તો પોતાના કાનમાં બાળપણથી જ છે પણ ક્યારેય યાદ ના આવતું કે ક્યાંથી અને કોણે પહેરાવી છે.. માજીએ વાત આગળ વધારતા કહ્યું..

“બેટા તારા પિતાજી ચરણસિંહ ઉદયપુરના બહુ મોટા માણસ… ગામમાં તેમના જેવી હવેલી કોઈનીયે ના જડે. તારા દાદા-પરદાદાએ તો મહારાણા પ્રતાપના વંશજો જોડે દરબાર ભર્યો હતો.. પાકા વાણિયા હતા તારા પિતાજી. તારા પિતાજીને હરિજનની દીકરી લીલાવતી સાથે પ્રેમ થઇ ગયો.. લીલાવતી ચરણસિંહની દુકાને સામાન લેવા આવતી તેમાં જ તેમની નજર મળી ગઈ ને હૈયા હરખાઈ ગયા. ચરણસિંહને માં નહોતી એટલે નાનપણથી મેં જ મોટો કરેલો. તે બંનેના પ્રેમની હું સાક્ષી હતી. જયારે તેને લીલાવતી સાથે પ્રેમ થયો ત્યારે સૌથી પહેલા તેણે મને જ કહેલું..

ચરણસિંહના પિતાજી ગનિમતબાપુ વાત નહિ માને તેની મને ખાતરી હતી એટલે મેં તે બંનેને ભગાડી દીધા.. ચરણસિંહ લીલાવતી માટે કઈ પણ કરવા તૈયાર હતો.. રૃડી-રૂપાળી એવી લીલાવતી અપ્સરાનેય આંટી મારે તેવી સુંદર.એમાંય મહેંદી તેની ખાસિયત… તેને મહેંદી મુકવી બહુ જ ગમતી. ગામેગામથી લોકો તેને મહેંદી મુકવા તેડાવતાં. પરંતુ તે હરિજન છે તેવું જાણીને તરત જ તેનાથી આઘા થઇ જતા. લીલાવતીને તે વાતનું બહુ લાગી આવતું.. પરંતુ તેની પાસે કોઈ ઉપાય નહોતો.. ચરણસિંહને મળ્યા બાદ તેને લાગ્યું કે લગ્ન પછી તેને સન્માન મળશે તો પોતાનો મહેંદી મુકવાનો વ્યવસાય તે ખુબ સારી રીતે ચલાવી શકશે.. તે જ વિચારીને તેણે લગ્ન કર્યા.. પરંતુ લગ્ન પછી ભાગવાનું થયું અને એમાંય ગનિમતબાપુએ રાજાને કહીને ગામ આખામાં ઢંઢેરો પિતાવેલો કે ચરણસિંહ ક્યાંય દેખાય તો તેને પકડી લેવો. પરંતુ ચરણ અને લીલા ભાગવામાં સફળ થયા..


ગુજરાત રાજસ્થાનની બોર્ડર પાસે આવેલા શામળાજીમાં બંનેએ પોતાનું નવું જીવન આરંભ્યું. શરૂઆતમાં લીલા બધાને મહેંદી મુકવા જતી અને તેમાંથી મળતા પૈસામાં તેમનું ગુજરાન ચાલતું. પછી ચરણે ત્યાં કરિયાણાની દુકાન કરી હતી.. મને કોઈ ને કોઈ રીતે ચરણ ચિઠ્ઠી મોકલાવી દેતો. મારા ઘરના સરનામે અહીં આ જ બંગલીએ. ત્યારે તો સાવ ઝૂંપડી જેવું જ હતું. હું ખુશ હતી એ બન્ને સુખી છે તે જાણીને. એક વર્ષ બાદ તારો જન્મ થયો અને બંનેના જીવનમાં નવા રંગો ખીલ્યા. તને બંને બહુ લાડકોડથી ઉછેરતા.

હું પણ કોઈ કોઈ વખત શામળાજી આવીને તમને મળી જતી.. તારી માઁનો મહેંદીનો શોખ તારા હાથ પર દેખાતો. જયારે કોઈ મહેંદી મુકવા વાળું ના હોય ત્યારે લીલા તારા હાથ ચીતર્યા કરતી. ચરણે તેને લાલ રંગનો ચૂડો આપ્યો હતો લગ્ન વખતે જે હંમેશ તેના હાથમાં રહેતો. તેની બધી આંગળીઓમાં વીંટી પણ અચૂક હોય જ… તું જેવી ત્રણ વર્ષની થઇ કે મૃતંગીનો જન્મ થયો… તે તો તારા કરતાંય ચડિયાતી. જાણે રૂપરૂપનો અંબાર. લીલાનું ખરું રૂપ તેનામાં ઉતર્યું હતું. પણ લીલા જેવો ચહેરો તારો હતો..


મૃતંગી નાનપણથી જ બહુ બીમાર રહેતી. એક વખત હું તમને મળવા શામળાજી આવેલી ત્યારે મેં કહ્યું કે હું મૃતંગીને મારી સાથે લઇ જાવ છું.. ત્યાં તેને કદાચ સારું રહે.. ત્યારે તું સાત વર્ષની હતી.. હું અહીં મૃતંગીને લઇ આવી.. મારા દસ વર્ષના માર્દવને જાણે બહેન મળી.. રમકડું હોય તેમ તે ચાર વર્ષની મૃતંગી સાથે રમ્યા કરતો. બધું સરખું ચાલતું હતું.. કે અચાનક એક વાયરો ફૂંકાયો જેનાથી બધાની જિંદગી હચમચી ગઈ..

શામળાજીમાં તારી માઁની મહેંદી ખુબ વખણાતી. ગામની સ્ત્રીઓએ તેને કહ્યું કે એક લગ્નપ્રસંગે ઉદયપુર જવાનું છે ત્યાં તે મહેંદી મુકવા આવે.. પૈસાની ત્યારે તારા બાપાને અછત હતી.. આમાં ખુબ પૈસા મળતા હતા એટલે લીલાએ ઉદયપુર જવાની હા કહી.. લગભગ નવ વર્ષ પછી તે પોતાના ગામ જવાની હતી.. ઉદયપુર પહોંચીને જેના લગ્ન હતા ત્યાં તેણે બધાને મહેંદી મૂકી આપી.. ત્યાંની સ્ત્રીઓએ તેની મ્હેંદીના ખુબ વખાણ કર્યા. જેના દીકરાના લગ્ન હતા તે સ્ત્રી ઉદયપુરના રાજાની રાણીની ખાસ સેવિકા હતી. રાણીસાહિબાને મહેંદી મુકવી ખુબ ગમે છે તેનો ખ્યાલ સેવિકાને હતો.. ખુશામત કરવા અને પોતે સારી લાગે તે માટે થઈને તે સ્ત્રીએ કહ્યું કે પોતે એક બેનને લઈને આવશે જે મહેંદી ખુબ સરસ મૂકે છે.. રાણી તેના પર રાજી થાય અને તેના દીકરાના લગ્ન સુધરી જાય તે માટે તે સેવિકાએ આ રસ્તો અપનાવ્યો.

બીજા દિવસે લીલાને લઈને તે રાજમહેલ ગઈ.. અહીં તો બધા જ તેને જાણતા હતા.. લીલાથી તે સેવિકાને ના કહી શકાય તેમ નહોતું અને ભાગી શકાય તેમ પણ નહોતું એટલે તે નાછૂટકે મહેલ ગઈ.. રાણીના હાથમાં તેણે ખુબ સુંદર મહેંદી કરી આપી ઘૂંઘટ તાણીને જ.. કોઈને ખબર ના પડે કે પોતે હરિજન છે અને લીલા છે તે માટે થઈને તે કઈ બોલી પણ નહીં. જયારે તે જતી હતી ત્યારે તેણે સહેજ નમીને રાણીને પ્રણામ કર્યા ને લીલાને જોઈને રાણીસાહિબ ચોંકી ગયા.. તરત જ તેનો ઘૂંઘટ ખેંચીને રાણીએ જોયું તો લીલા જ હતી.. ગુસ્સાથી લાલચોળ રાણીએ પોતાના હાથમાંની મહેંદી ભૂંસી નાખી. એક હરિજનનાં હાથે મુકાયેલી આ મહેંદી જોઈ રાણીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. તરત જ ત્યાં હાજર સૈનિકને બોલાવી લીલના હાથ કાપી નાખવાનો રાણીએ હુકમ કર્યો. લીલા તો રડ્યે જ જાય.. રાજાને પણ તે જાણ થઇ… પોતાના ખાસ દરબારી ગનિમતબાપુનો દીકરો મળી ગયો છે તે વિચારી તેઓ પણ સ્ત્રીઓના એ ઓરડામાં આવ્યા. લોહી નીકળતા હાથે લીલા કણસી રહી હતી..


તે માસુમ છોકરીના બેરહેમીથી હાથ કાપી લેવામાં આવ્યા. પછી તો બધી પુછપરછ દરમિયાન ચરણસિંહની ભાળ મળી અને તેને અને તને અહીં લાવવામાં આવ્યા. હું ગનિમતબાપુના પગ રગડતી હતી કે તને છોડી દે.. પણ એ વટનો કટકો નરાધમ પોતાના પુત્રનો હત્યારો બન્યો. રાજદ્રોહ અને જાતજાતના ખોટા કારણો આપી ચરણ અને લીલાને તથા તને ફાંસીએ ચડાવવાની સજા હતી.. રાતના એ અંધકારમાં હું રાજમહેલમાં તમને રાખ્યા હતા ત્યાં પહોંચી. રખેવાળની મદદથી મેં તને ત્યાંથી ઉગારી. ચરણ અને લીલા ત્યાંથી નીકળવા તૈયાર નહોતા. તને લઈને હું ભાગી છૂટી સીધી રેલવે સ્ટેશને જ ગઈ…

રસ્તામાં એકાદ બે સિપાહી જોઈ ગયા તેમણે અંધારામાં મને તો ના ઓળખી પણ તને માથામાં માર્યું હતું. ડંડો પડતા જ તું બેભાન થઇ ગયેલી. તને અહીં રાખવામાં જોખમ હતું. નાથની ઈચ્છા હશે તે થશે તે વિચારી તને અમદાવાદ જતી ટ્રેનમાં સુવાડી દીધી…. મૃતંગીને કોઈ ઓળખતું નહોતું તેથી તે અહીં સલામત હતી. તું ત્યારે નવ-દસ વર્ષની હતી તેથી મેં તને આમ ભગાડી મૂકી કહેને કે તરછોડી જ દીધી. પછી તો માર્દવના પિતાજી પણ એક વર્ષમાં મૃત્યુ પામ્યા. તને શોધવાનો કોઈ રસ્તો જ નહોતો. હું રોજ નાથ પાસે રડતી અને તારી સલામતીની દુઆ માંગતી. આજે તને આ રીતે જોઈ હું ખુશ છું મારી દીકરી. મૃતંગીને તો એમ જ છે કે હું જ એની માં છું. એને પણ આજે બહેન મળી છે…!!! બસ હવે તું જે સજા દે એ મને મંજુર.. હવે મોત આવે તો પણ રંજ નથી..!”


શાંતાતાઈની આખી વાત સાંભળી માઈરા રડી પડી.. તેની આંખો વરસી રહી હતી.. મૃતંગી પણ ભીની આંખે માઇરાને જોઈ રહી.. બે બહેનોનું એ મિલન અદભુત હતું.. માઇરાને લાગ્યું જાણે બધી કડીઓ જોડાઈ ગઈ જીવનની. ખૂટતી સંવેદનાઓ પુરાઈ ગઈ હૃદયની. તે ઉભી થઈને શાંતાતાઈને વળગી પડી. પછી તો સાંજે તે મહીશા પાસે પહોંચી. રિસોર્ટ પર પહોંચીને તેને બધી જ વાત કરી.. મહીશાને તો આ ચમત્કાર જ લાગતો હતો.. બન્ને બહેનપણીઓ એકબીજાને વળગીને ખુબ રડી.. તે રાતે જ માર્દવને મૃતંગીએ બધી વાત કરી.. શાંતાતાઈની ઈચ્છાથી માર્દવ અને માઈરા પણ મહીશા અને માહિર સાથે જ પરણ્યા. મૃતંગીને બહેન અને ભાભી સાથે મળ્યા હતા.. માર્દવ અને માઈરાની જોડી જોઈ શાંતાતાઈની આંખો પણ ઠરી ઉઠી.

મધુરજનીની એ રાત હતી.. માર્દવ માઈરાના ખોળામાં સૂતો હતો.. એકીટશે તેની તરફ તાકી રહેલો માર્દવ બોલ્યો…. “માઈરા આ તારી મહેંદીનો રંગ હવે મને ચઢ્યો છે.. લાલ રંગ આ તારી મહેંદીનો મને ફળ્યો છે.. બસ હંમેશ આમ જ હસતી રહે અને મ્હેંદીના રંગ થકી આપણા પ્રેમને પણ ઘાટો કરતી રહે.. આઈ લવ યુ માયું..!” એક લાંબી સફરનો થાક આજે છૂટવાનો હોય તેમ તે રાતે માઈરા માર્દવમાં ઓતપ્રોત થઇ તેને વળગીને સુઈ ગઈ..!!

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ