વિરહ – લગ્નના ત્રણ દિવસ પછી તેઓ નીકળ્યા હતા હનીમુન માટે, થયો એક અકસ્માત વિખરાઈ ગયું બધું…

ઘણી જહેમત બાદ આખરે ધરા અને આકાશ લગ્નગ્રંથી એ જોડાયા…કોલેજકાળ થી જ એકબીજા ના ગળાડૂબ પ્રેમ માં પડેલા આ પ્રેમી પંખીડાને આકાશના માતાપિતા ને એમના લગ્ન અંગે મનાવવા નાકે દમાં આવી ગયેલો..આકાશે કંઈ કેટલાય ધમપછાડા કર્યા હતા…કંઈ કેટલીય ધમકીઓ આપી …કઈ કેટલીય બાધા આખડીઓ રાખી હતી ત્યારે છેક તે ધરા ને પામી શક્યો હતો…આમ તો બંને એકબીજા ને અનહદ ચાહતા પણ આકાશ માટે તો જાણે ધરા એટલે એની આખી દુનિયા જ જોઈ લો…


ધરા..ધરા..ધરા કરતા એના હોઠ અને હૈયું બંને થાકે નહિ..અને એટલે જ તો એને ધરા ને…એના પ્રેમ ને પામવા આજસુધી ક્યારેય માબાપ પાસે જીદ ન કરેલી હોવા છતાં ધરા માટે હદ બહાર જઇ જિદ કરેલી.અને અંતે એની જીદ ફળી પણ ખરી…આખરે આકાશના માતાપિતા એ હથિયાર હેઠા મૂકી દીધા…અને ધરા ને દિલ થી સ્વીકારી લીધી…

લગ્નના ત્રીજા જ દિવસે ધરા અને આકાશ પોતાના જીવનની નવી શરૂઆત કરવા…પોતાના અત્યાર સુધી જોયેલા હનીમૂન ના સપના પુરા કરવા સિમલા ની વાદીઓ માં જવાની તૈયારી કરી રહ્યા હતા..બન્ને ના ચહેરા પર ખુશી સમાતી ન હતી…હરખઘેલો આકાશ એક મિનિટ માટે પણ ધરા ને પોતાની નજર સામે થી ખસવા નહોતો દેતો..ધરા ને મેળવી ને જાણે એને એનો જીવ મેળવી લીધો હોય એવો વિજયભાવ એની વર્તણુક માં પણ જણાતો હતો..


12 વાગ્યા ની અમદાવાદ થી ચંદીગઢ ની ફ્લાઇટ હતી.અને ત્યાં થી બસ દ્વારા સિમલા જવાનું પહેલેથી જ ગોઠવેલું હતું…બધી જ તૈયારી કરી ચુકેલું નવપરણિત યુગલ 10 વાગે એરપોર્ટ પહોંચવા માટે અમદાવાદ ના ટ્રાફિકને ધ્યાન માં લઇ સવારે 8:30 એ જ ઘરેથી એરપોર્ટ તરફ રવાના થઈ ગયું..બરાબર 9:45 આ બંને એરપોર્ટ પહોંચી ગયા..એરપોર્ટ પર પહોંચી પોતાના બોર્ડિંગ પાસ મેળવી એ લોકો બીજી જરૂરી પ્રોસીઝર પતાવી પોતાની ફ્લાઇટ ની રાહ જોતા બેઠા..

થોડીવાર પછી એક અનાઉન્સમેન્ટ થઈ કે ખરાબ વાતાવરણ ના કારણે અમદાવાદ થી ચંદીગઢ તરફ જઈ રહેલી ફ્લાઇટ 2 કલાક મોડી છે..આ સાંભળી આકાશ નો મૂડ સહેજ બગડી ગયો.પણ ધરા એ એને ધીરજ રાખવા કહ્યું અને ધરાનો પડતો બોલ ઝીલતો આકાશ એક ખુરશી પર આંખો બંધ કરી ને બેસી ગયો…સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો…અને આખરે એમની ફ્લાઈટનો સમય પણ થઈ ગયો..બંને જણા હાથ માં હાથ પરોવી ફ્લાઈટમાં પોતાની સીટ પર ગોઠવાઈ ગયા…


હૈયા માં હરખ ની હેલી અને આંખો માં અરમાનો સાથે ધરા આકાશના ખભે માથું રાખી એનું બાવડું પોતાના હાથથી પકડી બેસી ગઈ..આમ તો અમદાવાદ થી ચંદીગઢ નું અંતર નજીવું હતું એટલે 3 કલાક માં તો એ લોકો ચંદીગઢ પહોંચી જશે એવી ગણતરી આકાશની હતી જ.પણ કહેવાય છે ને કે કુદરત ના ખેલ નિરાળા જ હોય…ખરાબ વાતાવરણે ગંભીર સ્વરૂપ પકડ્યું.. ફ્લાઇટ હવા માં હાલકડોલક થવા લાગી. પાઇલોટે પણ પોતાનો કાબુ ગુમાવ્યો..અને અંતે જે ન થવાનું હતું એ થઈ ગયું…ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ…


પાયેલોટે ઇમરજન્સી લેન્ડિંગ નો પ્રયાસ કર્યો પણ એને સફળતા ન મળી..ઘણા લોકો એ પોતાના જીવ ગુમાવ્યો..ઘણા ગંભીર રીતે ઘાયલ થયા હતા…આકાશ જેવા 4 5 જ જણા એવા હતા કે જેમને મામુલી ઝખ્મો આવ્યા હતા..હા તમે સાચું વિચારી રહ્યા છો આકાશ આ ગંભીર ઘટના માંથી હેમખેમ બચી ગયો હતો…પ્રાથમિક સારવાર માં જરૂરી પાટા પિંડી કરતી વખતે આકાશ સંપૂર્ણ રીતે ભાન માં કહી શકાય એમ ન હતો…એના માનસપટલ પર અકસ્માત ની ગંભીર અસર થઈ હતી..ધીમે ધીમે એ સ્વસ્થ થવા લાગ્યો અને સ્વસ્થ થતાની સાથે જ પહેલો વિચાર આવ્યો.

“મારી ધરા ક્યાં?”


એ પોતાની આજુબાજુ આમતેમ ફાંફાં મારવા લાગ્યો..એની નજરો ધરાની શોધી રહી હતી..એના જીવથી વ્હાલી ધરા હેમખેમ તો હશે ને એ વિચારે એને ગાંડો કરી મુક્યો હતો…ટીવીમાં પ્લેન ક્રેશ ના સમાચાર સાંભળતા જ ધરા અને આકાશ ના માતાપિતા ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ ગયા..આકાશે પોતાના પાટા પિંડી કરતી નર્સ ને ધરા વિશે પૂછ્યું પણ નર્સ પાસે આ અંગે કોઈ માહિતી ન હતી. એ આકાશ ને ડોકટર પાસે વધુ માહિતી મેળવવા માટે મળવાનું કહી ત્યાંથી બીજા દર્દીઓની પાટા પિંડી કરવા ચાલી ગઈ…

આકાશ તે જ ક્ષણે સફાળો ઉભો થઇ ડોકટર ને શોધવા લાગ્યો..ઘણી મહેનત બાદ એને ડોકટર મળ્યા પણ આ મુલાકાત આકાશ માટે મદદરૂપ ન નીવડી.ડોકટરે પણ નર્સની જેમ માહિતી ન હોવાનું કહી ચાલતી પકડી…કોઈક પાસે થી એને જાણકારી મળી કે પ્લેન ક્રેશ માં ઘાયલ થયેલા બધા જ યાત્રીઓને આ જ હોસ્પિટલ ના અલગ અલગ વોર્ડ માં રાખવા માં આવ્યા છે…


આકાશ ધરાની ચિંતા માં બેબાકળો થઈ ગયો હતો..એની ધરા ક્યાં હશે…કઈ હાલત માં હશે એ ચિંતા માં એ અડધો થઈ ગયો હતો…અંતે કોઈની પણ મદદ ન મળતા એ જાતે જ ધરાને શોધવા આખા હોસ્પિટલ માં અધીરો બની ફરી રહ્યો હતો..આમ થી તેમ બધા વોર્ડ માં પોતાની ધરાને શોધવા મથી રહ્યો હતો…દરેક દર્દીને પ્રત્યક્ષ જોઈ ખાતરી કરી રહ્યો હતો કે ક્યાંક કોઈ એની ધરા તો નથી ને….

અધીરો બનેલો આકાશ ધરા વગર જાણે ગૂંગળામણ અનુભવી રહ્યો હતો…લાચાર બનેલો આકાશ દર્દીઓના સગા વ્હાલા ને ધરા ની મૌખિક ઓળખાણ આપી એના વિશે પૂછપરછ કરી રહ્યો હતો…સુજબૂજ ગુમાવી બેઠેલા આકાશની આવી હાલત એક ઓફિસરની નજર માં આવી અને એમને આકાશ ને પોતાની પાસે બોલાવી દર્દીઓનું તૈયાર કરેલું રજીસ્ટર બતાવ્યું…રજીસ્ટર જોઈ આકાશે રાહત નો શ્વાસ લીધો…હવે એની ધરા ની ભાળ મળી જશે એ આશા એ એને રજીસ્ટર અને પેલા ઓફિસર તરફ જોવા માંડ્યું….ઓફિસર કઈ પૂછે એ પહેલાં જ આકાશ બોલી ઉઠ્યો “ધરા…ધરા દેસાઈ નામ છે મારી પત્ની નું…એને હું શોધી રહ્યો છું…પ્લીઝ મને કહો ને એ ક્યાં વોર્ડ માં છે”


ઓફિસરે આખું રજીસ્ટર તપાસી જોયું…સદનસીબે કે કમનસીબે એમાં ક્યાંય ધરા નું નામ ન હતું…આકાશે ફરી એકવાર ચેક કરી લેવા કહ્યું એટલે એમને આકાશ ની ખાતરી માટે ફરી જોઈ જોયું..ફરી એ જ જવાબ…આકાશ એ જવાબ સહી ન શક્યો એટલે એને જાતે જ એકવાર જોઈ જોયું..પણ ખરેખર એમાં ધરાનું નામ ન હતું…

ઓફિસરે આકાશના ખભા પર હાથ મૂકી એને સાંત્વના આપતા એકવાર કોલ્ડ સ્ટોરેજ માં જ્યાં પ્લેન ક્રેશ માં મૃત વ્યક્તિઓના શબ મુકવામાં આવ્યા છે એ રજીસ્ટર જોઈ લેવા કહ્યું..આટલું સાંભળતા આકાશ ના પગ તળે થી જમીન ખસી ગઈ..આવું તો એને વિચાર્યું પણ ન હતું..નાનો મોટો ઘાવ આવી શકે ધરા ને પણ ધરા એને છોડી ને જ ચાલી જાય એવું વિચારવું એના માટે ક્ષમ્ય જ નહોતું..એ ઓફિસર થી બે ડગલાં પાછળ ખસી ગયો..ફરી ઓફિસરે એને સાંત્વના આપતા કહ્યું

“બની શકે કે તમારા પત્ની નું નામ એ રજીસ્ટર માં પણ ન હોય કારણ હજી બચાવ કામગીરી ચાલી રહી છે..ઘણા ઘાયલો હજી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે”


આકાશને થોડું ભાન આવ્યું અને એને ઓફિસરની વાત સ્વીકારી શબના નામ વાળું રજીસ્ટર ચેક કરવા જણાવ્યું..ઓફિસરની આંગળીઓ નામ પર ફરતી હતી અને આકાશ ના ધબકારા વધી રહ્યા હતા..બધા જ નામ તપસ્યા બાદ એમાં પણ ધરાનું નામ ન હતું એ વાતે આકાશે રાહત નો શ્વાસ લીધો..હવે પ્રશ્ન એ હતો કે આખરે ધરા છે ક્યાં.?

આકાશ હવે ઘટના સ્થળ પર પહોંચ્યો…ઠેર ઠેર ટોળા જામેલા હતા..રુદન અને આક્રંદ વચ્ચે માહોલ તંગ લાગી રહ્યો હતો…ક્યાંક કોઈ માઁ પોતાના બચી ગયેલા છોકરાને હળવેથી ચૂમી રહી હતી…તો ક્યાંક કોઈ દીકરી એના પિતા ના શબ પાસે આંસુ સારી રહી હતી…આ દ્રશ્ય એ આકાશને હચમચાવી મુક્યો..

દૂર એક ખુણા માં પડેલા સફેદ કાપડ ઓઢાડેલા શબ પર આકાશ ની નજર પડી..અને એના પગ આપોઆપ એ દિશા માં ચાલવા લાગ્યા…નજીક પહોંચતા જ એનું હ્ર્દય જોર જોર થી ધબકવા લાગ્યું..એ સફેદ કાપડ હટાવવાની એની હિંમત ન ચાલી..અચાનક પાછળ થી એક પોલીસ ઓફિસરે શબ ની ઓળખાણ લખતા બીજા ઓફિસર ને કહ્યું “આ ધરા દેસાઈ….તાત્કાલિક એમના પરિવાર ને જાણ કરો”


ધરા નામ સાંભળતા જ આકાશ સુન્ન થઈ ગયો…પવન ની એક લહેરખી પેલા સફેદ કાપડ ને ઉડાડી ગઈ અને આકાશ સમક્ષ પડી હતી ધરા ની લાશ…એની ધરા જેની સાથે એને જીવવા મારવા ના કોલ કરેલા એ એને જિંદગી ના પ્રથમ પગથિયે જ છોડી ને ચાલી ગઈ હતી..જે ધરા ને આટલી જીદ કરીને મેળવી હતી એને બસ આમ પળવારમાં ગુમાવી દીધી..જેની વર્ષો સુધી રાહ જોઈ એ પળ ને પામવા માં મેં મારી ધરા ને ગુમાવી દીધી.. આકાશ ત્યાં જ ફસડાઈ પડ્યો… જાણે ધરા સાથે એનું પણ પ્રાણપંખેરૂ ઉડી ગયું..જાણે ધરા આકાશ નો જીવ લઈ ને ચાલી ગઈ…આકાશ જોર થી એ ખુલ્લા આકાશ સમક્ષ જોતા ધરા…..ધરા…..ધરા ની બુમો પાડી રહ્યો હતો..

અચાનક જાણે સોય ભોકાઈ હોય એવો અનુભવ થતા આકાશે આંખો ઉઘાડી..એની સામે એના અને ધરા ના માતાપિતા ઉભા હતા…આજુ બાજુ નજર કરતા જણાયુ કે પોતે હોસ્પિટલ માં છે..અને હમણાં જ નર્સ એને એક ઈન્જેકશન આપી ને ગઈ છે..એ સમજી નહતો શકતો કે શું થઈ રહ્યું છે..એને એના માતા પિતા તરફ નજર કરતા કહ્યું


“મમ્મી…પપ્પા….ધરા…મારી ધરા” વાક્ય પૂરું થાય એ પહેલાં જ એના મમ્મી બોલી ઉઠ્યા “હા બેટા તારી ધરા અહીંયા જ છે.. સવારથી ભૂખી તરસી તારા સાજા થવાની ભગવાન ને પ્રાથના કરી રહી છે. “મારા સજા થવાની..?” આકાશ કઈ સમજી ન શક્યો

“હા તમારા જ સાજા થવાની પ્રાથના કરી રહી હતી…મેં તમને ફ્લાઇટ માટે ધીરજ રાખવાનું કહ્યું ને તમે તો સુઈ ગયા ત્યાં જ ખુરશી પર..અને થોડી વાર માં જ અચાનક ઢળી પડ્યા…હું ખૂબ જ ગભરાઈ ગઈ કે આમ અચાનક તમને શું થઈ ગયું…એટલે તાત્કાલિક એરપોર્ટ સ્ટાફની મદદ લઇ તમને હોસ્પિટલ લઈ આવી..ડોકટરે તમારું બીપી લો થઈ ગયું હોવાનું નિદાન કર્યું….હું સાચે ખૂબ જ ગભરાઈ ગઈ હતી…ભગવાન તમને લાબું આયુષ્ય આપે હું એવી હમેશા પ્રાર્થના કરતી રહીશ…આકાશ હું તમને ખૂબ જ પ્રેમ કરું છું..તમારા વગર ક્યારેય નહિ જીવાય” દરવાજા માં પ્રવેશતા અને આકાશની બાજુમાં બેસીને બોલતા બોલ્તા મા તો ધરા ચોધાર આંસુ એ રડવા લાગી..

આકાશ સમજી ચુક્યો હતો કે એને ખૂબ જ ખરાબ સપનું જોયું હતું…રડતી ધરાને ચૂપ કરાવતા આકાશ બસ એટલું જ બોલ્યો “ધરા તું ક્યારેય ભગવાન પાસે મારા એકલાની આયુષ્ય નહિ માંગે…આપના બંને ને લાબું આયુષ્ય મળે એવું જ માંગીશ એવું આજે તું મને વચન આપ” આટલું કહેતા આકાશ ધરા ને વળગી પડ્યો અને રડવા લાગ્યો..


સામે જ લગાવેલા ટીવી દ્વારા સમાચાર મળ્યા કે આકાશ અને ધરા જે ફ્લાઇટ થી ચંદીગઢ જવાના હતા એ ક્રેશ થઈ છે..બધા ભગવાન નો આભાર માનવા લાગ્યા કારણ આકાશ ની અનાયાસે બગડેલી તબિયત ના કારણે એમની ફ્લાઇટ મિસ થઈ ચૂકી હતી અને એમના માટે એ ગંભીર અકસ્માત ટળી ગયો હતો..ફરી એ અકસ્માત વાળું સપનું યાદ આવી જતા આકાશે ધરાને પોતાના બાહુપાશ માં જકડી લીધી અને બોલ્યો “હું તને ક્યારેય ખોવા નથી માંગતો…ક્યારેય નહીં”

લેખક : કોમલ રાઠોડ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ