ખરખરો – સમાજમાં રહીને દરેક વ્યવહાર સાચવતા એક સાસુ વહુની લાગણીસભર વાર્તા…

‘અરે વહુ… જરા જલ્દી કરો ને ભૈસાબ… ખરખરે જ જવાનું છે એમાં ક્યાં વળી તમારે ટાપટીપ કરવાની જરૂર છે?’

હોલમાં બેઠા બેઠા છાપામાં અવસાનનોંધ વાંચી રહેલા ને પોતાની વહુ અનુરાધાને કહી રહેલા કંચનબા પંચ્યાશી વર્ષની ઉમરેય ખડેધડે લાગતા હતા. નખમાંય રોગ નહિ. કાનમાં સાંભળવા માટે કોઈ મશીનનો ઉપયોગ ના કરતા કે ના ચાલવા માટે લાકડી વાપરતા. સ્ફૂર્તિથી ભરેલી એમની ચાલ હતી.. આંખનું નેજવું કરીને માઈલો દૂરનું જોઈ શકતા ને મોમાં છ્વીસેક જેટલા દાંત પણ સલામત હતા.. સોપારી ફોડવા સુડીની પણ જરૂર ના પડતી. અવાજ એવો ભારે કે બોલે તો પંચાવન વર્ષની એમની વહુ સાથે સાથે શેરી આખી પણ ધ્રુજી જાય. આ ઉમરેય પચીસ વર્ષની નવોઢા જેવા અમુક અભરખા હતા એમના. સૌરાષ્ટ્રના નાના ગામમાં ઉછેર થયેલો એટલે ચોકસાઈભર્યો સ્વભાવ હતો તેમનો. વ્યવહારિક કામકાજ અને મરણ-પરણના પ્રસંગોમાં અચૂક જવાનું તેવો તેમનો આગ્રહ રહેતો.
જો કે અત્યારે જેના ખરખરે જાવાનું હતું એ હિંમતકાકા તો તેમના દુરના કુટુંબી થાય. નાત એક જ હતી ને એક ગામના હતા બસ એટલું જ! એમાં જવાની પણ જરૂર નહોતી ને કદાચ જવું પણ પડે તો દીકરો અવિનાશ જઈ આવે તો ય ચાલે એમ હતું. છતાય કંચનબાનો ખાસ આગ્રહ કે આવા વ્યવહારિક અને મરણના કામે તેઓ જ જશે. તેમની વહુની પણ હવે વહુ આવવામાં હતી તોય એ પંચાવન વર્ષની અનુરાધાને આજ સુધી તેમણે કોઈ વ્યવહાર નહોતો સોંપ્યો.
‘લોકલાજે જવું પડે એ તો’, ‘આપણે નહિ જઈએ તો એ પણ નહિ આવે’, ‘સમાજમાં રહીને રિસામણા કરવા ના પોષાય’ જેવા વાક્યો એમની જીભે રહેતા. કદીક અવિનાશ કે અનુરાધા કોઈ બાબત માટે ના કહે અથવા તો જવાની જરૂર નથી તેવા શબ્દો ઉચ્ચારે ત્યારે આ જ વાક્યોનો મારો ચલાવી બંનેને ચુપ કરી દેતા. સગામાં કે સંબંધીમાં કોઈની જરા અમથી તબિયત પણ જો બગડે તો ફોન કરવાનો ને તેમને ખબરઅંતર પૂછી લેવાના.
હોસ્પીટલમાં હોય તો ત્યાં પણ જઈ આવવાનું.. કોઈના લગ્ન હોય કે સીમંત.. જવાનું હોય કે ના હોય.. ચાંદલો અચૂક લખાવી દેવાનો.. ઘણી વાર અનુરાધા કહેતી કે મમી, કંઇક સારું ગીફ્ટ કરીએ.. ડીનર સેટ કે એવું કંઇક સારું લાગશે.. તો ચોખ્ખી ના કહી દેતા. રોકડ સિવાય બીજો કોઈ વ્યવહાર નહિ જ કરવાનો તેવી તેમની ખાસ સુચના.. સામેવાળાને પાછુ વાળવું હોય તો વાંધો નાં આવે ને એવું તેમનું ગણિત. દર અઠવાડિયે બધાને ફોન કરવાનો નિયમ. પરિવારના દરેક સભ્યોને. સમય પણ નક્કી. સવારે ૧૧ વાગ્યે જ કરી દેવાના શરુ.. પછી જો સામેવાળો માણસ વ્યસ્ત હોય અને જવાબ ના આપે તો કંચનબાને ખોટું લાગી જાય. રૂઢીચુસ્ત અને જુનવાણી. સમાજના વ્યવહારો અને રીતરસમોથી તેઓ સમગ્ર રીતે વણાયેલા હતા ને નિરંતર તેમાં જ ગૂંથાયેલા રહેતા હતા. તેમના પતિ ગીરધરલાલ તો જાણે ભગવાનના માણસ હતા. આખો દિવસ બગીચામાં તેમના મિત્રો સાથે બેસીને પ્રવૃત રહેવાનો નિષ્ફળ પ્રયાસ કરતા. એ સિવાયના સમયમાં ઘરે બેસીને પ્રભુભજન કરતા. અનુરાધા ઘણી વખત સાસુને આ બધું છોડી દેવા માટે સમજાવતી.. પણ માને એ કંચનબા શાના..!! તેઓ કદીયે ના માનતા.
‘મમી, ટાપટીપ નહોતી કરતી. રસોડામાં હતી. પપ્પાની ચા બનાવતી હતી. હમણાં જાગશે તો એમને જોઇશે ને..’ “એ તો હવે એ બધું થઇ પડશે.. આપણે ખરખરે જવાનું મહત્વનું છે. એનો છોકરો આપણે ત્યાં પાંચ વર્ષ પહેલા હવનમાં આવેલો..” “પણ મમી ત્યારે આપણા સંબંધો સારા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તો આપણે વાત પણ નથી કરી.. અને છતાય હું એમ નથી કહેતી કે નથી જવું પણ એ જઈ આવશે એકલા.. તમે આમ બધેય ધોળા ના કરો તો સારું હો..”
ને કંચનબાનો મગજ ગયો.. એકલા નીચે ઉતરીને રીક્ષા કરીને નીકળી ગયા.. અનુરાધા પાછળ દોડતી રહી.. તેમને રોક્યા છતાય હાથનો છણકો કરીને તેઓ ચાલ્યા જ ગયા.. તે રાત્રે અનુરાધાએ અવિનાશને બધી વાત કરી. પંચાવન વર્ષની અનુરાધાને હજુ સુધી ઘરમાં કહેવા પુરતો પણ નિર્ણય લેવાનો અધિકાર નહોતો મળ્યો. ત્યાં સુધી કે રસોઈ શું બનશે તે પણ તેના સાસુ જ નક્કી કરતા.. અવિનાશને આજનું કંચનબાનું વર્તન અતિશય ખૂંચ્યું.. તે તરત કંચનબા પાસે ગયો અને બોલ્યો,
“મમી.. હવે આ બંધ કરો.. તમારા આ સામાજિક વ્યવહારો સાચવવાના ચક્કરમાં તમે તમારી વહુને ખોઈ બેસસો.. સાસુપણું દાખવીને હુકમ કરો પણ જક્કી બનીને વર્તવાનું બંધ કરી દો પ્લીઝ. આ ઉમરે તમને આવું કહેવું ગમતું નથી. અમારા લગ્નના ત્રીસ વર્ષ બાદ આજે પહેલી વાર બોલ્યો છું મમી.. પ્લીઝ..” ને કંચનબાને એ હાડોહાડ લાગી આવ્યું.. દીકરા પર ગુસ્સો કરી, તેને વહુઘેલો કહી ઓરડાની બહાર કાઢી મુક્યો.. પોતાના સ્વપ્નોમાં રાચતા કંચનબાએ બીજા જ દિવસે સવારમાં ઘર છોડી દીધું.. સ્વભાવિકપણે ગીરધરલાલ તેમની સાથે જ ગયા.
સવારે જાગીને અવિનાશ-અનુરાધાએ જોયું તો કંચનબા ઓરડામાં નહોતા. ગીરધરલાલ પણ નહોતા.. બંનેના જીવ ઊંચા થઇ ગયા.. અવિનાશ રડવા જેવો થઇ ગયો ને અનુરાધા મનોમન જાતને કોસતી રહી.. કંચનબાએ સીધો એમની બહેનને ફોન કર્યો.. સગી મા-જણી બહેન હતી.. શહેરમાં જ રહેતી હતી.. ટચસ્ક્રીન તો આવડે નહિ પણ અવિનાશે કંચનબાને અને ગીરધરલાલને કીપેડ વાળો ફોન આપ્યો હતો.. તેમાંથી જ બહેન ચંદનને તેમણે ફોન કર્યો.
“હેલો ચંદન.. હું ને તારા જીજાજી હમણાં તારા ઘરે આવીએ છીએ… મારા ઘરેથી નીકળી ગઈ છું હું.. મારો છોકરો વહુઘેલો થઇ ગયો છે.. ઘર એના નામ પર કરી દીધું છે એના પપ્પાએ એટલે કઈ બોલાય એવું નથી.. પણ અમે આવીએ એટલે તારા છોકરાની સલાહ લઈને કંઇક રસ્તો કાઢવો છે..” સામે છેડે ચંદનબા સાવ ચુપ થઇ ગયેલા. તેમને કંચનબાનો સ્વભાવ ખબર હતી. એટલે કોઈ નાની વાતમાં પણ વટ રાખવા તેમણે ઘર છોડી દીધું હશે જ તે નક્કી હતું.. સહેજ વિચારમાંથી બહાર નીકળીને તેઓ બોલ્યા,
“બહેન.. તને ખબર છે ને અમારે બે ઓરડાનું આ ઘર છે.. આમાં તમે ક્યાં રહેશો.. એના કરતા તું મોટાને ફોન કર ને.. એને તો આવડો મોટો બંગલો છે.. હુંય હમણાં ત્યાં પહોચું જ છું.. આપણે ત્યાં બેસીને નિરાંતે વાત કરીએ હોં.. ચલ આ મારી વહુને કંઇક કામ છે તો હું ફોન રાખું છું હમણાં.. પછી વાત કરીએ.. જય શ્રી કૃષ્ણ..” કહીને ચંદનબાએ ફોન મૂકી દીધો.
કંચનબા તો બેઘડી સમજી જ ના શક્યા કે આ એમની સગી બહેને કહ્યું હતું?!.. કેટકેટલા પ્રસંગો સાચવ્યા હતા એના એમણે.. એની મોટી દીકરીના લગ્ન પોતે જ કરાવ્યા હતા. અડધોઅડધ ખર્ચો ભોગવ્યો હતો.. ચંદનની વહુને જ્યારે જરૂર હતી, લવ મેરેજ હોવાના કારણે તેના સાસરા વાળા તેનું સીમંત કરવા તૈયાર ત્યારે નહોતા તેમણે જ એ બધું કર્યું હતું.. દરેક વ્યવહાર આગળ પડીને નિભાવ્યો હતો.. અરે શરૂઆતમાં ગીરધરલાલે જ તો ચંદનનાં પતિને ધંધામાં સેટ કરી દીધેલા.
કંચનબાને આવી હાલતમાં જોઈ ગીરધરલાલ મુક બનીને તેમને સધિયારો આપી રહ્યા.. સિટીબસની રાહ જોઇને બસ સ્ટેન્ડે ઉભેલા તે બંનેને હિંમતકાકાનો દીકરો જોઈ ગયો.. છતાય જાણે આંખ આડા કાન કરીને ત્યાંથી આગળ વધી ગયો.. આ જોઇને પણ કંચનબાને બહુ અચરજ થયું કે એક વાર પૂછવા પણ નાં રોકાયો.. ત્યાં જ બેસીને તેઓએ કેટલાય ફોન કર્યા.. સગા-સંબંધી, વહાલા ને મિત્રો કેટલાયને ફોન કર્યા… કોઈએ આવકાર ના આપ્યો.. લગભગ ત્રણ કલાક સુધી તેઓ ત્યાં જ બેસી રહ્યા.. માથે સુરજ તપતો હતો.. ખાધા-પીધા વગરના કંચનબાને ચક્કર આવ્યા ને છાતીમાં દુખાવો ઉપડ્યો.. તરત જ ગીરધરલાલે અવિનાશને ફોન કર્યો.
એક કલાક પછી તેઓ બધા હોસ્પીટલમાં હતાં.. અચાનક લાગેલા ધક્કાથી કંચનબાને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો.. અનુરાધા સતત રડતી હતી.. અવિનાશ ચિંતામાં હતો.. તેની આંખ સાવ કોરીધાકોર થઇ ગયેલી.. ગીરધરલાલ પોતાના દીકરાને સધિયારો આપતા હતા.. જાણે કહેતા હતા કે ભગવાને તારી માંની આંખો ખોલવા જ આ કર્યું છે.
“અવિનાશભાઈ.. કદાચ આ અમુક છેલ્લા કલાકો છે કંચનબાનાં… તમારે બધાને મળવું હોય તો મળી લો.. તેઓ હોશમાં આવ્યા તો છે પણ કંઈ નક્કી ના કહેવાય.. ગમે ત્યારે ફરી.. કારણકે તેઓ હજુ પણ આઘાતમાં છે..” અવિનાશ, અનુરાધા, ગીરધરલાલ અને ગર્વિત.. અવિનાશ-અનુરાધાનો દીકરો.. ચારેય જણા અંદર ગયા.. ગીરધરલાલ સતત પ્રભુસ્મરણ કરતા હતા.
અવિનાશને અને અનુરાધાને જોઇને કંચનબાએ હસવાનો પ્રયત્ન કર્યો.. અનુરાધા તરત દોડીને તેમના પગમાં પડી ગઈ.. આંખના ઇશારે જ તેમણે તેને પોતાની પાસે બોલાવી.. અવિનાશ પણ ત્યાં બેઠો.. “કોઈ આવ્યું છે દીકરા ખબર કાઢવા મારી?” અવિનાશ સામે જોઇને કંચનબાએ પૂછ્યું. ગીરધરલાલને સહેજ ગુસ્સો આવી ગયો.. તેઓ બોલ્યાં, “કેમ કંચુ, મરણપથારીએ પણ તને આ જ સુજે છે? બસ કર હવે..” “બસ ગીરધર. બસ જ કરવું છે.. જીવન જીવી લીધું, પ્રસંગો સાચવી લીધા.. ખરખરે પણ જઈ આવી ને વ્યવહારો પણ સંભાળી લીધા.. આખી જિંદગી બસ આમાંથી જ ઉંચી નાં આવી.. આ જતી ઘડીએ બસ જ કરવા માટે તમને અહી બોલાવ્યા છે..’
સહેજ ઉધરસ ખાઈને કંચનબાએ અવિનાશની સામે જોઇને ફરી વાતનો દોર સાંધ્યો અને કહ્યું, “દીકરા.. મારી વહુ તો અણમોલ છે.. તમે બંને ક્યારેય એવું ના વિચારશો કે આ તમારા લીધે થયું છે.. આ તો ઈશ્વરે મારી આંખ ઉઘાડવા કર્યું છે.. હવે ખબર નહિ કેટલી કલાક કે મીનીટો છે મારી પાસે.. પણ જતા પહેલા એટલું કહું છું.. કે મારા ગયા પછી કોઈ પણ પ્રકારની પ્રાથનાસભા કે બેસણા-ઉઠમણાં ના રાખતો.. કોઈના ફોન આવે તો પ્રેમથી કહી દેજે કે ખરખરો કરવાની જરૂર નથી.. ફક્ત વ્યવહાર સાચવવા ને સમાજને બતાવવા દંભ કરતા લોકો કરતા સાચી લાગણીથી મારી સાથે જોડાયેલા તમે બધા મને પ્રેમથી વિદાય આપશો તો મને ગમશે.. જિંદગી આખી હું સૌના મરણ-પરણે ગઈ એમ વિચારીને કે મારા મૃત્યુ પર એ બધા આવશે.. મારા ગર્વિતના લગ્નમાં લોકો મહાલશે.. પણ આજે મને સમજાય છે કે આવી બધી ખોટી વ્યવસ્થાઓ કે પ્રથાઓની જરૂર જ નહોતી. લોકો તો લાગણીથી જોડાયેલા હોય, સમાજના રીવાજો કે વ્યવહારોથી નહિ.”
ફરી ઉધરસ આવતા અનુરાધાએ ઉભા થઈને તેમને પાણી આપ્યું.. અનુરાધાનો હાથ પકડીને તેઓ બોલ્યા, “સુખી થજો વહુ ને સુખી કરજો. વ્યવહાર સંભાળજો પણ આંખ બંધ કરીને ગાંડપણ ના કરતા.. ને હા તમારી વહુ આવે ત્યારે મારા જેવા સાસુ તો કદાપી ના થતા..” ને કંચનબા સહેજ હસ્યાં.. ને એ હાસ્ય તેમનું છેલ્લું હાસ્ય બની ગયું.. હમેશ માટે જાણે વિલાઈ ગયું.. અનુરાધા ધ્રુસકે ધ્રુસકે રડી.. અવિનાશ પણ રડી પડ્યો.. ગર્વિત તો ગુમસુમ થઇ ગયેલો.. એકમાત્ર ગીરધરલાલનાં ચહેરા પર શાતા છવાઈ ગયેલી..
કેમ જાણે કંચનબા મોક્ષ પામ્યા હોય ને તેની ખુશી થઇ હોય તેવી નિતાંત શાતા…!! એમના મરણ પછી અવિનાશે કંઈ જ નાં કર્યું.. ના પ્રાથનાસભા કે ના છાપામાં નોંધ.. ના બેસણું કે ના ઉઠમણું.. બસ રોજ સાંજે અડધી કલાક ચારેય જણા ભેગા મળીને ભજન કરતા.. કંચનબાનાં આત્માની શાંતિ માટે..!!!
લેખક : આયુષી સેલાણી
આપના વિચારો કોમેન્ટમાં જણાવજો, દરરોજ આવી અનેક સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.