ખજુર અડદિયા – નો સુગર – સુગરના બદલે ખજુર ઉમેરીને બનાવવામાં આવેલા અડદિયા પણ ખૂબજ ટેસ્ટી બને છે.

ખજુર અડદિયા – નો સુગર :

અડદિયા શિયાળા માટેની ખાસ સ્વીટ છે. શિયાળાની ઠંડી સિઝનમાં બધા ઘરોમાં અડદિયા બનવા લાગે છે. અડદના લોટમાંથી બનતા અડદિયામાં અનેક પ્રકારના વસાણા (ગરમ મસાલા) ઉમેરીને બનાવવામાં આવતા હોવાથી ખૂબજ શક્તિદાયક છે. તેમાં સુગર સિરપ ઉમેરી ને તેને સ્વીટ બનાવવામાં આવે છે. જેથી ડાયબેટીક વ્યક્તિઓ શિયાળા સ્પેશિયલ આ શક્તિદાયક અડદિયા હેલ્થ માટે ખૂબજ લાભદાયી હોવા છતાં ખાઇ શકતા નથી.

તેના માટે હું અહીં સુગર ના બદલે ખજુરનો ઉપયોગ કરીને ખજુર અદદિયાની રેસિપિ આપી રહી છુ. કેમેકે ખજુર એ નેચરલ સ્વીટનર છે. તેનાથી અડદિયામાં જોઇએ તે પ્રમાણે સ્વીટનેસ લાવી શકય છે. હેલ્થ કોંશ્યસ લોકો અને બાળકો માટે પણ ખજુરની સ્વીટનેસવાળા અદદિયા બનાવી શકાય છે. સુગરના બદલે ખજુર ઉમેરીને બનાવવામાં આવેલા અડદિયા પણ ખૂબજ ટેસ્ટી બને છે. ખ્યાલ પણ નહી આવે કે આ અડદિયામાં સુગર નથી. તો તમે પણ અ સિઝનમાં ચોક્કાસથી ટ્રાય કરજો.

ખજુર અડદિયા બનાવવા માટેની સામગ્રી :

  • 2 કપ અડદનો થોડો કરકરો હોય તેવો લોટ
  • 1 ¼ કપ ઘી
  • 2 ટેબલ સ્પુન ગુંદર
  • 3 ટેબલ સપુન ઘી+3 ટેબલ સ્પુન ગરમ દૂધ – ધ્રાબા માટે
  • 10-12 ગ્રીન એલચીનો પાવડર
  • 1 ટેબલ સ્પુન સૂંઠ પાવડર – અથવા તમારા ટેસ્ટ મુજબ
  • 2 ટેબલ સ્પુન અડદિયા મસાલો
  • 20 નંગ ઠળીયા કાઢેલો સ્મુધ ખજુર
  • 3 ટેબલ સ્પુન ગોળ ( ઓપ્શનલ )
  • 2 ટેબલ સ્પુન પિસ્તાના સ્લિવર્સ
  • 3 ટેબલ સ્પુન કિશમીશ
  • 1 કપ કાજુ-બદામના નાના પીસ
  • 3 ટેબલ સ્પુન ફ્રેશ મિલ્કની મલાઇ ‌- ખજુર સાથે મિક્ષ કરવા માટે
  • 3 ટેબલ સ્પુન ફ્રેશ મિલ્કની મલાઇ ‌- અડદિયાનો લોટ શેકાઇ ગયા પછી ઉમેરેવા માટે

ખજુર અડદિયા બનાવવાની રીત :

સૌ પ્રથમ મિક્સિંગ બાઉલમાં 2 કપ અડદનો થોડો કરકરો હોય તેવો લોટ લઈ તેમાં 3 ટેબલ સપુન ઘી+3 ટેબલ સ્પુન ગરમ દૂધ – ધ્રાબા માટે મિક્ષ કરી તે મિશ્રણને લોટમાં ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. ત્યારબાદ તેને જરા પ્રેસ કરીને ઢાંકીને એકબાજુ રાખો. ½ કલાક રેસ્ટ આપો.

હવે એક નાના વાસણમાં 3 ટેબલ સ્પુન ફ્રેશ મિલ્કની મલાઇ ‌લઈ તેમાં 20 નંગ ઠળીયા કાઢેલો સ્મુધ ખજુર મૂકો. હવે કુકરમાં 2 કપ જેટલુ પાની મૂકી તેમાં રીંગ મૂકી, તેના પર મલાઇ અને ખજુર ઉમેરેલું વાસણ મૂકી ઢાંકીને કુકરમાં 2 -3 વ્હીસલ કરી લ્યો. કૂક થઈ જાય એટલે મલાઇ ખજુર મિક્સ કરી ગ્રાઇંડ કરી સ્મુધ પેસ્ટ બનાવો.

હવે મિડિયમ ફ્લૈમ પર લોયામાં ઘી એક્દમ ગરમ થાય એટલે તેમાં થોડો થોડો કરીને 2 ટેબલ સ્પુન ગુંદર ફ્રાય કરી લ્યો. ગુંદર એકદમ સરસ ફુલીને ફ્લફી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી એક પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

ત્યારબાદ ½ કલાક રેસ્ટ આપેલો લોટ ગ્રાઇંડરમાં ગ્રાઇન્ડ કરી લ્યો. લોયામાં વધેલા ઘીમાં ઉમેરીને સ્લો ફ્લૈમ પર ગોલ્ડન કલરનો અને ફ્લફી થાય ત્યાં સુધી શેકી લ્યો.

હવે 3 ટેબલ સ્પુન ફ્રેશ મિલ્કની મલાઇ ‌- અડદિયાનો લોટ શેકાઇ ગયા પછી ઉમેરો. મલાઇ બરાબર લોટ્માં મેલ્ટ થઇ જાય એટલે તેમાં વારફરતી 1 કપ કાજુ-બદામના નાના પીસ અને 3 ટેબલ સ્પુન કિશમીશ ઉમેરી જરા હલાવી મિક્ષ કરી લ્યો. જેથી ક્રંચી થઈ જાય.

હવે તેમાં ફ્રાય કરેલો ગુંદર ઉમેરી મિક્ષ કરો. સાથે તેમાં 10-12 ગ્રીન એલચીનો પાવડર,

1 ટેબલ સ્પુન સૂંઠ પાવડર અને 2 ટેબલ સ્પુન અડદિયા મસાલો ઉમેરો. બરબર મિક્ષ કરી લ્યો. આ મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો. હવે તેમાં ગ્રાઇંડ કરેલી ખજુર મલાઇની પેસ્ટ ઉમેરી મિક્ષ કરો. બધું મિશ્રણ બરાબર એકસરખુ મિક્સ થઈ જાય એટલે ફ્લૈમ બંધ કરી દ્યો.

(વધારે સ્વીટનેસ લાવવા માટે તેમાં 3 ટેબલ સ્પુન ગોળ ઉમેરી શકો છો. જો તમારે ગોળનો ઉપયોગ ના કરવો હોય તો તેટલા પ્રમાણમાં પહેલાથી જ સાથે ખજુર વધારે ગ્રાઇંડ કરી લેવો.મેં અહીં 3 ટેબલ સ્પુન ગોળ ઉમેર્યો છે).

ત્યારબાદ મિશ્રણને 15 મિનિટ સુધી ઠરવા દ્યો. જેથી તેમાંથી અડદિયાનો શેઇપ આપી શકાય. એક સરખા માપના અડદિયા બનાવીનેતેને એક પ્લેટમાં ગોઠવી લ્યો. તેના પર પિસ્તાના સ્લિવર્સથી ગાર્નિશ કરો. ઠરે પછી તેને કંન્ટેઇનરમાં ભરી લ્યો.

નેચરલ સ્વીટ્નેસવાળા હેલ્ધી, ટેસ્ટી અને મસાલેદાર ખજુર અડદિયા સર્વ કરવા માટે રેડી છે.

ઘરના નાના મોટા દરેક લોકોને ખૂબજ માફક આવે તેવા આ ખજુર અડદિયા એકવાર બનાવ્યા પછી તમે મારી આ રેસિપિ ફોલો કરીને વારંવાર બનાવશો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.