કેમ એક પત્નીએ પોતાના પતિને આપ્યું જીવનભર મંગળસૂત્ર નહીં પહેરવાનું વચન…એવું તો શું થયું હતું એ બંને ની વચ્ચે….

રળિયામણી એ વહેલી સવારનો સમય..
ગોંડલની પાસે આવેલા નાનકડા ગામ ભોજપરામાં પદ્મિની રહેતા હતા.. તેમના પતિ પુષ્યરાજ સાથે.. પાંત્રીસેક વર્ષનું લગ્નજીવન વિતાવી ચૂકેલા તે બંને અઠાવન અને સાંઈઠ વર્ષના હતા..! જીવનના અમુક છેલ્લા વર્ષોમાં પદ્મિનીને તેમના પતિ સાથે એકાંત જોઈતું હતું.. સમાજ, પરિવાર, દેશની દરેક જવાબદારીઓથી પર થઈને તેઓ ફક્ત પુષ્યરાજ સાથે રહેવા માગતા હતા.. અને તેથી જ તેઓ રાજકોટથી અહીં ભોજપરા રહેવા આવી ગયેલા… પુષ્યરાજ હજુ સુતા હતા.. પદ્મિનીને લગ્ન થયા ત્યારથી સવારના ચાર વાગ્યે જાગી જવાનો નિયમ.. ને એ નિયમને અનુસરીને જ તેઓ આટલી મોટી ઉંમરે પણ ચાર વાગ્યામાં જાગી જતા..!! હીંચકાને ઠેસ મારતા મારતા તેઓ પોતાના ભૂતકાળમાં પહોંચી ગયા..“પદ્મિની બેટા તને છોકરો જોવા આવે છે. વ્યવસ્થિત તૈયાર થઇ જજે..!! અને હા સાડી જ પહેરજે..! શરીરનો કોઈ ભાગ દેખાય નહિ એ રીતે.”પિતા વનરાજભાઈની સૂચના સાંભળીને પદ્મિની આંખો નીચી કરીને ઓરડામાં ચાલ્યા ગયા.. માતા સુકન્યાબહેનનું અવસાન થયું પછી તેના પિતા જ તેને માટે સર્વસ્વ હતા.. વનરાજભાઈ ટ્રક ચલાવતા એટલે મહિનામાં લગભગ પચીસ દિવસ તેઓ બહારગામ જ હોય.. જામનગરમાં રહેતા પદ્મિનીને બાળપણથી જ તૈયાર થવાનો બહુ શોખ.. આજુબાજુ વાળા પણ ખાસ પદ્મિની પાસે તૈયાર થવા આવે.. તેમના આ શોખને વિકસાવતા તેઓએ ઘરમાં બ્યુટી પાર્લર ખોલ્યું હતું.. તે દિવસે તેમના પિતાએ કહેલું છોકરો જોવા આવે છે એટલે તેમણે પોતાના આવનારા ક્લાયન્ટ્સને ના કહી દીધી અને પોતે પોતાની જાતને શણગારવામાં લાગી ગયા..

કેરીની નાની નાની ભાત વાળી રાણી કલરની સાડી અને સાથે પોપટી રંગનું ફૂલ સ્લીવ્સનું બ્લાઉઝ. ગળામાં એક સોનાની ચેઈન અને કાનમાં સોનાના લટકણ..! કપાળમાં બિંદી અને ચહેરા પર મુસ્કાન. પદ્મિની પોતાની જાતને અરીસામાં જોઈ રહ્યા.. ખરેખર ભગવાને છુટ્ટા હાથે તેમને સૌંદર્ય વહેચ્યું હતું. “પદ્મિની બેટા, મહેમાન આવી ગયા છે.. પાણી લઈને આવજો..!” પપ્પાનો અવાજ સંભળાતા પદ્મિની તેમના ઓરડામાંથી રસોડામાં ગયા અને પાણી લઈને હોલમાં આવ્યા. છ ફૂટની હાઈટ, વળ ચડાવેલી ભરાવદાર મૂછ, સુદ્રઢ બાંધો અને પહાડી અવાજના માલિક તેવા પુષ્યરાજને જોઈને જ પદ્મિની મોહી પડ્યા હતા…! “આવો પદ્મિની.. વનરાજભાઈએ તમારા સૌંદર્યના વખાણ કદાચ ઓછા કર્યા છે.. આપ તો અત્યંત સુંદર અને અમારા ઘરમાં શોભે તેવું વ્યક્તિત્વ ધરાવો છો..!! કેમ બરોબરને પુષ્ય??”

પુષ્યરાજે પોતાની માઁની વાતમાં હકાર ભરતા એક મુસ્કાન સાથે પદ્મિનીની સામે જોયું. પુષ્યરાજ યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા અને સાથે સાથે તેમના પિતાને ધંધામાં મદદ પણ કરતા..એ દિવસે પહેલી મુલાકાતમાં જ બંને પરિવારને એકબીજાના દીકરા-દીકરી અનુકૂળ આવી ગયા અને લગ્ન લખાઈ ગયા.. અને પછી શરૂ થયો પુષ્યરાજ અને પદ્મિનીનો સુખભર્યો સંસાર..! પદ્મિની લગ્ન થયા બાદ સવારના ચાર વાગ્યે જાગી જતા.. જાગીને, નાહીને, પૂજાખંડમાં એક કલાક પાઠ કરતા.. પછી રસોડામાં જઈ સવારના નાસ્તાની તૈયારી કરે.. અને સાત વાગતા પુષ્યરાજને જગાડવા ઓરડામાં પહોંચી જાય..!! સવારના સાત વાગ્યાનો સમય હોય અને ઓરડાનું એકાંત..! નવા નવા પરણેલા તે બંને એકબીજાની આંખોમાં ખોવાઈ જતા.. પુષ્યરાજ પદ્મિનીને પોતાની તરફ ખેંચવા જાય કે તરત પદ્મિની દૂર થઇ જાય અને તેમને જલ્દી નીચે આવવા માટે કહેતા જાય..!!

પુષ્યરાજને એક જ મહિનામાં યુપીએસસીની એક્ઝામ હતી..!! એથી તેઓ હમણાં પિતાજી સાથે કારખાને નહોતા જતા..!! આખો દિવસ ઘરે રહીને તેઓ ભણવામાં વ્યસ્ત રહે..!! વચ્ચે વચ્ચે પદ્મિની આવીને તેમને જ્યુસ, ફ્રૂટ્સ, ચા કે પછી જાતજાતનો નાસ્તો આપી જાય.. એક માઁ પોતાના દીકરાની કરે એવી કાળજી હવે પદ્મિની પુષ્યરાજની કરતા થઇ ગયા હતા.. પદ્મિનીના સસરા પ્રદીપભાઈને ઑટોરિક્ષાનાં પાર્ટ્સ બનાવાનું કારખાનું હતું.. પૈસેટકે તેઓ બહુ જ સુખી હતા..!! પ્રદીપભાઈ સવારમાં જ કારખાને જવા નીકળી જાય તે પછી પદ્મિનીના સાસુ પુષ્પલતાબહેન પણ પોતાના કામમાં ખોવાઈ જાય.. તેમને વાંચનનો બહુ શોખ એટલે તેઓ દિવસનો મોટાભાગનો સમય તેમના ઘરમાં બનાવેલી લાઈબ્રેરીમાં જ ગાળે..

આ બધા સમય દરમિયાન પદ્મિની ઘરમાં બધું જ સાચવી લે.. જમવાનું બનાવાથી લઈને, કરિયાણું લાવવું કે પછી સાફસફાઈ કરવી. પદ્મિનીએ બે મહિનામાં તો પોતાના સાસરિયામાં બધું જ સંભાળી લીધું હતું. પુષ્યરાજની જરૂરતોનો ખ્યાલ રાખવાનું પણ તેઓ ક્યારેય ના ચુકતા. પદ્મિની પોતાનો શોખ તો આ બધામાં ક્યાંય ભૂલી ગયા હતા..! બ્યુટી પાર્લર શરૂ કરવાનું તો ઉચ્ચારણ પણ ઘરમાં ના કરી શકાય તે વાત તેઓ જાણતા હતા તેથી જ તેઓ રોજ સુંદર રીતે સજીને પોતાનો એ શોખ સાચવી લેતા.. કહોને કે પોતાની સિંદૂરની ડબ્બીમાં ભરી લેતા.. અને રોજ થોડું થોડું સિંદૂર સેંથામાં ભરવા સાથે એ શોખને પણ ઉજાગર કરતા..!

“પુષ્યરાજ, બસ હવે પહેલા જમી લો.. તમે સવારના આઠ વાગ્યાના વાંચો છો.. અત્યારે ત્રણ વાગ્યા..!” પુષ્યરાજની એક્ઝામને હવે તો પંદર જ દિવસની વાર હતી.. તેઓ આખો દિવસ વાંચવામાં વ્યસ્ત રહેતા.. એમાંય આજે તો સવારથી તેઓ દરવાજો બંધ કરીને વાંચવા બેસી ગયેલા કે ત્રણ વાગ્યા સુધી કઈ ખાધું જ નહોતું. પદ્મિનીને પુષ્યરાજ ભૂખ્યા રહે એ બહુ ખુંચતું. તેઓ ક્યારના પુષ્યરાજને સાદ દઈ રહ્યા હતા..!! “પદ્મિની, તમે જમી લો.. મને હમણાં ભૂખ નથી..!!” ઓરડામાંથી જવાબ આપતા પુષ્યરાજે કહ્યું.! “જાણો છો ને પુષ્ય કે તમારા વગર હું નથી જમવાની.. તો ખોટી જીદ કેમ કરો છો..?!”ને અચાનક પુષ્યરાજે દરવાજો ખોલીને પદ્મિનીને અંદર ખેંચી લીધા..! પદ્મિનીને આલિંગનમાં લઇ તેમના કપાળ પર ચુંબન કરી, પુષ્યરાજે તેમની હડપચી ઊંચી કરીને કહ્યું, “પદ્મિની, મારા રાણીસાહિબા.. આ તમારા માટે જ તો કરું છું ને.. પૈસા તો આજે છે ને કાલે નથી પરંતુ જે શાખ અને રુઆબ મને આ એક્ઝામ આપ્યા બાદ અને આઈએએસ બન્યા બાદ મળશે તેવું બીજા શેમાય ક્યારેય નહિ મળે.. અને તમે જાણો જ છો ને મારા માટે આ શાખ અને આબરૂ કેટલી મહત્વની છે..!!” હજુ તો પદ્મિની સામે કઈ જવાબ આપવા જાય તે પહેલા જ તેમના હોઠ પર તસતસતુ ચુંબન ચોળીને તેમણે પદ્મિનીને ચૂપ કરી દીધા..!!

ને એ પછી જે થયું એ કોઈ પણ નવી પરિણીત અને શમણાં સજાવતી સ્ત્રીને ગમે તેવું હતુ..! બીજા દિવસે સવારે જાગીને પદ્મિનીએ પહેલા ગરમ નાસ્તો અંદર ઓરડામાં મૂકી દીધો અને પછી જ પુષ્યરાજને જગાડ્યા..કે જેથી તેઓને મોડે સુધી વાંચવું હોય તો વાંધો ના આવે..!!! બપોરના લગભગ એક વાગ્યાનો સમય હતો.. પદ્મિની હોલમાં બેસીને ગુંથણ કરી રહ્યા હતા.. પુષ્યરાજ ઓરડામાં વાંચતા હતા.. પુષ્પલતાબહેન લાઈબ્રેરીમાં હતા અને પ્રદીપભાઈ સવારના કારખાને ગયેલા. લાઇબ્રેરીમાંથી અચાનક પુષ્પલતાબહેનની બૂમ સંભળાતા પદ્મિની દોડીને ત્યાં ગયા.. જોયું તો તેમના હાથમાં ટેલિફોનનું રીસીવર લટકતું હતું અને તેઓ અચાનક સુન્ન થઇ ગયેલા..!

પુષ્યરાજ પણ બૂમ સંભળાતા દોડીને ઓરડામાં આવ્યા હતા..! પદ્મિનીએ ફોનનું રીસીવર ઉપાડ્યું તો સામેથી કોઈ હેલો હેલો બોલતું હતું..! તેને જવાબ આપતા પદ્મિની બોલ્યા, “હેલો કોણ..?!” “પદ્મિનીભાભી હું કારખાનેથી વિનય બોલું છું.. મોટા શેઠને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો છે..!! અમે તેમને એમ્બ્યુલન્સમાં ડોક્ટર પાસે લઇ જઈએ છીએ.. તમે બધા પણ સિવિલે પહોંચો.. મેં મોટા શેઠાણીને વાત કરી છે..!!” પદ્મિનીને પુષ્પલતાબહેનની હાલતનું કારણ સમજાય ગયું અને તેઓ તેમની પાસે ગયા અને તેમને બથ ભરી લીધી.. પુષ્યરાજને બધી વાત કરીને, પુષ્પલતાબહેનને શાંત્વના આપી ત્રણેય સાથે જ હોસ્પિટલ જવા નીકળ્યા.તેઓ હોસ્પિટલ પહોંચ્યા એની એક જ કલાક બાદ પ્રદીપભાઈએ છેલ્લા શ્વાસ લીધા અને મૃત્યુને ભેટવા ચાલી નીકળ્યા. તે સમયે પુષ્પલતાબહેન બહુ જ રડ્યા.. પુષ્યરાજ પણ સાનભાન ખોઈ ચુક્યા હતા.. પદ્મિની માટે એ બંનેને સંભાળવા બહુ અઘરું થઇ ગયેલું..! તે દિવસ પછી એક મહિનો આમ જ વીતી ગયો.. પુષ્યરાજ તો સાવ ભાંગી પડ્યા હતા.. તેમની યુપીએસસીની એક્ઝામમાં પણ તેઓ નહોતા ગયા.. પુષ્પલતાબહેનને લકવો થઇ ગયો અને તેઓ પથારીવશ થઇ ગયા..!! પદ્મિની માટે આ બધા સંજોગો બહુ મુશ્કિલ હતા.. હિમ્મત હાર્યા વગર તેઓ બંનેની સેવામાં લાગી પડ્યા..! પ્રદીપભાઈના મૃત્યુના બે મહિના પછી સમાચાર આવ્યા કે કારખાનામા તેમના માણસોએ જ ચોરી કરી છે અને બધો માલ વેચી નાખ્યો છે..!! કારખાનું બંધ થવાની અણી પર આવી ગયું હતું..

ઓરડામાં, અંધારામાં અને એકાંતમાં બેઠેલા પુષ્યરાજ પાસે જઈને પદ્મિનીએ તેમનો હાથ પકડ્યો અને જરા દબાવ્યો.. જાણે તેમને શાંત્વના અને હિમ્મત આપતા હોય તેમ હથેળીને પંપાળી રહ્યા. પચીસ વર્ષના પુષ્યરાજને પિતાના મૃત્યુનો અત્યંત આઘાત લાગ્યો હતો.. તેઓ જવાબ આપવાની કે કઈ કરવાની પરિસ્થિતિમાં જ નહોતા..! પદ્મિનીનો પ્રયાસ નિષ્ફ્ળ ગયો.. બે મહિનાથી મૌન ધારણ કરી ચૂકેલા પુષ્યરાજે પદ્મિનીને તે દિવસે પણ કઈ જ પ્રત્યુત્તર ના આપ્યો..! ને બીજા દિવસે કારખાને જઈને જોતા પદ્મિનીને ખબર પડી કે હવે તયા કઈ જ બચ્યું નથી…!! બધું જ ખલાસ થઇ ગયેલું. કારખાનું પણ તેમના કામદારોએ વેચી નાખ્યું હતું..! પ્રદીપભાઈની ખોટી સહી કરીને, બે મહિનામાં બધું ફનાફાતિયાં કરીને બધા કામદારો ચાલ્યા ગયેલા.. કોઈ જ લીગલ એક્શન લેવાનો હવે મતલબ નહોતો..!

પદ્મિની પોતાના સસરાજીની છબી પાસે ગયા અને નીચે બેસી પડ્યા. તેઓ ભાંગી ગયા હતા..!! પુષ્યરાજ ગુમસુમ થઇ ગયેલા અને સાસુમા લકવાગ્રસ્થ. બંનેમાંથી કોઈ કશું સાંભળવાની સ્થિતિમાં નહોતું. એકલે હાથે તેઓ સસરાના મૃત્યુ બાદ બે મહિના સુધી સતત લડ્યા હતા.. હવે તેઓ થાકી ગયેલા.. ઘરનું ઘર હતું એટલે માથે છત તો હતી જ પરંતુ આર્થિક રીતે તેઓ હવે બહુ ભીડમાં આવી ગયા હતા..!બેંકમાં પણ કઈ ખાસ વધારે રૂપિયા નહોતા. હવે પદ્મિનીને બને એટલી જલ્દી આર્થિક ઉપાર્જન માટેની વ્યવસ્થા વિચારવાની હતી..!!

કારખાનેથી પોતાની ગાડીમાં જ તેઓ ઘરે પહોંચ્યા.. આલીશાન બંગલો અને બે-બે ગાડીઓ. પરંતુ આ બધાનો કઈ જ અર્થ નહોતો.. અત્યારે મહત્વ નાણાકીય ભીડમાથી કેવી રીતે નીકળી શકાય તે વિચારવાનું હતું..!પદ્મિની ઘરે આવ્યા બાદ પોતાના ઓરડામાં ગયા.. પુષ્યરાજ સુતા હતા.. કદાચ ચિરનિંદ્રામાં હતા..! તેમના ચહેરા પર સૂકુન હતું..! પદ્મિનીને તે જોઈને હાશ થઇ..! ઓરડામાં દાખલ થતા જ બિલકુલ સામે અરીસો હતો.. પદ્મિનીને પોતાનો ચહેરો તેમાં દેખાયો. અને તેમનું સ્વપ્ન પણ..!!વધારે વિચાર કર્યા વગર પદ્મિની કામે લાગી ગયા.. બે ગાડીઓ હતી તેમાંથી એક ગાડી વેચીને તેઓએ બંગલાના ગેસ્ટરૂમને પોતાના બ્યુટી પાર્લરમાં ફેરવી નાખ્યું.. એ સમયે હજુ બ્યુટી પાર્લરમાં જવા વાળી સ્ત્રીઓ બહુ ઓછી હતી..શરુઆતમા થોડી તકલીફ પછી ધીમે ધીમે પદ્મિનીનું બ્યુટી પાર્લર જામતું ગયું.. હવે તેમને બહારગામથી પણ ઓર્ડર મળતા.. તેમના સાસુ હજુ પણ લકવાગ્રસ્થ હતા.. પુષ્યરાજ માત્ર કામ પૂરતું જ બોલતા. આખો દિવસ તેઓ તેમના ઓરડામાં બેઠા રહે અને ચુપચાપ બધું જોયા કરે.. પદ્મિનીના ક્લાઇંટ્સ ક્યારેક તેમના ઓરડા પાસેથી પસાર થતા..પુષ્યરાજને ધીમે ધીમે બધું સમજાય રહ્યું હતું..!

પ્રદીપભાઈના મૃત્યુ બાદ લગભગ આઠેક મહિના વીતી ચુક્યા.. એક દિવસ સવારે પુષ્યરાજે પદ્મિનીને બોલાવ્યા.. “પદ્મિની, આ તમે ઘરમાં શું માંડ્યું છે???” ઘણા દિવસે પદ્મિનીને પોતાના પતિનો અસલ મિજાજ જોવા મળ્યો. પુષ્યરાજ હવે સ્વસ્થ થઇ રહ્યા હતા.. કદાચ થઇ ચુક્યા હતા..!!
“પુષ્ય, આપણું કારખાનું બધા કામદારોએ છેતરપિંડી કરીને વેચી નાખ્યું છે.. એ જગ્યાએ આપણું કઈ જ બચ્યું નહોતું. તમે કઈ સંભાળી શકો તેવી હાલતમાં નહોતા. મમી તો લકવાગ્રસ્થ થયા ત્યારથી પથારીવશ જ છે..! ઘરને ચલાવવા માટે મારે પૈસાની જરૂર હતી..! મમીની દવાઓ અને તમારી પણ ડોક્ટર સાથેની અમુક સિટિંગ્સ હતી..!! આ બધા માટે પૈસાની જરૂર હતી..!!

તમે જાણો છો ને કે હું લગ્ન પહેલા પાર્લર ચલાવતી.. એ બહુ સારું ચાલતું.. ન એ જ યાદ કરીને મેં પાર્લર ખોલવાનું વિચાર્યું. કારણકે કમાવાનો મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો..પુષ્યરાજ તે દિવસે બહુ ગુસ્સામાં હતા.. તેમણે પદ્મિનીની વાત સાંભળી અને તીખા અવાજે કહ્યું, “પદ્મિની તમે જાણો છો ને કે મને મારી શાખ કેટલી વહાલી છે?? આ બધું જે તમે કરો છો એ છીછરા કામ મને નથી પસંદ.. તમને મેં બહુ માથે ચડાવ્યા છે.. વર તો ગાંડો થઇ ગયો તેમ વિચારીને તમે તમારું મનગમતું આ બધું જે આદર્યું છે તે હવે બંધ કરી દેજો..! મને આ કઈ આપણા ઘરમાં નહિ જોઈએ. સમજી ગયા ને???” “પણ, પુષ્ય આમ ખોટું શું છે??” પદ્મિનીએ પુષ્યરાજને પૂછ્યું. ગુસ્સામાં પુષ્યરાજ તેમની જગ્યાએથી ઉભા થઈને પદ્મિનીની નજીક ગયા અને કહ્યું, “આ મારી આબરૂનો સવાલ છે..!!” “પણ પુષ્ય..!” ને સટ્ટાક કરતો પદ્મિનીના ગાલ પર પુષ્યરાજે તમાચો મારી દીધો. તે દિવસે પદ્મિની લગ્ન બાદ પહેલી વખત બહુ જ રડ્યા.કદી તેમણે પોતાના સપનાઓને વ્યક્ત નહોતા કર્યા. જયારે પોતાના પતિ અને સાસુને ખાતર તેમણે કમાવા માટે તેમના સપનાનો રસ્તો પસંદ કર્યો ત્યારે તેમના પતિનો ઘમંડ ઘવાયો.. પદ્મિની પોતાના ઓરડામાં ચાલ્યા ગયા.. સાંજ સુધી તેઓ ત્યાં જ બેઠા રહ્યા..રાતના સમયે પુષ્યરાજ ઓરડામાં આવ્યા.. તેમના ચહેરા પર મુસ્કાન હતી.. પદ્મિનીને લાગ્યું તેમને કદાચ ભૂલ સમજાય ગઈ હશે.. તેઓએ પણ પ્રેમથી પોતાના પતિને આવકાર્યા..

આમ પણ લગ્નજીવનમાં આવું તો બનતું રહે.. નાના-મોટા ઝગડાઓથી જ તો સંસારમાં સુવાસ પ્રસરે છે.. ઝગડા બાદ બંને પતિ-પત્નીનો પ્રેમ અદભુત હોય છે.. જાણે જિંદગીમાંથી ગુમાવેલા એ અમુક કલાકો જે ઝગડાને કારણે તેઓ સાથે વિતાવી ના શક્યા હોય તેને ભૂલી જવા માગતા હોય તે જ રીતે એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત થઇ જાય છે..!!તે રાતે પણ કંઈક આવું જ બન્યું..

પદ્મિની માઁ બનવાની એ પ્રક્રિયાના પ્રથમ પગથિયાંને પર કરી ચુક્યા હતા..બીજા દિવસે સવારથી જ પુષ્યરાજે બધો કારભાર તેમના હાથમાં લઇ લીધો.. એક્ઝામ ડેટ્સ ફરીથી ચેક કરી તેઓ યુપીએસસીની તૈયારી કરવામાં લાગી ગયા..!! પદ્મિની તેમના પાર્લરમાં ગુંથાઈ ગયા.. જયારે પહેલું ક્લાઈન્ટ આવ્યું ત્યારે પુષ્યરાજને નવાઈ લાગી..! તેઓ ગુસ્સામાં ઉભા થયા અને ગેસ્ટ રુમ તરફ પહોંચ્યા..“પદ્મિની…બહાર આવો…!!”

પદ્મિની તો શું થયું હશે અચાનક તેમ વિચારતા બહાર આવ્યા કે પુષ્યરાજે તેમને ખભાથી પકડી લીધા અને હચમચાવી નાખ્યા..“પદ્મિની, તમને મેં ના કહી હતી ને.. પાર્લર નથી કરવાનું. એક વાતમાં તમને સમજણ નથી પડતી. હવે આ જે આવ્યું છે એને ઘરમાંથી બહાર કાઢો અને તમે રસોડાના કામે લાગો..” પુષ્યરાજનો અવાજ એ દિવસે કંઈક વધારે જ મોટો હતો…!!પદ્મિનીએ જવાબ આપતા કહ્યું, “પણ પુષ્ય, તમે કાલે રાતના મારી પાસે આવ્યા એટલે મને તો એમ કે તમે મારા આ પાર્લર માટે માની ગયા છો..!અને તમે એક વાત સમજો..જો આ રીતે તમે એક્ઝામનું વાંચતા હશો તો પૈસા ક્યાંથી લાવીશું આપણે??? હું જે કઈ કરું છું તે આપણા જ માટે કરું છું..!! તમે પ્લીઝ સમજવાની કોશિશ કરો..!” સાનભાન ભૂલી ચૂકેલા પુષ્યરાજન તે વખતે બહુ ગુસ્સામાં હતા.. તેમનું પૌરુષત્વ ઘવાયું હતું.. તેઓ આગળ વધ્યા અને પદ્મિનીના વાળ ખેંચીને તેમને ઓરડામાં લઇ ગયા.. દલીલને જાણે કે અવકાશ જ નહોતો.. દરવાજો બન્ધ કરીને તેમણેપદ્મિનીને બે તમાચા મારી દીધા.. ગુસ્સામાં આંધળા થઇ ગયેલા પુષ્યરાજે પદ્મિનીના ગળામાંથી મંગળસૂત્ર ખેંચીને તોડી નાખ્યું.. અને પદ્મિનીના મંગળસૂત્રના મણકાઓ નીચે જમીન પર વેરાઈ ગયા.. તેમના સપનાની જેમ જ..!!

પદ્મિનીની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા.. એમાંય જયારે તેમનું મંગળસૂત્ર તૂટ્યું ત્યારે તેમની આંખમાં અચાનક તણખો ફૂટ્યો..કેમ જાણે પુષ્યરાજને આંખના ઇશારાથી કહેવા માગતા હોય કે સુહાગના એ બંધનની આવી હાલત કરવાનો તેમને અત્યંત પસ્તાવો થવાનો છે..પુષ્યરાજને જવાબ આપ્યા વગર પદ્મિની જમીન પર બેસીને પોતાના મંગળસૂત્રના મણકાઓ વીણી રહ્યા.. પુષ્યરાજ હજુ પણ ગુસ્સામાં જ હતા… ધુંઆપુંઆ થઇ રહ્યા હતા.. જમીન પર બેઠેલા પદ્મિનીએ તેમની સામે જોયું અને કંઈક નિર્ણય કરતા હોય તેમ ઉભા થયા..!

તેમની આંખોમાં સરિતા જેવી શાંતિ અને અગનજવાળા એકસાથે વર્તાય રહ્યા હતા..! હાથમા એ મંગળસૂત્રના મણકા લઇ, પુષ્યરાજને સંબોધીને તેઓ બોલ્યા, “પુષ્ય, તમે પુરુષ છો.. મારા પતિ છો.. એક સ્ત્રી તરીકે, તમારી પત્ની તરીકે મારું કર્તવ્ય છે તમારી દરેક વાત માનવાનું.. એટલે હું અત્યારે આ ક્ષણે જ નક્કી કરું છું કે હવેથી પાર્લર બંધ..!!” પુષ્યરાજે વિજયી મુસ્કાન દર્શાવી.. પદ્મિનીએ તે મુસ્કાનને નજરઅંદાજ કરીને પોતાની વાત આગળ વધારતા કહ્યું, “પુષ્ય, હું તમને બહુ પ્રેમ કરું છું અને એટલે જ તમારા સાથે જોડાયેલી દરેક વસ્તુ મને પ્રિય છે.. મારા મંગળસૂત્રનું, મારી સુહાગની નિશાનીનું તમે જે અપમાન કર્યું તે બહુ જ ખોટું કર્યું છે.. મને અત્યંત દુઃખ થયું.. મેં એક નિર્ણય કર્યો છે.. આજથી, અત્યારથી જ હવે ક્યારેય હું મઁગળસૂત્ર નહિ પહેરું. કદાચ તમારા માટે આ બહુ નાની બાબત હશે.. પરંતુ મારા માટે મારુ મંગળસૂત્ર તમારા અસ્તિત્વની ઓળખ છે.. મારા પ્રેમરૂપી બંધનની નિશાની છે..!! સાથે સાથે જ હું આજથી ક્યારેય આ રીતે તૈયાર નહિ થાવ.. તમને આ બધી વાત બહુ નાની લાગતી હશે.. પરંતુ આવી બધી બાબતો જ સંબંધોમાં કડવાશ ઉમેરે છે.. ને આપણા સંબંધમાં એ કડવાશ વધુ આગળ ના વધે તે માટે જ તમે મારા સુહાગનું જે અપમાન કર્યું છે એ પછી હું તેને હાથ નહિ લગાવું..!હા હું બીજા કોઈ નાટક પણ નહિ કરું કે તમે મારા પર હાથ ઉપાડ્યો એટલે ઘર છોડીને જતી રહું કે તમને કોર્ટમાં લઇ જાઉં. મારા પિતાજીએ મને સંસ્કાર અને સહનશીલતા બન્ને વારસામાં આપ્યા છે..!! એક ખરાબ દિવસ હતો જીવનમાં એમ સમજીને હું તો ભૂલી જઈશ પરંતુ મારા ગળામાં મંગળસૂત્રની ગેરહાજરી તમને તમારી ભૂલ યાદ કરાવશે..!” પુષ્યરાજ પદ્મિનીની વાત સાંભળી રહ્યા.. શું જવાબ આપવો તેની ગડમથલમાં તેઓ કંઈક બોલવા જાય એ પહેલા જ પદ્મિની ત્યાંથી ચાલ્યા ગયા..!!એ દિવસ પછીથી પદ્મિની પુષ્યરાજના પત્ની હતા પરંતુ ફક્ત શરીરથી.. મનથી કે આત્માથી તેઓને પોતાના પતિ માટે હવે કોઈ લાગણી નહોતી રહી..
વર્ષો વીતતા ગયા ને સમય પણ બદલાતો ગયો..

પથારીવશ થઇ ગયેલા પુષ્પલતાબહેન પ્રદીપભાઈના અવસાન પછીના ત્રણ વર્ષમાં મૃત્યુ પામ્યા.. પદ્મિની ત્રણ દીકરાની માઁ બન્યા. સમાજ માટે પદ્મિની અને પુષ્યરાજ એક આદર્શ દંપતી હતા.. લોકોને લાગતું કે પદ્મિનીએ પુષ્યરાજને દરેક પગલે સાથ આપ્યો છે એટલે તેમનું જીવન સુવર્ણથી મઢેલું છે.. પરંતુ અંદરખાને તે બંને જ જાણતા હતા કે તેમના સંબંધમાં હજુ પરિપક્વતા નહોતી.. આટલા વર્ષોના પરિણીત જીવન બાદ પણ તેઓ ક્યાંક અજાણ્યા હતા એકબીજાથી..પુષ્યરાજ યુપીએસસીની એક્ઝામમાં પાસ થઇ ગયા.. પર્સનલ ઇન્ટરવ્યૂ પણ તેઓએ સારી રીતે પાસ કર્યો અને તેમને પહેલું પોસ્ટિંગ કલેકટર તરીકે મહેસાણામાં મળ્યું હતું. ત્યારબાદ જીવન આગળ વધતું ગયું.. છોકરાઓ મોટા થતા ગયા..

સાઈઠ વર્ષની ઉંમરે પુષ્યરાજ રીટાયર થયા ત્યારે તેમના ત્રણેય દીકરાઓ પરણી ગયા હતા.. ધંધામાં સેટ હતા.. રાજકોટમાં ત્રણેયના અલાયદા બઁગલા હતા..!! બધી જ વહુઓ સાસુ-સસરાને પોતાની સાથે રાખવા ઇચ્છતી હતી પરંતુ જે દિવસે પુષ્યરાજ રીટાયર થયા અને તેમણે સરકારી બઁગલો છોડ્યો તે દિવસે પદ્મિનીએ પોતાના ત્રણેય દીકરા-વહુઓને બોલાવ્યા..તેમને સંબોધીને તેઓ બોલ્યા, “છોકરાઓ, મને ખબર છે તમે બધા અમને બહુ પ્રેમ કરો છો.. તમને અમારા માટે માન અને લાગણી છે પરંતુ મેં એક નિર્ણય કર્યો છે.. તમારા પપ્પાને પણ અત્યારે જ હું જણાવી રહી છું..!! હું અને તમારા પપ્પા ગોંડલ પાસે ભોજપરામાં આપણું નાનકડું મકાન છે ત્યાં રહેવા જઈએ છીએ..!!પુષ્ય, તમને પૂછ્યા વગર આ નિર્ણય લેવા માટે માફી માંગુ છું પરંતુ મારી આવી ઈચ્છા છે.. તમે સાથે આવશો તો વધુ ગમશે..!” પુષ્યરાજને લાગ્યું કે આટલા વર્ષોથી સંબંધ પર જે ધૂળ ચડી છે તેને ખંખેરી નાખવાનો કદાચ સમય પાકી ગયો છે.. પદ્મિની કદાચ એકાંતમાં રહીને મને એક તક ફરી આપવા માંગતા હોય તેવું બની શકે..!! તેમણે તરત જ પદ્મીનીની વાતમાં હા ભણી દીધી અને બંને બીજા જ દિવસે ભોજપરા શિફ્ટ થઇ ગયા..!! અત્યારે ભૂતકાળના આ બધા વિચારોમાં પદ્મિની એવા ખોવાઈ ગયેલા કે તેમને સમયનું ભાન જ નહોતું રહ્યું… પુષ્યરાજ બહાર આવ્યા અને તેમની બાજુમાં હીંચકા પર બેઠા ત્યાં સુધી તેઓને ખબર જ ના રહી કે પુષ્યરાજ જાગી ગયા છે..!!

“પદ્મિની, શેના વિચારોમાં ખોવાઈ ગયા છો??” “અરે પુષ્ય, તમે ક્યારે જાગ્યા?? ચાલો તમારો નાસ્તો તૈયાર કરી આપું.. આવી જાવ અંદર..! પદ્મીનીની વાત સાંભળી પુષ્યરાજ બોલ્યા, “પદ્મિની કેટલા વર્ષ તમે મારી સેવા કરી.. મારી જરૂરતો સાચવી.. પરંતુ હું તમને કઈ ના આપી શક્યો..જે હતું એ પણ છીનવી લીધું.. તમારા શમણાંઓ, તમારું મઁગળસૂત્ર, તમારું સૌંદર્ય.. બધું જ…!! હે ને?? મને માફ કરો પદ્મિની..!”

કહેતા પુષ્યરાજ રડી પડ્યા.. જીવનમાં પહેલી વખત તેમની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.. ભોજપરા રહેવા આવ્યા પછી પદ્મિનીએ જોયું હતું કે પુષ્યરાજ પોતાની બહુ કાળજી કરતા.. ત્રણ મહિના થયા હતા તેમને અહીં રહેવા આવ્યે પરંતુ પુષ્યરાજે તેમને ત્રીસ વર્ષનો પ્રેમ એકસામટો ત્રણ મહિનામાં કરયો હતો..!! પદ્મિનીએ પુષ્યરાજનો હાથ પકડ્યો અને એમ જ બેસી રહ્યા.. થોડીવારે સ્વસ્થ થતા પુષ્યરાજ બોલ્યા, “પદ્મિની જન્મદિવસની શુભેચ્છા..!” પદ્મિનીને પોતાને પણ યાદ નહોતું કે તેમનો બર્થડે છે.. પુષ્યરાજ પાસેથી વધાઈ સાંભળીને તેઓ તેમને ભેટી પડ્યા.. સાંજના લગભગ પાંચ વાગ્યા હશે..પદ્મિની હંમેશની જેમ તેમનું પ્રિય ગુંથણ કરી રહ્યા હતા.. પુષ્યરાજ લાઈબ્રેરીમાં હતા..!

દરવાજાની બેલ વાગતા પદ્મિની ઉભા થઈને દરવાજો ખોલવા ગયા..!! દરવાજો ખોલીને જોયું તો સામે તેમના ત્રણ દીકરાઓ, ત્રણેય વહુઓ અને મોટા દીકરાનો નાનકો ઉભા હતા…! પદ્મિની માટે આ બહુ મોટી સરપ્રાઈઝ હતી…બધા પદ્મિનીને એકસાથે વળગી પડ્યા.. અંદરના ઓરડામાંથી પુષ્યરાજ આવ્યા અને કહ્યું, “સરપ્રાઈઝ કેવી લાગી????” પદ્મિની બહુ જ ખુશ હતા.. તેઓ તરત પુષ્યરાજ પાસે ગયા અને તેમનો આંખોથી આભાર વ્યક્ત કરી રહ્યા.. પુષ્યરાજે તેમના પેન્ટના ખિસ્સામાંથી ડબ્બી કાઢી.. અને તેમાંથી મંગળસૂત્ર..!બિલકુલ લગ્ન વખતે પદ્મિનીને પહેરાવ્યું હતું તેવું જ તે મઁગળસૂત્ર હતું..! પુષ્યરાજ પદ્મીનીની નજીક ગયા અને તેમનો હાથ પકડી બોલ્યા, “પદ્મિની વર્ષો વીતી ગયા પરંતુ તમે તમારી વાત પર અકબંધ રહ્યા.. હા મને પ્રેમ એવો ને એવો જ કર્યો.. મારી જરુરિયાતો સાચવી અને એક પત્ની તરીકેની ફરજ પણ પુરી કરી…! હું પતિ થવાની ફરજ ક્યાંક ચુકી ગયો હતો.. પરંતુ આજે એવું નહિ થાય.. મને મારી પદ્મિની પાછી જોઈએ છે બદલામાં હું તમને તમારા શમણાંઓ પાછા આપી રહ્યો છું..!! આ લો તમારા નવા ટ્રેનિંગ સેન્ટરની ચાવી..! રાજકોટમાં જ બનાવ્યું છે.. એટલે આપણે ફરી પાછું ત્યાં જવું પડશે..!

કદાચ આ ઉંમરે તમે બ્યુટી પાર્લર ના ચલાવી શકો પરંતુ કોચિંગ તો આપી જ શકો ને..!!! તમારા ટ્રેનિંગ સેન્ટરની દરેક છોકરી જે બ્યુટી પાર્લર ખોલવા માંગતી હોય પણ સમાજના નામે બંધાયેલી હોય આબરૂથી તે બધી અહીં શીખવા આવશે.. અને હું પાંચ છોકરીઓને પાર્લર ખોલવા ફન્ડીંગ કરીશ..! અને હા, તમારી પહેલી ત્રણ વિદ્યાર્થીનીઓ તમારી સામે જ ઉભી છે..!! કેમ બરોબરને મારી લાડકી વહુઓ??”

પુષ્યરાજની વાત સાંભળી ત્રણેય વહુઓએ એકસાથે હકાર ભણ્યો..પદ્મિની તો આ બધું જોઈ ધન્ય ધન્ય થઇ ગયેલા.. આખરે તેમની આટલા વર્ષોની તપશ્ચર્યા ફળી હોય તેવું તેમને લાગ્યું..! આંખમાં હર્ષના આંસુ સાથે તેઓ પુષ્યરાજની પાસે ગયા અને તેમના હાથેથી અડવા ગળામાં મંગળસૂત્ર પહેર્યું..! પુષ્યરાજે મંગળસૂત્ર પહેરાવતાની સાથે જ તેમના સેંથામાં સિંદૂર ભર્યું ને ત્યાં હાજર બધા આ આનંદની ઘડીને વધાવી રહ્યા..!!

લેખક : આયુષી સેલાણી

દરરોજ આવી લાગણીસભર વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ.