હાંડવો એટલે બધા નો ફેવરિટ અને દરેક ગુજરાતી ની પેહલી પસંદ, સામાન્ય રીતે આથા વાળો હાંડવો બનાવવો હોય તો ૧ દિવસ અગાઉ તૈયારી કરવી પડે. આજે હું તમને બતાવીશ હાંડવા ની થોડી અલગ પ્રકાર ની રેસીપી, ઈન્સ્ટંટ સોજી હાંડવો. આ સોજી ના હાંડવા નો ટેસ્ટ ખુબજ સરસ આવશે, અને ખુબજ ઓછા સમય માં એક ટેસ્ટી વાનગી બની જશે, જેને તમે સવાર ના નાસ્તા માં , સાંજ ના નાસ્તા માં કે પછી ડિનર માં પણ લઇ શકો છો તો ચાલો હવે રેસીપી જોઈ લઈએ.
૧ કપ – સોજી
૧ કપ – ખાટ્ટું દહીં
૧/૨ કપ – છીણેલું ગાજર
૧/૨ કપ – જીણી સમારેલી ડુંગળી
૧/૨ ચમચી – ઈનો
૧ ચમચી – લીંબુ નો રસ
મીઠું સ્વાદ મુજબ
૧ – લીલું મરચું સમારેલું
૧/૨ ચમચી – લાલ મરચું પાવડર
૧/૨ ચમચી – ધાણાજીરું
૧ ચમચી તેલ
૧ ચમચી રાય
૧ ચમચી જીરું
મીઠા લીમડા ના પાન
સરળ રીત :
સૌ પ્રથમ સોજી ને દહીં માં બનાવવાના ૧૫ મીનીટ પેહલા પલાળી દો. દહીં ખાટ્ટું લેવું અને ખાટ્ટું દહીં ના હોય તો લીંબુ નું પ્રમાણ વધારી દેવું,
સોજી પલળે છે ત્યાં સુધી ગાજર ખમણી લો , ડુંગળી અને લીલું મરચું સમારી લો, અહીં તમે ગાજર ની સાથે બીજા શાક નાખી શકો, જેમ કે એકદમ જીણી સમારેલી કોબી, ખમણેલી દૂધી. હવે ૧૫ મીનીટ પછી સોજી પલળી ગયો હશે જો કડક થઇ ગયો હોય તો થોડું પાણી નાખી ને બરાબર કરી લો એકદમ જાડું પણ ના હોવું જોઈએ ખીરું. હવે તેમાં ઈનો અને લીંબુ નાખી બરાબર હલાવી લો।
૨ મીનીટ સુધી હલાવો ખીરું ફૂલેલા જેવું લાગશે. હવે તેમાં ગાજર , ડુંગળી , મરચા અને બધો મસાલો નાખી દો જે ઉપર બતાવ્યો છે,
બધું બરાબર મિક્સ કરી લો. હવે એક નોનસ્ટિક પેન લઇ તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે રાય , જીરું , લીમડો નાખી ,
સોજી નું ખીરું નાખી દો અને ગોળ શેપ આપી દો, બહુ પ્રેશર નથી આપવાનું હળવા હાથે જ ગોળ શેપ આપી દો,
હવે ઢાંકી અને ૫ મીનીટ સુધી ચડવા દો,
પછી ફેરવી અને બીજી સાઈડ પણ ઢાંકી ને ૨-૩ મીનીટ સુધી ચડવા દો।
બંને સાઇડે બ્રાઉન કલર થાય ત્યાં સુધી ચડવા દો। બસ તૈયાર છે તમારો હાંડવો , કેચપ , ચટણી કે ચા સાથે ખાઈ શકો ।
રસોઈની રાણી : નિરાલી કોરાટ