કર્મયોગી કાનજી – ભાગ – 2 વિજય શહેરમાંથી અચાનક આવે છે અને બધી જ ચર્ચાનો ભાગ બને છે હવે આગળ…

કર્મયોગી કાનજી

પહેલો ભાગ વાંચવા માટે અહીંયા ક્લિક કરો

જિંદગીની સફરમાં સમયના સકંજામાં સપડાયેલા બંને ખેડૂત દોસ્તારોની ધર્મસંકંટમાં પડેલી પરિસ્થિતિ આપણે જોઈ સાથે સમયે કેવું પાનું ફેરવ્યું એ પણ આપણે જોયું. વિજય શહેરમાંથી અચાનક આવે છે અને બધી જ ચર્ચાનો ભાગ બને છે સાથે ઈંસ્પેક્ટર વાકાણી અભિવાદન કરીને પોતાને કામે જાય છે હવે આગળ.

‘કાનજી, આજે તો તારો જ દિવસ છે દોસ્ત, મન ભરીને માણી લે. જમીનનું કામ ઉકેલાયું સાથે દીકરો પણ આજે જ આવ્યો અને સૌથી વધારે સારું તો એ થયું કે તારા સારા વિચારની ચમક માનનાં કોઈક ઊંડા ખૂણામાં થઇ અને બીજી વ્યક્તિના વિચારોને સારી દિશામાં ગતિ મળી. આનાથી વધારે સારું શું હોઈ શકે?’

image source

‘વાત તો સાચી છે સોમા, સારા અને સાચા વિચારોનો મહિમા તો ઘણો છે એ વાત સાંભળી હતી આજે નજરો-નજર જોઈ પણ લીધી. ધન-દોલત, રાજ-પાઠ અને જાહોજલાલી સામે આપણા સારા-સાચા વિચારો અને કર્મોની જીત થાય ત્યારે થતો આનંદ આજે હું અનુભવી રહ્યો છું. આ બધું જ મારા ‘બા’ના સંસ્કારોનું સિંચન છે જે આજે મને જીવનની સંજીવનીબુટિ સમાન લાગ્યું છે. જેની પત્ની ‘સતી સીતા’ જેવી, દીકરો ‘વિજય’ જેવો હોય અને દોસ્ત તારા જેવો હોય એના જીવનમાં વળી દુઃખ શું??’, કાનજી ગળગળો થઈને બોલ્યો.

‘પપ્પા, સોમજીકાકા, હવે મારુ પેટ આ વાતોથી તો નહિ જ ભરાય, ચાલો આજે આપણે સાથે જમવા બેસીએ. સોમજીકાકા હાલો, આજે તમારે પણ ઘરે નથી જવાનું. હવે, જમીને જ જજો નિરાંતે.’, વિજય વચ્ચે જ બોલ્યો.

આ બાજુ વિજયની ‘માં’ રોટલા ઘડે અને કંસાર બનાવે છે અને સામે બધા જમવા બેઠા છે આજે તો વિજયની ‘માં’ને પણ અનેરો આનંદ આવતો હશે. કેટલો સુખી પરિવાર લાગે ને! એમાં ક્યાં કોઈ પૈસા કે જાહોજલાલીની માંગ છે સાહેબ! ‘ભાભી, તમારા હાથનું જમવાનું એટલે જાણે સાક્ષાત અન્નપૂર્ણાનો પ્રસાદ. મોજ પડી ગઈ! હવે ઘર તરફ પ્રયાણ કરીએ તમારા ભાભી વાટ જોતા હશે. હાલ, કાનજી મળીએ રાતે. દીકરા વિજય, આવજે ઘરે. હજી તો રોકવાનો હોઈશ ને??’ ‘હા કાકા, આવીશ. આવજો..તમે ધ્યાન રાખજો.’, વિજય બોલ્યો

‘સોમા, ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્ત, તું હર-હંમેશ મને સાથ આપે છે..’,કાનજી બોલ્યો ‘અલા, તું ક્યારથી આમ શહેરી થઇ ગયો?? વાત-વાતમાં ધન્યવાદ કહે છે! દોસ્ત પાસે તો હકથી કામ લેવાય. ચાલ હવે મળીએ.’, સોમજી વાત કરી ઘર ભણી ગયો. ‘વિજય, તું ઘણા સમયે આવ્યો છે ને ચાલ હું તને ખેતરે લઇ જઉં. આ વખતે સફલ ખૂબ સારી થઇ છે અને પ્રભુ જોગે જો માર્કેટમાંથી ભાવ સારા મળ્યા તો આપણને સારો એવો ફાયદો થશે.’, કાનજી અને વિજય ચાલ્યા જાય છે.

‘સાચી વાત છે પપ્પા. બધું સારું થશે. બહુ સમયે આજે ગામ આવી, તમને બંનેને હસતા-રમતા જોઈને ખૂબ આનંદ થયો. ગામનો આ ચોરો અને ત્યાં બેઠેલા વડીલો, ઝૂલે રમતા અમે બધા નાના ભૂલકાઓ, ગામની આ એક જ શાળામાં અમે બધાએ લીધેલું પ્રાથમિક શિક્ષણ, સાથે કરેલી મસ્તી-મઝાક અને તોફાન, મમ્મીના હાથનો રોટલો અને છાશ પણ કેટલા મીઠા હતા!!!! શહેરમાં જિંદગી એટલી ઝડપથી ભાગે છે કે સમયનો તકાજો જ નથી રહેતો.’,વિજય બોલતો જાય છે અને બંને ખેતરે આવી પહોંચે છે.

‘વાત સાચી હો દીકરા તારી! પરંતુ તને ત્યાં સારું શિક્ષણ મળ્યું, સમય સાથે ચાલવાની તને તાકાત મળી અને સાથે તું આનંદથી વધારે ખુલી શક્યો આ બધું જ શહેરના વાતાવરણમાં રહીને જ થયું છે. સમય સાથે તારે તો આગળ વધવું જ રહ્યું ને! જ થાય એ સારા માટે થાય દીકરા. થોડા સમય આપણે બધા આગળ રેહવું પડશે એ જ ને? ચાલશે… તું તારે નિરાંતે તારું શિક્ષણ લઇ લે અને ડોક્ટર બની જાય એટલે અમારી મહેનત સફળ. આવ બેસ, ખાટલો ઢાળીએ….’, કાન્જીભાઈ બોલ્યા.

image source

‘વિજય, આ જે દેખાય છે ને એ જ આપણી જમાપૂંજી. આ જમીનના સથવારે આપણે જીવનના દરેક પ્રવાસો ખેડ્યાં. ‘માં’ને જેટલા દીકરા વ્હલા હોય એટલી એક ખેડૂતને એની જમીન વ્હલી હોય એટલે જ આ બધી જમીનની તકરારે મારા મગજ પર વધારે ઊંડો ઘા કરી દીધો હતો. તું તો બધું જાણે જ છે ને આપણે આપણી દરેક પરિસ્થિતિમાં સમય અને સિદ્ધાંતોને સાથે રાખીને જ ચાલ્યા છીએ એટલે આપણને ખોટું કરવાનું કે કોઈની સાથે જીભાજોડી કરવાનું ગાંઠે નહિ પરંતુ અત્યારે તો બધું થાળે પડ્યું છે આગળ જોઈએ હવે સમય શું લઈને આવે છે.’

આ બાજુ બધું શાંત ચિતે ચાલે છે અને બીજી બાજુ શેઠ ધરમચંદને આખી વાતની જાણ થઈ છે અને બધી જ વાતમાં આ પોલીસ અધિકારીએ ચમચાગીરી કરીને કોર્ટનો લેટર બનાવી આપ્યો છે એ વાતથી શેઠ ભડકી ઉઠે છે અને સીધા પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે. ‘આ બધું શું માંડ્યું છે વાકાણી સાહેબ?? હવે તમે અમારી વિરુદ્ધ જઈને લોકોસેવા કરશો?? આટલા સમયથી કોઈએ આવી હિમ્મત નથી કરી અને તમે તો બહુ બહાદુરી બતાવીને કઈ?’, શેઠ ધરમચંદ ગુસ્સામાં બરાડ્યા.

‘અરે! શેઠ સાહેબ… આવો. બેસો, અચાનક અમારી યાદ આવી ગઈ?? શું કામ પડ્યું?? સરકારી કામમાં આપણે કોઈ દિવસ ઢીલ કરતા નથી. બોલો કેવી રીતે તમારી મદદ કરી શકું?? અમને સરકારે આપ સહુની મદદ માટે જ અહીંયા તૈનાત કર્યા છે.’, ઈંસ્પેક્ટર બહુ પ્રેમથી બોલ્યા. ‘વધારે ડાહ્યા બનીને અમારી સામે ભલા માણસની એકટિંગ કરવાની જરૂર નથી તમારે વાકાણી. શું તમને નથી ખબર કે હું અહીંયા કેમ આવ્યો છું?? વધારે સારી રીતે સમજાવવા માટે સાથે બીજી સામગ્રી પણ લાવ્યા છીએ. બોલો કેહતા હોય તો બતાવું ?????????’

‘અરે! ના એ સામગ્રીની જરૂર નથી. તમે જ કામ માટે આવ્યા છો એ કામ કહો એટલે વાર્તા પતે. અમે પણ સરકારના માણસો છીએ અમે કામ પણ સરકારના જ કરીએ છે. કામમાં વધારે દાખલ દીધા કરતા શાંતિ થી જે કામ માટે આવ્યા છો એ બોલો.’ ઈંસ્પેક્ટર વાકાણી થોડા બગડ્યા. ‘સાંભળ્યું છે કે તમે કોર્ટમાંથી લેખિત કરાર કરાવ્યો છે કે જમીન કાનજીભાઈના નામની છે અને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાનો એ જમીન પર હક રહશે નહિ સાથે બીજા સરકારી કાગળોની થોકબંધ વાર્તા તમે કોર્ટ સામે કરીને બધું જ સુરક્ષિત કરી લીધું છે.’, શેઠ બોલ્યા.

‘આ રહી કાનજીભાઈની લેખિતમાં કરેલી ફરિયાદ. એ ફરિયાદ અંગે અમે તાપસ કરી અને જે યોગ્ય કાનૂની કાર્યવાહી અમારા તરફથી કરવી જોઈએ એ અમે કરી છે. એક પોલીસ અધિકારી તરીકે લોકોની સેવા કરવી એ અમારું કામ છે અને એ જ અમે કરીએ છે. આપશ્રીને વિનંતી છે કે આપ પોલીસ સ્ટેશનમાં શાંતિ જાળવો અને આપની કોઈ તકલીફ હોય તો એ જણાવો અમે મદદ કરવા તૈયાર છીએ.’

image source

જોવાની વાત અહીંયા છે સાહેબ! તમારા સારા કર્મોની અસર તમારા જીવન પર પડે છે એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી પરંતુ એ અસર તમારી આસપાસ થતી દરેક ઘટના પર પડે છે અને એ જ સારા કર્મોના કોઈક પુણ્યને કારણે ઈંસ્પેક્ટર વાકાણી આજે કાનજી સાથે રહીને પ્રામાણિકતાથી પોતાના કાર્ય કરી રહ્યા છે.

‘વાકાણી સાહેબ, એક વાતની ૧૦૦ વાત કે એ જમીન ખાનદાની લોકોને શોભે એવી છે. જમીનદાર અને જાગીરદાર લોકોના તોલે આવે એ પ્રકારનો ભાગ છે અને એ જમીનના ભોગે અમે કાનજીને પૈસા આપવા તૈયાર છીએ કારણ કે એ જમીન ગામના સીમાડા પાસે છે એટલે આજે નહિ તો ભવિષ્યમાં એના ભાવ આવશે અથવા તો એ જગ્યા પર કોઈ હોસ્પિટલ કે કોઈ કારખાનું બની શકે એવી સરસ જગ્યાને આ કાનજી બરબાદ કરે છે. ખાલી ખેતી કરી ખાવાથી એ જમીનનો સાચો ઉપયોગ નથી થવાનો. આ જ કારણથી આ જમીન માટેની વાત મેં કાનજીને કરી હતી પરંતુ એ ટસનો મસ થવા તૈયાર નથી. તમે જ કહો એમાં ખોટું શું છે??’, શેઠ ધરમચંદે શાંતિથી વાત કરી.

આટલી વાત ચાલી ત્યાં જ શેઠના ચાકરે આવીને શેઠના કાનમાં કાંઈક કીધું. ત્યાં તો શેઠ ધુંઆપુંઆ થઇ ગયા અને પોલીસ સ્ટેશનની બહાર ચાલવા લાગ્યા. ‘અરે શેઠ, શું થયું?? તમે કોઈ ઉત્તર ના આપ્યો?? કઈ તકલીફ આવી કે શું? આમ ગુસ્સામાં ક્યાં ચાલ્યા??’, વાકાણી સાહેબ બોલ્યા. ‘શુક્રિયા વાકાણી સાહેબ….’, શેઠ ધરમચંદ ઉપડ્યા.(ગુસ્સામાં હાથ જોડી ઉભા થઇ ચાલવા લાગ્યા.) શેઠ સીધા ગાડીમાં બેઠા.

‘ગાડી સીધી બંગલે જ લેજે ભૂરા.’, શેઠે હુકમ કર્યો. ‘શેઠ, મારી વાત તો સાંભળો. હું એમ કહેતો તો કે…………..’, ભૂરો કાંઈક બોલવા ગયો અને વચ્ચે જ શેઠે રોક્યો. ‘તું ગાડી જ ચલાવ અને સીધી બંગલે જ ઉભી રેહવી જોઈએ. મારે બીજી કોઈ વાત સાંભળવી નથી. તું બસ ગાડી હંકાર.’, શેઠે કહ્યું. ભૂરો ગાડી ચલાવે છે અને મનમાં બીક છે કે આજે કાંઈક ના બનવાનું ના થઇ જાય. મારે શેઠને કહેવાનું જ નહતું. ઘરે જઈને ખબર પડત તો સારું હતું.. હવે આ પ્રકોપથી તો ભગવાન જ બચાવે. શું થશે એ કઈ જ ખબર નથી પડતી. સામે શેઠ એટલા ધુંઆપુંઆ થઇ ગયા છે કે કઈ સાંભળવા જ તૈયાર નથી.

ગાડી બંગલા પાસે ઉભી રહે છે શેઠ ગુસ્સાભેર ગાડીમાંથી બહાર આવી બંગલાના દરવાજાને ધક્કો મારી ઘરમાં જાય છે ત્યાં જ બધા ને ફાળ પડે છે. શેઠ આવ્યા છે હવે તો નક્કી કાંઈક ના બનવાનું બનશે. ‘શું વાત છે શેઠાણી?? તમે અને શ્વેતા આમ આંહૂડાં શેના પાડો છો?? શું થયું છે કોઈ વિગતે કહેશો??’, શેઠ બોલ્યા. ‘શેઠાણી બોલ્યા, શ્વેતાના ઘરવાળા સાવ પાયમાલ થવાના આરે આવી ઉભા છે. એમને ધંધામાં કોઈ મોટી ખોટ આવી પડી છે ને ઘર-જમીન, ઘરેણાં બધું જ વેચીએ તોય પાર આવે એમ નથી એટલે શ્વેતા રડતી અહીંયા આવી છે.’

‘એવું તો શું નુકશાન થઇ ગયું છે કે આટલી ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે?? વેવાઈને ફોન કરીને મારે જાતે જ મળવા જવું પડશે અને અપને છીએ તો ખરા બધું વેચી-વાચીને ક્યાં કઈ કરવાની જરૂર છે શેઠાણી! તમે વેવાણ સાથે વાત કરી કે નહિ?? આમ નાહકનું રડવાથી કઈ વળવાનું નથી અને શ્વેતા દીકરા, તારે ચિંતા નહિ કરવાની. તારો બાપ હજી જીવે છે. હું હમણાં જ વેવાઈ અને જમાઈ સાથે વાત કરું છું.’ બાપુજી, વાત કરવાની જરૂર નથી. અમે ખૂદ જ અહીંયા આવી ગયા છે.’, સંદીપ બોલ્યો(જમાઈ) ‘અરે! એવો વેવાઈ અને સંદીપકુમાર. કેમ છો? હું તમને જ ફોન કરીને મળવા આવવાનું વિચારતો હતો. બેસો બેસો…. ભૂરા…………ચાહ-પાણી નું કરજે.’, શેઠ બોલ્યા.

image source

‘ધરમચંદજી, શું કહેવું કઈ ખબર પડતી નથી. અચાનક ફેક્ટરીમાં કેટલું મોટું નુકશાન થયું કે એ નુકશાની માલની બદલીમાં અમારે ઘર પણ વેચવું પડે એવી દશા છે. બધું જ ખુબ સરસ ચાલતું હતું પરંતુ ૨ અઠવાડિયાથી થોડું ડામા-ડોળ ચાલે છે. અમને એમ કે ધંધામાં થોડું નુકશાન તો થાય જ ને !સમય સાથે બધું જ ઠીક થઇ જશે એ વિચારથી બધું ચલાવી રહ્યા હતા. પરંતુ આ તો કાંઈક અલગ જ ચિત્ર બહાર આવ્યું. કઈ સમજાતું નથી કે આ બધું કોની બેદરકારીનું પરિણામ છે.’, વેવાઈ બોલ્યા. ‘ચિંતા કરો માં. આપણે એક જ પરિવાર છીએ. આમ કઈ હિંમત ના હારશો. બધું ટાઢે પડશે.’, શેઠ બોલ્યા.

ચાહ-પાણી અને થોડી વાતો ચાલી પછી શેઠાણી આવ્યા. ‘શેઠ, વેવાઈ અને જમાઈરાજ… માફી ઈચ્છું છું આપ સહુની વચ્ચે બોલવાની હિંમત કરી છે. પરંતુ શેઠ, મારે કાંઈક કહેવું છે. મને નથી ખબર કે હું સાચી છું કે ખોટી. પરંતુ મારી અંતરની વાત જે મનમાં ખટક્યા કરે એ સહન નથી થતું.’, શેઠાણી બોલ્યા. આખા ઓરડામાં નીરવ શાંતિ સ્થપાઈ ગઈ અને શેઠ આશ્ચર્યભરી નજરે જોવા લાગ્યા. વેવાઈ અને જમાઈની લાજ કાઢી શેઠાણી ઘુંઘટો તાણી ઉભા છે અને બોલે છે.

‘શેઠ, આજ દિન સુધી મેં ક્યારેય તમારી સામે બોલવાનો પ્રયત્ન કર્યો છે અને ક્યારેય કોઈ નિર્ણય પર આશંકા કરી નથી પરંતુ આજે મારુ મન વ્યાકુળ થઇ ગયું છે. આજે વાત મારી દીકરીના ઘરની છે, એના સંસારની છે અને હું મારી દીકરીના આંખના આંસુ જોઈ નથી શક્તિ એટલે આજે મારે બોલવું પડ્યું છે એની માફી ઈચ્છું છું.’, શેઠાણી નમ્રતાથી બોલ્યા. ‘બોલો શેઠાણી, શું કેહવું છે તમારે?’, શેઠ આજુ-બાજુ જોઈને બોલ્યા.

‘શેઠ, હું સાચી છું કે ખોટી એ વાતની પુષ્ટિ તમે જ કરજો પરંતુ જ્યાં સુધી હું સમજી શકું છું મને એવું લાગે છે કે આપણા સારા-ખરાબ કર્મોનું ભુગતાન આપણા સંતાનોને કરવું પડે છે. ‘કર્મના સિદ્ધાંત’ પણ સનાતન સત્ય છે ને શેઠ? ‘જેવા બીજ વાવીશું એવા જ પાક થશે’ એટલે ‘જેવા કર્મો એવું ફળ’. તમને તો ખબર જ છે કે આપણે જમીન સંબંધી થોડી મગજમારી તો ચાલે જ છે. તમે ગામના પૂજનીય વડીલ સમુદાયના મુખી છો અને આખું ગામ તમારા થી થરથર કંપે છે. તમે બધાને સાથ-સહકાર આપ્યો છે એટલો જ એમની પાસેથી વસુલાત પણ કરી છે. મને અંદરખાને એવું અનુભવાય છે કે અત્યારે પણ તમારા કોઈ એવા કર્મોની સજા આપણા દીકરી-જમાઈ અને એમનો પરિવાર ભોગવી રહ્યા છે.

image source

શેઠ, મારો કહેવાનો મતલબ એ નથી કે તમે સમજદાર નથી સરકાર, તમે આજ સુધી જે નિર્ણય લીધો છે એ બધો જ બહુ સમજી વિચારીને લીધો હશે પરંતુ આજે વાત આપણા ઘરની આવી છે, આપણી દીકરીના ભવિષ્યની આવી છે ત્યારે આપણે આપણા ‘કર્મ’નું ભુગતાન સંતાનો પાસેથી ના કરાવી શકીએ. આપણા પતિ-પત્ની જે સહન કરવું પડે એ કરી લઈશુ પંરતુ સંતાનો દુઃખી થઈ એ કેમ ચાલે સરકાર??? મને પણ ખબર છે કે તમે શ્વેતાને મારા કરતા વધારે લાડ લડાવ્યા છે અને વધારે પ્રેમથી ઉછેરી છે એટલે તમને પણ અત્યારે એટલું જ દુઃખ થાય છે. સરકાર, મને તમારા કામ, પ્રેમ કે વ્યવહાર પર સંદેહ નથી. હું તમને કોઈ સલાહ આપવાના ઉદેશથી આ બધું નથી કહી રહી. જ્યારથી શ્વેતાના પરિવારની વાત સાંભળી છે ત્યારથી મારુ મન બસ આ જ વિચારોમાં જકડાઈ ગયું છે. તમે સમજી શકો છો એક ‘માં’ની વેદના એને બોલવા પર મજબુર કરે છે સરકાર. હું હાથ જોડી આજે એક જ વિંનતી કરું છું કે ગમે તે કરો પરંતુ મારી દીકરીના ઘરને વેરાન થતા બચાવી લો શેઠ.’, શેઠાણી રડતા-રડતા હાથ જોડી બેસી ગયા. શ્વેતા પણ ‘માં’ના શબ્દોથી પોતાના આંખના આંસુ રોકી ના શકી અને ધ્રુસકે રડી પડી પછી શેઠાણીને ઉભા કરી બાજુમાં બેસાડ્યા.

‘માં’, તે આજે કેટલું બધું કહી દીધું. પહેલા તો તું આંસુ સારવાનું બંધ કરી દે. તારા આં આંસુથી હું વધારે કમજોર થઇ જાઉં છું. હવે રડવાનું મૂકીને મારી વાત સંભાળ. તું જ કઈ બોલી એ બધું જ સાચું છે કે ખોટું એ તો હું જજ નથી કરી શકવાની પરંતુ તારા દિલની વેદના હું પારખી ગઈ છું અને હોય પણ કેમ નહિ?? ‘માં’ તરીકે જેટલી લાગણી હોય એટલી તો કોને હોય ?? તું જ કહે… પરંતુ એનો મતલબ એ નથી કે તું અને બાપુ બધો જ દોષનો પોટલો પોતાની ઉપર લઈને પોતાની જાતને કોસ્યા કરો.

બાપુ પણ કઈ અમથા તો નથી જ દોડતા ને આખો દિવસ ! એમને પણ તારી અને મારી ચિંતાઓ સતાવતી હોય ને! હા, માન્યું કે બાપુ થોડા વધારે ગુસ્સા વાળા છે અને એમને મારી વધારે જ ચિંતા છે અને મને દુનિયાની દરેક ખુશી આપવા માંગે છે. લગ્ન પછી બધી જ જવાબદારી સંદીપ અને એમને પરિવારની હોય છતાં આજે મારી પડખે અડીખમ ઉભા છે એટલે પ્રેમ તો તારો અને બાપુનો સરખો જ છે બસ પ્રેમ જતાવવાનો રસ્તો અલગ છે. ‘માં’ હંમેશા પોતાના સંતાનોના ભાગની ખુશી જ એમને આપવા માંગતી હોય જયારે ‘બાપુ’ દુનિયા ભરીની દરેક ખુશીઓથી સંતાનોની ઝોળી ભરવા માંગતા હોય છે. એટલે હવે તું શાંત થઇ જા.’, શ્વેતા ખૂબ શાંતિથી બોલી.

કેટલી સમજણી હોય છે ને દરેક દીકરી, દોસ્ત? પરિવારની ખુશીઓને કેવી રીતે સંજોડી રાખવી એ તો ખાલી એમને જ આવડે છે. આટલી કપરી પરિસ્થિતિમાં પણ પોતાની જાતને સંભાળવી સાથે પરિવારને પણ સમજાવવા એ બધું દીકરી કરી શકે. આં બાજુ માં-દીકરી બેઠા છે અને સામે વેવાઈ, સંદીપ અને શેઠ બેસીને સાંભળે છે. શેઠ મનોમન કાંઈક વિચારમાં હોય એવું લાગે છે અને સંદીપ-વેવાઈ ચૂપ બેસી સમયની સત્યતાને અનુભવે છે અને અચાનક જ શેઠ ઉભા થાય છે.

‘શેઠાણી, તમે આરામ કરો. અમે હમણાં આવીએ છીએ. ચાલો, જમાઈ રાજ અને વેવાઈ.’, શેઠ હાલ્યા. (ત્રણે ચાલી નીકળે છે) ‘શ્વેતા, મેં કઈ વધારે તો નથી બોલી લીધું ને?? આજે કઈ અનર્થ ના થઇ જાય. તારા બાપુનો ગુસ્સો તો તું જાણે જ છે ને? પળમાં આખો માળો પીંખી નાખે ને પળમાં સિંહાસને બેસાડી દે. મને બહુ ચિંતા થાય છે. તું સંદીપકુમાર ને ફોન લગાડ.’, શેઠાણી ચિંતિત સ્વરે બોલ્યા.

image source

આં બાજુ વિજય અને કાનજી ખેતરમાં ફરે છે. પાકની દેખરેખ રાખતા ઝીણવટથી તાપસ કેમ કરવી એ કાનજી પાસેથી વિજય શીખી રહ્યો છે. પાકમાં કોઈ રોગ તો નથી લાગ્યો ને એ વાતની તાપસ કેમ કરવી એ બધું જ આજે કાનજી પાસેથી વિજય શીખે છે અને બાપ-દીકરો બંને ખૂબ ખુશ-ખુશાલ થઈને વાતું કરે છે ત્યાં જ શેઠ ધરમચંદ એમના વેવાઈ અને જમાઈ સાથે આવી પહોંચે છે. ‘શેઠ, આપ અહીંયા?? આવો, બિરાજો… આમ ભર તડકે તમારે આવવું પડ્યું? વાત શી છે ?’, કાનજીએ નમ્રતાથી કહ્યું.

શેઠ ખાટલામાં બિરાજે છે અને સાથે વિજય અને શેઠના જમાઈ પણ બેસે છે. બધા બેઠા પછી કાનજી ચાહ માટે ખેતરમાં કામ કરતા મજુરને બોલાવે છે અને ચાહ-નાસ્તાની વ્યવસ્થા કરવા કહે છે. ગમે તે હોય સાહેબ, ઘરે આવેલ દરેક માણસ દેવ સમાન છે એટલે એમની અગતા-સ્વાગત તો કરવી જ રહી. થોડી વાર વાતચીત ચાલી પછી શેઠ ચાહ પીને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ કાનજી અને વિજય હજી આશ્ચર્ય અને સદમાં બંનેમાંથી બહાર જ નહતા આવી શકતા.

‘પપ્પા, આ તમે શું કર્યું?? તમે વાતને વધારે ગૂંચવી નાખી. આપણે બધું જ ઠીક કરી લઈશું. તમે આટલા જલ્દી કોઈ નિર્ણય પર ના આવી જાઓ.’, જમાઈ ગાડીમાં બેસતાં બોલ્યા. ‘સંદીપકુમાર, જે થઇ રહ્યું છે એને થવા દો. આપણે કોઈ ચર્ચા નથી કરવી. વેવાઈ તમે પણ કઈ ચિંતા ના કરશો. આવું તો થયા કરે.’, શેઠ બંનેને સંબોધીને બોલ્યા.

ગાડી સીધી બંગલે જઈને ઉભી રહી. શેઠાણી અને શ્વેતા બહાર આવ્યા. ગભરામણથી શેઠાણીને પરસેવો નીકળી રહ્યો હતો અને શ્વેતા પણ ચિંતામાં દેખાઈ. ‘ગાડી પાર્ક કરીને મીઠાઈ લેતો આવ ભૂરા..’, શેઠે ભૂરાને બૂમ પાડી. ‘વિજય, આ બધું શું થઇ રહ્યું છે?? ચાલ દીકરા, ઘરે જઈને ઝટ પગ ઉપાડ.’ કાનજીભાઈ બોલ્યા. કાનજી અને વિજય ઘરે આવતા સોમાભાઈને સાથે લેતા આવ્યા. ‘વિજયની બા, જરા બહાર આવજો અને ચાહ લાવજો. બેસ સોમા.’, કાનજી બોલ્યો. (હજી હંફે છે. બોલવા માટે શબ્દ નથી. વિજય કાંજીના ખભે હાથ રાખી ઉભો છે.)

‘રે! આવી.. તમે કેમ આમ વહેલા આવી ગયા? હું બસ ખેતરે આવવા જ નીકળવાની હતી. તમે કેમ આમ હાંફી ગયા છો? શું વાત છે વિજય? આ સોમાભાઈ પણ અહીંયા ??? કઈ થયું છે કે ?’, વિજયની માં બોલી.

‘મમ્મી, તું ચિંતા ના કરીશ. કઈ થયું નથી. એ તો અમથા પપ્પા ચિંતાઓ કરે છે. આજે અમે ખેતરે બેઠા વાતું કરતા’તા ત્યારે શેઠ ધરમચંદ એમના વેવાઈ અને જમાઈ આવ્યા’તા. મૂળ વાત કરું તો એમને સામેથી એ નિર્ણય કર્યો છે કે એમને આપણી જમીન માં કઈ રસ નથી અને હવે આગળ કોઈ વાતે આપણે ડરવાની જરૂર નથી. એટલું કહીને નીકળી ગયા. અમે સામે સવાલ કર્યા છતાં કઈ બોલ્યા નહિ અને એક અલગ જ શેઠની છબી મને દેખાઈ. ખબર નહિ પરંતુ આ વાતથી બાપુ ચિંતિત થઇ ગયા કે શેઠ અચાનક એટલા ટાઢા કેમ પડ્યા?? બસ, આખા રસ્તે એ જ વિચારતા આવ્યા અને સોમાકાકાને પણ સાથે લેતા આવ્યા. હવે, મમ્મી તું જ કહે એમાં શું ચિંતા જેવું છે??’, વિજય બધાને સંબોધીને બોલ્યો.

‘શેઠ, શું વાત છે ?? તમે મારા થી નારાઝ છો?? આમ અચાનક કેમ ચાલી નીકળ્યા’તા? તમે ક્યાં ગ્યા’તા અને શું ચાલે છે તમારા મનમાં?? આ ભૂરાને મીઠાઈ લેવા કેમ મોકલ્યો??’, શેઠાણી તો રડતા રડતા સવાલો પૂછે છે.

‘શેઠાણી, શાંત થાઓ. કાનજીને મળી આવ્યો છું અને જમીનની બધી જ વાત ફોક છે અને હવે આપણને એમની જમીન સાથે કોઈ લેવાદેવા નથી. જે ભૂલચૂક થઇ એ માફ કરો એવી વાત કરીને આવ્યો છું. અને તમે સાચા હતા શેઠાણી, આપણા સારા-ખરાબ કર્મોની સજા તો આપણા સંતાનો જ ભોગવે ને! હવે જૂનું બધું દાટી દઈએ અને જગ્યા ત્યારથી સવાર. પરંતુ, શેઠાણી, આજે એટલા વર્ષે તમે મારી આંખ સામેથી પડદો ખોલ્યો. આટલા વર્ષો મારી સાચી-ખોટી દરેક વાતનું તમે માન રાખ્યું. બહુ મોટી વાત છે શેઠાણી. બહુ હિંમત ભેગી કરીને તમે આજે બોલ્યા એ વાતની ખુશી છે. મારા અહમ, મારા અસ્તિત્વને ડંખ ના લાગે અને મારી ઈજ્જતનો એટલો બધો મલાજો જાળવ્યો આ બધું એક ગુજરાતણ જ કરી શકે વેવાઈ… શું કહેશો?’, શેઠ બોલ્યા.

‘વાહ, આજનો દિ’ તો ખરેખર ફળી ગયો. આજે માનનાં દરેક સવાલોનું સમાધાન વેવાણે કરી લીધું. ધન્ય છે આપ પતિ-પત્નીને, અને ધન્ય છે તમારી દીકરીને પણ… ખૂબ સંસ્કારોથી ભરપૂર છે. હવે મને કઈ જ ચિંતા નથી. મુસીબતમાં પ્રામાણિકતા, સમજણ અને સહન-શક્તિ રાખીને સહુ ભેગા મળીને કામ કરીશું તો બીજા ૧૦ બાંગ્લા આમ જ બનાવી દઈશું. હાલો શ્વેતા દીકરા, આપણે જઈએ. સહુ વળતા પાણી થશે.’, વેવાઈએ જવાબ આપ્યો.

‘લ્યો, આ વાત પર ભૂરાના હાથની કાજુકતરી ખવાઈ જાય તો મજો પડી જાય ને!’, ભૂરો આવતા વ્હેંત બોલ્યો. (બધા હસી પડ્યા અને શ્વેતા-સંદીપ અને વેવાઈ ઘરે જવા રવાના થયા ત્યારે શેઠે ખૂબ શાંતિથી સાંત્વના આપી અને ટાઢા થયા.)

‘વિજયના બાપુ, આટલી ખુશીની વાત તમે આમ મુરઝાયેલા ચહેરે કેમ કહો છો?? માં અંબેનો પાડ માનો અને નાળિયેર-પ્રસાદી કરો કે આપણે માથેથી એક મોટો બોજ ઉતરી ગયો, હવે આપણે નિરાંતે પોઢી શકીશું. આજ નો દિ’ તો ખરેખર મોજનો છે. હાલો ત્યારે કંસારના આંધણ મુકું છું સોમાભાઈ ભાભીને અહીંયા જ બોલાવી લ્યો. હારે જમી લેશું.’, વિજયની માં તો ખુશીથી સમાઈ નહિ અને રસોડા તરફ ગઈ.

‘આ લ્યો… અમારા ધર્મપત્નીને તો હરખ સમાતો નથ. જાણે દીકરો પરણાવવા જાતી હોય એટલી હરખાય સ..’, કાનજીભાઈ હસતા બોલ્યા. ‘હા, હવે વધારે બોલશો માં.. તે હવે એ જ બાકી રહ્યું છે. ઝટ ભણવાનું પતે એટલે મારે રુડી સંસ્કારી એક દીકરી જ લઇ આવવી છે વહુ બનાવીને.’, (રસોડામાંથી અવાજ આવ્યો) બહાર વિજય-કાનજી અને સોમજી બધા જ હસી પડ્યા.

લેખક-બિનલ પટેલ

https://www.instagram.com/patel_author/?igshid=61jd8tx3sx98

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ