શમણું એક સોનેરી સાંજનું…3 – એવું તો શું થયું કે તેમને જવું પડ્યું હોસ્પિટલ ક્યાંક કંઈક…

પહેલો ભાગ વાંચવા અહીંયા ક્લિક કરો.

બીજો ભાગ વાંચવા અહીંયા ક્લિક કરો.

શમણું એક સોનેરી સાંજનું…3

 • ‘આંખ ખુલે ત્યાં નજરું બદલાય,
 • પલકના ઝબકારામાં જિંદગી બદલાય,
 • સમય ક્યાં જોવે છે કોઈની વાટ!!!!!!!!!
 • આજે અવળો તો કાલે સવળો થઇ જોવે વાટ.’

ખુબ સાચી વાત છે સાહેબ, આગળના ભાગમાં જોયું કે ઈશાની અને સંજયની જિંદગી એક પળમાં બદલાઈ ગઈ.. ઈશાની અને સંજય વાતો કરતા હતા, ખુશીઓએ ફૂલોની ચાદર પાથરી જ હતી, બસ એમાં ચાલવાની તૈયારી જ કરી રહ્યા હતા ને જાણે આભ તૂટ્યું, તોફાનની ભયંકર આંધી આવી, સપનાના મહેલ જાણે એકીદમ ધારાશાહી થઇ ગયા ને ઘોર અંધારાએ જાણે અજવાસને કેદ કરી દીધો.

image source

સંજયને દિલનો દહરો પડ્યો, અચાનક જ એની હાલત કફોડી બનતી ગઈ અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો..ઈશાની માટે તો આથમતી સંધ્યાએ જીવન આખું અંધકાર બની ગયું હોય એવું લાગવા લાગ્યું. માંડ-માંડ પોતાની જાતને સંભાળીને બેઠી ત્યાં એના ફેમિલી માંથી બધા જ હોસ્પિટલમાં દોડી આવ્યા. સંજયના પપ્પા તો જાણે સાવ તૂટી જ ગયા હોય એવા થઇ ગયા છતાં ચહેરા પરના ભાવ ના બદલાવ દીધા અને પોતે તૂટીને પણ વહુને હિમ્મત આપતા રહ્યા. ઈશાનીના પેરેન્ટ્સ પણ સાથે જ હતા. બધા ના મનમાં એક જ પ્રાર્થના હતી, સંજયને સાજો-નવરો જોવાની..

હોસ્પિટલનું વાતાવરણનું વર્ણન કરીએ તો ૧૦ માળની મોટી હોસ્પિટલ, હૃદયની સ્પેશ્યલ હોસ્પિટલ એટલે ક્રિટીકૅલ કેસ જ વધારે આવે. એમાં ૫ મે માળે I .C .C .U રૂમ અને ક્રિટીકૅલ કેસના રૂમ પછી નીચે સ્પેશ્યલ વૉર્ડ રૂમ અને ચેક અપ રૂમ. ઉમ્મીદની કિરણો સાથે રૂમની બહાર બેસી રહેલા માયુસ ચહેરા, હિમ્મત અને ધગશથી કામ કરતા અને પ્રભુને આગળ રાખી ઓપરેશન કરતા બધા જ સીનીઅર અને જુનિયર ડૉક્ટરનો સ્ટાફ અને દિન-રાત સેવામાં અડીખમ રહેતા નર્સ અને પ્યુન. બધાની ભાગાદોડીમાં એક મહત્વના વ્યક્તિને તો ભૂલી જ ગયા આપણે એ છે વિઘ્ન હરતા, સુખ કરતા ગણપતિની પ્રતિમા જેને આગળ રાખીને જ દરેક વ્યક્તિ આગળ વધે છે અને પ્રભુ બધા ને સાથ આપે છે. હોસ્પિટલના વર્ણન કરતા કલમ અને કાગળ બંને ભીંજાઈ જાય સાહેબ, એવો નઝારો હોય છે.

image source

આવા ગંભીર વાતાવરણમાં ઈશાની અને સંજયની 6th એનિવર્સરીની સાંજ ઉજવાશે એવી કલ્પના તો કોઈએ નહતી કરી. સંજયનું ઓપરેશન શરુ થયું, હ્દયના વાલ્વમાં તકલીફ છે અને નળીઓ બ્લોક થઇ ગઈ છે એટલે અચાનક જ હ્દયનો હુમલો થયો અને સારું થયું કે થોડા જલ્દી આવી ગયા હોસ્પિટલ બાકી કેસ હાથમાં લેવાની દરેક ડૉક્ટર ના જ પડી દેત. આવા કડવા પરંતુ સાચા શબ્દો સાંભળીને ઈશાની તો જાણે હોશ જ ખોઈ બેઠી હોય એમ સ્તબ્ધ થઇ ગઈ અને ઓપરેશન ચાલે છે બધાના મનમાં એક જ પ્રાર્થના ચાલે છે.

 • ‘સાત રંગોની રંગોળી એમાં રંગો હોય અપાર,
 • કયો રંગ કઈ જાજમ પાથરશે એની કોને હોય ખબર?
 • ધૂપ-છાંવ વાળા રંગો તો જોયા હતા,
 • આજે જિંદગી એ દેખાડી એ ધૂપ-છાંવની કોને હોય ખબર?
 • એટલે જ કહેવાયું છે કે,
 • ‘ના જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું??’

સમયની ગતિ કયારેય રોકાય નહિ પરંતુ આજે જાણે સમયને કોઈએ કેડી બાંધી દીધી હોય ને એમ સમય એક જગ્યાએ રોકાઈ જ ગયો હતો. ઓપરેશન ૭ કલાકનું હતું એવું ડોક્ટરનું કેહવું હતું અને એમાં પણ ૧૦૦% ગેરંટી તો નહિ જ… એ તો આજ-કલ દરેક ડૉક્ટર કોન્સેન્ટ ફોર્મ તો સાઈન કરાઈ લે જ છે. હોસ્પિટલ સારી અને નામના ધરાવતી હતી, કોઈ કેસ ફેલ ગયા હોય એવું યાદ નથી છતાં હોસ્પિટલ અને ડોક્ટરની સફે સાઈડ માટે એ ફોર્મ સાઈન કરાઈને ગયા પછી તો ઈશાની છુટા મોઢે રડી પડી અને ગણપતિજીની મૂર્તિ સામે ફસડાઈ પડી. આ દ્રશ્ય જોતા કોઈની પણ આંખ ભીની થઇ જ જાય સાહેબ..

આ દ્રશ્ય જોતા કેટલાય સવાલ મનમાં આવે કે, પ્રભુ આટલા કઠોર કેમ? કેમ જીવનની આટલી મોટી ખુશીના દિવસે જ આટલી અઘરી કસોટી? કેમ પળમાં જીવન આખું સમેટાઈ ગયું? પલકના ઝબકારામાં જિંદગી આખી આટોપાઈ ગઈ? એવા તે કેવા કર્મોના હિસાબ હશે?

image source

આવા અનેક સવાલોના ટોપલા મનમાં ઉલેચાય કરે. બધા જ સાગા-સંબંધી અને ઓફિસના સ્ટાફ સાથે મોટા ભાગના બિઝનેસ ફ્રેન્ડ્સ અને ઘણા બધા લોકો આવી પહોંચ્યા. સંજયભાઈની શાખ તો ખરી ને માર્કેટમાં એટલે લોકોમાં માન-આદર બહુ પામ્યા હતા. આજે ઓપરેશન થિએટરની બહાર જાણે મેળો લાગ્યો હોય એમ લોકો બેઠા હતા અને બધાના મનમાં એક જ વાત કે આજે બસ ગમે તેમ થાય સંજયભાઈની તબિયત સારી થઇ જાય અને ઓપરેશન સફળતા પૂર્વક પૂર્ણ થાય.

વાતાવરણ ખુબ ગંભીર હતું. લોકો બેઠા છે અને નર્સની અવરજવર ચાલે છે ઓપરેશન થિએટરમાંથી બહાર અને બહારથી અંદર. સર્જન ડોક્ટર્સની ટીમ આવી ગઈ છે. બધું જ જાણે એટલું જલ્દી થઇ રહ્યું છે છતાં સમય જતો નથી. ઈશાની તો બહાર જ બેભાન જેવી થઇ જાય છે માંડ-માંડ પોતાની જાતને સાંભળી રહી છે અને પ્રાર્થના દીવા તો મનમાં ચાલે જ છે. ઓપરેશનની લાલ બત્તી ચાલુ છે બધાનું ધ્યાન ત્યાં સ્થિર થયું છે. સમય તો ઘણો લમ્બો છે. ૭ કલાકના ઓપરેશન પછી પણ સંજયની હાલત શું હશે એ તો સંજય ભાનમાં આવે પછી જ ખબર પડે.

ઈશાની માટે આ સમય બળતા અંગારા જેવો છે. ક્યાંય મન લાગતું નથી. જીવ તાળવે ચોંટ્યો છે. સમય કેડીમાં બંધાયો છે. હિંમત રાખી શાંત ચિત્તે બસ પ્રભુનું સ્મરણ કરે છે અને આંસુ સારે છે. ‘ઈશાની પટેલ??????’, નર્સે અવાજ કર્યો. (ઈશાની નર્સ પસે જાય છે.)

ઈશાની તો બેઠી છે એમ જ. ઓપેરશન ચાલે છે, સાગા-સંબંધી બેઠા છે સાથે ઑફિસના કર્મચારીઓ પણ બેઠા છે અને બધા જ બસ એ જ વાતની રાહ જોઈને બેઠા છે કે સંજયભાઈ ઠીક થઇ જાય. ‘મિસિસ પટેલ, અહીંયા સાઈન કરો પ્લીઝ..’, ડૉ. ડૅની આવીને કહ્યું. અમે મિ. પટેલને અમારી સ્પેશ્યલ સર્જન ટીમની નીચે ઓપેરશન માટે રાખીએ છે એના માટે અમારા સ્પેશ્યલ ડૉ. નીતિન આવતા જ હશે. એટલે એમની અલગ પોલિસી છે એટલે આ ડોકયુમેન્ટ છે એમાં બધામાં આપ એમના પત્ની છો એટલે આપ સાઈન કરી શકો છો અથવા એમના પિતાશ્રી.

image source

ઈશાની ધ્રુજતા હાથે અને આંસુના સહારે સાઈન કરે છે અને નિઃસહારાની જેમ ઢીલી પડી જાય છે. બધા સાથે હોવા છતાં કોઈ કશું કરી શકતું નથી. સમય સામે બધા જ હથિયાર નકામા છે અને એ જ વાત આજે બધા સમજી જાય છે. હસતા-ખેલતા જીવનમાં આમ અચાનક જ દુઃખના ડુંગરા તૂટી પડશે એવી ક્યાં કોઈને કલ્પના પણ હતી! જીવનમાં પૈસો જ બધું છે એ માનનારા લોકો માટે આ બહુ મોટું ઉદાહરણ કહી શકાય. આજે સંજયભાઈનો પરિવાર ભરેલા હાથે પ્રભુ પાસે જીવનદાનની યાચના કરે છે.

‘ઓ પાલનહારે, નિર્ગુણ અન્યારે, તુમરે બિન હમર કોન નાહી, હમારી ઉલઝન, સુલઝાઓ ભગવન, તુમરે બિન હમર કોન નાહી…’

ડૉ. નીતિન આવે છે, ઓપેરશન ચાલતું જ જાય છે, ૭ કલાકના ૧૦ કલાક થાય છે, બધી જ પબ્લિક ત્યાં જ બેઠી છે, વિચારોના વમળમાં ઘસાય છે. ઈશાની અને પરિવાર તો જાણે જીવવાનું જ ભૂલી ગયા હોય એમ બેઠા છે. પૂરપાટ દોડતી ટ્રેન જાણે અચાનક જ પાટા હેઠી ઉતરી જાય અને સેકેન્ડના અડધા ભાગમાં જ જીવન બદલાઈ જાય એમ બધાના જીવન બદલાઈ ગયા છે અને બસ જીવન ચાલે રાખે છે. નજરોમાં બસ ખાલી ગ્રીન લાઈટ થવાની દેર છે બધાની નજરો ઠરેલી છે અને ત્યાં જ ડૉક્ટર ગ્રીન લાઈટ કરીને બહાર આવે છે અંતે ૧૧ કલાકે ઓપેરશન પત્યું અને બધા જ સિનિયર ડૉક્ટર બહાર આવે છે.

‘મિસિસ પટેલ, ઓપેરશન તો સફળ રહ્યું છે, ડેન્જરમાંથી બહાર આવી ગયા છે પરંતુ ખરેખર પરિસ્થિતિ તો મિ. પટેલ હોશમાં આવે પછી જ ખબર પડશે. એમને હોશમાં આવતા થોડી વાર તો લાગશે. હિમ્મત રાખો બધું જ ઠીક થશે. અમે બધા એ અમારી ૧૦૦% કોશિશ કરી છે હવે એમને હોશ આવે ત્યાં સુધી આપ ધીરજ રાખો.’, ઈશાનીને સાંત્વના આપી ડૉ. નીતિન પોતાની કેબિનમાં ગયા. ‘વ્હોટ આ ક્રિટીકૅલ સિચ્યુએશન!!!!!’, ડૉ. નીતિન બીજા ડોક્ટર્સ સાથે વાત કરતા ખુરશીમાં બેઠા.

‘યસ સર, વાત તો અજીબ જ લાગે છે, હ્દયના હુમલાની બહુ ગંભીર અસર કહેવાય, જીવ બચી ગયો અને આઉટ ઓફ ડેંજરમાં છે એ વાત જ નવાઈ લગાડે એવી છે. હવે તો હોશમાં આવે પછી જ ખબર પડે આગળની પરિસ્થિતી શું છે.’, બીજા ડોક્ટરે જવાબ આપતા કહ્યું. સમય વીતતો જાય છે. ઈશાની જૂના દિવસોને યાદ કરીને આંસુ સારે છે. ૬ મહિના ના લગ્ન જીવન અને આટલી મોટી તકલીફ!!! પોતાના જીવનસાથીને આ હાલતમાં જોઈને ઈશાની આજે જાણે માનસિક રીતે તૂટી રહી છે.હવે સંજયના આંખ ખોલવાની દેર છે.ડૉક્ટર નીતિન બહાર આવે છે અને સંજયના પપ્પાને કૅબિનમાં બોલાવે છે બેસવાનું કહે છે.

‘આવો પટેલ સાહેબ…બેસો.. અત્યારે તમને અહીંયા બોલાવવાનું મારુ એક કારણ છે, જો હું એક ડૉક્ટર છું અને સાથે તમને બહુ સારી રીતે ઓળખું છું. જે કહીશ એ સાચું અને સીધું જ કહીશ એટલે તમે મારી વાતને દિલથી ના વિચારીને મનથી વિચારજો અને સાંભળજો.’, નીતિને પટેલ સાહેબની આંખમાં આંખ નાખીને કહ્યું. ‘બોલો સાહેબ, શું કહેવું છે તમારે?’

image source

જુઓ, સંજયની જિંદગી તો અમે બચાવી લીધી છે,હવે એમાં થયું છે એવું કે એમને અચાનક જ હ્દયનો હુમલો થયો એટલે હોસ્પિટલ લાવ્યા અને પછી અમે તાપસ કરતા માલુમ પડ્યું કે એમની નળીઓ બ્લોક છે અને વાલ્વમાં પણ તકલીફ છે એટલે તાત્કાલમાં એમનું ઓપેરશન કરવાની જરૂર પડી અને અમે આગળ એમનું ઓપેરશન માટે આપણી પરવાનગી લીધી. ઓપેરશનમાં પણ ઘણા પ્રોબ્લેમ આવ્યા, એમના બ્લડ કાઉન્ટ ઘટવા લાગ્યા અને બ્લડની બોટલ અમે ચાલુ કરી, એમના પલ્સ પણ ઓછા થવા લાગ્યા અને ચાલુ ઓપેરશનમાં બીપી પણ આવી ગયું એટલે ડોક્ટર્સ એ મને અહીંયા બોલાવ્યો. અમે સ્ટેન્ટ મૂક્યું છે એમનું ઓપેરશન તો સફળ રહ્યું છે પરંતુ એમને જ ઓપેરશનમાં પ્રોબ્લેમ આવ્યા એ પરથી એમના શરીરના ક્યાં ભાગમાં એની અસર થઇ છે એ કહેવું મુશ્કેલ છે જ્યાં સુધી એમને હોશ ના આવે અને અમે એમનું ચેક અપ ના કરી લઈએ. એમને હોશમાં આવતા હજી થોડી વાર લાગશે.

ઓપેરશન લાબું હોવાથી એનેસ્થેસિયાનો ડોઝ અમે ધીમે ધીમે વધારી રહ્યા હતા. આવા ક્રિટીકૅલ કૅસમાં આવું થતું રહેતું હોય છે પરંતુ આ કેસ બહુ નસીબદાર સાબિત થયો છે, આટલા પ્રોબ્લેમ્સ સાથે પણ સંજયભાઈ ડેંજરમાંથી બહાર છે. જોવાનું બસ એ છે કે આ મુસીબતોથી એમના શરીરના ક્યાં ભાગમાં અસર થઇ છે કારણ કે અસર તો થઇ જ હશે એ માટે હું સ્યોર છું. ચિંતાની કઈ વાત નથી પરંતુ દર્દીના સગાઓને ખબર હોવી જરૂરી છે એટલે તમને અહીં બોલાવી કહેવું અમારી ફરજમાં આવે છે. હવે ચિંતા ના કરશો, હિમ્મત રાખજો..અને એમાં વાઈફ ઈશાનીને પણ હિમ્મત આપજો. બધું જ ઠીક થશે.’, ડૉક્ટર નીતિને પટેલ સાહેબને ખૂબ સારી રીતે સમજાવ્યા. વિનયભાઈ ઢીલા પડી ગયા અને આંસુ જાણે રોકાવાનું નામ જ ના લે. જિંદગીના આધેડ વર્ષે જુવાન જોધ દીકરાં આ તકલીફ જોઈ શકે એવી હાલતમાં નહતા વિનયભાઈ. માંડ-માંડ પોતાની જાતને સાંભળીને ઉભા થયા આંસુઓ સાગર અંતરમાં છુપાવીને ખુરશીમાંથી ઉભા થયા.

‘વિનયભાઈ, તમે જ આવું કરશો તો પરિવાર અને આખા બિઝનેસને કોણ સંભાળશે સાહેબ?? થોડી હિમ્મત રાખો. અમારા માટે તો આવા કેસ રોજ આવે છે અને રોજ બધાને સાંત્વના આપીએ છે અને પ્રભુને પ્રાર્થના કરીએ છે કે અમારી મહેનત રંગ લાવે. નાવ, ફેસ ધ સિચ્યુએશન એન્ડ વિન ધ બેટલ સર.’, ડૉ. નીતિને હિંમત આપતા કહ્યું. ‘યસ. રાઈટ ડૉ. થેન્ક યુ સો મચ.’, વિનયભાઈ એટલું બોલીને બહાર નીકળી ગયા.

બહાર આવતાની સાથે જ બધા ના વિલાયેલા ચહેરા જોઈને ફરી થોડા ઢીલા પડી ગયા. ઈશાનીને જોઈને તો પોતાના આંસુઓ રોકી જ ના શક્યાં. થોડા આંસુ સારીને ફરી પોતાના ચહેરા પર નકાબ ઓઢીને ઉદાસ આંખે બધાની જોડે જઈને બેસી ગયા. કોઈને કશુ કહેવાના હોશમાં જ નહતા. આખું વાતાવરણ જાણે બંજર જમીન જેવું થઇ ગયું હતું. ઉદાસીનતા બધાના ચહેરાને ઘેરી વળી હતી.

ઈશાની ઉભી થઇ અને ચાલવા લાગી. સંજયના રૂમની બહાર જઈને ઉભી રહી અને બહાર કાચમાંથી દેખાતા સંજયના ચહેરાને જોઈને આંસુઓ સારી રહી. પ્રેમીઓના પ્રેમની સાચી કસોટી તો આવા જ સમયે થાય ને સાહેબ! કેટલા કલાક થઇ ચુક્યા હતા પરંતુ ઈશાનીને ભૂખ-તરસ બધું જ વિલીન થઇ ગયું હતું, ઊંઘ તો જાણે આકાશમાં ક્યાંય ઉડી ગઈ હતી અને આંખો અને ચહેરો રડીને લાલ થઇ ગયો હતો. ઊંઘ-થાક અને ચિંતાના લીધે સોળે કળાયે ખીલેલો નવવધૂનો ચહેરો મુરઝાઈ ગયેલા ફૂલ જેવો થઇ ગયો હતો. મુરઝાયેલું ફૂલ જાણે પાણીના છંટકાવની રાહ જોતું હોય એમ ઈશાની સંજયના હોશમાં અવની વાટ જોઈ રહી હતી.

સંજય હજી બેભાન અવસ્થામાં જ છે. ઈશાની હજી રૂમની બહાર બેસી વિચારોમાં ડૂબેલી છે અને પ્રભુનું સ્મરણ કરે છે અને એટલા માં નર્સ ડોક્ટર્સ બધા જ રૂમમાં દાખલ થાય છે બહારથી બધાના ચહેરા ચિંતામય જણાય છે. કોઈ ડોક્ટર્સ કઈ જવાબ નથી આપી રહ્યા. બસ બહાર કાચમાંથી અંદર ડોક્ટર્સનું ટોળું કાંઈક વાતચીત કરી રહ્યું છે એ દેખાઈ રહ્યું છે.

સોનેરી સાંજનો સૂરજ ઉગે એ પહેલા જ આથમી ગયો છે અને અમાસના અંધકારની જેમ ચારેઓરથી કાળા-ઘેરા વાદળોથી આખુંય વાતાવરણ પીંખાઈ ગયું છે. હજી સંજયને હોશ આવ્યો નથી. અંધકારને ચીરીને સૂર્યોદયની આપણે રાહ જોતા હોઈએ છે એમ આજે સંજયના હોશમાં આવવાથી જે ઉજિયારો આવવાનો છે એની વાટ બધા કાગડોળે જોઈ રહ્યા છે. ડૉક્ટર્સ પોતાના કામે લાગી ગયા છે. સંજય સાથે એક નર્સ અને ડૉક્ટર હાજર જ રહે છે. વિનયભાઈની ઓળખાણના લીધે સંજયનું થોડું વધારે ચીવટતાતી ધ્યાન રખાઈ રહ્યું છે અને બસ આ કેસ સકસેસ થાય એટલે બધાના મનની હણાઈ ગયેલી શાંતિ પછી આવે. કેવી છે ને જિંદગી સાહેબ! ક્યાંથી ક્યાં લાવીને મૂકી દે એની કલ્પના પણ કરવી અઘરી થઇ જાય.

ક્યાં એમનો નાનકડો પરિવાર, એમાં હસતા ખેલતા લોકો અને સુખી કારોબાર સાથે તન-મન-ધનથી પવિત્ર માણસો અને નીરવ શાંતિની લહેર અને ક્યાં અત્યારની ગંભીર પરિસ્થિથી અને ગંભીર નિર્ણયો, અશાંતિ, ગભરામણ અને વિધાતા સામે વલખા મારતી જિંદગી. વિનયભાઈ ઈશાની પાસે જઈને ઉભા રહ્યા. ‘ઈશાની દીકરા, અહીંયા આવ બહાર લૉન માં. તારી સાથે થોડી વાત કરવી છે.’, વિનયભાઈએ ઈશાનીને માથે હાથ મૂકતાં કહ્યું. ઈશાની ગંભીર અને આશ્ચર્ય નજરે વિનયભાઈને જોવે છે અને આદર સાથે વિનયભાઈ એને લોનમા લઇ જાય છે.

image source

‘આવ બેટા, બેસ બાંકડે….તારી સાથે ઘણી મહત્વની વાતો કરવી છે. કદાચ આજે પહેલી વાર આપણે બંને આમ એકલા બેઠા છે. મને ખબર છે કે આ સમય નથી બધી વાતો કરવાનો પરંતુ આજે હું એક સસરા તરીકે નહિ પરંતુ એક બાપ એની દીકરીને કાંઈક હકથી કહી શકે એમ કાંઈક કેહવા માંગુ છું.’, ઈશાની સામે જોઈને વિનયભાઈ બોલ્યા. એમના શબ્દોમાં એમની લાગણીઓ ખુબ દેખાઈ રહી હતી અને એ કાંઈક મહત્વની વાતો કરવાના હશે એવી જાણ ઈશાનીને થઇ. ‘પપ્પા, તમે શુ કહેવા માંગો છો??’, ઈશાનીને આશ્ચર્ય સાથે પૂછ્યું.

જો દીકરા, હું સમજુ છું કે અત્યારે તું કઈ કશમકશ માંથી ગુજરી રહી છું અને એ પણ જાણું છું કે આ સમય આપણા બધા માટે ખૂબ કપરો સાબિત થયો છે. આપણે બધાએ સાથે રહીને આ સમય માટે બહાર આવવાનો પ્રયત્ન કરવનાઓ છે. સંજયને ભાન આવતા હવે વધારે વાર નહિ લાગે પરંતુ હ્દયનો હુમલો એ કોઈ નાની વાત નથી અને એ પણ આટલી નાની ઉંમરમાં. ડૉ. નીતિને મને એકાંતમાં બોલાવ્યો હતો અને પરિસ્થિથિથી વાકેફ કર્યો હતો. સંજયના હોશમાં આવ્યા પછી એના શારીરિક અને માનસિક બંનેમાં થોડાક અંશે જે ફેરફાર આવશે એ આપણે સહુએ હકારાત્મક રીતે વિચારસરણી રાખીને સ્વીકારવા પડશે અને સંજયને હિમ્મત આપવી પડશે.

સંજય માટે તો આ બધું ખૂબ જ નવું હશે અને એના માટે તો એક નવું જીવન જ જોઈ લે. એની સાથે બનેલી ઘટના એને સદમો પણ આપી શકે છે એટલે એની સામે એવી કોઈ વાત કે કોઈ ચર્ચા નહિ કરવાની કે જેનાથી એને તકલીફમાં વધારો થાય. આમ તો મારે તને સમજવવાનું હોય જ નહિ ઈશાની, તું ઘણી જ સમજદાર છોકરી છે પરંતુ લગ્ન જીવનના ૬ જ મહિનામાં આ બધું સામે આવીને તારી પરીક્ષા કરવા આવતું હોય ત્યારે કોઈક અંશે તારો આત્મવિશ્વાસ અને હિમ્મત બંને ઓછા ના થવા જોઈએ એ વાતનું ધ્યાન અમારા જેવા વડીલોએ જ રાખવું રહ્યું. મને એટલો તો ભરોસો તારા પર છે જ તું બધું જ સાંભળી શકે છે અને જીવનમાં આવતી દરેક પરિસ્થિથિનો સામનો તું હસતા મોઢે કરી શકીશ પરંતુ એક બાપ તરીકે તારી અને સંજયની ચિંતા આજે મને અહીં ખેંચી લાવી છે

હવે વધારે ચર્ચા આપણે પછી કરીશુ. મારો કહેવાનો મતલબ બસ ખાલી એટલો જ છે કે આ કપરા સમયમાં આપણા કુટુંબનો મજબૂત સ્થંભ તારે બનવાનું છે. તારે હિમ્મત રાખવાની છે દીકરા. બધું જ ઠીક થઇ જશે થોડા સમયમાં. દુઃખ જેટલું ઝડપે આવે છે ને એટલી ઝડપે જતું નથી પરંતુ એને બહુ દિલ પર લગાડીને બેસી રહીને દીકરા તો એ આપણો છાલ છોડશે જ નહિ એટલે હસતા મોઢે દરેક પરિસ્થિતિમાં સામનો કરવાનો છે. અને હા યાદ રાખ જ, તારી પસે બધું જ છે, તન-મન-ધન બધાથી તું બળવાન છે અને હા, જો કઈ નહિ પણ હોય ને તો અમે બધા તો છીએ જ તારી સાથે… આવ અંદર જઈએ. સંજયને હોશ આવી ગયો હશે.

‘પપ્પા, આજે હું તમારી વહુ છું એવું નહિ પરંતુ દીકરી હોઉંને એવું લાગે છે, મારે તો ૨ પિયર છે.’, બોલીને ઈશાની ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ‘અરે! તારા જેવી છોકરીને પુત્રવધુ તરીકે પામીને તો અમે બધા જ ધન્ય થઇ ગયા છે. આજના જમાનામાં સુંદર,સુશીલ અને સંસ્કારી દીકરીના માં-બાપ હોવું એ પણ એક ગર્વ લેવાવાળી વાત છે. આજે કપરી પરિસ્થિતિમાં ૬ મહિનાના લગ્ન જીવન પછી જ આવી ઘટનાનો સામનો કરવો અઘરું તો છે.

સમજણ દરેક પાસે હોય છે ઈશાની પરંતુ સાચા સમયે સાચી સમજણ કામ લાગે ને ત્યારે કહેવાય. તું તો સરવગુણ સંપન્ન છે. બસ ખાલી રડીને તારા કિંમતી આંસુને વહેવડાવીશ નહિ. તારા આંસુ તને કમજોર બનાવશે એટલે હિમ્મત રાખીને વાસ્તવિકતા સામે પડકાર ઝીલ પછી જો બધી જ તકલીફ નાની લાગશે. પેલું કહેવાય છે ને કે, ‘આપણું ધારેલું ના થાય પણ, પ્રભુનું સુધારેલું થાય.’ ઈશાની અને વિનયભાઈ બંને ચાલ્યા સંજયની ખુલતી આંખોને જોવા….. સમી સાંજ મટીને અંધકારનું ઓઢણું ઓઢી રાત આવી ગઈ હતી. વિનયભાઈ અને ઈશાની સંજયના રૂમ તરફ આવ્યા અને બધાની નજર પડી એટલે સ્વસ્થ થવાનો ડોળ કરી રૂમની બહારના પરિસરમાં આવીને બેઠા અને સંજયના હોશમાં અવની રાહ જોવા લાગ્યા.

 • પેલું કહેવાય છે ને કે,
 • હું ક્યાં રાખું છું આશ ‘ચાંદ’ ની,
 • કાંઈક પામવા કાંઈક ખોવું પડે એ તો સમજાય છે,
 • શાંતિની શોધમાં આંસુની ધાર પણ અહીંયા જ રેલાય છે,
 • ખુલ્લા માનના હાસ્ય સામે કેટલાય ઘા ઝીરવાય છે,
 • તોય હસું છું.

ઈશાનીની હાલત આ પંક્તિમાં મુકેલા શબ્દો જેવી જ છે. ગમે તે પરિસ્થિથી આવે એને તો હસવું જ પડશે ને. દરેક પરિસ્થિથીમાં સમજદારી અને સમજણથી કામ લેવું પડશે. હિંમતનો હાથો હાથવગો જ રાખવો પડશે. નસીબના નામના રોતડા રોવા બેસે એટલો સમય પણ ક્યાં આપ્યો છે કુદરતે!

image source

ઈશાની મૂંઝ્વયેલા મન સાથે બેઠી છે અને ડૉક્ટર્સની અવર-જવર જોયા કરે છે. બહાર કાચમાંથી સંજયને સૂતેલો જોયા કરે છે. ડોક્ટર્સની ટીમ કામે લાગેલી છે અને એના હોશમાં આવાની રાહ જોઈ રહી છે ત્યાં જ સંજયના શરીરમાં થોડી હલન-ચલન મહેસૂસ થાય છે અને ડૉક્ટર્સ બધા પોતાના કામે લાગે છે. ઈશાની આ બધું જ કાચમાંથી જોઈ રહી છે પરંતુ અંદર જવાની મનાઈ હોવાથી મનને રોકી રહી છે. ‘પપ્પા, સંજયને હોશ આવ્યો લાગે છે. ડૉક્ટર્સ બધા કામે લાગી ગયા છે.’, ઈશાની એ થોડા મોટા અવાજે પપ્પાને સંબોધીને કહ્યું અને બધાના ચહેરા પર આશાની એક કિરણ ફરી વળી.

‘મિસિસ પટેલ, સંજયને હોશ આવી ગયો છે. અશક્તિ અને ગંભીર ઓપરેશનના કારણે એમને હાલ કોઈ સ્ટ્રેસ ના આપશો. ખાલી તમે એકલા એમને મળી શકો છો. એમના હાથ-પગની મુવમેન્ટ્સ થોડી ધીમી થઇ ગઈ છે. તમે એમની સામે બધું નોર્મલ છે એમ બિહેવ કરો એ વધારે સારું રહેશે.’, હિમ્મત આપી ડૉક્ટર્સ ઈશાનીને લઈને રૂમમાં જાય છે. બે દિવસ પછી સંજયને આંખ સામે જોઈ એના સ્પર્શ કરીને ઈશાની પોતાની જાતને માંડ રોકી શકે છે અને આંખોમાં વહેતા અશ્રુની ધારા રોકવા છતાં ક્યાં રોકાય છે! માંડ પોતાની જાતને સાંભળીને સંજય સામે બેઠી. ડૉક્ટર્સના ના કેહવા મુજબ બધું જ નોર્મલ વાત કરીને પતાવ્યું. વધારે બોલવાની ના પાડી હોવાથી સંજય એમ જ આંખ બંધ કરીને ફરી સુઈ ગયો. હજી એને ઈન્જેકશનની અસર અને દવાઓનો ડોઝ હતો એટલે એને ખાસ કઈ ખબર પડતી નહતી.

સંજયના સૂઈ ગયા બાદ ઈશાની બહાર આવી અને થોડી રિલેક્સ થઇ પછી બધાએ સંજયના ખબર અંતર પૂછ્યા અને છુટા પડ્યા. બધાના જીવને શાંતિ એ વાતની હતી કે સંજયનો જીવ બચી ગયો છે અને એ હોશમાં આવી ગયો છે સાથે એના મગજ પર પણ કોઈ અસર થઇ નથી પરંતુ એના શારીરિક હલન-ચલનની ખબર તો સવારે જ પડશે એટલે બધા દૂરના સગાઓ સંજયના પરિવારને અને ઈશાનીને મળીને ઘર તરફ પ્રયાણ કરવા લાગ્યા. હોસ્પિટલ ધીમે ધીમે ખાલી થવા લાગી પંરતુ સન્નાટો એમ જ હતો. આખી રાત સંજયનો પરિવાર સવારના સૂરજની વાટ જોતો રહ્યો.

સૂરજનું પહેલું કિરણ ઉગ્યું, હોસ્પિટલમાં એ જ ચહલ-પહલ થઇ અને સંજયને પણ ખરેખર હવે હોશ આવ્યો હોય એવું લાગ્યું. બધા જ ઘરવાળા રૂમમાં ઉભા છે. ડૉક્ટર જેમણે એનું ઓપેરશન કર્યું છે એ ડૉક્ટર આવે છે અને ચેક અપ કરે છે. ‘કેમ છો મિસ્ટર પટેલ? હવે કેવું લાગે છે તમને?’, ડૉક્ટર સાહેબે ખુશમિજાજ થઈને સંજયને પૂછ્યું.

‘સારું છે. બસ થોડું છાતીમાં દુઃખે છે અને આ પગમાં કાંઈક થઇ રહ્યું છે. ‘બધું ઠીક થઇ જશે. તમે બસ હવે હસવામાં કંજુસાઈ ના કરશો. સ્માઈલ કરો સાહેબ. તમે નસીબદાર છો કે તમને નવો જન્મ મળ્યો છે અને તમે બહુ સારી કન્ડિશનમાં છો બાકી તમને તો ખબર જ છે કે તમને શુ થયું હતું!’ ‘હા, થોડું ખબર છે. અમે રિસોર્ટમાં હતા અને મને છાતીમાં બહુ જ દુખાવો પડ્યો અને અમે અહીંયા આવ્યા બસ પછી ખાસ કઈ યાદ નથી. પણ મને આ પગમાં કાંઈક થાય છે સાહેબ.’

‘સી, મિસ્ટર પટેલ, એમાં ગભરાવા જેવું કાંઈ નથી. તમને જ ઓપેરશન કર્યું છે ને એ થોડું મેજર હતું અને એમાં તમને બી.પી હાઈ થઇ ગયું હતું અને ચાલુ ઓપરેશને અમે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો પંરતુ હાઈ બી.પી હોવાથી એની થોડીક અસર થઇ છે અને એટલે જ જરાક તમારું શરીર જકડાઈ ગયું છે. ચિંતા જેવો વિષય નથી. ખાલી થોડી એક્સરસાઈઝ અને થોડી કેરની જરૂર છે એટલે તમે પહેલા જેવા ફિટ એન ફાઈન થઇ જશો.’ આટલું સમજાવી ડૉક્ટર થોડી વાતો કરી અને હિંમત આપીને ત્યાં થી રજા લઈને નીકળ્યા. સંજયે ઈશાની સાથે થોડી વાતો કરી. પછી દવા અને જમવાનું પતાવીને સંજયને ઉભા થવા માટે કહેવામાં આવ્યું. માંડ સહારા સાથે એ ઉભો થયો અને ચાલવાનો પ્રયત્ન કર્યો પંરતુ સહારા વગર તો એનાથી આગળ ના ચલાયું.

સંજય અને ઈશાની બંને જ રૂમમાં હતા અને સાથે નર્સને રહેવા કહ્યું હતું. પરંતુ જેમ-જેમ એને ચાલવાનો પ્રયત્ન કર્યો એની હિંમત એમ જ તૂટતી ગઈ. ચાલવામાં ખુબ તકલીફ પડવા લાગી એટલે નર્સ વિલચેર લઈને આવી અને સંજયને એમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો. સંજય ફસડાઇને બેસી ગયો અને એનું આક્રંદ આખી હોસ્પિટલની દીવાલને ગુંજાવવા લાગ્યું. થોડી વાર સુધી ઇશાનીએ સંજયને રડવા દીધો. એના માનનાં બધા જ ઉભરા બહાર આવવા દીધા પછી શાંત થઇને નિરાશ બેઠેલા સંજયની પાછળ ઉભા રહીને વાત શરુ કરી.

 • ‘કહું છું સાંભળો છો??????
 • જિંદગીના મેઘધનુષ્યમાં બદલાતા રંગો કાંઈક સમજાવે છે,
 • રંગોથી રંગાયેલ પીંછી કાંઈક ચીતરાવે છે,
 • સમયની સીધી-અવળી ચાલ કાંઈક રમાડે છે,
 • સૂતા-જાગતા કાંઈક શીખવાડે છે,
 • કહું છું સાંભળો છો?
 • બંધ આંખોમાં છુપાયેલા સપના કાંઈક બતાવે છે,
 • આંખ્યુંની અણિયારીમાંથી બહાર નીકળવા મથતા આંસુની બુંદ કાંઈક કહે છે,
 • કહું છું સાંભળો છો?

સંજય આજે હું નહિ આ સમય તમને કાંઈક કેહવા માંગે છે તમે સાંભળો છો ? હું તમારી અર્ધાંગિની છું એટલે તમારી દરેક પરિસ્થિતિમાં મારો અડધો ભાગ બને છે દોસ્ત. તમારા બધા જ સુખ-દુઃખ અને સારા-નરસા દિવસોમાં હું પણ એમાં અડધી ભાગીદાર છું એટલે અત્યરે નિરાશાના વાદળોમાં તમે ફરો છો ને તો એ નિરાશા મને પણ વળગી લે છે. તમારી તકલીફ હું નહિ સમજુ તો કોણ સમજશે????? શબ્દોથી તમને ભરમાવવા નથી માંગતી. હું તો હકીકતથી તમને વાકેફ કરાવવા માંગુ છું અને એ જ હકીકતથી હું મારી જાતને પણ વાકેફ કરાવીશ પરંતુ જીવનના દરેક ડગલામાં મને તમારો સાથ જોઈશે. હા, સમજી શકું છું કે કેટલો કપરો સમય છે તમારા પોતાની જાતને સાંભળવા માટેનો પરંતુ નિરાશ થઈને નીચે બેસી જવાથી આ સમય બદલાવવાનો તો નથી જ. નિરાશાની નાની હોડીમાં એટલી તાકાત ક્યાં છે કે આખો દરિયો પાર કરી શકે? આ તો આશાનું એક હલેસું કાફી હોય છે આખા સમુંદરને સાધવા માટે.

image source

શું કહેશો મિસ્ટર પટેલ??? સમયનું ખાલી એક જ ઝોકું કાફી હતું. ઈશાની અને સંજયના જીવનની નૈયાને હાલક-ડોલક કરતી મૂકી દેવા માટે.. હોસ્પિટલમાં સંજય ઈશાની વાતો કરે છે, સંજય હજી એ વાતને સ્વીકારી શકતો નથી અને મનમાં ખૂબ મૂંઝવ્યા છે. ઈશાની હિંમત સાથે સંજયનો સાથ આપવા તૈયાર છે. ઈશાની જ એનો સૌથી મોટો મજબૂત સ્થંભ છે જેના સાથથી સંજય માનસિક રીતે મજબૂત બની શકશે. નર્સ રૂટિન ચૅક અપ માટે આવે છે અને થોડી એક્સરસાઇઝ કરાવે છે, સમય વીતે છે, એક અઠવાડિયું વીતી જાય છે.

આજે સંજયને ઘરે જવાની પરવાનગી આપવા મોટા સાહેબ જેમણે એનું ઓપેરશન કર્યું હતું એ આવવાના હતા અને એ જે કહેશે એ પ્રમાણે આગળ ટ્રીટમેન્ટ ચાલશે. ‘હેલો મિ. પટેલ. હાઉ યુ ફીલિંગ નાઉ??’, ડૉ. સાહેબ એ આવીને ખૂબ જ ખુશનુમા અવાજમાં પૂછ્યું. ‘યેસ ડૉ…. ફીલિંગ બેટર. નીડ ટુ ગો હોમ નાઉ.’ ‘યેસ. યુ કેન..બટ, લેટ મી ચેક ફર્સ્ટ.’ ડૉ. ચૅક અપ કરે છે અને બધાનું ધ્યાન બસ એમાં જ છે કે ડૉ. શું કહેશે અને આગળ શું કરવાનું છે.

સંજય આમ તો ઘણો સ્વસ્થ દેખાતો હતો. એક અઠવાડિયામાં ઈશાનીએ સંજયને માનસિક અને શારીરિક બંને રીતે ઘણો જ મજબૂત કરી દીધો હતો. મી. પટેલ, ઘરે જવા તૈયાર છો ને?? આમ તો બધું જ સરસ છે. તમારી રિકવરી પણ ઘણી જલ્દી થઇ છે. થોડી એક્સરસાઇઝ અને થોડું હેલ્ધી ડાયેટ કરજો એટલે જલ્દી ફીટ થઇ જશો અને દર ૨ મહિને એકવાર રૂટિન ચેકઅપમાં આવતા રહેજો.

બધું જ સરખું થવા લાગ્યું, ધીમે-ધીમે મોટી ભરતી સાથે આવેલું દુઃખ, શાંત પાણીની જેમ શાંત થવા લાગ્યું. હોસ્પિટલનું બધું પતાવી વિનયભાઈ અને ઈશાની સંજયને લઈને કારમાં બેઠા. સંજય પહેલા કરતા સારી રીતે ચાલી શકતો હતો. સહારો લેવો પડે પરંતુ પોતાનું બેલેન્સ જાળવી લેતો. ધીમે-ધીમે કરીને પોતાની જાતને સાંભળવા લાગ્યો હતો. વિનયભાઈ પરિવાર સાથે એમના બંગલે પહોંચ્યા, ઈશાની ઘરમાંથી પૂજાની થાળી લઇ આવી અને સંજયની નજર ઉતારી એને ઘરમાં લાવ્યા સાથે એની નવી જિંદગીમાં સુખ શાંતિ રહે એવી પ્રાર્થના કરી અને ઘરમાં મંદિર પાસે જઈને માથું ટેક્યું સાથે કુળદેવીનો દીવો કરી લાપસી કરી.

સમય પસાર થતા ક્યાં વાર લાગે છે સાહેબ! સમયનો કાંટો ફરતો રહ્યો, ઈશાની-સંજયની જિંદગી એમ જ ચાલતી રહી. સંજય ઘરે રહીને જ ઓફિસનું કામ કરે, મહિને એક વાર ખાલી ઈશાની સાથે ઓફિસ અને ફેક્ટરી એ આંટો મારી આવે, સામે ઈશાનીની જવાબદારી વધતી ગઈ. ઈશાનીએ એનું આગળનું ભણવાનું મુલતવી રાખ્યું. સમય જતા ઘરમાં પારણું તો બંધાયું પરંતુ દીકરી ખુશીનું ધ્યાન પણ ઈશાનીને જ રાખવું પડે, ઘર-ઓફિસ, વિનયભાઈ અને સંજયની દેખરેખ અને ખુશીની બધી જ જવાબદારી ઈશાની પર આવી ગઈ, પૈસે-ટકે સુખી એટલે મદદ માટે કામવાળા રાખેલા, પરંતુ એક જવાબદારી થઇ ગઈ કે બધું જ ઈશાનીને એકલા હાથે કરવું પડતું. સંજય બને એટલી મદદ કરે પરંતુ એ પણ શારીરિક રીતે હારી ગયેલો હતો એટલે ઘણી વાર તો ખૂબ દુઃખી થઇ જતો અને પોતાની જ જાતને કોસતો પરંતુ એવું કરવાથી તકલીફ ઓછી થોડી થવાની હતી!!

ખુશી પણ ઘણી મોટી થઇ ગઈ, વિનયભાઈ પણ હવે આધેડ થઇ ગયા હતા છતાં પોતાનું સંભાળી લેતા, ઈશાની પર બહુ વધારે બોજ ના બનતા, ઈશાની અને ખુશી મળીને બધું જ સાંભળી રહ્યા હતા. હવે જરાક મનને ટાઢક વળી હોય એવું લાગતું. ઈશાની ઓફિસ અને ફેક્ટરી બંનેનું કામ સાંભળી લેતી આમ તો સંજય પૂરો સાથ આપતો પરંતુ શારીરિક રીતે થોડો બીજા પર નિર્ભર એટલે એટલી ઝડપે બધું જ કરી ના શકતો. એનું મગજ તો બિઝનેસમાં એટલું જ તેજ ચાલતું અને આજે એ જ ફેક્ટરીની સાથે એને બીજી ૩ ફેક્ટરી ચાલુ કરી દીધી આજે બિઝનેસ વર્લ્ડમાં પણ એમનું નામ તો છે જ. સાથે ઈશાની પણ કામમાં ગળાડૂબ રહે છે.

ખુશી આજે ૧૦માં ધોરણમાં ભણે છે અને ખૂબ હોશિયાર છે. બધી જ જવાબદારીથી ઉપરવટ થઈને બંને પતિ-પત્ની એકબીજાના હમસફર થઈને રહ્યા છે અને જિંદગીની ખૂબ મોટી પરીક્ષામાંથી હિંમતભેર બહાર આવ્યા છે.

આજે ફરી એ જ દિવસ. એમની ૧૮મી એનીવર્સરી અને એ જ રિસોર્ટમાં બેસીને પતિ-પત્ની સોનેરી શમણાં સેવી રહ્યા છે. આખી જિંદગીને રિવાઇન્ડ કરીને વાંચી રહ્યા છે. જિંદગીએ આપણાં બધા જ ઘાવ પર એકબીજાને મલમ લગાડીને એ ઘાવમાં પણ જીવતા શીખવ્યું છે એવા છે આ ગોલ્ડન ગ્રેટ દંપતીના જીવનનું સોનેરી શમણું ગણી શકાય. ૧૮ વર્ષ પહેલા જે ઘડીને પ્રેમથી અને આનંદથી માણી ના શક્ય એ જ ઘડીનો ઇન્તઝાર એટલા વર્ષે પૂરો થયો. ‘આજે બધું જ સેમ છે બસ સમયનો થોડો ફરક છે ઈશાની.’, સંજયે ઇશાનીના ખભે હાથ રાખીને બહુ પ્રેમથી કહ્યું. ‘હા, દોસ્ત, સેમ તો છે જ અને સમય પણ એ જ છે, આજે તું અને હું પણ એ જ છે અને આપણા પ્રેમની પરિભાષા પણ એટલા વર્ષોમાં બદલાઈ નથી. બધું જ સેમ છે.’, ઇશાનીએ પણ ખુબ દિલથી પ્રતિઉત્તર આપ્યો.

બસ આ જ સોનેરી સાંજના શમણાં મેં ૧૮ વર્ષ પહેલા સેવ્યાં હતા ઈશુ. બહુ આભારી છું એ પ્રેભુનો અને મારા સારા કર્મોનો જેના લીધે તારા જેવી લક્ષ્મીનો સાથ પામી હું આખો સાગર તારી ગયો..ઈશાની-સંજયનો સાથ તો અનંત સુધી રહ્યો અને દીકરી પણ એ જ રીતે સંસ્કારોનું પોટલું લઇ સુખેથી સારા ઘરમાં જઈને બંને ઘરને દીપાવી રહી છે, વિનયભાઈ હજી ૯૦ વર્ષે પણ દીકરા-વહુ સાથે સુખેથી રહે છે.

‘શમણું મેં સેવ્યું સોનાનું,સાથ મળ્યો તારો એટલે તારી ગઈ નાવ.’બસ,આવા જ અનેક સોનેરી શમણાં સાથે….સંજય-ઇશાનીના સાથે સાથે…

આપ સહુના પ્રેમ-અભિપ્રાય સાથે.

લેખક-બિનલ પટેલ

https://www.instagram.com/patel_author/?igshid=61jd8tx3sx98

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ