શમણું એક સોનેરી સાંજનું… – લગ્નના છ મહિના પછી તરત આવું થશે એવું કોઈ વિચારી પણ ના શકે…

“હની,આર યુ ઓકે???”, ઈશાની એ સંજયની પાસે આવી હાથને ધીમેથી સ્પર્શ કરતા આમ અચાનક જ સવાલ કર્યો.

“જીવનની આ રોજીંગી ઘટમાળ, સૂરજનું ઊગવું ને ચાંદનીનું ચમકવું, જીવનની ધીમી ચાલતી ગતિ ને સપનાઓની સુપરફાસ્ટ સાયકલ સાથે ચાલતા સંજયને હવે થોડો થાક લાગવા લાગ્યો હતો. સંજય પટેલ એટલે એસ.જી હાઈ-વે પર સર્વ સુખસઘવડ વાળા વિલામાં રહેતો એક ૨૬ વર્ષનો યુવાન, રંગે ઘઉંવર્ણો , કદકાઠીમાં માચો મેન કહી શકાય, આંખોમાં નવા શિખર સાર કરવાના સપના સાથે આંખોમાં કાંઈક ખૂટતું હોય એ પામી લેવાની ઝંખના. આ સંજય પટેલ એટલે એક યંગ બિઝનેસ ટાયકૂન્સ જેણે હોશિયારી, ઈમાનદારી, ભણતર, સાચી સમજ અને સિદ્ધાંતો બધું જ સાથે રાખીને જિંદગીની ડગર પર જુસ્સભેર ચાલતો એક જુવાનજોધ યુવાન. ઘણી જ નાની ઉંમરમાં ઘણું બધું મેળવી લેનાર વિનયભાઈ પટેલનો એકનો એક લાડકવાયો દીકરો સંજય પટેલ આજે કાંઈક વિચારોમાં હોય એવું લાગ્યું.

image source

આજે સંજય અને ઈશાની ઘણા સમયે વીકએન્ડમાં એક રિસોર્ટમાં આવ્યા હતા. આમ તો બંનેના લગ્નને ૬ મહિના જ થયા હતા પરંતુ સંજય ઈશાનીને માટે ઘણો ખરો સમય કાઢી શકતો નથી એવું નથી કે સંજય સમય કાઢતો જ નથી પરંતુ કામનો બોજો અને જવાબદારીના લીધે પોતે ઇચ્છવા છતાં બંને જણા સાથે સમય પસાર કરી શકતા નહિ એટલે આજે ૬ મંથ એનિવર્સરી પર સંજયે નાની એવી ટ્રીપ પ્લાન કરી હતી એ પણ એક રિસોર્ટમાં, જેથી કરીને બંને સાથે સમય પસાર કરી શકે અને સુખ-દુઃખની વાત કરી શકે એકબીજાને મન ભરીને પ્રેમ કરી શકે, મનની વાતોને બહાર આવવા માટે મોકળાશ મળી રહે.

“યેસ ઈશુ, આઈ એમ ગુડ.”, સંજયે ઇશાનીનો હાથ પકડીને નજીક લાવતા કહ્યું. સુમધુરી સાંજ, સંજયનો સાથ, હથેળીમાં હાથ, શાંતિની એ પળ ઈશાની માટે તો જાણે જન્નત સમાન હતી. આથમતા સૂરજની આસમાની ઓઢણી, કુદરતી રંગોથી જ રચાયેલું મેઘધનુષ, દરિયા કિનારેથી વાતો એ ખુશનુમા વાયરો, સોનેરી સાંજને હલકા હાથે રાતમાં તબદીલ કરતી એ ચાંદની ચાંદની, રાતને ધીમે-ધીમે ઓગાળતી એ માસુમ મીણબત્તીની જ્યોત એમાં પ્રેમની કમી એક જોરદાર સોંગે પુરી કરી,

“જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મુશ્કિલ પડ જાયે, તુમ દેના સાથ મેરા, હો હમનવાબ…”

અહાહાહા…સોન્ગ પર એક કપલ ડાન્સ થઇ રહ્યો અને સમય જાણે બસ અહીંયા જ થંભી જાય એવો વિચાર સંજય અને ઈશાની બંનેના મનને રમાડી રહ્યો. રંગીન રાતને વધારે રંગીન બનવતા એ સુગંધિત અને બેનમૂન ફૂલોથી પથરાયેલ આખો રૂમ, વાતાવરણમાં એક અજીબ તાજગી હતી અને બંને એકબીજાના સાથની મઝા લેતા હતા ત્યાં જ બીજું સોન્ગ્સ વાગ્યું,

“મન ક્યુ બહેકા રે બહેકા આધિ રાતકો, બેલા મહેક રે મહેક આધિ રાતકો, કિસને બંસી બજાઇ આધિ રાતકો, જિસને પલકે ચુરાઈ આધિ રાતકો……”

image source

અને બસ રાત આમ જ મીણબત્તીની જેમ ધીમે-ધીમે ઓગળતી રહી અને સમયને પાછળ છોડતી રહી. અને આ ઘડીની રાહ જ જોઈ રહ્યા હોય એમ, હંસલાની જોડ એવા પ્રેમીપંખીડા પ્રેમમાં ગળાડૂબ. રાત પણ કાતિલ બનતી ગઈ ને ઘાયલ તો એમાં સમય પણ થયો હતો. સોનેરી સવાર, કુદરતની નજીક, ગુલાબી ઠંડી ને દરિયાના મોજાની મઝા, અહાહાહાહા.. વાતાવરણ તો જાણે જન્નત,જન્નત…

સંજય વહેલા ઉઠી ગયો હતો એટલે ઈશાની માટે બેડ-ટી અને સાથે એનો ફેવરિટ બ્રેકફાસ્ટ ચીઝ ઓમેલેટ બનાવી એકદમ શાનદાર અને રોમેન્ટિક અંદાજમાં તૈયાર કરીને રૂમમાં દરવાજા પાસે આવે છે, ઈશાની હજી સૂતી જ છે એ જોઈને વધારે રોમેન્ટિક થઇ જાય છે અને બસ એ ઘડી એને બસ દૂરથી જોયા જ કરે છે પછી ટ્રોલી સાઈડમાં રાખી ઈશાનીને કાંઈક અલગ અંદાઝમાં જગાડવા અને આજના દિવસને વધારે સ્પેશ્યલ બનવા માટે એક સરસ સોન્ગ પ્લે કરે છે,

ઈશાની આળસ મરડીને ઉભી થઇ અને આજે એના ચહેરા પર એક અલગ જ તાજગી હતી અને સંજય પણ આજે કાંઈક અલગ જ અંદાજમાં હતો જે અંદાજ ઇશાનીએ પહેલા કયારેય જોયો જ નહતો. માચોમેન સંજયના ચહેરાની એ કયારેય ના જોયેલી સ્માઈલ, આંખોથી વરસતો ફક્ત ઈશાની માટેનો અનહદ પ્રેમ જોઈને તો ઈશાની આજે અંદરથી જ રાજીરાજી થઇ ગઈ. રોજ લેટ ઉઠતો સંજય આજે વહેલો ઉઠી ગયો, બેડ-ટી બનાવતી ઈશાની માટે આજે કોઈએ સ્પેશ્યલ બેડ-ટી બનાવી સાથે એનો ફેવરિટ બ્રેકફાસ્ટ ચીઝ ઓમેલેટ વિથ બેક પિઝા.. ઈશાનીના મનમાંથી અંદર જ વાહહહહહ ….. નીકળી ગયું.

image source

“ગુડ મોર્નિંગ માય ઈશુ એન્ડ હેપી સિક્સ મંથ એનિવર્સરી મિસિસ ઈશાની સંજય પટેલ. “, સંજયે રોમેન્ટિક અંદાજમાં વિષ કર્યું. ઇશાનીએ એક મસ્ત મોર્નિંગ હગ સાથે રીટર્ન વિષ કર્યું,”સેમ ટૂ યુ મિસ્ટર બિઝી પટેલ.” સંજય હંમેશા કામમાં ગળાડૂબ રહેતો એટલે ઈશાની સંજયને બિઝી પટેલ કહીને જ બોલાવતી અને બંને ને ગમતું પણ ખરું. શું વાત છે ને પટેલ સાહેબ! આજે તો તમે બહુ જ મહેરબાન છો ને કાંઈ!!!!!!! સંજય પણ કાંઈ આજે ચૂપ રહે એમનો હતો નહિ. “યેહ તો બસ શુરુઆત હૈ મેરી જાન, પિક્ચર તો અભી બાકી હૈ મિસિસ પટેલ.” એને પણ હિન્દી માં ડાયલોગ બોલી ઈશાનીને વધારે ખુશ કરી દીધી.

બંને સાથે બેસીને બ્રેકફાસ્ટ કર્યો અને બસ થોડી વાતો કરીને બંને આગળના આજના પ્લાનની તૈયારી કરી રહ્યા. ઘણી વાર વાતો કર્યા પછી ઇશાનીએ સંજયને તૈયાર થવા માટે ઓર્ડર આપી દીધો અને એક પ્રિન્સની જેમ રાજકુમારીનો ઓર્ડર આજે સરઆંખો પર રાખીને સંજય તૈયાર થવા ગયો. ઈશાની હજી ત્યાં જ બેઠી હતી અને પોતાના જ નસીબ પર જાણે આજે હરખાઈ રહી હોય એમ એકલી જ મનમાં મુસ્કુરાઈ રહી હતી અને એકલા બેઠા બેઠા એને પોતાની ડાયરીમાં કાંઈક ટપકાવ્યું.

“સવાર બની સુંગધી ને સાંજના હજી શમણાં સેવું, જીવન બને સુમધુર આપણું બસ એવા જ રોજ હું શમણાં જોવું.”

સંજય પાછળ ઉભો રહી બધું જ વાંચી રહ્યો હતો અને ધીમેથી આવીને પાછળથી જ ધીમા અવાજે બોલ્યો, “જીવન આપણું સુમધુર જ છે અને રહેશે એવી સોના જેવી ખાતરી આપે છે તમારા પતિપરમેશ્વર.” ઈશાની ડાયરી બંધ કરીને પાછળ જોઈને શરમાઈ ગઈ પછી થોડો ખોટો ગુસ્સો કરીને બોલી, “આમ કોઈની પર્સનલ ડાયરી વાંચવી, કોઈની ઇઝાજત વગર એ એક ક્રાઇમ છે મિસ્ટર પતિદેવ.” પ્રેમથી મોઢું મચકોડીને તૈયાર થવા જતી રહી.

સંજય બહાર ઉભો રહીને મનમાં જ હસી રહ્યો અને આગળના પ્લાન માટે શું તૈયારી તૈયારીઓ કરવાની છે એ વિચારી રહ્યો…. ‘શું વિચારે છે સંજય??’, ઈશાનીએ બહાર આવતા પૂછ્યું. કઈ નહિ બસ એમ જ બેઠો છું, તું આટલી જલ્દી તૈયાર થઇ ગઈ આજે? શું વાત છે ને! બસ હવે, વાત બદલવાની કોશિશમાં તું હંમેશા પકડાઈ જાય છે. બોલ હવે શું વિચારે છે કહે તો મને. “ઈશાની, તું ખુશ તો છે ને મારી જોડે લગ્ન કરીને??”, સંજયે આમ અચાનક જ એક સવાલ ઈશાનીને પૂછી લીધો.

image source

આજે આપણા લગ્નને ૬ મહિના પુરા થયા છે. અને હું સવારે એ જ વિચાર કરી રહ્યો હતો કે આ ૬ મહિના ક્યાં વીતી ગયા ખબર જ ના પડી. ફેક્ટરીના કામમાં, નાની ઉંમરમાં ઘણું બધું મેળવી લેવાની લાલસામાં, પપ્પાને ગૌરવ થાય એવું કાંઈક કરી છૂટવામાં, જીવનની આ રેસમાં હું ભાગતો જ આવ્યો છું અને એમાં આપણા લગ્ન, તારું મારા જીવનમાં આવવું, એક નવી જિંદગીની શરૂઆત, નવા સપનાઓને પુરા કરવાની ઈચ્છા, આપણા ભવિષ્યના સપનાઓ અને એની ચિંતાઓમાં તને સમય ના ફાળવી શકીને હું કાંઈક ખોટું કરતો હોવું એવું મને લાગે છે ઈશુ. (ઇશાનીનો હાથ પોતાના હાથમાં લઈને) ઈશુ, તે આજ સુધી ક્યારેય એ વાતનો અણગમો વર્તવ્યો નથી પરંતુ હું પણ તારી આંખોમાં સપના જોઉં છું, તારા શબ્દોને નહિ પરંતુ તારા અંતરની ના કહેલી એ દરેક વાત તારી આંખોમાં દેખાય છે જે હું કદાચ રોજ વાંચતો હતો પરંતુ એ સપનાઓ,દર્દ અને એકલતાની તારી લાગણીઓ આ હરણફાળ સફરમાં ક્યાયક દબાઈ ગઈ એનું ધ્યાન જ ના રહ્યું મને.

‘પણ સંજય,,,,’ ઈશાની કાંઈક બોલવા જાય છે ત્યાં જ ઈશાનીને વચ્ચે જ અટકાવી ફરી સંજયે પોતાની વાત ચાલુ કરી. ઈશુ આજે હું બોલીશ અને તું બસ સાંભળીશ…..(રૂમથી બહાર નીકળી બસ એમાં જ દરિયા કિનારે ભીની રેતીમાં ચાલતા ચાલતા સંજયે કહ્યું.) ‘ઈશાની અહીંયા બેસીએ.’, ઈશાનીને પ્રેમથી પોતાની બાજુમાં બેસવા કહ્યું.

ઈશાની તને ખબર છે આપણે પહેલી વાર મળ્યા, થોડી વાતચીતને થોડા સવાલ જવાબમાં બસ આમ જ આપણે બંને એ એકબીજાને બસ હા પડી દીધી હોય એવું મને એ સમયે લાગ્યું હતું. છ મહિનામાં સગાઇ અને પછી લગ્ન. એટલે આપણને એકબીજાને સમજવા માટે ઘણો ખરો સમય તો મળ્યો જ નહિ ને? પરંતુ મને તારી સાથે ફાવી જ જશે એવો હકારાત્મક વિચાર હંમેશા આવતો. હું જયારે-જયારે તારી આંખોમાં જોતો ને ત્યારે મને તારું મનમાં રહેલું બધું જ વંચાઈ જતું,તારું મન પાણીની જેમ પારદર્શિત એટલે મને એ વાંચવાની મઝા આવતી.

image source

આપણા અરેન્જ મેરેજ થયા એટલે થોડો સંકોચ દૂર કરવામાં સમય લાગતો એટલે આપણે એકબીજાને બધું જલ્દીથી કહી નહતો શકતા. સમય વીતતો ગયો અને આપણે એકબીજાને સમજવા લાગ્યા બધું જ આપણી વચ્ચે સારું જ ચાલતું હતું પરંતુ મને કાંઈક કમી લાગી હતી, કાંઈક ખૂટી રહ્યું હતું આપણા વચ્ચે, કાંઈક એવી વસ્તુ જે કદાચ હું શોધી નહતો શકતો કે શું ખૂટી રહ્યું છે પરંતુ એ વાત મેં અનુભવી છે તારા વર્તનમાં, તારી આંખોમાં અને તારા ચહેરા પર. તે કોઈ દિવસ એ વાતનો અણગમો નથી વર્તાવ્યો કે, હું સમય નથી આપતો.

૪ દિવસ પહેલા હું એ જ વિચારી રહ્યો હતો કે મારા જીવનમાં શું ખૂટ્યા કરે છે? આપણા બંને પાસે પૈસા,નોકર-ચાકર, સ્ટેટસ, પરિવાર બધું જ છે. આપણું લગ્ન જીવન પણ સુખી છે, બંને એકબીજાને પસંદ કરીએ છે, સાથે રહેવાનું ફાવે છે બધું બરાબર ચાલે છે તો ખૂટે છે શું?? ત્યારે મને વિચાર આવ્યો કે ખૂટે છે તો એક તારા ચહેરા પરની એ સ્માઈલ, એક નેચરલ સ્માઈલ જે કદાચ તું ક્યાંયક તારા પિયરમાં, તારા એ રૂમમાં, તારા એ સંતાયેલા સપનાઓમાં મૂકી આવી છે.

‘સંજય એવું કશું જ નથી. હું બહુ જ ખુશ છું તારી સાથે અને અહીંયા રિસોર્ટમાં આવ્યા પછી તે જ ૨૪ કલાકમાં મારા માટે કર્યું છું અને જે પ્રેમ આપ્યો છે એ પછી તો કાંઈક વધારે જ ખુશ છું.’, ઇશાનીએ આંખ મારતાં સંજયને કહ્યું. વાત એમ નથી ઈશાની, મને ખબર છે તું ખુશ છે મારી સાથે કારણ કે તું ખુશ રહે છે જાતે જ, હું તને સમય નથી આપતો એ વાત મને જેટલી ખૂંચે છે એટલી જ તને પણ ખૂંચે છે પરંતુ તું એક સમજદાર પત્નીની જેમ બધું સમજીને જાતે જ ખુશ થઇ જાય છે.

સંજય, તમારું બહુ સાંભળી લીધું છે મેં હવે કાંઈ નહિ, આપણે રૂમમાં જઈએ છે અને તૈયાર થઈને લંચ માટેનો આગળનો પ્લાન કરીએ છે. આજના આટલા સ્પેશ્યલ દિવસે આમ પંકજ ઉદાસ બનીને નથી રહેવાનું આપણે, જીવન છે બધું ચાલ્યા જ કરે. એમ કહીને સંજયને હાથ પકડીને રૂમમાં ખેંચી જતા પ્રેમાળ યુગલની છબી સર્જાય છે.

“ચાલ હવે જલ્દી તૈયર થઇ જઈએ ઈશાની, આપણે આગળના આખો દિવસ શું કરીશુ એના વિષે પણ પ્લાન કરવાનો છે ને?”, સંજયે ઈશાનીને પ્રેમથી વ્હાલ કરતા કહ્યું.

ઓહહહહ….. વાઉં, ગોર્જીયસ, અડોરેબલ માય પ્રિન્સેસ!!! અમેરિકન રેડ કલરનું વનપીસ, કોહિનૂર ડાયમંડના ઈયરરિંગ્સનો તો કમલ જ કાંઈક છે! બગલા જેવી તારું સુડોળ ડોકમાં આ મેં ફર્સ્ટ ગિફ્ટમાં આપેલું એ નેકલેસ, હાથમાં મમ્મીએ આપેલું ચોપર્ડ બ્રાન્ડનું બ્રેસલેટ, લાઈનર-કજાળ, લિપસ્ટિક અને આહહહહહહા….તારા આ વાળ……. આજે તો તું કયામત લાગે છે ને કાંઈ મારી જીવનસંગીની, આજે આ સોન્ગ ના ગાવું ને હું તો અપમાન લાગે આ કુદરતી સુંદરતાને,

“યેં રેશમી ઝુલ્ફે, યેં શરબતી આંખે, ઇન્હેં દેખકર જી રહે હૈ સભી,,” “અરે! પટેલ સાહેબ આજ-કાલ કાંઈક અલગ જ અંદાજમાં રહે છે ને કાંઈ! કુછ તો હુઆ હૈ, કુછ હો ગયા હૈ!!!!”, ઇશાનીએ પણ એ જ અંદાજમાં જવાબ વાળ્યો.

સંજય તને ખબર છે આજે મેં જે કાંઈ પણ પહેર્યું છે એ બધા સાથે મારી કોઈક ને કોઈક યાદ સંકળાયેલી છે અને એ જ યાદોને હું આજે જીભરીને માનવ માંગુ છું. દુનિયા માટે મેં પહેરેલી દરેક વસ્તુઓ ખાલી એક “વસ્તુ” હશે પરંતુ મારા માટે તો એ એક “મીઠી યાદ” સમાન છે જેને હું ક્યારેય મારાથી અલગ નથી કરી શકવાની.

“સંજય, તમારું એવું રૂપ મેં પહેલી વાર જોયું છે, ક્યારેક તો ડર લાગે છે કે આ શમણું તો નથી ને? ૨ દિવસમાં તો તમે ૬ મહિનાની બધી જ ફરિયાદોના જવાબ કેટલા પ્રેમથી આપી દીધા અને મને કાંઈ કહેવાનો મોકો જ ના મળ્યો.”, સંજય સામે કાંઈક અલગ જ પ્રશ્નાર્થ સાથે જોઈને ઈશાની એ કહ્યું. “હવે આજે પણ તું તારા પપ્પાની જેમ વકીલ બનીને શક કરીશ મારા પર? તારા સવાલો પરથી તો લાગે છે કે આપનો કેસ તો પપ્પાની કોર્ટમાં લઇ જઇશ.”, સંજયે આંખ મારતાં ઈશાનીના સવાલનો જવાબ આપ્યો.

ઈશાનીના પપ્પા વ્યવસાયે શહેરના બહુ નામાંકિત વકીલ હતા અને એ જ વકીલની એકની એક દીકરી એટલે ઈશાની. ઈશાની પોતે પર્યાવરણ સંબંધી ફિલ્ડમાં માસ્ટર કરી ચુકી હતી અને આગળ રિસર્ચ કરવાનું વિચારી રહી હતી ત્યાં જ એના લગ્ન સંજય સાથે થયા અને થોડા સમયમાં તો ઈશાની પોતાના આગળના કરીઅર માટે વિચારવાનું થોડું સાઈડમાં મૂકીને ઘર-સંસારની પળોજળમાં ભરાઈ ગઈ અને આજે એ લગ્નને ૬ મહિના થઇ ગયા હતા.

image source

“હવે ટોન્ટ મારવાનું પતી ગયું હોય તો સાહેબ આપ પણ તૈયાર થઇ જાઓ એટલે આપણે આગળ શું કરવાનું છે વિચારીએ.”, ઇશાનીએ ખોટો ગુસ્સો જતાવતા સંજયને તૈયાર થવા રૂમમાં મોકલ્યો. સંજય તૈયાર થવા ગયો ત્યાં તો ઇશાનીએ સંજય માટે કરેલા સરપ્રાઇસની તૈયારીઓ કરવા માંડી અને ખુશીથી પોતાની જ જાતને સાંભળી ના શકી. સંજય તૈયાર થઈને આવે એ પહેલા એને ઘણા કામ કરવાના હતા એટલે એને ફોન અને લેપટોપ લઈને બધું નક્કી કરેલું ફરી ચેક કરવા માંડ્યું અને ફરી એના ચહેરા પર એક અજીબ જ મુસ્કાન છવાઈ રહી.

સંજય અને ઈશાનીની એનિવર્સરીની એ સાંજ બંનેના જીવનમાં કાંઈ રીતે શમણાંઓ લઈને આવી અને કાંઈ રીતે એ દિવસ યાદગાર બની રહ્યો એ જોવા માટે આગળના પ્રકરણમાં આપણે સાથે બેસીને આ પ્રેમનું પારાયણ એવી નવલકથામાં દુપકી લગાવવી પડશે.

********************

સંજય અને ઈશાની સાથેની એ પ્રેમની રોમાંચિત નવલકથામાં આપણે જોયું કે સંજય-ઈશાની દરિયા કિનારેથી રૂમ તરફ આવીને એનિવર્સરીની સાંજને ઉત્સાહથી ઉજવવા માટે કાંઈક પ્લાન કરી રહ્યા હતા અને સંજય જેવો તૈયાર થવા ગયો કે ઈશાની આગળના પ્લાનની ગણતરી કરવા લાગે છે. હવે આગળ. ઇશાનીએ પ્લાન કર્યા મુજબ આજે રેસોર્ટનું ડિનર એરિયા બંને માટે બૂક હતું, ઈશાની એકવાર બધું જાતે જઈને જોવા ઇચ્છતી હતી એમ પણ સંજય તૈયાર થવામાં વાર લાગડશે જ એ એને ખબર જ હતી.

“સંજુ, હું હમણાં આવી નીચે મેનેજરનો કોલ હતો એમને કાંઈક કામ છે તો નીચે બોલાવે છે. તું તૈયાર થઈને રહે એટલે આપણે આગળ વિચારીએ કે શું કરવું છે.”, ઇશાનીએ બહારથી જ સાદ આપ્યો. “હા, ઠીક છે.”, સંજયે સામો પ્રતિઉત્તર આપ્યો.

ઈશાની આમ નીચે ગઈ એટલે સંજય જલ્દી બહાર આવી રૂમમાં દરવાજા બંધ કરીને એને ઈશાની માટે પ્લાન કરેલ સરપ્રાઈઝ માટે ફોને લઈને બેસી ગયો અને બધું ફરી એકવાર ચેક કરી લીધું અને કન્ફ્રર્મ કરી લીધું પછી જલ્દીથી તૈયાર થઈને અરીસા સામે ઉભો રહીને પોતાના વાળમાં જૅલ લગાડીને સરખા કરતો હતો ત્યાંથી બૂટ પહેરવા ચેર પર બેઠો અને રેડી થઈને જેવો ફોન હાથમાં લીધો ને વોલપેપર પર ઇશાનીનો ફોટો જોઈને વિચારોમાં સારી ગયો.

ઈશાની જ્યારથી લગ્ન કરીને ઘરમાં આવી ત્યારથી ૬ મહિના સુધીના બધા જ વિચાર એને એકસાથે આવી ગયા, લગ્ન પતાવીને ઘરે આવ્યા ત્યારે પણ થાકના લીધે બધા જલ્દી સુઈ ગયા અને પછી બીજો દિવસ ઉગ્યો ત્યારથી ઈશાની સાથેના વાર્તાલાપને એ વાગોળી રહ્યો. ઘરે પપ્પાનું ધ્યાન રાખવાનું, કામમાં ખાસ કઈ કરવાનું રહેતું નથી છતાં નોકરો પાસે કામ કરવાનું, ઘરને વ્યવસ્થિત રાખવાનું, મહેમાનોની અગ્તા-સ્વાગત કરવાની, બધા માટે જમવાનું બનાવવામાં મહારાજને મદદ કરવાની, બધાની પસંદગીની રસોઈનું ધ્યાન રાખવાનું, દરેકની રોજિંદી જરૂરિયાતોને સમજવાની અને પછી એ રીતે પોતાની જાતને એમાં ઢાળવાની, પપ્પા રિટાયર એટલે બહુ ખાસ ફેક્ટરીની ઓફિસમાં આવે નહિ, ખાસ કામ હોય તો આંટો મારો બાકીનો વખત પૂજા-પાઠ, મંદિર અને એમની ઉંમરના લોકો સાથે ગાર્ડનમાં વિતાવે એટલે પપ્પાની દરેક જરૂરિયાતોનું ધ્યાન ઈશાની રાખે, મમ્મીના ગયા પછી ઘરમાં સ્ત્રી પાત્રની કમી ઈશાનીના આવ્યા પછી જ પૂરી થઇ.

image source

આખા ઘરને એને ખૂબ જ જલ્દીથી સાંભળી લીધું હતું સાથે અમારા ઘરમાં પોતાની જાતને પણ અમારી જ શૈલીમાં ખૂબ જલ્દીથી ઢાળી દીધી હતી. કોઈ પણ બાબતે ક્યારેય ઇશાનીએ કોઈ વાંધો ઉઠ્યો નથી. ક્યારેક એને કશુક ના ગમતું પણ થયું હશે તો એને ક્યારેય એ બાબતે ફરિયાદ કરી નથી કે કોઈ વાતનો અણગમો દર્શાવ્યો નથી. તકલીફ તો એને પણ પડી જ હશે ને ? નવા ઘરમાં બધું જાતે કરવાનું,પોતાની જાતને થોડી પણ બદલવી તો પડી જ હશે ને? આખું મકાન જાણે ઈશાનીના આવ્યા પછી એક ઘર બની ગયું હતું. પહેલા તો હું ને પપ્પા આખો દિવસ કામે હોઈએ, આવીને જમીને, થોડું બેસીએ ને પછી સુઈ જઈએ. કોઈ વ્યક્તિ આટલું સરળ કઈ રીતે હોઈ શકે? એના વ્યક્તિત્વમાં એક અલગ જ ચમક છે એક અલગ જ ભોળપણ છે, મનમાં કાંઈ કપટ નહિ, લેવા-લઇ જવાની લાલચ નહિ, નિઃસ્વાર્થ ભાવ એના ચહેરાને વધારે સુંદર બનાવે છે.

સામે મેં ૬ મહિનામાં એની સાથે શું કર્યું?? એને આ સમયમાં મારી સૌથી વધારે જરૂર હતી એ જ સમયે હું એને સમય ના આપી શક્યો. એના મનમાં રહેલા દરેક ડરને, સવાલોને, મૂંઝવણોને શોધીને એમાંથી એને બહાર કાઢવામાં મારે એની મદદ કરવાની હતી ત્યારે હું પોતે મારા ઓફિસના કામમાં વધારે ને વધારે વ્યસ્ત રહેવા લાગ્યો. હું ઈશાનીની સામે રહેતો હતો છતાં હું એની સાથે ના રાહી શક્યો. એણે ક્યારેય એ વાત પર અણગમો દર્શાવ્યો નથી પરંતુ એક દિવસ હું એના મનની વાત વાંચવામાં સફળ રહ્યો. એ દિવસ હતો જયારે હું ઑફિસથી જલ્દી આવી ગયો અને ઈશાની ગાર્ડનમાં કોફીનો મગ લઈને બેઠી હતી અને વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ મેં એની એકલતાને ભાંખી લીધી અને જાણે કે એ ખુલ્લી કિતાબ જ હોય એમ હું બધું જ વાંચી શકતો હતો, એના માનનાં દરેક ભાવ મેં એની આંખોમાં અને ચહેરા પર વાંચી લીધા.

મને જોઈને એણે પોતાની એકલતાના અરીસામાં ડૂબેલા વિચારોના પોટલાને એટલી ઝડપથી બાલી દીધો અને એ જ બનાવતી ચહેરો ને હસતું મોઢું પછી મારી સાથે વાતો કરી અને કામમાં લાગી ગઈ. એ જ દિવસથી મારા વર્તનમાં સુધાર લાવવાનું મેં ચાલુ કર્યું અને અઠવાડિયા પછી અમારી એનિવર્સરી આવતી હતી એટલે બસ એણે ૬ મહિના જ નથી આપી શક્યો એ બધું જ મેં એણે જીવનભર આપવાનો નિર્ણય કર્યો અને એની શરૂઆત મેં એ દિવસથી જ કરી દીધી હતી.

અચાનક વિચારોમાંથી બહાર આવીને એકલા જ પોતાની જાતને થોડું વધારે માન આપીને સંજય રૂમની બહાર નીકળી ગયો ઈશાનીને કોલ કરવા લાગ્યો. આ તરફ ઈશાની હોટેલના મેનેજર સાથે ચર્ચાઓ કરીને ડિનરનું મેનુ નક્કી કરીને સજાવટ જોવા માટે ડિનર હૉલમાં દાખલ થઇ અને સજાવટ જોતા જ ખુશીથી એની આંખો અને ચહેરો બને ખુશ થઇ ગયા, અને એમ જ વિચારોમાં ખોવાઈ ગઈ,

ક્રમશ:

લેખક-બિનલ પટેલ

https://www.instagram.com/patel_author/?igshid=61jd8tx3sx98

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ