વર્કિંગ વુમન માટેનો ડાયેટ પ્લાન – વજન ઉતારેલું રાખવું અને કામ કરવું એ એક અઘરૂ કામ છે…

શું તમારી ડ્રીમ જોબમાં તમારું બેડોળ શરીર આડખીલી રૂપ છે ? તમે એવું માનો છો કે વધુ પડતુ જાડાપણુ તમને તમારી નોકરીમાં તકલીફ આપે છે ? તો આ જાડાપણુ દૂર કરવા શું કરશો ? તમે ઓફિસમાં કામ કરતાં હોવ કે, બહાર ફીલ્ડ પર અથવા સ્કુલમાં કે પછી હોસ્પિટલમાં – વજન ઉતારેલું રાખવું અને કામ કરવું એ એક અઘરૂ કામ છે.ઓફિસમાં કામ કરતાં કરતાં વાતે વાતે ચોકલેટ ખવાઈ જાય. કામસર બહાર લંચ કરવા જવું પડે. નજીકમાં પડેલા બીસ્કીટ ચા સાથે લેવાઈ જાય કે પછી નજીકમાં જ આવેલા વેન્ડીંગ મશીનમાંથી કાઢી લેવામાં આવતા ઠંડાપીણા વજનમાં સતત વધારો કર્યા જ કરે છે આ ઉપરાંત વધુ પડતાં કામ અને રોજે રોજ આવતી ચેલેન્જથી મનનો થાક ઉતારવાનો સમય મળતો જ નથી અને થાકેલું મન ઘરે જઈ પણ ખોરાક શોધીને જ આનંદ મેળવે છે.
ચાલો ઓફિસ દરમિયાન વજન ઉતારવા માટે આટલું કરીએ:-

ગ્રીન ટી પીવોઃ- ચાલુ ઓફિસે વારંવાર ચા કોફી પીવો છો ? ચામાં આવતાં મલાઈવાળા દૂધ અને ખાંડ તમારું વજન વધારી શકે છે માટે જ ગ્રીન ટી પીવાનું શરૂ કરો વળી, રીસર્ચ જણાવે છે કે ગ્રીન ટી પીવાથી તમારું મેટાબોલીઝમ વધે છે અને તમે દિવસની 78 કેલરી વધુ બાળી શકો છો. વળી ગ્રીન ટીના પેકેટ ઓફિસમાં જ રાખીને બનાવવાથી બીજી આડીઅવળી વસ્તુઓ જેમ કે બીસ્કીટ, કે નાસ્તા પણ ઓછા લેવાય છે.ઘરમાં મલાઈ વગરના દૂધનો ઉપયોગ કરોઃ- રીસન્ટ રીસર્ચ જણાવે છે કે ડાયટમાં કેલ્શિયમવાળો ખોરાક ઉમેરવાથી વજન ઉતરેલું રહે છે અને શરીર ફેટનો સંગ્રહ ઓછો કરે છે. માટે દૂધનો ઉપયોગ છૂટથી કરી શકાય છે પરંતુ આ દૂધ મલાઈ વગરનું હોવું જરૂરી છે.સવારના ભોજનમાં પ્રોટીન અવશ્ય લોઃ- તમારા સવારના ભોજનમાં દાળ, કઠોળ વિગેરેનો ઉપયોગ કરવાનું ન ભૂલો. ટીફીનમાં બાફેલી દાળ અથવા કઠોળ અને સલાડનો ઉપયોગ કરો જેનાથી લાંબો સમય પેટ ભરેલુ રહે છે અને આખો દિવસ બીસ્કીટ, ચવાણા વિગેરે ખાવાનું મન થતું નથી.ધીમેથી જમોઃ- ઓફિસમાં જમતી વખતે થોડો સમય પોતાના માટે ફાળવી અને ધીમે ધીમે જમો. તમારા મગજને ખોરાક પહોંચ્યાનો સંદેશો મળતાં 20 મીનીટ થાય છે. માટે ધીરે ખાવાથી તમે ખોરાકનો આનંદ પણ માણી શકશો અને જરૂર હશે તેટલું જ ખવાશે વધુ પડતું ખવાશે નહીં.ખોરાકની નોંધ રાખોઃ- તમારી જાત સાથે વફાદાર રહીને તમે જે ખાવ છો તેની દરરોજ નોંધ કરો. આમ કરવાથી તમે પોતે જ જાણી શકશો કે દિવસ દરમિયાન તમે કેવું અને કેટલું ખાવ છો.ઠંડા પીણાથી દૂર રહોઃ- વધુ પડતાં ફળોના રસ અને ઠંડાપીણા લેવાની આદતથી દૂર રહો આ વસ્તુઓમાં વધુ પડતી કેલેરી રહેલી છે અને તેમાં ન્યુટ્રીશન એટલું મળતું નથી. માટે દિવસ દરમિના પાણી, છાશ, નારીયેળપાણી અથવા ગ્રીન ટીનો ઉપયોગ કરો.
દિવસની શરૂઆત બ્રેકફાસ્ટથી કરોઃ- અવારનવાર દરેક સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે જો દિવસની શરૂઆત નાસ્તાથી કરવામાં આવે તો દિવસ દરમિયાન ખોટી ભૂખ લાગતી નથી અને જરૂર વગરની વસ્તુઓ ખાવાનું મન પણ થતું નથી. ઘણીવાર એમ લાગે છે કે જો સવારનો નાશ્તો ના કરીએ તો દિવસ દરમિયાન નાસ્તાની બચાવેલી કેલેરી કરતાં વધુ કેલેરી લેવાઈ જાય છે.
ડાયટ ફુડ ચકાસીને લોઃ- ફક્ત વસ્તુઓની ઉપર ડાયટ ફુડનું લેબલ મારવાથી તે ડાયટફુડ બનતું નથી. ઘણીવખત તેને સ્વાદિષ્ટ બનાવવા વધુ પડતું મીઠું અને ખાંડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વળી મોણ પણ વધુ નાખવામાં આવે છે. વળી ડાયટફુડ ખાવાના વિચારથી જ વ્યક્તિ વધુને વધુ ખાધા કરે છે. માટે ઘણીવાર ડાયટફુડ ખાવાથી ફાયદો થવાને બદલે વધુ નુકસાન થાય છે.દર અઠવાડિયે વજન તપાસોઃ- અઠવાડિયામાં એક દિવસ નક્કી કરો અને દરેક વખતે તમારું વજન ચકાસો. જેથી થોડું પણ વજન વધ્યું હોય તો ખોરાક પર અંકુશ મુકીને વજન ઉતારી શકાય.
લીઝા શાહ (ડાયેટીશ્યન)