તમારા શરીરના સ્વાસ્થ્ય અને નિરોગી રહેવા કયો લોટ બેસ્ટ ? ક્યારેટ નહિ વિચાર્યું ને ! વાંચો, ચોંકી જશો

રોજબરોજના વપરાશમાં કયો લોટ સારો ?

રોજબરોજના વપરાશમાં જુદા જુદાં લોટની રોટલી શરીર માટે ફાયદાકારક છે. ઘઉમાં ગ્લુટનનું પ્રમાણ વધુ હોય છે. ગ્લુટનની એલર્જીવાળા લોકો માટે ઘઉ સિવાય જવ, રાગી, બાજરીની રોટલીનું સેવન થઈ શકે છે. વધુ પડતાં ઝીણાં દળેલા લોટ જેમ કે મેંદો, ચણાનો લોટ કરતા ઘઉંનો જાડો લોટ, અથવા ઘઉના ફાડા વધારે હિતકારી છે.

દરેક લોટમાં તેના પોષકત્ત્વો જુદા જુદા હોય છે પરંતુ કેલેરી લગભગ દરેક અનાજની સરખી જ હોયછે. માટે જ દરરોજ જુદા જુદા લોટની ભાખરી, થેપલા વિગેરે ખોરાકમાં લેવા જોઈએ. અથવા કાયમ માટે મિક્સ લોટની રોટલી, ભાખરી ખાઈ શકાય છે પરંતુ રોજ જુદા જુદા લોટ વાપરવાથી સ્વાદ બદલાતા લાંબો સમય ખાઈ શકાય છે.

ચાલો હવે વિવિધ અનાજના લોટ વિષે જાણીએ

ઘઉં : રોજબરોજના ખોરાકમાં ઘઉંનો લોટ વધુ વાપરવાનો આપણે ત્યાં રિવાજ છે. ઘઉં સહેલાઈથી મળતાં હોય છે. અને તેની રોટલી પણ સ્વાદિષ્ટ બને છે. ઘઉંમાંથી જ બનાવવામાં આવતો મેંદો શરીર માટે ખુબ જ નુકશાનકારક છે માટે તે બને ત્યાં સુધી વાપરવો નહીં. આપણ ત્યાં હવે બ્રેડ, પાંઉ, પીઝાના બેઝ વિગેરે ઘઉના લોટમાંથી બનેલા મળવા લાગ્યા છે.

શક્ય હોય ત્યાં સુધી પીઝા, પાસ્તા, બ્રેડ વિગેરે મેંદાની જગ્યાએ ઘઉંમાંથી બનેલા હોય તેવા જ વાપરવા જોઈયે. ખાસ કરીને હાઇ કોલેસ્ટેરોલના દર્દીઓએ ઝીણા દળેલા લોટથી દૂર રહેવું જોઈએ.

બાજરીઃઅન્ય લોટ કરતાં બાજરીના લોટમાં ફાયબર્સ ઘણા ઓછા હોય છે. આપણે ત્યાં શિયાળામાં બાજરીનો લોટ ખાવાનો રિવાજ છે. બાજરીમાં ફાયબર્સ ઓછા હોવાને કારણે તેનાથી કબજીયાત વધુ થાય છે. તેવા સમયે બાજરી સાથે ભાજીનું શાક લેવાથી કબજીયાત ઓછો થાય છે. માટે જ આપણે ત્યાં પણ લગભગ બાજરીના રોટલા સાથે ભાજીનું શાક ખાવાનો રિવાજ છે. વધુ પડતી બાજરી ખાવાથી મસાના દર્દીઓને તકલીફ થઈ શકે છે.

રાગીઃરાગીનો લોટ સગર્ભા સ્ત્રીઓ, નાના બાળકો માટે ખુબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં કેલ્શિયમનું પ્રમાણ સારા પ્રમાણમાં છે રાગીનો લોટ સાંધાના દુઃખાવાના દર્દી માટે સારો છે. તેમાંથી ખીચુ, રોટલી વિગેરે બનાવી શકાય છે.

મકાઈઃતાજી મકાઈમાં આવતા પોષકતત્ત્વો મકાઈ લોટમાં ઓછા થઈ જાય છે. ખાસ તો તેમાંથી મોઇશ્ચર (પાણીનું પ્રમાણ) ઓછુ થઈ જાય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ વધુ હોય છે અને ફાયબર્સ ઓછા છે માટે કાયમ માટે મકાઈનો લોટ ખાવાથી વજન વધી શકે છે. મકાઈમાં એનર્જી સારી મળે છે માટે આખો દિવસ મજૂરી-કામ કરતાં લોકો માટે મકાઈનો લોટ સારો છે.

જુવારઃજુવારમાં ફાયબર્સ વધુ પ્રમાણમાં છે માટે તે ડાયાબીટીસ, હાઇ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખુબ ઉપયોગી છે. ઉપરાંત જુવારમાં ફાયબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. તેની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રીટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.

બેસનઃતેમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ બંને વધુ હોય છે. માટે તેનો વપરાશ વધુ પડતો કરવો હિતાવહ નથી. ગુજરાતી વાનગીઓમાં જેમાં વધુ બેસન વપરાય છે તેમાં તેલનો ઉપયોગ પણ વધુ થાય છે. જેમ કે બેસનનું શાક, ગટ્ટાનું શાક વિગેરે. તેમાં રેગ્યુલર શાકભાજી કરતા વધુ કેલેરી હોવાથી શાકની જગ્યાએ વપરાશ યોગ્ય હોતો નથી. કઢી વિગેરેમાં થોડા પ્રમાણમાં બેસન વપરાતું હોવાથી વાંધો આવતો નથી.

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન),

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ