હોળીકા દહનનું મહત્વ શ્રદ્ધાથી અહમને ઓગાળવાની રીત, જાણો આ પૂજાનું સચોટ વિધિવિધાન…

આપણે બાળપણથી ભક્ત પ્રહલાદની ભક્તિમાં રહેલી શક્તિ અને અને તેમના પિતા રાજા હિરણ્ય કશ્યપની કૂટનીતિ, અહમી રાજનીતિ અને દંડ આપવાની ક્રુર રીત વિશેની દંતકથા સાંભળી છે. મારો દીકરો અને મારી પ્રજા મારા સિવાય કોઈ અન્યની ભક્તિ કરે ગુણગાન ગાય એ રાજા હિરણ્ય કશ્યપને અસહ્ય હતું. દીકરાને તેઓ અનેક સજા કરતા પણ ભક્તિના પ્રતાપે તેઓ બચી જતા અને રાજા વધુ ચીડાતા. અંતે, તેમણે એક યુક્તિ કરી. પોતાની બહેન અને પ્રહલાદના ફોઈનું નામ હતું હોળીકા. તેની પાસે એક એવા ખાસ પ્રકારની શાલ હતી, કે જો તેને કોઈ ઓઢી લે તે આગમાં પણ બળી જઈ શકે નહીં. એક દિવસ હિરણ્ય કશ્યપે ભક્ત પ્રહલાદને હોળીકાના ખોળામાં બેસાડાવા આદેશ આપી દીધો. ચારેકોર અગ્ની પ્રજ્જ્વલિત થતાં પ્રહલાદે ભગવાન વિષ્ણુને પોતાની રક્ષા કરવા પ્રાર્થના કરી. અગ્નીની જ્વાળ જેમકેમ વધી તેમ અચાનક હોળીકા તેમાં ભસ્મીભૂત થઈ ગઈ પરંતુ પ્રહલાદને કંઈ ન થયું. હિંદુ પૌરાણીક માન્યતાને આધીન ભારતીય સંસ્કૃતિમાં ભક્તિના વિજયને ઉજવવા પર્વને હોળી તરીકે મનાવાય છે.આજે પણ સદીઓથી ભારતભરમાં વિવિધ રીતે હોળીકા દહનની વિધિ થાય છે. જુદી જુદી રીતે અને વિવિધ વિધિવિધાનથી થાય છે. ગુજરાતમાં ઠેરઠેર મંદિરોના ચોગાનમાં કે પછી શેરીઓની વચ્ચેની પોળમાં સૌ પોતાની શક્તિ અને ભક્તિ મુજબ હળીમળીને આ તહેવારને ઉત્સાહથી ઉજવે છે.
શું મહત્વ છે? અહીં સૌથી વધુ મહત્વ રહે છે ગાયના ગોબરમાંથી બનાવેલ છાંણાંનું. જેમાં ગોળાઈમાં ઉપર તરફ ગોઠવાયેલ હોળીની ફરતે સૌ પરિક્રમા કરે છે. સામાન્ય રીતે નવું વરઘોડિયું એટલે નવપરણિત આ પૂજામાં બેસે છે. તેઓ સુખ – સંમૃદ્ધીની કામના કરે છે અને ઇચ્છે છે કે પ્રહલાદ જેવો નિષ્ઠાવાન પુત્રની પ્રાપ્તિ થાય. તથા પરિવારમાં ધન – ઐશ્વર્યની વૃદ્ધિ થાય.શું સામગ્રીઓ જોઈશેઃ છાણાંના ખડકલામાં નાખવા માટે દરેકે પોતાના ઘરેથી પણ ચાર છાણાં લઈ જવા જોઈએ. જેમાં એક પિતૃના નામથી, એક હનુમાનજીના નામે, એક શીતળા માતાના નામથી અને છેલ્લું પરિવારના સૌ સભ્યોના નામથી છાણાં પૂજાની થાળીમાં રાખવા જોઈએ. પૂજન માટે અબીલ – ગુલાલ, કંકુ અને અક્ષત અચૂક હોવા જોઈએ. નાનો દીવાનું કોદિયું, વાટ – ઘી અને માચીસ – અગરબત્તી રાખવી. તાજું ધાન તરીકે ઘરમાં આવેલ નવા ઘઉં લેવા, નાની ધાણી અને ખજૂર રાખવું જોઈએ. અને પ્રસાદરૂપે પતાશાં અને હારડા રાખવા જોઈએ. સાથે વધેરવા માટે નારિયેળ અને શુદ્ધ જળ ભરેલો તાંબાનો કળશીયો પણ પૂજાની થાળી સાથે રાખવો જોઈએ. ઓછામાં ઓછી ૩ અને વધુમાં ૭ પ્રદક્ષિણાં હાથમાંજળનો લોટો લઈને અર્ગ્ય આપીને ફરવી.શુભ મુહૂર્ત અને ચોઘડિયું ક્યારે છે? આ વર્ષે ૨૦મી માર્ચે હોળીકા દહનનો તહેવાર આવે છે. હંમેશાં સામાન્ય રીતે સાંજ પછીના મુહૂર્તમાં આ વિધિ કરાય છે. હોળીકા દહનનો મૂહૂર્ત 2019 20:58:38 વાગ્યાથી 24:23:45- વાગ્યે એટલે કે રાતે ૯ વાગ્યાથી રાતના પોણાં બાર વાગ્યા સુધીનું ચોઘડિયું છે.હોળીકા દહનની પૂજાની ફળશ્રુતિઃ
યોગ્ય વિધિથી અને શુભ ચોઘડિયાંમાં કરાયેલ આ હોળીકા દહનની પવિત્ર જ્વાળની પ્રદક્ષિણા કરવાથી અનેક લાભ થાય છે. કહેવાય છે આની પ્રદક્ષિણા કરે તે આખું વર્ષ નિરોગી રહે છે. ફાગણ ચૈત્રની બે ધારી ઋતુમાં ઠંડી જતી હોય અને ગરમી આવતી હોય ત્યારે તાવ, શરદી અને શીતળા માતા જેવા ચેપી રોગમાં રાહત મળે છે. વળી, અગ્નીમાં શેકાયેલ ધાનની પ્રસાદી ખૂબ સુપાચ્ય અને આરોગ્યપ્રદ હોય છે. પૂજા કરીને જળ ચડાવીને પ્રદક્ષિણા કર્યા બાદ ઘરે જવા પહેલાં પૂજાની થાળીમાં હોળીકા દહનની રાખ સાથે લઈ જવી અને ઘરના દરેકે તેનું તિલક કરવું જોઈએ. જો ધન – વૈભવની પરિવારમાં ખોટ હશે તો પૂરા પરિવારે આ રીતે પૂજા કરવાથી અચૂક શુભ ફળ મળશે.