પાલક સેવ – બાળકોને રોજ અલગ અલગ નાસ્તામાં શું આપવું? અત્યારે જ શીખી લો આ ટેસ્ટી પાલકની સેવ બનાવતા…

તીખી સેવ લગભગ બધા ના ઘરે બનતી જ હોય છે. આજે હું ખૂબ જ સ્વાદિષ્ટ પાલક સેવ ની રેસિપી લઈ ને આવી છું. બાળકો ને ટીફીન માં આપવા માટે પણ બેસ્ટ છે. કંઈક અલગ અને સ્વાદિષ્ટ.. સેવ નો ગ્રીન કલર જોઈ ને જ ખાવાનું મન થઈ જાય એવો હોય છે.

પાલક સેવ માટે ની સામગ્રી:-

750 ગ્રામ ચણાનો લોટ (બેસન)

1 મોટી ઝૂડી પાલક

5-7 લીલા તીખા હોય તેવા મરચાં

1 ચમચી ખાંડ

1/2 ચમચી મરી નો ભુકો

2 ચમચી તેલ

મીઠું સ્વાદાનુસાર

ચપટી સોડા અને હિંગ

તળવા માટે તેલ

સંચળ ઉપર થી ઉમેરવા ( સ્પ્રિંક્લ કરવા) માટે..

રીત:-

સૌ પ્રથમ પાલક ને સાફ કરી ને ધોઈ લો. હવે એક કડાઈ માં તેલ મૂકી ખાવાનો સોડા ઉમેરો ત્યારબાદ સાફ કરેલી પાલક અને લીલા મરચા ઉમેરી ને તેજ આંચ પર 1 મિનિટ માટે સાંતળો . ગેસ બંધ કરી ઠંડુ થાય એટલે મિક્સર માં ક્રશ કરી ને પેસ્ટ બનાવી લો.(પાલક ને સાંતળવા માં જે પાણી છૂટું પડ્યું હોય એ પણ ક્રશ કરવામાં ઉમેરી દો) એક મોટા બાઉલ માં ચણાનો લોટ લો. તેમાં મીઠું , મરી નો ભુકો, હિંગ અને ખાંડ ઉમેરી ને પાલક ની પેસ્ટ ઉમેરો. હવે બધું મિક્સ કરી ને જરૂર પડે તો સાદું પાણી ઉમેરી ને એકદમ સોફ્ટ કણક તૈયાર કરો. સેવ ના સંચા માં અંદર તેલ લગાવી ગ્રીસ કરો . સેવ કે ગાંઠિયા જે બનાવું હોય તેની જાળી મુકો અને ઉપર બનાવેલી કણક ને તેલવાળા હાથ કરી ને નાનો રોલ બનાવી ને સંચા માં ભરી દો. એક કડાઈ માં તળવા માટે તેલ ગરમ કરો. એકદમ ગરમ થાય પછી તેમાં સેવ પાડો. અને ગેસ મધ્યમ આંચ પર કરી દો. બંને બાજુ થાય એટલે બહાર નીકાળી લો. સહેજ ઠંડી થાય એટલે ઉપર થી સંચળ ભભરાવો. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક સેવ તૈયાર છે. આ સેવ ને ઠંડી થાય એટલે એક એર ટાઈટ ડબ્બા માં ભરી દો. 15-20 દિવસ સુધી પાલક સેવ ને સ્ટોર કરી ઉપયોગ માં લઇ શકાય છે.

નોંધ:-

પાલક સાંતળી ને કરવાથી સ્વાદ વધુ સારો આવે છે.

ચપટી ખાવાનો સોડા ઉમેરવાથી સેવ નો કલર એકદમ ગ્રીન રહે છે.

તમે ઇચ્છો તો વધુ લીલા મરચાં ઉમેરી શકો.

સેવ તળતી વખતે બહુ ધીમી કે તેજ આંચ ના રાખો.

પાલક ને એકદમ પેસ્ટ જેવી ક્રશ કરો જેથી સેવ પાડવામાં તેના રેસા વચ્ચે ના આવે…

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)